ભોળાભાઈ પટેલઃ ગદ્ય લેખનની કવિતા

…આ શબ્દો પવનપાવડી બની જાય છે મારે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તે
દિશામાં માત્ર વિદિશા નથી, દસે દિશા છે… સાત સમુંદર, તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ,
ઝાડ જંગલ… પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ.

કેવડો મોટો દેશ છે આપણો આ! આખો જનમારો ભમીએ તોય પાર ના આવે. એકલા
હિમાલય માટે જાણે એક જનમારો ઓછો પડે. પછી કેટલા પહાડ, નગર, સમુદ્રતટ? કેટલો ભવ્ય
અતીત? થાય કે બધું જ બધું ભમીએ, પણ બધે ફરીને ઘણી વાર હું મારા પેલા ગામની ભાગોળે
પહોંચું છું. જાણે આખા બ્રહ્માંડમાં ફરીને ત્યાં જઈ ઊભો રહું છું. નાના હતા અને નિશાળમાં ભણતા
ત્યારે ચોપડી પર નામની સાથે આખું સરનામું લખતા. આખું એટલે? એટલે નામ, પિતાનું નામ,
દાદાનું નામ, પછી અટક, પછી શેરી, મહોલ્લો, ગામ, પછી તાલુકો, જિલ્લો, રાજ્ય. પછી લખીએ
દેશ – હિન્દુસ્તાન, ખંડ – એશિયા પછી પૃથ્વી અને છેલ્લે આવે બ્રહ્માંડ. હવે ઊલટક્રમે બધું વટાવી
ગામની ભાગોળે, પણ ત્યાં ઝાઝું રહેવાનું થતું જ નથી. પેલા ગજરામારુની જેમ બાપના ગામમાંથી
નિર્વાસન પામ્યો છું. સ્વેચ્છયા. મહાનગરના માર્ગો પર ઉનાળાની કોઈ બપોરે ચાલતાં ચાલતાં એ
નિર્વાસનનો બોધ તીવ્ર થઈ આવ્યો છે, પણ સંસારનું રોજ-બરોજનું કામ બધાં સાથે જોડી દે છે, પણ
પાછો સણકો ઊપડે-હેથા નય, હેથા નય… (અહીં નહીં, બીજે ક્યાંક બીજે ક્યાંક, બીજે કોઈ
ઠેકાણે…)

આવનારા વર્ષોમાં ગુજરાતી ભાષાનું શું થશે એવી ચિંતા સૌ કરી રહ્યા છે. ડૉ. વિનોદ
જોષીએ એકવાર કહેલું, “ભાષા માણસે બનાવેલી વસ્તુ છે. એનું ભવિષ્ય શાશ્વત તો નથી જ.
માણસે બનાવેલી દરેક ચીજ જેમ સમય સાથે ઘસાય છે, બદલાય છે અને અંતે નષ્ટ થાય છે એમ જ
સદીઓ પછી, હજારો વર્ષ પછી ભાષા પણ નષ્ટ થશે જ.” એમણે સાથે જ ઉમેરેલું, “પરંતુ, એની
સાથે જ એ ભાષામાં રચાયેલું સાહિત્ય માનવજીવનને બદલવા, ઉત્કૃષ્ટ અને વિશુધ્ધ બનાવવાની
શક્તિ ધરાવે છે.”

આ વાત પોતાના પુસ્તક ‘આવ, ગિરા ગુજરાતી’ માં ભોળાભાઈ પટેલે લખી છે, પણ
એટલું તો ખરું કે મારા તમામ લેખોમાં કોઈને કોઈ રીતે ગુજરાતી માટેની નિસ્બત છે. ‘આવ, ગિરા
ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું’ – એ કવિશ્વર દલપતરામની કાવ્યપંક્તિ પરથી આ
પુસ્તકના શીર્ષકનું નિર્ધારણ થયું છે. દલપતરામ જેટલો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અને પુરુષાર્થ તો
ક્યાંથી લાવવાં? અનેકવાર ચિંતા થતી હતી કે ગુજરાતી સાહિત્યક્ષેત્રે હવે અગાઉ જેવી
અધ્યયનપરંપરા રહી નથી પણ આ વખતના જ્ઞાનસત્રમાં યુવા વિદ્વાનોએ એવી ચિંતાને કારણ નથી –
એવી પ્રતીતિ કરાવી છે. આશા છે, ગુજરાતી સાહિત્યના ભાવિ વિશે ઘણી આશા છે. (જાન્યુઆરી,
1997-પરબ.)

ભોળાભાઈ વિશે જ્યારે પણ વિચારીએ ત્યારે એક સૌજન્યશીલ, પ્રેમાળ, મૃદુભાષી
અને ભાષા સાથે નિસ્બત ધરાવતા-સ્વભાવે અને પ્રકૃતિએ ‘શિક્ષક’ની કલ્પના આવે. બહુ ઓછા લોકો
જાણે છે, પરંતુ એમના 52 કરતાં પણ વધુ પ્રકાશનોમાં હિન્દી, બંગાળી, આસામીસ, ઓરિયા,
જર્મન, ફ્રેન્ચ, મરાઠી, પૂરિયા અને સંસ્કૃત ભાષાના અનુવાદ સામેલ છે. તેઓ ગુજરાતી ભાષાના એક
‘પૉલીગ્લોટ’ (મલ્ટીલિન્ગ્યુઅલ) હતા.

તેમણે તેમના યુરોપ અને અમેરિકાના પ્રવાસવર્ણનો લખ્યા છે. તેઓ કવિ કાલિદાસ અને નૉબેલ પુરસ્કર્તા
રવિન્દ્રનાથ ટાગોરના વિષયોમાં નિષ્ણાત ગણાતા હતા.

પ્રવાસનિબંધના લલિત નિરૂપણમાં એમણે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળનાં સંવેદનોએ અંગત
સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે; આથી જ ‘વિદિશા’ (૧૯૮૦) નિબંધસંગ્રહની અગિયાર રચનાઓમાં
લેખકનું પરિભ્રમણ નહીં, પણ સૌંદર્યભ્રમણ વિશેષ ધ્યાનાકર્ષક બને છે. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તો નિમિત્ત બન્યાં
છે; સર્જકની રસિકતા જ સંગ્રહની મોટા ભાગની રચનાઓનું ચાલકબળ બની છે. સંગ્રહની ‘વિદિશા’ અને ‘માંડુ’
ઉત્તમ કૃતિઓ છે. સંગ્રહની અંતિમ રચના ‘તેષાં દિક્ષુ’ અન્ય દશેય પ્રવાસ-લલિતનિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતા
તંતુ સમાન છે. ‘પૂર્વોત્તર’ (૧૯૮૧)માં ઈશાન ભારતનું પ્રવાસ આલેખન છે. એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષમાને,
રમણીયતાને તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાઈ છે. ‘રાધે તારા ડુંગરિયા પર’ (૧૯૮૭), ‘દેવોની ઘાટી’ (૧૯૮૯)
‘દેવતાત્મા હિમાલય’ (૧૯૯૦), ‘દશ્યાવલી’ (૨૦૦૦), ‘ચિત્રકૂટના ઘાટ પર’ (૨૦૦૧), ‘યુરોપ અનુભવ’ (૨૦૦૪)
એમના અન્ય પ્રવાસનિબંધસંગ્રહો છે. એમની ગદ્યશૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે.
એમના લલિત નિબંધો ‘બોલે ઝીણા મોર’ (૧૯૯૨), ‘શાલભંજિકા’ (૧૯૯૨), ‘ચૈતર ચમકે ચાંદની’ (૧૯૯૬) માં
તેમના સૌંદર્યપ્રણિત, સંવેદનશીલ વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવાય છે.

એમના પ્રથમ પુસ્તક ‘સુરદાસની કવિતા’ (૧૯૭૨) પછી ‘અધુના’ (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા’ (૧૯૭૩),
‘પૂર્વાપર’ (૧૯૭૬), ‘કાલપુરુષ’ (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’ (૧૯૮૭) ‘સાહિત્યિક પરંપરાનો
વિસ્તાર’ (૧૯૯૬), ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ (૧૯૯૭), ‘આવ ગિરા ગુજરાતી’ (૨૦૦૩) વગેરે વિવેચનગ્રંથો
પ્રગટ થયા છે. ‘અધુના’ના પંદર લેખો પૈકી મોટા ભાગના લેખો સાહિત્યકૃતિ, કર્તા કે સાહિત્ય સ્વરૂપવિષયક છે;
‘પૂર્વાપર’ના ચોવીસ લેખોમાંના કેટલાક પરદેશી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિમાં ડોકિયું કરાવે છે; કેટલાક ઓડિયા –
બંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિનો પરિચય કરાવે છે; તો કેટલાક ગુજરાતી સાહિત્યની કેટલીક
નોંધપાત્ર કૃતિઓ વિષેનો અભ્યાસ નિરૂપે છે. સંગ્રહના પ્રથમલેખ ‘ગીત એ અસ્તિત્વ’ માં જર્મન કવિ રાઈનેર મારિયા
રિલ્કેની મહત્વપૂર્ણ કૃતિ (ઓર્ફિયસ પ્રતિ-સૉનેટ)ના એકાદ-બે મહત્વના પહેલુઓને વણી લેવાનો લેખકનો પ્રયત્ન છે.
‘ભારતીય ટૂંકીવાર્તા’ એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષાઓમાં લખાયેલી
ટૂંકીવાર્તાઓનો અહીં એમણે રસાસ્વાદ કરાવ્યો છે. એમનું વલણ અહીં પણ, અલબત્ત, તુલનાત્મક છે. ‘મળી
માતૃભાષા મને ગુજરાતી’ અને ‘આવ, ગિરા ગુજરાતી’માં ‘પરબ’ નિમિત્તે લખાયેલા સંપાદકીય-તંત્રીલેખોના ચયનો છે.

ભોળાભાઈને ઇ.સ. ૨૦૦૮માં ભારત સરકાર તરફથી દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી
એનાયત થયો હતો. તેમને કે. કે. બિરલા ફાઉન્ડેશન ફેલોશીપ મળી હતી. ૧૯૯૫માં તેમને ગુજરાત સાહિત્યસભા
તરફથી ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૯૨માં તેમના
પુસ્તક દેવોની ઘાટી ને સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પારિતોષિક મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી રોડ પરના એક
ચાર રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું છે.

‘સાક્ષરનો સાક્ષાત્કાર’ નામના સંપાદનની સિરિઝ જેમાં અનેક સાક્ષરોના જીવન અને જીવનશૈલીની
માહિતી એમની જ કલમે એકત્રિત કરવામાં આવી છે. એ પુસ્તકમાંથી ભોળાભાઈ પટેલ વિશે કેટલીક માહિતી અહીં
મૂકી છે. નવી પેઢી માટે કદાચ ભોળાભાઈ પટેલનું નામ એટલું જાણીતું ન હોય તો પણ, અનેક ભાષામાંથી ગુજરાતીને
જેમણે ઉત્તમ પુસ્તકો આપ્યા છે એવી વ્યક્તિને એક ‘ગુજરાતી’ તરીકે યાદ કરવાનો આજે દિવસ છે.

જન્મ તારીખ-જન્મ સ્થળઃ 7 ઓગસ્ટ, 1934, સોજા. જિ. મહેસાણા.
નામ-અટકઃ ભોળાભાઈ પટેલ.
પિતા-માતાનું નામઃ શંકરદાસ, રેવા.
મૂળ વતનઃ સોજા.
ડિગ્રીઃ એમ.એ. (હિન્દી), એમ.એ. (અંગ્રેજી), પી.એચ.ડી.
લગ્નસાલ-લગ્નસ્થાનઃ 1948, માણસા.
લગ્ન પૂર્વે પ્રેમની અનુભૂતિઃ ……
પત્નીનું નામ અને શિક્ષણઃ શકુબહેન.
સંતાન સંખ્યાઃ પાંચ
લગ્નબાહ્ય સંબંધ વિશેનો મતઃ રૂઢિગત નહીં.
પ્રારંભકાળમાં કયા મુખ્ય લેખકો અને કઈ કૃતિઓનો પ્રભાવ સ્વીકારો છો?: રવીન્દ્રનાથ, અજ્ઞેયજી,
કાકાસાહેબ, ઉમાશંકર, સુરેશ જોષી, The Gardner, નદી કે દ્વીપ, હિમાલયનો પ્રવાસ,
ગંગોત્રી, જનાન્તિકે.
કેટલી ભાષાઓથી પરિચિત છો?: ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બંગાળી,
અસમિયા, સંસ્કૃત.
આરંભે કયા સામયિકમાં કૃતિ પ્રકાશિત થવાથી હર્ષની લાગણી જન્મેલી?: સંસ્કૃતિ
કૃતિઓથી કીર્તિ મળી?: ‘વિદિશા’, ‘કાંચનજંઘા’
કેટલા સાહિત્યપ્રકારો, લેખનપ્રકારો અજમાવ્યા? નિબંધ, ભ્રમણવૃત્ત, (વિવેચન)
પ્રસિદ્ધ પુસ્તકોની સંખ્યા? 52.
કયું વાહન વાપરો છો?: મ્યુનિસિપલ બસ, રિક્ષા
પ્રતિષ્ઠાપ્રદર્શન કે સામાજિક કુરૂઢિનું ખંડન કર્યાનો એક દાખલો? બધાં બાળકોને
ગોળ બહાર પરણાવ્યાં.
વર્ણાશ્રમવ્યવસ્થા અંગેની માન્યતા? વર્ણાશ્રમવ્યવસ્થા કૃત્રિમ છે, ન હોવી જોઈએ.
લેખક તરીકેની પ્રતિબદ્ધતા કઈ જાતની? લેખન પ્રત્યેની. મિથ્યા કશું ન લખાય.
એક જ પ્રેરક અવતરણ આપવાનું હોય તો કયું? Happiness is not our aim of
life. (The Mother)
આપને ભાવિ જગત કઈ રીતે સ્મરે તો ગમે? ગુજરાતીના સારા ગદ્યલેખક તરીકે.

એમણે જે ઈચ્છ્યું હતું તે ચોક્કસ થયું છે, કારણ કે ગુજરાતી ભાષાના
એક શ્રેષ્ઠ ગદ્ય લેખક તરીકે એમને સમય સમયાંતરે અંજલિ અપાતી રહી છે,
અપાતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *