ભ્રૂણ હત્યાઃ માત્ર પતિ જવાબદાર નથી હોતો!

‘જિસસે ડર લગતા હૈ ઉસે દુનિયા ભૂત માનતી હૈ, ઔર જિસે સમજ નહીં પાતી ઉસે
પાગલ…’ ઓટીટી ઉપર એક સીરિઝ ‘જિંદગી નામા’ના એક એપિસોડમાં સાયકિયાટ્રિસ્ટ એની પેશન્ટને
કહે છે. દીકરાના જન્મ માટે દુરાગ્રહી સાસુ કઈ રીતે એક એની પુત્રવધૂને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે
છે-એની પાંચ વર્ષની દીકરી આ ઘટનાની સાક્ષી બને છે. એને શરીર સંબંધથી એવો ભય લાગી જાય છે કે
એના લગ્ન તૂટવાની તૈયારીમાં છે ત્યારે એને આ મનોચિકિત્સક મળે છે. એ ડૉક્ટર એને સમજાવે છે કે, જે
ભયથી આપણે ભાગીએ એ ભય આપણી પાછળ દોડે છે, પરંતુ જો ભયની સામે ઊભા રહીએ તો સમજાય
છે કે જેનાથી ડરતા હતા એ ખરેખર સામાન્ય બાબત હતી!

દીકરીના જન્મ માટે સ્ત્રીને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ જે વિજ્ઞાન સમજે છે
એને તો ખબર છે કે X X અને X Y ક્રોમોઝોમ્ઝ માટે પુરુષના શુક્રાણુ જવાબદાર છે. આજે
જ્યારે આઈવીએફ વધુને વધુ પરિવારોનો આધાર બનતું જાય છે ત્યારે પણ, વિજ્ઞાન પાસે
ચમત્કારની-દીકરો જ જન્મે એવી માગણી કરનાર પરિવાર ઓછા નથી.

અમદાવાદ એરપોર્ટ ઉપર એક યુવા ડૉક્ટર સાથે અચાનક મુલાકાત થઈ. મહીસાગર જિલ્લામાં
પોતાની હોસ્પિટલ ધરાવતા આ ગાયનેકોલોજીસ્ટ સાથેની વાતચીતમાં જે આંકડા મળ્યા એ ચોંકાવનારા
હતા. એમનું કહેવું હતું કે, ‘આજે પણ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે એટલું જ નહીં, શિક્ષિત અને જેને સંભ્રાંત
કહી શકાય એવા વર્ગમાં આવા ગર્ભ પરિક્ષણ અને ગર્ભપાતની સંખ્યા વધુ જોવા મળે છે.’ જે લોકો બહુ
શિક્ષિત નથી એ લોકો માટે 3 કે 4 બાળકો સુધી ‘દીકરા’ના જન્મ માટે ચાન્સ લેવાની તૈયારી
હોય છે, પરંતુ જે લોકો શિક્ષિત કે ઉચ્ચ શિક્ષિત છે, આર્થિક રીતે સધ્ધર વર્ગમાંથી આવે છે એ
લોકોને 2થી વધુ બાળકો નથી જ જોઈતાં. આવા લોકો પહેલા સંતાન સુધી કદાચ ‘જે હોય તે’
એવી તૈયારી બતાવે છે, પરંતુ બીજા સંતાન વખતે ગર્ભ પરિક્ષણ માટે અતિઆગ્રહી, જિદ્દી બની
જાય છે. નવાઈની વાત તો એ છે કે, પુરુષ અથવા પતિ, આવા પરિક્ષણનો આગ્રહ રાખે, કદાચ…
પરંતુ, સ્ત્રી, સાસુ અને ગર્ભવતી મહિલા પણ આવો આગ્રહ રાખતી જોવા મળે છે. સરકાર માને
છે કે, સ્ત્રી પોતાના સ્વસુર પક્ષના પ્રેશરમાં કે પતિની ઈચ્છાને વશ થઈને ગર્ભપાત કરાવે છે-પરંતુ,
એ સત્ય નથી, એવું આ યુવા ડૉક્ટરે પૂરા દાવા સાથે કહ્યું. એમણે કહ્યું કે, ‘આજની આધુનિક
દેખાતી-ભણેલી સ્ત્રી પણ દીકરાનો આગ્રહ રાખે એ બહુ નવાઈની વાત છે. દેખાડવા માટે સહુ
એવો દાવો કરે છે કે દીકરી આવકાર્ય છે, પરંતુ એક દીકરી હોય એવા ઘણા બધા પરિવારમાં સ્ત્રીને
જ મેં ગર્ભ પરિક્ષણનો આગ્રહ રાખતી જોઈ છે.’

એક તરફથી આપણે વિકાસની વાતો કરીએ છીએ-કલ્પના ચાવલા અવકાશમાં જાય છે
અને બીજી તરફ, ઠેર ઠેર ‘બેટી બચાઓ’ અને ‘બેટી પઢાઓ’ના પાટિયા જોવા મળે છે-લગભગ દરેક
ગાયનેકોલોજીસ્ટને ત્યાં લખેલું હોય છે, ‘અમે ગર્ભ પરિક્ષણ કરતા નથી-ગર્ભ પરિક્ષણ એ ગુનો છે’ તેમ
છતાં, આટલા બધા ગર્ભપાત થાય છે ત્યારે, એક સવાલ એવો ઊઠે છે કે, આપણે માનસિક રીતે હજી 200
વર્ષ પાછળ જીવી રહ્યા છીએ? રાજા રામમોહન રાયે આજથી 200 વર્ષ પહેલાં દીકરીને દૂધ પીતી
કરવાના રિવાજ, સતી પ્રથા સામે અવાજ ઊઠાવ્યો હતો-ત્યારે પણ સમાજને દીકરી નહોતી
જોઈતી અને આજે 2025માં પણ આપણે કોઈ મહાન બદલાવ જોયો નથી!

ઉચ્ચ મધ્યમ વર્ગમાં દીકરીના લગ્નનો ખર્ચ લાખોથી કરોડોની વચ્ચે કરવામાં આવે છે,
પરંતુ દીકરીને આર્થિક રીતે સ્વતંત્ર કરવાનો વિચાર હજી સુધી સમાજ ખુલ્લા હૃદયે સ્વીકારતો
નથી. માતા-પિતા દીકરીના નામે મકાન ખરીદીને એને લગ્નમાં ભેટ આપવાનું બહુ પસંદ કરતા
નથી, કારણ કે એનાથી દીકરી સ્વતંત્ર થઈ જાય! એક તરફ, સ્ત્રીઓની આત્મહત્યાના કિસ્સા વધી
રહ્યા છે, ને બીજી તરફ છૂટાછેડાના કેસ પણ વધતા જાય છે-એક તરફ, સમાજ માને છે કે સ્ત્રીઓ
સ્વચ્છંદ થઈ રહી છે, બગડી રહી છે, સહિષ્ણુતા ઘટી છે અને લગ્નમાં એડજેસ્ટમેન્ટની વૃત્તિ-
પ્રવૃત્તિ ઓછી થતી જાય છે, ને બીજી તરફ, સ્ત્રી જ નિર્ણય કરીને દીકરીનો જન્મ અટકાવે છે…
આપણે કયા ત્રિભેટે આવીને ઊભા છીએ?

ભારતમાં ઝીરોથી છ વર્ષના સંતાનોના રેશિયોમાં 1961માં 100 મહિલાઓ પર 102 પુરુષોનો
આંકડો જોવા મળતો હતો. જે 2011માં 108 સુધી પહોંચી ગયો… આજે 2025માં જ્યારે આપણે
આ વાંચી રહ્યા છીએ ત્યારે પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી રાજ્યો મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને હરિયાણા
રાજ્યોમાં આ આંકડો 118-120 સુધી પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશમાં આ આંકડો 122 સુધી પહોંચ્યો
હોવાની સંભાવના છે.

1870માં બ્રિટીશ ભારતમાં પસાર કરાયેલ કાયદા પ્રમાણે સ્ત્રી બાળ હત્યા નિવારણ અધિનિયમ
મુજબ દીકરીને ગર્ભમાં કે જન્મ્યા પછી મારી નાખવી એ ગુનો છે, પરંતુ આજે 1971માં બનેલા મેડિકલ
ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ મુજબ એવું જાહેર કરવામાં આવ્યું છે કે દરેક સ્ત્રીને 24 અઠવાડિયાના ગર્ભ
સુધી જાતે નિર્ણય કરીને ગર્ભપાત કરાવવાનો અધિકાર છે, આ સ્ત્રી પરિણિત કે અપરિણિત હોઈ શકે છે…
રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ કરતા ડૉક્ટર 20 અઠવાડિયા સુધી પોતાનો અભિપ્રાય આપી શકે છે અને 20થી
24 અઠવાડિયા વચ્ચે ગર્ભપાત કરાવવા માટે બે મેડિકલ પ્રેક્ટિસ કરતા ડૉક્ટર્સના અભિપ્રાયની કાયદેસર જરૂર
પડે… પરંતુ, આ બધા કાયદા કાગળ ઉપર રહી ગયા છે. એક નવાઈની વાત એ છે કે, ગર્ભ પરિક્ષણ કરતા
ડૉક્ટર સામે સરકાર સ્ટિંગ ઓપરેશન અને કેસ કરે છે, પરંતુ ગર્ભપાત કરાવનાર મહિલા કે પરિવારને કાયદાનું
રક્ષણ મળે છે. આમાં સાદો હિસાબ એ છે કે, જ્યાં સુધી ગ્રાહક રહેશે ત્યાં સુધી વેપારી રહેશે જ! મૂળ
માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી ડૉક્ટરને સજા કરવાથી આ પ્રવૃત્તિને અટકાવી શકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *