ભારતીય રાજકારણનું એક વિસરાયેલું પાનું…

ત્રેવીસમી માર્ચ, 1910ના દિવસે ડૉ. રામમનોહર લોહિયાનો જન્મ થયો હતો. ભારતીય ઈતિહાસમાં અને
રાજકારણમાં એમનું પ્રદાન બહુ મોટું છે, પરંતુ જેમના મૃત્યુને માત્ર અડધી સદી વિતી છે એને ભારતીય રાજકારણ
સહજતાથી ભૂલી ગયું છે, એ સાચે જ દુઃખદ બાબત છે. રાજનેતાઓ અને રાજકારણ ભલે એમને ભૂલી ગયા, પરંતુ 54
વર્ષ પહેલાં જેમનું દેહાવસાન થયું હતું તે વ્યક્તિ આજે પણ વિચારરૂપે હયાત છે, એ કબૂલવું પડશે.

23મી માર્ચ (1931)ના રોજ અન્યાયી બ્રિટીશ હકુમતે શહીદ-આઝામ ભગતસિંહને એમના બે સાથીઓ
રાજગુરુ તથા સુખદેવ સાથે ફાંસી આપી ત્યારથી ડૉક્ટર સાહેબે કદી પોતાનો જન્મદિન મનાવ્યો નહોતો.

લોહિયાનું વ્યક્તિત્વ બહુઆયામી અને આકર્ષક હતું. એમની ગણના દેશની આઝાદી તેમજ સમાજવાદી
રાજનીતિના યોદ્ધાઓમાં અને આધુનિક ભારતના મૌલિક વિચારકોમાં થાય છે. સર્વગ્રાહી જિજ્ઞાસાથી પરિચાલિત
લોહિયાએ પ્રાચીનથી લઈને અર્વાચીન સુધી, માનસંસ્કૃતિના તમામ પ્રશ્નો તથા પરિણામો પર ગંભીર મનન કર્યું છે.
હકીકતમાં તેમનો સંઘર્ષ એક નવી માનવસંસ્કૃતિની રચના માટે હતો.

લોહિયા કહેતા કે સમાજના દબાયેલા-કચડાયેલા શોષિતો-ઉપેક્ષિતો, વંચિતો, આદિવાસી, દલિત, પછાત,
મહિલાઓ તેમજ લઘુમતીઓને આગળ લાવીને જ બ્રાહ્મણવાદી-મૂડીવાદી ગઠબંધનને તોડી શકાશે. આ ગઠબંધન હવે
બઝારવાદ, સંપ્રદાયવાદની સાથે જોડાઈને મજબૂત તથા ભયાનક થઈ ગયું છે, પરંતુ લોહિયાની દ્રષ્ટિ દૂરગામી હતીઃ તેઓ
વસ્તીના આ સમૂહોની તાકાતના આધારે વર્ચસ્વવાદી વૈચારિક-સાંસ્કૃતિક સંરચનાઓને પડકાર ફેંકવા માગતા હતા. આ
સમુદાયો જ જે આપી શકે તેમ હતા. બાકી બધા સત્તાકારણી ખેલ છે જે પ્રગતિશીલ તો ગણાય, પરંતુ પરિવર્તનકારી
ક્યારેય સિદ્ધ નહીં થાય એવો લોહિયાને દ્રઢ વિશ્વાસ હતો.

પાછલી સદી પર વળતી નજર નાખીએ તો સમજી શકાશે કે લોહિયા ખાસ્સા પ્રતિભાસંપન્ન સ્વપ્નદર્શી હતા.
તિબેટને લક્ષમાં રાખીને લોહિયાએ ચીન અંગે જે ચિંતાઓ કરી હતી, પાંચેક દાયકા પહેલાં જમ્મુ-કાશ્મીર વિષે જે
ભવિષ્યકથન કર્યું હતું તેમાં લોહિયાનો યથાર્થવાદ પણ ઝળકતો. રંગભેદ તથા નસ્લવાદની સામે તેમણે અમેરિકામાં માર્ગો
સ્કિનર નામની અશ્વેત મહિલા સાથે પ્રતિબંધો તોડ્યા હતા. માનવ-માનવ વચ્ચે સમતા તથા ભાઈચારામાં વિશ્વાસ
રાખનારા લોકોને એમના જીવન અને કવનમાંથી ભરપૂર પ્રેરણા મળતી રહી છે, એકવીસમી સદીમાં પણ મળી શકે છે.

આધુનિક “ફેમિનિસ્ટ” અથવા સ્ત્રીવાદી વિમર્શમાં લોહિયાની ભૂમિકા ઘણી અગત્યની છે. સ્ત્રી-મુક્તિની તરફેણમાં
એમણે જે ચિંતન પ્રસ્તુત કર્યું છે એને ક્રાન્તિકારીથી ઓછું કહી શકાય નહીં. સ્ત્રી-મુક્તિની વિભિન્ન વિચારધારાઓ તથા
આંદોલનોને લોહિયાના વિચારોમાંથી સમુચિત પ્રેરણા તેમજ માર્ગદર્શન મળી શકે છે. માર્ક્સવાદી, સ્ત્રીવાદી વિમર્શ
અનુસાર સ્ત્રીની અધીનસ્થતા આર્થિક કારણોસર છે, પરંતુ લોહિયા માનતા કે કેવળ આર્થિક માળખું બદલવા માત્રથી
ઔરતને મરદની બરાબરીનો દરજ્જો મળી જશે નહીં. જ્યાં સુધી એને દિમાગમાં, જે નારી-નરહિતની છબિઓ રચે છે,
તેમાં સંપૂર્ણ બદલાવ આવે નહીં. મૈં તો યહી કહુંગા કિ ઈસમેં કુછ જોખિમ ઉઠાની પડેલી ઔર સબ છોટે-મોટે સવાલ કિ
ઔરત કો આર્થિક ઢંગ સે સ્વતંત્ર હોના પડેગા, ઔરત ઔર મર્દ કો બરાબરી કી તનખ્વાહ દેની પડેગી – જૈસા કામ વૈસી
બરાબરી કી મજદૂરી વગૈરહ… યે સબ કિસી અચ્છે કાર્યક્રમ કે અંગ હૈ, પર ઈનકે ઉપર કચ્ચા યા અધકચરા ચિંતક હી શાયદ
બહસ કરે તો કરે, વરના અગર કુછ પૂરાના હો ચૂકા હૈ તો શર્મ કે મારે હી બહસ કરે તો કરે, વરના અગર કુછ પૂરાના હો
ચૂકા હૈ તો શર્મ કે મારે હી બહસ નહીં કરેગા. ક્યોંકિ વહ માન લેતા હૈ કિ યહ તો હમારે શાસ્ત્ર કા બિલકુલ આધાર અંગ
હૈ… લેકિન મૈં જો કહ રહા હૂં વહા ઈનસે બઢ કરકે ઔર આગે જાતી હૈ ઔર વહ હૈ દિમાગ કે પુનર્ગઠનવાલી બાત. યહ
દિમાગી પુનર્ગઠન પુરુષ વર્ચસ્વવાદી વ્યવસ્થા મેં ગઢે ગયે સ્ત્રી કે આદર્શ પ્રતીકોં કો બદલકર યા તોડકર હાસિલ કિયા જા
સકતા હૈ.

ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં એક નાનકડા ગામ, અકબરપુરમાં રામમનોહર લોહિયાનો જન્મ. બાળપણમાં
જ લોહિયાએ માતા ચંદા ગુમાવ્યાં. કૌટુંબિક ધંધો હતો, પણ પિતા હરિરામ (વીકીપિડાય હરિરામ નામ જણાવે છે. હિન્દી
પુસ્તકોમાં હિરાલાલ તરીકે ઉલ્લેખ છે) શિક્ષક હતા, રાષ્ટ્રવાદમાં રંગાયેલા હતા. શાળામાં ભણવાના દિવસોમાં લોહિયાએ
લોકમાન્ય ટિળકના મૃત્યુ સમયે હડતાળની યોજના કરી અને અમલમાં મૂકી. ચળવળમાં ઝંપલાવાનો આ એમનો પહેલો
પ્રસંગ. ત્યાર પછી એમણે પાછું વળીને જોયું નથી. એક પછી એક લડતો એ લડતા રહ્યા. 1928માં એમણે સાયમન
કમિશનનો વિરોધ કર્યો. ભારતને ‘ડોમિનિયન સ્ટેટ્સ’ આપવા અંગે કમિશન વિચારણા કરવાનું હતું, પણ તેના બધા સભ્યો
ગોરાઓ હતા. ભારતના કોઈ નાગરિકને કમિશનમાં લીધો નહોતો. આની સામે લોહિયાનો પ્રખર વિરોધ હતો.

10 વર્ષની નાની ઉંમરે લોહિયા ગાંધીજીની સત્યાગ્રહ કૂચમાં જોડાયા હતા. 1921માં જવાહરલાલ નહેરુ સાથે
એમની મુલાકાત થઈ. વર્ષો સુધી જવાહરલાલ સાથે એમને ગાઢ મૈત્રી રહી. બંને સારા વાચક, ચિંતક અને તીવ્ર
દેશદાઝવાળા. મતભેદ થાય ત્યાં લોહિયા ખુલ્લેઆમ નહેરુની ટીકા કરતા જ. લોકસભામાં તેમ જ જાહેરમાં નહેરુની,
તેમના અનુયાયીઓની અને વંશ-પરંપરાગત કુટુંબશાહીની આકરી જબાનમાં તીખી ટીકા કરતા તે અચકાતા નહીં. તેમણે
નહેરુ માટે એક વાર કહ્યું હતું, “નહેરુ એક નાના માણસ છે, ગાંધીજીના આશીર્વાદ અને વીરપૂજામાં રાચતી પ્રજાના
અહોભાવથી એ રાષ્ટ્રીય લોકપ્રિયતાના શિખર પર મુકાઈ ગયા છે.”

લોહિયા ભણવામાં તેજસ્વી હતા. સતત સારા ગુણ અને ક્રમાંક મેળવી ઉત્તીર્ણ થતા. મેટ્રિકની પરીક્ષામાં એ
શાળામાં પ્રથમ નંબરે આવ્યા. તે પછી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઈન્ટર સુધી ભણ્યા. કલકત્તા યુનિવર્સિટીમાં જોડાઈ
એમણે બી.એ. કર્યું (1929), બ્રિટનની મૂડીવાદી, રૂઢિચુસ્ત અને ઉપરછલ્લી શિક્ષણ અને સમાજપ્રથાથી એ નારાજ હતા.
તેથી આગળનું ઉચ્ચ શિક્ષણ લેવા બ્રિટનની ખ્યાતનામ શિક્ષણસંસ્થાઓને બદલે એમણે જર્મન શિક્ષણ સંસ્થા-પ્રથાને પસંદ
કરી. જર્મન ભાષા શીખી લીધી. એમની ગુણવત્તાને આધારે એમને નાણાકીય સહાય મળી. બર્લિન યુનિવર્સિટીમાંથી એમણે
પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એમના મહાનિબંધનો વિષય હતોઃ “નમક સત્યાગ્રહ”- “મીઠાનો સત્યાગ્રહ”. એમા
મહાનિબંધમાં એમણે ગાંધીજીની સામાજિક-આર્થિક રાજકીય વિચારસરણીની છણાવટ કરી હતી.

લોહિયા લૂખા-સૂખા વિદ્વાન અને રાજકારણી નહોતા. ભારે મોટા સાહિત્યપ્રેમી, વાચક અને સર્જક હતા. તેમણે
લખેલા કૃષ્ણ, શિવ અને રામ પરના નિબંધો વાંચો તો છક થઈ જાવ. એમણે લખેલા કૃષ્ણ, શિવ અને રામ પરના લેખનો
થોડો અંશ તેની પ્રતીતિ કરાવશેઃ

“કૃષ્ણની બધી વસ્તુઓ બે છેઃ બે મા, બે બાપ, બે નગર, બે પ્રેમિકાઓ અથવા કહો કે અનેક. જે ચીજને સંસારી
અર્થમાં પછીથી મળેલી કહીએ છીએ અથવા સમાજે સ્વીકારેલી અને સામાજિક કહીએ તો સાચી અસલ વ્યક્તિ કરતાંય
શ્રેષ્ઠ અને અધિક પ્રિય બની ગઈ છે.

આમ તો કૃષ્ણ દેવકીનંદન છે પણ યશોદાનંદન વધારે છે. એવા લોકો મળવાની સંભાવના છે જે કૃષ્ણની અસલી
મા-પેટમાનું નામ ન જાણતા હોય, પણ પાછળવાળી-દૂધવાળી મા યશોદાનું નામ ન જાણનારો તો ભાગ્યે જ મળે. એવી જ
રીતે વસુદેવ કંઈક હારી ગયેલા ભાગે છે, પણ નંદને તો અસલી બાપ કરતાંય કંઈક અધિક મોભો મળી ગયો છે.
દ્વારકા અને મથુરા વચ્ચે હરીફાઈ કરવી કંઈક ઠીક લાગતી નથી, કારણ કે ભૂગોળ અને ઈતિહાસે મથુરાને સાથ
આપેલો છે, પરંતુ જો કૃષ્ણનું ચાલે, તો દ્વારકા… અને દ્વારકાધીશ, મથુરા અને મથુરાપતિ કરતાં અધિક પ્રિય રહ્યા છે
ગોકુળ અને મથુરા. મથુરા કરતાં બાળલીલા અને યૌવનક્રીડાની દ્રષ્ટિએ વૃંદાવન અને બરસાના વગેરે સ્થળો અધિક
મહત્વપૂર્ણ છે.

પ્રેમિકાઓનો પ્રશ્ન થોડો ગૂંચવાયેલો છે. કોની સરખામણી કરવી ? રુક્મિણી અને સત્યભામાની, રાધા અને
રુક્મિણીની અથવા રાધા કે દ્રૌપદીની. પ્રેમિકા શબ્દનો અર્થ સંકુચિત કરવાનો નથી, સખા-સખીનો ભાવ ધ્યાનમાં
રાખવાનો છે. હવે તો મીરાં પણ આ હોડમાં ઊતરી છે. જે હોય તે, અત્યારે બડભાગી કોઈ હોય તો તે રાધા જ છે. ત્રણ
લોકનો સ્વામી એનો દાસ છે. સમયના ફેરે અથવા મહાકાલ દ્રૌપદી અથવા મીરાંને રાધાની જગ્યાએ પહોંચાડે, પણ એ
એટલું સંભવ લાગતું નથી. ગમે તેવી સ્થિતિ ભલેને હોય, પણ રુક્મિણી ક્યારેય રાધાની ટક્કર લઈ શકે તેમ નથી.”

ડૉ. રામમનોહર લોહિયા એક વિરલ વ્યક્તિત્વ હતા. સ્પષ્ટવક્તા અને પોતાના આગવા રાજકીય વિચારો ધરાવતા
આ વ્યક્તિને ભારતીય રાજકારણ અને સ્વતંત્રતાનો ઈતિહાસ ભલે ભૂલી ગયો, પણ આજે એમના જન્મદિવસે એમને
આપણે સહુ અંજલિ આપીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *