ભારત આપણો દેશ છે? આપણે બધા ભારતીયો છીએ?

यदि तुम्हारे घर के
एक कमरे में आग लगी हो
तो क्या तुम
दूसरे कमरे में सो सकते हो?
यदि तुम्हारे घर के एक कमरे में
लाशें सड़ रहीं हों
तो क्या तुम
दूसरे कमरे में प्रार्थना कर सकते हो?
यदि हाँ
तो मुझे तुम से
कुछ नहीं कहना है।

સર્વેશ્વરદયાલ સકસેનાની આ કવિતા ભારતમાં વસતા જનસામાન્યના માનસને કેવી અદભૂત
રીતે આપણી સામે મૂકે છે! એક તરફ 41 મજૂરો જીવન-મરણનો જંગ લડી રહ્યા હતા ને બીજી તરફ,
વર્લ્ડ કપની મેચ માટે લાખો રૂપિયા ખર્ચીને અમદાવાદ આવનારા લોકોની કમી નહોતી… આ માત્ર
એક દાખલો નથી, આપણા પડોશમાં ડોમેસ્ટિક વાયોલન્સ ચાલતું હોય કે આપણે જે ટ્રેનમાં, બસમાં
પ્રવાસ કરતાં હોઈએ એમાં કોઈ છોકરીની છેડતી થતી હોય, કોઈનું પાકિટ કપાય કે કોઈનો એક્સિડેન્ટ
થાય… આપણા માટે એ એક ‘ઘટના’થી વધુ હવે કશું નથી રહ્યું. આપણે જે જગત આપણી આસપાસ
ઊભું કર્યું છે એ જગતમાં હવે ‘મારા’ અને ‘મારા પોતાના’ સિવાય કોઈની ય ચિંતા કરવાનો આપણી
પાસે સમય કે સંવેદના નથી રહ્યા. અખબાર અને સોશિયલ મીડિયાને કારણે ખરેખર તો આપણે
દુનિયાભરના સમાચાર સાથે જોડાયા, પરંતુ એ જાણ્યા પછી ધીરે ધીરે આપણી અંદર એક ન સમજાય
તેવી ‘નમ્બનેસ’-જડતા અથવા સંવેદનવિહિનતા આવી ગઈ છે. આપણને કશાયથી, કોઈ ફરક નથી
પડતો. ગાડી ચલાવતી વખતે રસ્તા પર ભીખ માગતું બાળક જોઈને પણ આપણે નિરાંતે આપણી
સેન્ડવિચ કે પિત્ઝા, આઈસ્ક્રીમ કે મિલ્કશેઈક પેટમાં પધરાવી શકીએ છીએ. કેટલા લોકો પાણી વગર
તરફડે છે એ જાણ્યા પછી પણ આપણે બ્રશ કરતી વખતે નળ ચાલુ રાખી શકીએ છીએ, કપડાં ધોતાં કે
વાસણ ઘસતી વખતે નળ બંધ કરીને એટલું પાણી બચાવવાની સંવેદના આપણામાં બચી નથી.

આપણે બધા જ, એવું માનતા થઈ ગયા છે કે, દેશમાં કાયદો પાળવાની-ભ્રષ્ટાચાર નાબૂદ
કરવાની કે સ્વચ્છતા રાખવાની જવાબદારી આપણા સિવાય સૌની છે! ગમે તેટલી મોંઘી ગાડીનો
દરવાજો ખૂલે, એમાંથી એક ડોકું બહાર નીકળે અને રસ્તા પર થૂંકી દે ત્યારે આપણા મનમાં કોઈ
અરેરાટી કે ચીડનો અહેસાસ હવે થતો નથી કારણ કે, આપણને આ બધું સામાન્ય લાગે છે. આપણે
ગુજરાતમાં વસીએ છીએ એટલે જાણે બાકીના રાજ્યો ‘ભારત’ નથી એવું આપણે માનતા થઈ ગયા
છીએ? આપણે અમદાવાદ, રાજકોટ કે સુરતમાં વસીએ તો ગુજરાતના બાકીના ગામડાંઓમાં શું
ચાલે છે એ જાણવાની આપણને જરાય તમાં નથી. આપણું બાળક મોંઘી શાળામાં જાય છે એ પછી
ગુજરાતની કેટલી મ્યુનિસિપલ સ્કૂલ કે ગામડાંની કેટલી શાળાઓમાં બાળકો ભણતાં નથી, ડ્રોપઆઉટ
થાય છે એથી આપણે શું? દિવાળીના ફટાકડાં હોય કે હોળીના રંગ… આપણે માણી લઈએ એટલે
જીવન ઝગમગતું અને રંગીન છે, કેટલા લોકોના ઘરમાં અંધારું છે અને કેટલા પરિવાર રોજ ભૂખ્યા
સૂઈ જાય છે એ વિશે વિચારવાની પણ આપણને ફુરસદ નથી.

આ દેશ બે વિભાગમાં વહેંચાઈ ચૂક્યો છે. એક વિભાગ એ છે જ્યાં ‘રામરાજ્ય છે’ અને પ્રજા
સુખી છે, બીજો વિભાગ એ છે જ્યાં વસતો નાગરિક આધાર કાર્ડ કે વોટર કાર્ડ પર તો ભારતમાં વસે
છે, પરંતુ દેશના પ્રગતિ, વિકાસ કે જીડીપીના ગ્રોથ સાથે એને કોઈ લેવાદેવા નથી. એ એવો વિભાગ
છે, જેમના બાળકોના ભવિષ્ય અંધારા છે. પાન, ગુટખા, તમાકુ ખાઈને એમના સંતાનો રખડ્યા કરે
છે. માતા-પિતા મજૂરી કરે છે. મોબાઈલ ફોન લઈને નાની ઉંમરે સંતાનો પોર્નોગ્રાફી જુએ છે. આ
વિભાગમાં હજીયે દીકરી વેચાય છે, ઘરકામ કરવા જતી સગીરા સાથે દુષ્કર્મ થાય છે અને કુમળા
છોકરાઓ ખોવાઈ ગયા પછી આ દેશની વસતીમાંથી એક ઓર નામ ઓછું થઈ જાય છે.

આપણે ક્યારે જાગીશું એવો સવાલ પૂછવાનો પણ હવે તો અર્થ નથી… કારણ કે લગભગ બધા
જ એવું માને છે કે, ‘કોઈ નથી કરતું તો હું કેમ કરું?’ બદલાવની વાતો બહુ સારી લાગે છે. ચૂંટણીઓ
નજીક આવે ત્યારે રસ્તા રિપેર થઈ જાય છે, પરંતુ તૂટી પડેલા પૂલમાં દબાઈ ગયેલા માણસો સાથે શું
થયું એ વિશે થોડાક જ દિવસમાં આપણે બધા ભૂલી જઈએ છીએ. બળાત્કાર કરનાર, ખૂન કરનાર
આરામથી જામીન પર છૂટી જાય છે અને પરિવારનું પેટ ભરવા માટે નાનકડી ચોરી કરનાર વર્ષો સુધી
જેલમાં સડે છે…

આ આપણો જ દેશ છે, પરંતુ આપણને લાગે છે કે દેશના જે હિસ્સામાં 5-10 ટકા લોકો
જીવે છે એટલા જ દેશનું નામ ‘ભારત’ છે! સર્વેશ્વરદયાલ સકસેનાની આ કવિતા તો કદાચ દાયકાઓ
જૂની છે, પરંતુ સ્થિતિ હજી પણ એ જ છે.

देश कागज पर बना
नक्शा नहीं होता
कि एक हिस्से के फट जाने पर
बाकी हिस्से उसी तरह साबुत बने रहें
और नदियां, पर्वत, शहर, गांव
वैसे ही अपनी-अपनी जगह दिखें
अनमने रहें।
यदि तुम यह नहीं मानते
तो मुझे तुम्हारे साथ
नहीं रहना है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *