ભાગઃ 3 | યહાં બદલા વફા કા, બેવફાઈ કે સિવા ક્યા હૈભાગઃ 3 |

નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)
સ્થળઃ કરાંચી, પાકિસ્તાન
સમયઃ 21 ડિસેમ્બર, 2000
ઉંમરઃ 74 વર્ષ

શૌકત હુસૈન રિઝવી સાથેના લગ્ન પછી અમારી જોડી સફળ હતી. એમના
દિગ્દર્શનમાં બનેલી ફિલ્મોએ મને લોકપ્રિયતા આપી અને રિઝવીને સફળતા! આ એ સમય હતો
જ્યારે મુંબઈની ફિલ્મ નગરીમાં પૃથ્વીરાજ કપૂરની ફિલ્મો રાજ નર્તકી, સિકંદર, એક રાત, ઈશારા,
મહારથી કર્ણ સફળ થઈ રહી હતી. અશોકકુમાર, મોતીલાલ, બલરાજ સહાની જેવા અભિનેતાઓ
અને શોભના સમર્થ, સાધના બોઝ, નલિની જયવંત, મુમતાઝ શાંતિની બોલબાલા હતી. 1943માં
અભિનેત્રી જદ્દનબાઈની દીકરી નરગીસની ‘તકદીર’ રજૂ થઈ. એક જમાનામાં સિનેમામાં કામ કરવું
એ બહુ સારી વાત ગણાતી નહીં, પરંતુ દેવિકા રાણી અને હિમાંશુ રૉયની બોમ્બે ટોકિઝે આ વિચારોને
તોડીને એક નવી પરંપરા કાયમ કરી હતી. હિમાંશુ રૉયની પત્ની દેવિકા રાણી એની કંપની બોમ્બે
ટોકિઝની મુખ્ય અભિનેત્રી હતી… એટલે, 1935 પછી નવી નવી છોકરીઓ સિનેમા તરફ આગળ
વધી રહી હતી. આવા સમયમાં હરિફાઈ વધી. નવા છોકરાઓ નવા વિચારો સાથે દિગ્દર્શક બનવા
માટે મુંબઈ આવી રહ્યા હતા. એક તરફ સામાજિક વાર્તાઓ અને પ્રેમકથાઓ હતી તો બીજી તરફ,
ફિયરલેસ નાદિયા અને જોન કાવસની ફાઈટ ફિલ્મોનો જમાનો હતો. હરિફાઈ વધી રહી હતી,
શૌકતને ફિલ્મો મળવાની તકલીફ પડવા લાગી.

શૌકતને પૈસાની બહુ ઘેલછા હતી. હું પ્રમાણમાં નાની હતી, મને બહુ સમજાતું નહોતું,
પરંતુ શૌકત જેમ કહેતા એમ હું કરતી. અમે વી.એમ. વ્યાસની ફિલ્મ શૂટ કરી રહ્યા હતા. એ વખતે
શૌકતના કહેવાથી છેલ્લા ત્રણ દિવસનું શૂટિંગ અમે રખડાવી દીધું. વી.એમ. વ્યાસ પાસેથી નક્કી
કરેલી રકમ કરતાં વધારે પૈસા પડાવવાનો શૌકતનો પ્લાન હતો. ફિલ્મ લંબાઈ ગઈ. ખર્ચ વધી ગયો
અને નક્કી કરેલા મહેનતાણા કરતાં ઘણા વધુ પૈસા શૌકતે વી.એમ. વ્યાસ પાસે પડાવ્યા.

એ વખતે તો વી.એમ. વ્યાસે પથ્થર નીચે હાથ છે એમ માનીને અમે જેમ કીધું એમ
કર્યું, પરંતુ બીજા જ અઠવાડિયે એમણે મુંબઈના મશહુર વકીલ છેલશંકર પાસે અમારી ઉપર કેસ
કરાવ્યો. અમે શૂટિંગની પ્રોપર્ટી ઉઠાવી ગયા છીએ એવો આરોપ અમારી ઉપર મૂકીને બ્રિટીશ
સરકારની પોલીસના 11 માણસ અમારે ત્યાં ધસી આવ્યા. અમારા ઘરને ઝડતી લેવામાં આવી.
સોફા, પલંગ, ટેબલ, ખુરશી, કબાટ, ટિપાઈ બધું જ ‘સનરાઈઝ’ (વી.એમ. વ્યાસની કંપની)નું છે
એમ કહીને ઉઠાવી ગયા. અમને બંનેને પગે ચાલીને પોલીસ સ્ટેશન લઈ ગયા. સળિયાવાળી લોક-
અપમાં એક રાત વિતાવી. મેં હાથ જોડીને વ્યાસ સાહેબની માફી માગી ત્યારે એમણે જ કોઈકને ફોન
કરીને અમારા જામીન માટે મદદ કરી. અમારા ઘરમાંથી જે કંઈ લઈ ગયા એ બધી જ વસ્તુઓ ઉપર
સનરાઈઝ પિક્ચર્સના સિક્કા મારીને જપ્ત કરવામાં આવી.

ત્યાંથી છૂટવા માટે શૌકતે ફરી એકવાર મારો ઉપયોગ કર્યો. વકીલના ક્લાર્ક ઉપર મને
આંખ મારવાનો, બિભત્સ ઈશારા કરવાનો આરોપ મૂકવાનું કહ્યું. હું એટલી નાની હતી કે મને આ
બધા દાવપેચ સમજાતા નહોતા. બહુ ભણી નહોતી એટલે દુનિયાદારીની સમજ પણ નહોતી.
છેલશંકર વ્યાસના ક્લાર્ક રસિકલાલ સામે મેં જઈને કહ્યું, ‘આંખ મારતા હૈ? બદતમીઝ…’ મારું વાક્ય
પૂરું થાય એ પહેલાં રસિકલાલ નામના એ માણસે મને એક થપ્પડ મારી દીધી. આટલા બધા લોકોની
વચ્ચે થપ્પડ પડ્યા પછી શૌકત હુસૈને મારો હાથ પકડીને કહ્યું, ‘ક્યા કરતી હો? ‘ નવાઈની વાત તો
એ છે કે, એણે જ મને આવું કરવાનું કહ્યું હતું!

આટલું બધું થયા પછી મુંબઈમાં કોઈ જાણીતી કંપની અમારી સાથે કામ કરવા તૈયાર
નહોતી. વી.એમ. વ્યાસનો દબદબો એવો હતો કે, એમની સાથે બગાડવાનું સાહસ કોઈ કરે એમ
નહોતું. પ્લેબેક સિંગિંગનો સમય શરૂ થઈ ગયો હતો એટલે ગાયક હોય એવા જ કલાકાર સિનેમા માટે
જરૂરી નહોતા રહ્યા. અંતે, 1946માં અમે શૌકત આર્ટ પ્રોડક્શન નામની કંપની શરૂ કરી અને
મુંબઈમાં અમારી પોતાની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. 24 વર્ષનો એક નવો છોકરો યુસુફ ખાન મારા
પતિને હીરો તરીકે ખૂબ ગમ્યો. અમે ‘જુગનુ’ નામની ફિલ્મ બનાવી. ફિલ્મ સુપરહિટ થઈ અને એનું
ગીત ‘યહાં બદલા વફા કા, બેવફાઈ કે સિવા ક્યા હૈ’ ખૂબ સફળ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *