ભૂલનું બીજ, ગુન્હાનું વૃક્ષઃ જવાબદાર કોણ ?

‘એક માણસને કેટલી જમીન જોઈએ ?… છ ફૂટ !’ લિયો ટોલ્સટોયની આ કથા આપણે
અનેકવાર કહી છે, સાંભળી છે, પરંતુ જીવનમાં ઉતારી શક્યા નથી ! એક ગામમાં એક માણસ
પહોંચ્યો. એને જમીન ખરીદવી હતી. ગામના મુખીએ કહ્યું કે, ‘સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તમે
જેટલી જમીન પર ચક્કર લગાવી શકો એટલી જમીન તમારી થઈ જશે…’ એ માણસ રાત્રે ઊંઘમાં જ
ચક્કર લગાવતો થઈ ગયો. ઊંઘ પૂરી થયા વગર થાકેલો ઊઠીને દોડવા લાગ્યો. ખાવાપીવામાં સમય
બગાડવાને બદલે એ દોડતો રહ્યો… શરત ફક્ત એટલી હતી કે, જ્યાંથી શરૂ કર્યું હોય, સૂર્યાસ્ત પહેલાં
ત્યાં પાછા ફરવું પડે. સૂરજ ક્ષીતિજની નીચે ઉતરવા લાગ્યો ત્યારે એનામાં કોઈ શક્તિ નહોતી. મૂળ
સ્થાને પહોંચતા પહોંચતા એ મૃત્યુ પામ્યો અને એ જમીનમાં ફક્ત છ ફૂટમાં એની કબર બની ગઈ.

આજે, સોશિયલ મીડિયામાં આવી અનેક કબરો જોવા મળે છે. ખૂબ બધી જમીન મેળવવા
માટે ચક્કર લગાવતા માતા-પિતા અંતે પોલીસ સ્ટેશનના ચક્કરમાં પડી જાય છે. સાચું હોય કે ખોટું,
પરંતુ આર્યન ખાને એનસીબી સાથેની એની પૂછપરછના જવાબમાં એક જગ્યાએ કહ્યું, ‘મારા પિતાને
મળવા માટે મારે એપોઈન્ટમેન્ટ લેવી પડે છે…’ કદાચ, આવા પિતાના સંતાનો જ ખોટી દિશામાં
વળી જતા હશે ?

એક સમય હતો, કે જ્યારે નાનકડા ગામમાં કે અબજોપતિના પરિવારમાં પણ પિતાના
નામથી સંતાનને ઓળખવામાં આવતું. સંતાનની પ્રગતિ કે નાનીમોટી સિધ્ધિઓને માતા-પિતાની
ઓળખ સાથે જોડવામાં આવતી. પોતાના સંતાનના નામથી ઓળખાવામાં માતા-પિતા ગૌરવ
અનુભવતા… હવે સમય બદલાયો છે. માતા-પિતાએ મેળવેલી સિધ્ધિ કે પ્રસિધ્ધિને એના સંતાનના
કર્મો બટ્ટો લગાડે છે. ફરદીન ખાન, આર્યન કે આશિષ મિશ્રા અને મનુ શર્મા જેવાં સંતાનોને કારણે
માતા-પિતાની પ્રસિધ્ધિ તો ચાકડે ચડે જ છે, સાથે સાથે કારકિર્દી પણ ગૂંચમાં પડી જાય છે. આ
વાતને જરા જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો રાજકારણી, ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન કે
ધનપતિના સંતાનો સતત ચર્ચામાં રહે છે. એ પોતાની આગવી ઓળખ ઊભી કરે ત્યાં સુધી તો માતા
કે પિતાના નામે જ ઓળખાય છે. એમના સારા કે ખરાબ કર્મોની અસર એમના માતા-પિતા પર
પડ્યા વગર રહેતી નથી.

અમિતાભ બચ્ચને હમણાં એમના એક ઈન્સ્ટા પોસ્ટમાં પોતાના પિતા હરિવંશરાય
બચ્ચનની પંક્તિ ટાંકીને કહ્યું છે, ‘મેરે બેટે, બેટે હોને સે મેરે ઉત્તરાધિકારી નહીં હોંગે. જો મેરે
ઉત્તરાધિકારી હોંગે, વો મેરે બેટે હોંગે.’ આ વાત આપણે બધાએ એકવાર સમજી લેવા જેવી છે.
મકાન, દુકાન કે બેન્કના સ્ટેટમેન્ટમાં દેખાડવામાં આવતી કે છુપાવીને ઘરની તિજોરીમાં રાખેલી
મિલકતના વારસદાર તો કદાચ આપણા ડીએનએ સાથે જોડાયેલા આપણા સંતાનો હોઈ શકે, પરંતુ
આપણા વિચારો, આપણા સિધ્ધાંતો કે આપણા સતકર્મોના વારસદાર કોણ ? જો આપણા સંતાન જ
આપણા વિચારો, સિધ્ધાંતો કે આપણે વાવેલા સદ્કર્મોના વારસદાર હોય તો આપણા જેવું નસીબદાર
બીજું કોઈ નહીં, પરંતુ ક્યારેક એવું લાગે કે આપણા સંતાન આપણો વારસો જાળવી શકે એમ નથી તો
અફસોસ કર્યા વગર આપણા કેટલાક સિધ્ધાંતો કે સારા કર્મના વારસદાર સમય રહેતાં શોધી લેવા
જોઈએ.

છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે, માતા-પિતા મહેનત, લગન અને
પરિશ્રમથી એક સામ્રાજ્ય, એક ઓળખ ઊભી કરે છે, પરંતુ એ બધું જ એમના સંતાનની એકાદ
નાનકડી ‘ભૂલ’થી ખતમ થઈ જાય છે. અહીં સવાલ એ છે કે, સંતાન પોલીસના ચોપડે ચડે કે કોઈનો
જીવ લેવાની, ડ્રગ્સ લેવાની સ્થિતિમાં પહોંચે ત્યાં સુધી માતા-પિતાને જાણ કેમ નથી હોતી ? એક જ
ઘરમાં, એક જ છત નીચે જીવતા માતા-પિતાને સંતાનની ભૂલ કે ગુન્હાની ખબર જ્યારે પોલીસ
પાસેથી મળે ત્યારે એમના પર શું વીતતી હશે ?

બીજી તરફ, આવા પ્રસિધ્ધ કે સમૃધ્ધ માતા-પિતાના સંતાનની ભૂલ કે ગુન્હાને ચગાવવામાં
સોશિયલ મીડિયા મોટો ભાગ ભજવે છે. સાચા, ખોટા સમાચારોની સાથે ક્યારેક ભૂલાઈ ગયેલા
ભૂતકાળને પણ ઢસડીને બહાર કાઢવામાં આવે છે… જનસામાન્યને આવી ગોસિપમાં રસ છે કારણ
કે, એમની ભીતર ક્યાંક આ લોકોની પ્રસિધ્ધિ અને સમૃધ્ધિ માટે ઈર્ષાનો ભાવ છે. સોશિયલ
મીડિયામાં જે લોકો પોતાની જાતને મોરલ પોલીસ માને છે એવા લોકો આવા સમાચાર મળતાં જ
તૂટી પડે છે. ટ્રોલર્સ માટે આવી નાનકડી ઘટના પણ ‘આંગણે અવસર’ જેવી બની જાય છે. ભૂલ કે
ગુન્હો સંતાનનો હોય તો પણ એને માટે માતા-પિતાને સોશિયલ મીડિયા ઉપર એવી રીતે
વગોવવામાં આવે છે કે, એમના વીતેલા વર્ષોની મહેનત અને આજની કારકિર્દી શૂન્ય થઈ જાય છે. આ
જ સોશિયલ મીડિયાના મોરલ પોલીસો પોતાના ઘરમાં શું ચાલે છે એની માહિતી ધરાવતા ન હોય,
એવું બને… છતાં, બીજા એ શું કરવું અને શું ન કરવું એ વિશે એમની પાસે અપમાનજનક શબ્દો,
ગાળોથી શરૂ કરીને પ્રસિધ્ધ અને સમૃધ્ધ માતા-પિતાની ભૂલોનું લાંબું લિસ્ટ હોય છે.

દરેક માતા-પિતા પોતાના સંતાનનું ભલુ જ ઈચ્છે… આજના સમયમાં સંતાનનો ઉછેર કરતી
વખતે માતા-પિતા સગવડ અને સલામતી આપવા માટે જાત ઘસી નાખે છે, પરંતુ આંધળી દોડમાં એ
લોકો ભૂલી જાય છે કે સંતાનના ઉછેરમાં સંપતિ કે સલામતી કરતાં વધુ જરૂરિયાત સમય અને
સમજણની છે. ખાસ કરીને, સંતાન જ્યારે વધુ સમય ઘરની બહાર અને સોશિયલ મીડિયા પર
ગાળતું હોય ત્યારે એના જીવનમાં શું ચાલે છે એ વિશેની માહિતી રાખવી હવે અનિવાર્ય બની છે.
આધુનિક હોવાનો કે સ્વતંત્રતા આપવાનો દાવો કરતા માતા-પિતા અંતે પસ્તાય છે, એવા ઘણા કિસ્સા
આપણે આપણી આસપાસ જોઈ રહ્યા છીએ.

સૌથી ખરાબ વાત એ છે કે, આવા પ્રસિધ્ધ અને સમૃધ્ધ માતા-પિતાના સંતાનો જ્યારે ભૂલ
કરે ત્યારે મોટાભાગના માતા-પિતા એના સંતાનોને બચાવવા માટે કાયદાને તોડવા-મરોડવાની ભૂલ કરે
છે. આને કારણે કદાચ એકાદવાર સંતાન બચી જાય, પરંતુ એ પછી એને કાયદાનો ભય નીકળી જાય
છે. એકવારની ભૂલને જો પાઠ શીખવાડ્યા વગર જ ‘ભૂલાવી’ દેવામાં આવે તો, ગુન્હા તરફ આગળ
વધતાં આપણા સંતાનને કોઈ રોકી શકતું નથી. ખોટી બાબતને નહીં છાવરવી, ભૂલની સજા કરવી એ
આપણી સંસ્કૃતિ અને પ્રામાણિકતાની પરંપરાનો વારસો છે. આપણે અજાણતાં જ આપણા સંતાનની
ભૂલને છાવરવાની ‘ભૂલ’ કરીએ છીએ, એ ભૂલ ગુન્હો બની જાય પછી આપણી પાસે કોઈ ઉપાય
રહેતો નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *