જે લોકો નવરાત્રિને શક્તિપૂજા અથવા માની આરાધનાના દિવસો તરીકે જુએ
છે એ સહુ નવરાત્રિના નવ રૂપો વિશે તો જાણે જ છે. અખબારોમાં પણ હવે તો
દરરોજના સ્વરૂપ, એની મહત્તા અને વિગતો વિશે જાણવા મળે છે, પરંતુ એક બીજ
મંત્ર છે જેમાં માના 11 નામો છે. ‘બીજ મંત્ર’નો અર્થ થાય છે કે, એક જ મંત્રમાં સમગ્ર
શક્તિ સમાવી લેવામાં આવી હોય. અનેક શાસ્ત્રો, શસ્ત્રો અને વેદો અને પુરાણના
નિચોડને જ્યારે થોડાક શબ્દોમાં મૂકાય ત્યારે એને ‘બીજ મંત્ર’ કહેવામાં આવે છે. આ
બીજ-પણ, જેમ એક બીમાંથી અનેક દાણાનું નિર્માણ કરે તેમ એક જ મંત્રથી સમગ્ર
શાસ્ત્રોના વાચન કે પૂજનનું પુણ્ય આપે એવો મંત્ર માનવામાં આવે છે.
માનું એક નામ છે, ‘મૂલમન્ત્રાત્મિકા.’ મૂળનો અર્થ છે આધાર-ધર્મનો અર્થ પણ
એ જ થાય છે, જે ધારણ કરે છે તે! સમગ્ર ધર્મનું તત્વ જ્યાં નીચોવાઈને એકઠું થાય
છે તે-જગતજનની છે. ‘મંત્ર’ શબ્દ બે ભાગમાં વહેંચાય છે. મન અને ત્ર-જે મનની
સતત રક્ષા કરે છે તે, મંત્ર છે. મનમાં આવતા ખોટા વિચારો, અહમ, ઈર્ષા કે
અસુરક્ષા જેવી ભાવનાથી દૂર કરીને જે આપણને સાચા વિચારો અને સાચી દિશામાં
લઈ જાય છે તે ‘મંત્ર’ છે.
‘ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની.
દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોડ્સ્તુતે.’
જયંતીઃ જયતિ સર્વોત્કર્ષેણ વર્તતે ઈતિ ‘જયંતી’. જે સતત વિજય અથવા જય
અપાવે છે. જે જીવનના દરેક ક્ષેત્રમાં આપણને આગળ વધતા શીખવે છે અને જે
ઉત્કૃષ્ટ અને વિજયશાલિની છે એ જયંતી છે. હળદરને પણ જયંતી કહેવામાં આવે છે,
ધ્વજા અથવા વિજયધ્વજને પણ જયંતી નામથી સંબોધવામાં આવે છે. જે હળદર
જેવી પીતવર્ણન ધ્વજાની જેમ ઉત્કૃષ્ટ અને જીવનમાં સતત વિજય અપાવનારી છે તે
જયંતી છે.
મંગલાઃ મડ્ગં જનનમરણાદિરુપં સર્પણં ભક્તાનાં લાતિ ગૃહણાતિ નાશયતિ યા
સા મડ્ગલા મોક્ષપ્રદા. જે પોતાના ભક્તોના જન્મ-મરણના બંધનને કાપીને એમને
મોક્ષ તરફ લઈ જાય છે. જે અમંગલમાંથી મંગલ તરફ લઈ જાય છે. એવી મા જે
સૌનું કલ્યાણ કરે છે, મંગલ કરે છે તે મંગલા છે. નીલા રંગના સફેદ ફૂલવાળા દૂર્વા
ઘાસને પણ મંગલા કહેવાય છે જે ગણપતિને ચઢે છે. જે સર્વોચ્ચ સ્થાને બિરાજે છે તે
પણ મંગલા છે.
કાલિ કાલયતિ ભક્ષયતિ પ્રલયકાલે સર્વમ ઈતિ કાલી. સમગ્ર કાળ જેનો
કોળિયો છે, જે કાળનું ભક્ષણ કરે છે તે કાલિ છે. પાર્વતીના-જગતજનની કાલિ સ્વરૂપ
સાથે જોડાયેલી કથાઓ છે, જેમાં શિવને-સ્વયં મહાકાલને એણે પોતાના પગ નીચે
દબાવ્યા છે, એટલે એ કાળ ઉપર વિજય મેળવનાર છે. જે એનું પૂજન કરે છે, જે
સતત એને યાદ કરે છે એ પણ પોતાના સુખદ અંતને પામે છે, એ મહાકાલથી બચી
શકે છે અને મૃત્યુ સમયે એ શાંત અને સ્વસ્થ રહીને પોતાના અંત તરફ પ્રયાણ કરી
શકે છે.
ભદ્રકાલિઃ ભદ્રં મડ્ગલં સુખં વા કલયતિ સ્વીકરોતિ ભક્તેભ્યો દાતુમ્ ઈતિ
ભદ્રકાલી સુખપ્રદા. જે કાલિ હોવા છતાં ભદ્ર છે. ભદ્ર એટલે-સભ્ય, સુશિક્ષિત,
કલ્યાણકારી, શ્રેષ્ઠ, સાધુ, સુંદર, પ્રિય, અનુકૂળ… આ બધાની સાથે પણ એ કાલિ તો
છે જ! એ ભયાનક નથી, તેમ છતાં એણે કાળને પોતાના કાબૂમાં કર્યો છે. એવી આ
સુંદર અને ભદ્ર કાલિ છે.
કપાલિનીઃ કપાલિની ભિક્ષાપાત્ર તરીકે ખોપરીને પોતાનું સાધન બનાવ્યું છે.
કુબ્જીકામતા-તંત્ર અને શતસહસ્રસંહિતા અનુસાર કપાલ, અનંતાનો અવતાર.
(રક્તબીજનું લોહી જમીન પર પડે એમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થતા, એનું માથું
કાપીને જેણે પોતાના હાથમાં પકડ્યું અને રક્તબિંદુને જમીન પર પડવા દેવાને બદલે
રૂધિર પોતાની જીભ પર લઈ લીધું) એ કપાલિની એ ઉદમરેશ્વર તંત્રમાં ઉલ્લેખિત
છત્રીસ યક્ષિણીઓમાંની એકનું નામ છે. યક્ષિણી-સાધનામાં, યક્ષિણીને સંરક્ષક ભાવના
તરીકે ગણવામાં આવે છે જે સાધકને સાંસારિક લાભ આપે છે. યક્ષિની સંપત્તિ અને
સત્તા મેળવવામાં મદદરૂપ થાય છે. ભવિષ્યવેત્તા છે, રુદ્રરૂપા છે. રુદ્રનો એક અર્થ
રૂદન પણ છે, જે શત્રુઓને રડાવે છે તે.
દુર્ગાઃ દુઃખેન અષ્ટાડ્ગયોગકર્મોપાસનારુપેણ ક્લેશેન ગમ્યતે પ્રાપ્યતે યા સા
દુર્ગા. અષ્ટાંગયોગની સાધના દરમિયાન કર્મ અને ઉપાસનાના સહયોગથી જે
દુઃસાધ્ય છે. જેને દુરારાધ્યા, દુર્ગતિશમની છે. સંપૂર્ણ જગતના યોગક્ષેમની અધિષ્ઠાત્રી
એકમાત્ર જગદંબા જ તત્વસ્વરૂપ છે. તેની ઉપાસનાથી જીવ પોતાની ત્રુટિઓ દૂર
કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. જગદંબાના અનેક નામ અને રૂપ પ્રસિધ્ધ છે, છતાં
પણ દુર્ગા નામ સર્વપ્રધાન અને ભક્તોમાં અતિપ્રિય જણાય છે. તેના અક્ષરોને છૂટા
પાડીને સમજીએ તો દૈત્યોના વિનાશ કરનારી, વિઘ્નનાશક, રોગનાશક, પાપનાશક
અને ભય તથા શત્રુઓનો વિનાશ કરનારી છે.
ક્ષમાઃ ક્ષમતે સહતે ભક્તાનામ્ અન્યેષાં વા સર્વાનપરાધાન્જ
નનીત્વેનાતિશયકરુણામયસ્વભાવાદિતિ ક્ષમા. માનો સ્વભાવ જ ક્ષમા કરવાનો છે. એ
પોતાનાથી થઈ શકે ત્યાં સુધી સૌને માફ કરે છે, સૌના અપરાધને ક્ષમા કરે છે.
‘દુર્ગાસપ્તશતી’માં જણાવ્યા પ્રમાણે ચિતિરૂપા શક્તિ સમગ્ર જગતને વ્યાપીને રહેલી છે.
આ શક્તિ ‘શઠં પ્રતિ શુભંકરી’ છે. એટલે કે ‘દુષ્ટો પ્રત્યે પણ તે દયા પ્રગટ કરે છે.’
દુષ્ટોનું દમન કરવું એ જ એનું શીલ છે.
શિવાઃ શિવની પત્ની છે, અર્ધાંગિની છે. શિવની જેમ એના પણ સૌમ્ય અને રૌદ્ર
રૂપ છે. જેમ નર અને નારાયણી છે તેમ જ શિવ અને શિવા છે. પાર્વતીના એક
સ્વરૂપને શિવા કહેવામાં આવે છે. સ્વયં મહાદેવ એમની સ્તુતિમાં કહે છે કે, શક્તિ
વગર હું શિવ નહીં, શવ છું.
ધાત્રીઃ જે ધારણ કરે છે તે. જેણે સમગ્ર જગતને ધારણ કર્યું છે. જ્ઞાનમાં
ચિન્મયાનંદા અને શૂન્યોમાં શૂન્ય શાક્ષિણી છે. જે ‘મા’ છે, જેણે સમગ્ર જગતને
પોતાના એક અંશમાંથી ઉત્પન્ન કર્યું છે તે ધારિણી-ધાત્રી છે. માતૃકા-મૂળ અક્ષર
સ્વરૂપે રહેલી છે છતાં જગતને જળરૂપી દૂધ પીવડાવે છે. જેણે પૃથ્વીની જેમ સહુના
પાપ અને પુણ્યનો ભાર પોતાના ખભે ઉપાડ્યો છે તેવી આ ધાત્રી છે.
સ્વાહાઃ સ્વાહાનો શાબ્દિક અર્થ થાય છે ‘સારી રીતે કહ્યું’ અથવા ‘સારી રીતે
બોલાયેલ’… મંત્ર સારી રીતે બોલાય તે પછી સમીધ અથવા આહૂતિને યજ્ઞને સમર્પિત
કરતી વખતે ‘સ્વાહા’ કહેવામાં આવે છે. સ્વાહા ધૂમ્રની દેવી અને અગ્નિ દેવની પત્ની છે.
અગ્નિના સ્વરૂપમાં આપણા સૌનું જીવન છે. શરીર ગરમ છે ત્યાં સુધી જ એ જીવિત છે,
કામાગ્નિ કે જઠરાગ્નિ માનવજીવનને જીવિત રાખે છે, પરંતુ ક્રોધાગ્નિ પણ સ્વાહાનો જ એક
પ્રકાર છે.
સ્વધાઃ સ્વાહાની બહેન છે. જ્યારે શ્રાધ્ધના મંત્રનો ઉચ્ચાર થાય ત્યારે સ્વાહાને
બદલે સ્વધા કહેવામાં આવે છે. સ્વધા એ પૂર્વજોની પત્ની કહેવાય છે. પિતૃઓને
અર્પણ કરવામાં આવતું અન્ન પણ ‘સ્વધા’ના નામે ઓળખાય છે. એ પ્રજાપતિ દક્ષની
પુત્રી છે અને અગ્નિદેવની પત્ની છે. સ્વાહા એ પવિત્ર કાર્યોમાં ઉપયોગમાં લેવાતું
ઉચ્ચારણ છે જ્યારે સ્વધા એ શ્રાધ્ધની સાથે જોડાયેલા-પિતૃતર્પણ માટે કરાતા
યજ્ઞોમાં થતું ઉચ્ચારણ છે.