ભાગઃ 8 | સિધ્ધાર્થની વિદાયઃ હિમાલયમાં સમાધિ

નામઃ પ્રોતિમા બેદી
સ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)
સમયઃ 17 ઓગસ્ટ, 1998
ઉંમરઃ 49 વર્ષ

રજનીનાં મૃત્યુ પછીનું વર્ષ ભયંકર હતું. મને જીવનમાં કોઈ જ રસ નહોતો. બરાબર આ
વખતે મારિયો મારા જીવનમાં આવ્યો. હું મારિયોને બ્લાઈન્ડ ડેઈટમાં મળી હતી. હું 35 વર્ષની થઈ
ચૂકી હતી અને એ મારી પહેલી બ્લાઈન્ડ ડેઈટ હતી. હું એને તાજ ‘રૂફટોપ’માં મળી ત્યારે અને મેં
સફેદ સાડી પહેરી હતી તથા મોટો લાલ ચાંદલો કર્યો હતો. મે, 1983ની એક સાંજે આમ હું ને
મારિયો મળ્યાં.

મેં ત્રણ અઠવાડિયા અને તલવારની ધાર પર રાખ્યો અને પછી જ્યારે હું પોતે જ વધારે થોભી
ન શકી ત્યારે મેં એને કહ્યું, ‘તું વિચારતો હોઈશ કે હું ઠંડી સ્ત્રી છું, (ફ્રીજીડ) પણ એવું નથી હોં!’ અને
પછી મેં એ સાબિત કરવાની કોશિશ કરી. એકમાંથી બીજી એમ ઘટનાઓ બનવા માંડી અને હું
લગભગ રોજ સાંજે એને મળવા લાગી. એ એક મહિના માટે સ્વિટ્ઝર્લેન્ડ ચાલ્યો ગયેલો. ત્યારે એ
મારા વિશે બિલકુલ વિચાર કરતો હશે કે કેમ એવો પ્રશ્ન મને થતો હતો. એની પત્ની અંગ્રેજ હતી
અને તેને ચાર બાળકો હતાં.

એક દિવસ બપોરે અમે હોટલ પ્રેસિડેન્ટમાં લંચ લઈ રહ્યાં હતાં. ત્યારે એણે કહ્યું કે, એની
સાથે ત્રણ અઠવાડિયાં ગાળવા માટે એની પત્ની અને બાળકો પંદરેક દિવસમાં મુંબઈ આવવાનાં છે. હું
આ વાતે ખૂબ વ્યગ્ર થઈ ગઈ. એ પણ વ્યગ્ર થઈ ગયો હતો, પણ મારે આ પુરુષ પાસેથી શું જોઈતું
હતું? શું હું એની જીવનસંગિની બનવા માગતી હતી? શું હું તેને હંમેશની માટે ચાહી શકું તેમ હતી?
એની પત્ની એનામાં ભાગ પાડવા દે તેમ નહોતું. એ મારા માટે એનું કુટુંબ છોડી દે અને પછી થોડાક
મહિનામાં હું એનાથી કંટાળી જાઉં તો શું? પ્રેમ ક્યાં ઊડી જાય છે ને શા માટે એ વિશે શું કરી કોઈ કંઈ
કહી શકે તેમ છે?

એ પરિસ્થિતિમાં હું બિલકુલ સ્વતંત્રતા ન અનુભવું અને છતાં મારી એને માટેની ઝંખના
અતિશય હતી.
‘મારિયો, હું તને છોડી દેવાની છું.’ મેં કહ્યું, ‘હું તને એટલું બધું ચાહું છું કે મારી સાથે રાખી ન
શકું. હું દિલગીર છું પણ આજે આપણે છેલ્લીવાર મળી રહ્યાં છીએ.’ મારી આંખોમાં આંસુ હતાં અને
મેં અડધો જ પિત્ઝા ખાધો હતો. એણે એકદમ ખાવાનું બંધ કર્યું. એણે એની પ્લેટને ધક્કો માર્યો.
એણે ટેબલની કિનાર પકડી લીધી અને એનાં આંગળાં સફેદ થઈ ગયાં.
એક અઠવાડિયા પછી મારિયોએ સ્કી કરવાના સ્થળેથી ફોન કર્યો. એના અવાજમાં દુઃખ અને
અધીરાઈ જણાતાં હતાં. ‘અમે ઘેર પાછાં જઈએ પછી મારે ઘર છોડી દેવાનું છે-બે અઠવાડિયામાં
લીગલ સેપરેશન કરવાનું છે કાયદાથી છૂટા રહેવાનું!’
‘શું? આટલા જલદી?’
‘એ ડિવોર્સ નથી, માત્ર લીગલ સેપરેશન જ. મને થાય છે મારે કોઈ દોસ્ત હોત તો કેવું સારું
થાત, એને બધી વાત કરત. એકલા હોવું અસહ્ય છે.’

દરમિયાનમાં મેં સિધ્ધાર્થને સમજાવ્યો, ‘મારિયાને મારી જરૂર છે. અત્યારે એને મારી ભયંકર જરૂર
છે. તમારા માટે મોજમસ્તીનું એક વધુ અઠવાડિયું રહેશે. તમે પંચગિની જશો! હું બધું સંભાળી લઈશ અને
તમે પાછા સ્કૂલે જવાનાં હશો ત્યારે તમને સ્ટેશને છોડવા પણ આવીશ.’ એણે ચૂપચાપ માથું હલાવ્યું.

પૂજા એકદમ તોફાને ચડી અને બરાડી ઊઠી, ‘તું હંમેશાં બોયફ્રેન્ડ બદલ્યા કરે છે! શરૂઆતમાં
મને એમ કે બીજા બધાના જેવું જેવું જ મારિયોનું પણ હશે, પણ તું એને વધારે ને વધારે ચાહતી થઈ
ગઈ. ત્યાં સુધી કે અમારા કરતાં ય તને એની સાથે રહેવું વધારે ગમે છે હું એને ધિક્કારું છું.’

ભારત પાછા આવીને મારિયોએ એનું એન્જિનિયરિંગું કામ ચાલુ રાખ્યું અને ફરી મેં મારું નૃત્ય
શરૂ કર્યું. અમે હંમેશાં સાથે જ રહેતાં એટલે લોકોએ માની લીધું કે અમે પતિ-પત્ની છીએ. અમે
ઔપચારિક રીતે પરણ્યાં નહોતાં, પણ લોકો એવું માને તેથી શો ફેર પડવાનો હતો.

માર્ચ, 1984માં મેં ગુરુ વેમ્પટ્ટી ચીન્ના સત્યમ સાથે મદ્રાસમાં કુચીપુડી નૃત્યની તાલીમ શરૂ
કરી. મેં તાલીમ શરૂ કરી તે પહેલાં મેં અને મારિયાએ દરિયાકિનારે શનિ-રવિ ગાળ્યાં. દરિયો એટલો તો
વાદળી હતો ને દરિયાકિનારો એકદમ સ્વચ્છ હતો અને અમે નક્કી કર્યું કે, કોઈ દરિયાકિનારે ખરીદેલી
જમીન પર દસ વર્ષ પછી અમે અમારું ઘર બનાવીશું.

હું ને મારિયો સાથે ને સાથે. એકએક જગ્યાએ. પથારી પર, જમીન પર, ખુરશી પર, ટોઈલેટ
સીટ પર, ફુવારા નીચે, દરિયાકિનારે, દરેક દરેક જગ્યાએ, એકએક જગ્યાએ. હું એને કહ્યા કરતી કે હું
એને હરહંમેશ ઝંખ્યા કરું, એની પાસેથી સેક્સની અપેક્ષા રાખ્યા જ કરું એ શક્ય નહોતું. દરેક સવારે
અમે થાકીને લોથ થઈ જતાં. અમે વારંવાર ગ્રાસ અને ડ્રગ લેતાં એથી અમારી ઉત્તેજના વધી જતી.

મેં જ્યારે મારિયો સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પૂજાએ ભયાનક વિરોધ કર્યો,
‘જોયું?’ એ રડી પડી, ‘તું અમને ઘરમાંથી અને તારી જિંદગીમાંથી બહાર ફેંકી દેવા માગે છે. તું શું
માને છે મને શું થતું હશે જ્યારે કોઈ અમને ઈચ્છતું જ નથી? તને અમે નથી જોઈતાં અને પપ્પાને
અમે નથી જોઈતાં. અમને ધક્કો મારીને રંગા અને બીજા બધા સાથે રહેવા મોકલી દો છો!’ પછી તે
ખૂબ જ રડી.

‘પૂજા, તું દુઃખી થવા માગે છે. તારે સતત તારાં માથા કૂટવાં છે અને રડ્યા કરવું છે. કોઈ તને
રોકી શકે તેમ નથી અને આપણે સિધ્ધાર્થ પણ છે! એ તારા જેવી જ પરિસ્થિતિમાં છે. એની પાસે એ
જ વસ્તુઓ છે ને એ જ લોકો છે જે તારી પાસે છે. એ દુઃખી નથી થતો. તો પછી તું શા માટે થાય?’
‘અલબત્ત, સિધ્ધાર્થ દુઃખી છે, એ ભયંકર દુઃખી છે.’

મેં સિધ્ધાર્થને અંદર બોલાવ્યો. એને હું ભેટી. એને મેં પૂછ્યું. એ બોલ્યો, ‘હું તારી સાથે રહેવા
માગું છું. જો તું મારિયો સાથે હોઈશ તો હું તારી જોડે રહીશ. મને તું જોઈએ છે. મારું દિલ એ
નાનકા છોકરા તરફ વહી ગયું, એની લાગણી કેટલી ચોખ્ખી અને સરળ હતી. પૂજા લાંબા સમય સુધી
શાંત રહી. હું સતત બોલતી રહી, એ ક્યાં ને કેવી રીતે ખોટી હતી તે એને કહેતી જ રહી.’

એ સાંભળતી રહી ને છેવટે બોલી, ‘અચ્છા, તો મારે નક્કી કરવાનું છે કે હું સુખી થવા માગું
છું કે નહીં. હું મારાથી બનતી કોશિશ કરીશ.’

‘બસ સુખી રહે, મારી બેબી સુખી રહે.’ મેં કહ્યું. અમે એકબીજાને ભેટ્યું ને રડ્યાં. ‘મહેરબાની
કરીને મારિયોની આટલી ઈર્ષ્યા ન કર. તને દીકરી તરીકે ચાહું છું ને એ મારા જીવનનો આધાર છે,
પ્લીઝ એની ઈર્ષ્યા ન કરીશ.’

હું નહોતી જાણતી કે આ વાતનો પડઘો બહુ ભયાનક પડશે. મેં બધું છોડીને નૃત્યગ્રામની
સ્થાપના કરવાનું નક્કી કર્યું. મારી લાલ મારુતિમાં મુંબઈથી હેસારા ઘાટ પહોંચી ગઈ. જંગલની
વચ્ચોવચ જે જમીન મારિયોએ મારા માટે ખરીદી હતી ત્યાં મેં નૃત્ય શાળા બનાવવાનું કામ શરૂ કર્યું.
જરાય સહેલું નહોતું જ. હું વારંવાર થાકી જતી, હતાશ થઈ જતી. રાજીવ ગાંધીએ સાંસ્કૃતિક
વિભાગમાંથી 2 લાખ અને મણિશંકર ઐયરે થોડો ફાળો આપ્યો. મેં અનેક કાર્યક્રમો કર્યાં અને ધીમે
ધીમે પૈસા ભેગા કરવાની શરૂઆત કરી. મારા ગુરૂ કેલુચરણ મહાપાત્રએ એમના પુત્રને પોતાના
પ્રતિનિધિ તરીકે મોકલ્યા અને બીજા અનેક લોકો સાથે આવ્યા. નૃત્યગ્રામનો પ્રારંભ થયો. મેં મારિયોને
એકવાર કહેલું કે, જો ખરેખર આ પ્રોજેક્ટ શરૂ થશે તો હું બદલાઈ જઈશ… એમ જ થયું!

હું નૃત્યગ્રામમાં ઓતપ્રોત હતી ત્યારે શિબૂએ (કેલુચરણ મહાપાત્રના પુત્ર)એ નૃત્યગ્રામમાં
આર્થિક ગોટાળા કર્યા. છાપામાં એના સમાચાર છપાયા. એ સારો શિક્ષક નહોતો અને સારો માણસ
પણ નહોતો, જેથી મારે એને કાઢી મૂકવો પડ્યો. ગુરૂજી સાથેના સંબંધો બગડ્યા અને જે થયું તે સારું
થયું કારણ કે એ પછી મને નૃત્યગ્રામ માટે ઉત્તમ શિક્ષકો મળ્યા. કથક માટે કુમુદીની લાખિયા,
અભિનેય માટે કલાવિહીન નારાયણ, યોગ માટે બાલાજી અને સર્જનશીલ નૃત્ય માટે રંજબાતી
સરકાર… નૃત્યગ્રામ ખૂબ સુંદર રીતે આગળ વધવા લાગ્યું, પરંતુ સૌથી ખરાબ એ થયું કે મારા અને
મારિયોના સંબંધ પૂરા થઈ ગયા. આ મારી જિંદગીની એક કરુણા છે. હું જ્યારે ક્યાંક આગળ વધુ
ત્યારે પાછળ કશુંક છૂટી જ જાય છે!

નૃત્યગ્રામ સુંદર રીતે આગળ વધવા લાગ્યું, પરંતુ સિધ્ધાર્થ જ્યારે પાછો આવ્યો (અમેરિકાથી)
ત્યારે એ ડિપ્રેશનમાં હતો. એનું માનવું હતું કે મેં મારા ‘લફરાં’ અને નૃત્યને કારણે એની અવગણના કરી
હતી. પૂજા પણ એમ જ માનતી હતી. બંને છોકરાંઓ જાણેઅજાણે એમના જીવનની મુશ્કેલીઓ માટે
મને જવાબદાર ઠેરવતા હતા.

લોસ એન્જેલેસમાં 19 જુલાઈ, 1997ના દિવસે સિધ્ધાર્થે આત્મહત્યા કરી. એણે ચિઠ્ઠી
લખી હતી.

‘ખેર, આ હકીકત છે. મહેરબાની કરીને કોઈ દોષભાવના અનુભવશો નહીં. આ કાબૂમાં
લેવાની મારી રીત છે. હું બહાર થઈ ગયો છું, કદાચ વિચિત્ર લાગે તેવું છે. હું ખુશ થઈને જાઉં છું,
દુઃખી નહીં. હું બીજી બાજુની શોધ ન કરી શક્યો. જો પુનર્જન્મ હોય તો હું આશા રાખું છું કે હું
ટેકનિકલ જિનિયસ-પ્રતિભાની શક્તિઓ સાથે પાછો આવું. આપણે જે સમયમાં રહીએ છીએ તે ખૂબ
જ ઉત્તેજનાત્મક છે. તમને થોડોક ગુસ્સો ચડશે તેની મને ખાતરી છે… પણ હું આશા રાખું છું કે એ
જલદીથી પસાર થઈ જાય. બુઈ, હસતી રહેજે… બેબીની સાથે ગુડ લક. હું તને સૌથી વધારે ચાહું છું.
તારા જાડા ગાલ પર મોટી ચૂમીઓ… પ્લીઝ, ગુસ્સે ન થતી.

બધાને પ્રેમ.
સિધ્ધાર્થ
રિચ્યુઅલ્સઃ
મૃત્યુ સાથે સંકળાયેલ ખર્ચ માટે હજાર ડોલરનો ચેક મૂકી જાઉં છું. ભારતમાં પણ ભારતમાં.
દાટશો તો નહીં જ. મારામાંની કોઈક સમજ ભારતમાં મારું શરીર પડેલું રહે તેવું ઈચ્છતી નથી.

નોંધઃ હું મારા ભવિષ્યનો વિચાર કરું છું ત્યારે મારી નાડી ઝડપથી ચાલવા માંડે છે. કશુંક
ભવ્ય, કશુંક મહાન મારા માટે આગળ પડ્યું છે. હું એ અનુભવી શકું છું, પણ એ શું હોઈ શકે?
ભવિષ્ય તરફ નજર કરવાની લાલચ જબરજસ્ત છે. જિંદગી મને ક્યાં લઈ જરી રહી છે? મારું મૃત્યુ
જાગૃત થયા પછી હશે? હું મારાં મૃત્યુનાં વારંવાર સપનાં જોઉં છું. હું આશા સેવું છું કે હું હિંમતથી
જાઉં, એક ચેતનવંતા, સ્વસ્થ-શાંત મન સાથે.

(આ પછી થોડે વખતે પ્રતિમા કૈલાસ માનસરોવરની તીર્થયાત્રા પર નીકળી. રસ્તામાં 17
ઓગસ્ટ, 1998એ એ ભૂખંડપ્રાતમાં મૃત્યુ પામી.)

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *