મારા ભાઈ, અંબાજીમાની કૃપાથી અવતર્યા હતા એવું મારા માતા-પિતા માનતા, એટલે એમનું નામ
અંબાલાલ પાડવામાં આવ્યું. જોકે, પુત્રનું સુખ ઝાઝું માણી શકે એ પહેલાં મારા માતા-પિતા આ દુનિયા છોડી ગયા.
અંબાલાલમાં પિતાના સ્વપ્નો અને એમની દીર્ઘદૃષ્ટિનો વારસો ઉતર્યો હતો. એમણે નાની ઉંમરે જ પોતાની કારકિર્દીના
સ્વપ્નો જોવા માંડ્યા હતા. કેલિકો મિલનો વહીવટ એમણે 17 વર્ષની ઉંમરે સંભાળી લેવો પડ્યો.
નામ : અનસુયા સારાભાઈ
સ્થળ : અમદાવાદ
સમય : 1971
ઉંમર : 86 વર્ષ
સારાભાઈ પરિવારમાં જન્મ લેવાનો એક મોટો લાભ એ થયો છે કે, હું મારા સમયની સ્ત્રીઓ કરતા ઘણું
સ્વતંત્ર અને અર્થપૂર્ણ જીવન જીવી શકીએ. આજે આ લખું છું ત્યારે મારી ઉંમર 86 વર્ષની છે… પાછી ફરીને જોઉં તો
મને સમજાય છે કે, મારી સાથે જન્મેલી કેટલીયે સ્ત્રીઓ લગ્ન કરીને, બાળકોને જન્મ આપીને એમની બાળકો ઉછેરતી
વૃધ્ધ થઈ ગઈ. એમાં કંઈ ખોટું છે એવું કહેવાનો મારો ઈરાદો નથી, પરંતુ સ્ત્રીનું કાર્ય માત્ર એટલું જ છે એમ માનનારા
એ પુરુષપ્રધાન સમાજમાં હું જુદું જીવી શકી, મારા જીવનને એક અર્થ આપી શકી એ માટે ઈશ્વરનો આભાર તો
માનવો જ જોઈએ, પરંતુ મારા ઉછેર અને મારા પરિવારનો ફાળો પણ ખૂબ મોટો છે.
મારા દાદાના જમાનામાં અમારા ઘરની સ્ત્રીઓ ઘોડેસવારી કરતી. સ્ત્રીઓને ઘરમાં અંગ્રેજી શીખવવા પારસી
અને યુરોપિયન સ્ત્રીઓ આવતી. અંગ્રેજો સાથે કઈ રીતે વાત કરવી, ડાઈનિંગ ટેબલ પર કઈ રીતે જમવું એ પણ મને
અને મારા પરિવારની સ્ત્રીઓને શીખવવામાં આવ્યું હતું.
રાયપુરની હવેલી એ મારા દાદાનું ઘર ને પછી ઘીકાંટાની વાડીમાં મારો પરિવાર રહેતો હતો. એ પછી ચાંદા
સૂરજ મહેલ અને ત્યાર પછી મિરજાપુરનો શાંતિસદનનો આલિશાન બંગલો… મને શાંતિસદન યાદ છે. આઝાદીના
30-40 વર્ષ પહેલાં અમારા ઘરમાં ટેનિસ કોર્ટ હતો. સ્ત્રીઓ પણ ટેનિસ રમતી. ઉનાળામાં અમે આબુ જતા રહેતા.
આજે પણ યાદ કરું છું તો સમજાય છે કે, જિંદગી અમારા ઉપર મહેરબાન હતી.
એક જમાનામાં મારા દાદા મગનભાઈ શેઠના ઘરમાં ખૂબ જાહોજહાલી હતી. એ પાલખીમાં નીકળતા ત્યારે
છડી પોકાળવામાં આવતી અને પૈસા ઉછાળવામાં આવતા. અંગ્રેજ સરકારે એમને રાઉ બહાદુરનો ખિતાબ આપ્યો
હતો. એમને સંતાન નહોતું, એટલે એમણે દોહિત્ર સારાભાઈને દત્તક લીધા. મારા પિતા સારાભાઈ, મગનભાઈના
પોતાના દીકરા નહોતા, પરંતુ મારા મા ગોદાવરીબાને દીકરાની ખૂબ હોંશ હતી. મારા ભાઈ, અંબાજીમાની કૃપાથી
અવતર્યા હતા એવું મારા માતા-પિતા માનતા, એટલે એમનું નામ અંબાલાલ પાડવામાં આવ્યું. જોકે, પુત્રનું સુખ ઝાઝું
માણી શકે એ પહેલાં મારા માતા-પિતા આ દુનિયા છોડી ગયા.
અઢળક સંપત્તિના વારસ પાંચ વર્ષના છોકરાને કંઈ પણ સમજ પડે એ પહેલાં મારા કાકા ચીમનલાલે એમના
ટ્રસ્ટી બનીને બધું સાચવ્યું. અમદાવાદમાં આવેલી ચીમનભાઈ નગીનદાસ એટલે આંબાવાડીમાં સી.એન. વિદ્યાવિહાર
તરીકે ઓળખાય છે એ સંસ્થા મારા કાકાએ સ્થાપેલી.
મારા પિતા સારાભાઈ મગનભાઈ 1894માં ગુજરી ગયા ત્યારે હું નવ વર્ષની હતી ને મારા ભાઈ અંબાલાલ
ચાર વર્ષના હતા, મારી બેન કાન્તા તો એનાથી પણ નાની… અમે ત્રણ ભાઈ-બહેન અનાથ થઈ ગયા એવું અમને
સમજાય તે પહેલાં તો અમારા કાકા ચીમનભાઈએ અમને પાંખમાં લીધા. એમનાથી જે થયું એ બધું જ એમણે અમારા
ત્રણે ય જણાં માટે કર્યું, પરંતુ એ ય ઝાઝું ન જીવી શક્યા.
અંબાલાલભાઈનું શિક્ષણ શરૂ થતાં જ પૂરું થઈ ગયું ! 1907માં સત્તર વર્ષની ઉંમરે એમણે ગુજરાત કોલેજમાં
એડમિશન તો લીધું, પરંતુ મારા કાકા ચીમનભાઈનું અકાળ અવસાન થતાં એમણે શિક્ષણ છોડીને બિઝનેસ સંભાળી
લેવો પડ્યો. હવે, સત્તર વર્ષનો એ છોકરો અમારા પરિવારનો મુખ્ય પુરુષ હતો !
અંબાલાલમાં પિતાના સ્વપ્નો અને એમની દીર્ઘદૃષ્ટિનો વારસો ઉતર્યો હતો. એમણે નાની ઉંમરે જ પોતાની
કારકિર્દીના સ્વપ્નો જોવા માંડ્યા હતા. કેલિકો મિલનો વહીવટ એમણે સંભાળ્યો એ પછી મિલમાં અનેક ફેરફારો થયા.
એમણે મિલનો સમય અને કારીગરોના પગારથી શરૂ કરીને નવા મશીન અને બીજી અનેક ટેકનોલોજીને દાખલ કરી. એ
નવી ટેકનોલોજી શીખવા ઈંગ્લેન્ડ ગયા અને 1922માં પાછા ફર્યા ત્યારે એમની પાસે અનેક નવા વિચારો હતા, એમણે
ઈંગ્લેન્ડથી અનેક મશીનો ઈમ્પોર્ટ કર્યા અને કેલિકો મિલ ભારતની પહેલી મોર્ડન ટેકનોલોજી ધરાવતી મિલ બની.
અવિનાશ વ્યાસે પોતાના ગીતમાં લખ્યું, ‘જ્યાં પહેલાં બોલે મિલનું ભૂંગળું, પછી પુકારે કુકડો… સાઈકલ
લઈને સહુ દોડે, રળવા રોટીનો ટુકડો પણ મિલ મજદુરના નગદેશ્વરનો રસ્તો ક્યાં છે ઢુંકડો… અમે અમદાવાદી…’
20 વર્ષની ઉંમરે અંબાલાલભાઈએ રેવાબેન સાથે લગ્ન કર્યા. જે હરિલાલ ગોસાલિયાના પુત્રી હતી. એમનાં
લગ્ન પછી એમનું નામ બદલીને સરલાદેવી રાખવામાં આવ્યું. મિલના મેનેજર જમનાદાસે આ સંબંધ બતાવેલો. દશા
શ્રીમાળી જૈન પરિવાર માટે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા હરિલાલ ગોસાલિયાની પાંચ દીકરીઓમાની એક
રેવા જમનાદાસને યોગ્ય લાગી. એની માનું મૃત્યુ થતા 10 વર્ષની રેવા પોતાની બહેનોને ઉછેરતાં ઉછેરતાં મા બની
ગઈ. રેવાની આંખો ખૂબ સુંદર અને વાળ ખૂબ લાંબા. હરિલાલના ઘરની રહેણીકરણી અને સરળતા જોઈને
જમનાદાસ મારા કાકા, ચીમનભાઈ પાસે આ સંબંધ લઈને આવ્યા.
અંબાલાલભાઈએ ત્યારે, એ જમાનામાં છોકરીને મળવાનો આગ્રહ રાખેલો. મુલાકાતમાં એમણે પૂછેલું, “આ
સંબંધ કોઈ દબાણથી કરો છો કે તમારી ઈચ્છાથી ?” રેવાએ આત્મવિશ્વાસ અને સચ્ચાઈથી કહેલું, “મારી ઈચ્છાથી”.
એમની મુલાકાતને ઘણો સમય વિતી ગયો. દરમિયાનમાં કાકાનું અવસાન થયું. અંબાલાલના ખભે મિલોનો
વહીવટ અને બહેન તથા કાકીની જવાબદારી આવી પડી. કાકાની તબિયતને કારણે એ ધ્યાન આપી શકતા નહોતા.
અંબાલાલે કેલિકો અને જ્યુબિલી મિલનું કામ હાથમાં લઈ વહીવટ અને ઉત્પાદન બંનેને વ્યવસ્થિત કર્યા. કેલિકોનું
કાપડ અંગ્રેજો અને અમીરો પણ ખરીદવા લાગ્યા હતા. આ દરમિયાન અંબાલાલના લગભગ પ્રેમમાં પડી ગયેલી
રેવાએ એમને પત્ર લખ્યો, “હું હજી પ્રતિક્ષા કરું છું. તમારો વિચાર બદલાઈ ગયો છે ?”
(ક્રમશઃ)