ભારતીય સિનેમાના પિતામહ તરીકે જેને ઓળખવામાં આવે છે એવા દાદાસાહેબ ફાળકે
પાસેથી આપણને આજની આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગિફ્ટ મળી છે. 19 વર્ષની લાંબી કરિયરમાં
એમણે 15 ફિચર ફિલ્મો અને 27 ટૂંકી ફિલ્મો બનાવી. એમનું પૂરું નામ ધુંડિરાજ ગોવિંદ ફાળકે.
જન્મ નાશિકમાં. પિતા સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં પ્રાધ્યાપક.
1870માં જન્મેલા ધુંડિરાજ બાળપણથી જ એક્ટર બનવા માગતા હતા, એક સારા જાદુગર હતા.
એમણે સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી કલાની ડિગ્રી લીધી. વડોદરાની કોલેજમાંથી ફોટોગ્રાફીનો
કોર્સ કરીને એ રાજા રવિ વર્માના આસિસ્ટન્ટ તરીકે જોડાયા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજા
રવિ વર્માને ચિત્રો બનાવવા માટે વડોદરા બોલાવ્યા હતા. એ જ ગાળામાં ધુંડિરાજ નામના તેજસ્વી
વિદ્યાર્થીને જોઈને મહારાજા સાહેબે એને રવિ વર્માના આસિસ્ટન્ટ બનાવ્યા. ધુંડિરાજની કલા અને
મહેનત જોઈને થોડાક જ વખતમાં રાજા રવિ વર્માએ એમને પોતાના નિકટના વર્તુળમાં સામેલ કર્યા.
જોકે, રાજા રવિ વર્માની આર્થિક અને માનસિક હાલત બહુ સારી નહોતી. એમની પ્રિયતમા સુગંધાએ
આત્મહત્યા કરી લીધી. સમાજે એમનો બહિષ્કાર કર્યો. એમના ચિત્રો પર અશ્લીલતાનો આરોપ
લગાવી એમના ચિત્રો બેઈન કરવામાં આવ્યા. એકલા પડી ગયેલા રાજા રવિ વર્માએ શરાબનો આશરો
લીધો… ચિત્રો કરવાના બંધ કરી દીધા. એ જ ગાળામાં પ્લેગ ફાટી નીકળ્યો. રાજા રવિ વર્માએ શરૂ
કરેલો પ્રિન્ટીંગ પ્રેસ બંધ કરવાનો વારો આવ્યો ત્યારે એમણે એ પ્રેસ વેચીને પૈસા ધુંડિરાજને આપી
દીધા. એક કલાકાર તરીકે રાજા રવિ વર્માને ખાતરી હતી કે, એમનો આ વિદ્યાર્થી, આસિસ્ટન્ટ
જીવનમાં કશું અદભૂત કરીને એમને અંજલિ આપશે. રાજા રવિ વર્માનો 2 ઓક્ટોબર, 1906ના
દિવસે દેહાંત થયો, એના સાત વર્ષ પછી 21 એપ્રિલ, 1913માં દાદાસાહેબ ફાળકેની પહેલી ફિલ્મ
‘રાજા હરિશ્ચંદ્ર’ ઓલંપિયા થિયેટર, મુંબઈમાં 3 મે, 1913ના રોજ કોરોનેશન સિનેમૈટોગ્રાફ અને
વૈરાઈટી હોલ, ગિરગાંવમાં રજૂ થઈ.
આપણે બધા ફિલ્મ ચાહકો છીએ. ભારતીય સમાજની ફેશન અને જીવનશૈલીથી શરૂ કરીને
ભારતીય ક્રાઈમ ઉપર પણ સિનેમાની ઊંડી અસર જોવા મળે છે. સિનેમા પછી હવે ટી.વી. અને
ઓટીટી પણ ભારતીય જીવનશૈલીને પ્રભાવિત કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલી મૂક ફિલ્મ ‘રાજા
હરિશ્ચંદ્ર’ બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું બીજ નાખનાર દાદાસાહેબ ફાળકેને આજે 30 એપ્રિલના
દિવસે યાદ કરવા જોઈએ. જે સમયે કોઈને ખબર પણ નહોતી કે ફિલ્મ એક વ્યવસાય બની શકે ત્યારે
40 વર્ષની ઉંમરે એક નવી શરૂઆત કરીને એમણે પાંચ પાઉન્ડમાં એક કેમેરો ખરીદ્યો. દિવસમાં 20
કલાક કામ કરીને, અનેક સંશોધનો કરીને એમણે ફિલ્મ ડેવલપ કરતાં પણ શીખી લીધું. આવા
ઉન્માદથી કામ કરવાને કારણે એમની એક આંખની દ્રષ્ટિ ચાલી ગઈ. આવું કામ કરવાનું નક્કી કરીને
એમણે સમાજની ખફગી વહોરી લીધી અને એમને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા, પરંતુ આ સમયે
એમની પત્ની સરસ્વતીબાઈ એમની સાથે મજબૂત રીતે ઊભા રહ્યા અને એમણે પોતાના બધા
દાગીના ગિરવે મૂકી પતિને પૈસા અપાવ્યા. (40 વર્ષ પછી સત્યજીત રાયની પત્ની બિજોયા રાયે
એમના પતિને ‘પાથેર પાંચાલી’ બનાવવા માટે આવી જ રીતે પૈસા આપ્યા હતા)
ધુંડિરાજ-દાદાસાહેબે એક વાસણમાં વટાણા પલાળ્યા. એમાં ફણગા ફૂટીને પાંદડા આવવા
સુધીની પ્રક્રિયાને એક પછી એક ફ્રેમની સાધારણ કેમેરાથી ફોટોગ્રાફી કરીને એમણે ટાઈમ મેપ્સ
ફોટોગ્રાફીની ટેકનિકનો યુઝ કર્યો. આ નાનકડી ફિલ્મ જોઈને એમને એક ભાગીદાર મળ્યા, પરંતુ
સમાજના બહિષ્કારને કારણે એ પાછા હટી ગયા.
1912માં 42 વર્ષની ઉંમરે ફિલ્મ પ્રોડક્શનમાં કોર્સ કરવા માટે ઈંગ્લેન્ડ ગયા. એક-બે બ્રિટીશ
ડિરેક્ટરના હાથ નીચે કામ કરીને એમણે વિલિયમસન કેમેરા ફિલ્મ પર્ફોરેટર, પ્રોસેસિંગ અને પ્રિન્ટીંગ
મશીન સ્ટીમરના રસ્તે ભારત મંગાવ્યા. એ પછી એમણે ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી. જાતે લખી, જાતે
ફોટોગ્રાફી કરી. એમણે પોતાની પત્ની સરસ્વતીબાઈને ફિલ્મ એક્સપોઝ કરી, ડેવલપ કરતા શીખવ્યું.
દાદાસાહેબે પોતે જ મુખ્ય કલાકારની ભૂમિકા કરી. મહિલા કલાકાર ઉપલબ્ધ ન હોવાને કારણે
હોટેલના એક પુરુષ રસોઈયા સાળુંકેને સ્ત્રીની ભૂમિકા આપી. દાદરના એક ફોટોગ્રાફી સ્ટુડિયોમાં સેટ
બનાવીને શુટિંગ કરવામાં આવ્યું. શુટિંગ અવેલેબલ લાઈટ સાથે દિવસની રોશનીમાં કરવામાં આવ્યું.
દિવસે દાદાસાહેબ શુટિંગ કરે અને રાત્રે એમના પત્ની એક્સપોઝ ફિલ્મને ડેવલપ કરે જેથી શુટિંગ કેવું
થયું છે એની ખબર પડે. 3700 ફીટ લાંબી ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ઈંગ્લિશ ફિલ્મો જોનારા
ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો થિયેટરમાં ન આવ્યા, પરંતુ ભારતીય પ્રેક્ષકોને એ ફિલ્મ ખૂબ ગમી.
એ ફિલ્મ મૂક હતી એટલે મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં સબટાઈટલ આપવામાં આવ્યા.
એના પછી એમણે બીજી બે ફિલ્મો ‘મોહિની ભાસ્માસુર’ અને ‘સત્યવાન સાવિત્રી’ બનાવી. પોતાની
ત્રણેય ફિલ્મો લઈને એ ઈંગ્લેન્ડ ગયા અને ઈંગ્લિશ સબટાઈટલ સાથે ભારતની પૌરાણિક ફિલ્મોની
કથાને અંગ્રેજો સમક્ષ રજૂ કરી જેની ખૂબ પ્રશંસા થઈ… હવે દાદાસાહેબને સૌ કોઈ પૈસા આપવા
તૈયાર હતા. કોલ્હાપુર નરેશ સ્વયં એમના ફાઈનાન્સ બન્યા અને એમણે પહેલી અને આખરી (સવાક)
બોલતી ફિલ્મ ‘ગંગાવતરણ’ બનાવી.
આ આખીયે કથા ફિલ્મ ‘હરિશ્ચંદ્ર ચી ફેક્ટરી’માં રજૂ કરવામાં આવી છે. 2009માં બનેલી
આ ફિલ્મને નેશનલ એવોર્ડ સહિત અનેક એવોર્ડ્ઝ મળ્યા. દાદાસાહેબ ફાળકેના જીવન પર બનેલી
આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક પરેશ મોકાશી છે.
દાદાસાહેબ ફાળકેનો ગુજરાત સાથે જૂનો અને ઊંડો સંબંધ છે. બરોડા કોલેજમાંથી ફોટોગ્રાફી
ન શીખ્યા હોત તો એમને ફિલ્મ બનાવવાનો વિચાર ન આવ્યો હોત, કદાચ! એવી જ રીતે મહારાજા
સયાજીરાવે જો એમને રાજા રવિ વર્મા સાથે કામ કરવાની તક ના આપી હોત તો કદાચ એમને એમના
સેટ માટેના ચિત્રો, લાઈટ્સ અને વેશભૂષાનો આટલો સ્પષ્ટ અને સુંદર ખ્યાલ ન પણ હોત! સાથે જ
એક મહત્વની અને મજાની વાત એ છે કે, જેટલા લોકોએ જૂની ઘરેડમાંથી નીકળીને કશું નવું, કશું
જુદું કરવાનો પ્રયાસ કર્યો છે એ સૌને ક્યાંક, કશેક મોટી મોટી સમસ્યાઓનો સામનો કરવો જ પડ્યો
છે. કશુંક નવું, અદભૂત કરવા માટેનો રસ્તો ક્યારેય સરળ હોતો નથી.
સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા, ‘વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે… ચરે, ફરે, રતિ કરે,
ગર્ભને ધરે, અવતરે, મરે…’ જેવું તો સૌ જીવે છે. જ્યારે દેશ આઝાદ પણ નહોતો થયો ત્યારે
ગુલામીની માનસિકતામાં, અંગ્રેજોથી દબાઈને બેસી રહેવાને બદલે એક 40 વર્ષના માણસે નવેસરથી
શરૂઆત કરવાનો વિચાર કર્યો… કશુંક એવું કરી બતાવ્યું જેનાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગના બીજ
નંખાયા. આજે બે હજાર જેટલી ફિલ્મો દર વર્ષે બને છે. લાખો લોકોને રોજી મળે છે અને કરોડો લોકો
એમાંથી મનોરંજન મેળવે છે એ માટે દાદાસાહેબ ફાળકેને સલામ.