ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો જેમાં નારાયણ મેડિકલ કોલેજ અને
આંધ્ર પ્રદેશ સરકારને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારીને ન્યાયમૂર્તિ એમ.આર. શાહ (ગુજરાતી) અને
સુધાંશુ ધુલિયાએ એક ટકોર કરી, શિક્ષણ નફો કમાવા માટેનો ધંધો નથી. શાળા હોય કે કોલેજ, ઉચ્ચ
શિક્ષણ હોય કે પ્રાથમિક શિક્ષણ, ટ્યુશન ફી હંમેશાં પરવડે એટલી હોવી જોઈએ. આ એક સાચા
અર્થમાં ક્રાંતિકારી ચૂકાદો છે કારણ કે, આવનારા વર્ષોમાં આ ચૂકાદાના આધારે બીજા ઘણા રાજ્યો
અને કોલેજીસની સામે આવો જ સવાલ આવીને ઊભો રહેવાની શક્યતા છે.
બીજા એક હૃદયદ્રાવક સમાચાર એ હતા કે, ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીએ 13મા
માળેથી કૂદીને આપઘાત કર્યો. જેની સ્યુસાઈડ નોટમાં એણે લખ્યું હતું કે, સવારે પાંચ વાગ્યે ઊઠીને
વાંચવાની તૈયારી અને પિતાએ બનાવેલા ટાઈટ શિડ્યુલ ફૉલો કરવાનું એને માટે શક્ય નથી. આ બંને
પ્રસંગો સામસામે મૂકીએ તો સમજાય કે, માતા-પિતા પોતાના સંતાન પાસેથી અશક્ય એવી અપેક્ષા
એટલા માટે રાખે છે કારણ કે, એ એમની હેસિયત બહાર ફી ભરીને એમ માની લે છે કે, મોંઘી
શાળામાં જ સંતાનની કારકિર્દી શક્ય બનશે.
આજના સમાજમાં ‘મોંઘી’ સ્કૂલ જ સારી હોઈ શકે એવું માનનારા માતા-પિતાની સંખ્યા
વધતી જાય છે. ઈન્ટરનેશનલ બોર્ડ, સીબીએસસી, કેબ્રિજ જેવા જુદા જુદા બોર્ડ અને શિક્ષણના
નવતર પ્રયોગો હવે થવા લાગ્યા છે. ગ્રેડ્સ, માર્કિંગ, ક્રેડિટ જેવા જુદા જુદા રિઝલ્ટના પણ પ્રકારો શરૂ
થયા છે. આપણા દેશમાં મોટામોટા વૈજ્ઞાનિકો, અભિનેતાઓ, કલાકારો કે સ્પોર્ટ્સના સ્ટાર ‘મોંઘી’
સ્કૂલોમાં નથી ભણ્યા, એ વાત આપણે બધા જાણીએ છીએ તેમ છતાં અજાણતાં જ એક હરિફાઈ
માતા-પિતાના મનમાં શરૂ થઈ ગઈ છે. જો એમનું બાળક મોંઘી-સીબીએસસી કે ઈન્ટરનેશનલ
સ્કૂલમાં નહીં જાય તો એ જીવનમાં પાછળ રહી જશે એવું માનીને માતા-પિતા પોતાની હેસિયત કરતા
પણ વધારે ખર્ચા કરીને બાળકને ભણાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતમાં ચાર ઝોનમાં વહેંચાયેલી ફી
રેગ્યુલેટરી કમિટી કામ કરે છે. કોઈપણ પ્રાઈવેટ શાળાએ પોતાની ફી આ કમિટી પાસે અપ્રુવ કરાવવી
પડે છે. જેમાં મહિને દોઢસોથી બસ્સો રૂપિયા ફી લેતી શાળાઓથી શરૂ કરીને વર્ષે ચાર-પાંચ લાખની
ફી અને અન્ય ખર્ચ કરતી શાળાઓનો પણ સમાવેશ થાય છે.
શાળાની ફી અનેક વિભાગો (વર્ટિકલ્સ)માં વહેંચાય છે. જેમાં પગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર (શાળાનું
બિલ્ડિંગ, મેઈન્ટેનન્સ, બસ, કેન્ટીન), કેરિક્યુલર એક્ટિવિટી (પ્રોજેક્ટ્સ, સ્પોર્ટ્સ, સંગીત), ટૂર
પિકનીક, સ્પેશિયલ ટ્રેનિંગ (અભ્યાસમાં નબળા બાળકો માટે વધારાના ટ્યૂશન ક્લાસથી શરૂ કરીને
વધુ સ્કિલ્સ ધરાવતા બાળક માટે ખાસ વર્ગો), સ્કિલ ડેવલપમેન્ટ (કેટલીક શાળાઓમાં સિનેમા,
સંગીત, સ્પોર્ટ્સ વગેરે માટે વધારાની ખાસ ટ્રેનિંગની વ્યવસ્થા હોય છે), એફિલિયેશન ફી (જે બોર્ડ કે
બ્રાન્ડ સાથે શાળાનું નામ જોડાય એમને એમણે ફીનો અમુક ભાગ બ્રાન્ડ કે બોર્ડના નામના ઉપયોગ
માટે ચૂકવવો પડે છે), કન્ટીજન્સી (આકસ્મિક જરૂરિયાત) જેવા અનેક ખર્ચા હોય છે. દરેક શાળા આ
ખર્ચ પોતાની રીતે અને પોતાના સ્ટેટ્સ અથવા પોતાની ડિઝાઈન મુજબ કરે છે. દરેક વખતે-દરેક
ખર્ચો જસ્ટિફાય કે સાચો છે એવું કેવી રીતે કહી શકાય? તેમ છતાં, ફી રેગ્યુલેટરી કમિટી પાસે કેટલાક
માપદંડ છે. જેના આધારે શાળાની ફી કેટલી હોવી જોઈએ એનો નિર્ણય કરવામાં આવે છે.
એક તરફ, સરકારી શાળાઓની સ્થિતિ વિશે સતત ફરિયાદ સાંભળવા મળે છે. નાના ગામની
સરકારી શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી કે આંગણવાડી અને સ્લમ વિસ્તારમાં આવેલી-નાના
ગામોમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તર વિશેની ફરિયાદ મીડિયા સતત ઉછાળતું રહે
છે. એના બચાવમાં સરકાર પોતે જે કંઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકે છે એ આપવાનો પ્રયાસ ચોક્કસ કરે
છે, પરંતુ જે સારું થઈ રહ્યું છે એની વાત મીડિયામાં ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. જે નથી
થયું અથવા જે સમસ્યા છે એને એટલી હાઈલાઈટ કરવામાં આવે છે કે, માતા-પિતા એવું માની લે છે
કે સરકારી શાળામાં બાળકને ભણાવવાનો કોઈ અર્થ નથી. આ એક વિષયસ સર્કલ છે. જેમ સરકારી
શાળામાં હાજરી ઘટતી જાય છે એમ એનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણનો સ્તર કથળતો જાય છે.
મોંઘીદાટ ફી સામે ફરિયાદ અને કોર્ટકેસીસ ચાલે છે, પરંતુ એની સામે આ જ સીબીએસસી કે
ઈન્ટરનેશનલ બોર્ડની શાળાઓમાં એડમિશન માટે પડાપડી થાય છે એ પણ એટલું જ સત્ય છે!
સૌથી ગૂંચવણ ભરેલી અને દુઃખની વાત એ છે કે, મોંઘીદાટ શાળાઓમાં બાળકોને
ભણાવવાની માતા-પિતાની જીદ બાળકને લઘુતાગ્રંથિનો અનુભવ પણ કરાવે છે. આપણે ગમે તેટલું
કહીએ, પણ આપણા સમાજમાં દંભ ક્યારેય ઘટ્યો નથી. એક જ શાળામાં ભણતા બે બાળકો સરખા
પારિવારિક વાતાવરણમાંથી નથી આવતા, જેને કારણે એમની વસ્તુઓ, જીવનશૈલી અને બીજી અનેક
બાબતોમાં ફેરફાર સ્પષ્ટ દેખાઈ આવે છે. અમુક વર્ગના બાળકોની મિત્રતા એમના જ વર્ગના બાળકો
સાથે હોય છે. મધ્યમવર્ગીય બાળકના માતા-પિતા ભલે એને મોંઘીદાટ શાળાઓમાં ભણાવતા હોય,
પરંતુ એ બાળકોને પેલા કહેવાતા ‘ક્રિમિ લેયર’ ના બાળકો પોતાના ‘ગ્રૂપ’માં લેતા નથી. એમની સાથે
મિત્રતા કરવાનો કે એમના ‘ગ્રૂપ’માં ઘૂસવાનો પ્રયત્ન કરતું આ બાળક નિરાશ થાય છે. એને
લઘુતાગ્રંથિનો અનુભવ થાય છે. ક્યારેક એના પ્રયાસો પણ હાસ્યાસ્પાદ નીવડે છે ત્યારે એને
અપમાનનો અનુભવ પણ થાય છે.
એ પછી સવાલ આવે છે, ઉચ્ચ શિક્ષણનો. જેની પ્રાઈવેટ કોલેજની ફી સાત આંકડાથી
ઓછી નથી હોતી. આવા કોર્સમાં એડમિશન લેવા માટે ચાલતા ક્લાસીસ પણ ભયાનક મોંઘા છે. એ
સંજોગોમાં માતા-પિતા લોન લઈને, હેસિયત બહારનો ખર્ચ કરીને બાળકને ભણાવે છે… એ બાળક
એન્જિનિયર, ડૉક્ટર કે આઈઆઈએમ (મેનેજમેન્ટ) જેવી ડિગ્રી લઈને બહાર નીકળે ત્યારે એનો
સૌથી પહેલો ઉદ્દેશ પૈસા કમાવાનો હોય છે. આ ‘ઉદ્દેશ’ (ભૂખ, ઝનૂન, ઉદ્વેગ) એની નબળાઈ બને
છે અને અંતે કેટલાક લોકો ભ્રષ્ટાચાર તરફ વળી જાય છે.
જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ ધુલિયાનો આ ચૂકાદો શિક્ષણ જગત માટે એક
ચેતવણી જેવો છે. ધીમે ધીમે વ્યવસાય બનતું જતું શિક્ષણ એનો મૂળ ઉદ્દેશ ખોઈ રહ્યું છે. શાળાઓ
એમની ફી ગમે તેટલી રાખે અને સીબીએસસી, ઈન્ટરનેશનલ કે કેમ્બ્રિજ જેવા કોર્સ ગમે તેટલા
આકર્ષક અને લલચામણા લાગે, પરંતુ અગત્યની વાત એ છે કે, માતા-પિતાએ પોતાના બાળકની
ક્ષમતા અને રસ-રૂચિ સમજીને, પોતાની પારિવારિક આવક અને એની સાથે જોડાયેલી પોતાની
જીવનશૈલીને અનુરૂપ શાળામાં બાળકને ભણાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એનાથી બાળકમાં
આત્મવિશ્વાસ આવશે અને શિક્ષણની દુનિયામાં વધી રહેલો બિનજરૂરી ફૂગાવો કદાચ રોકી શકાય.