કાર્પેટ નીચેનો કચરોઃ આપણે બધા દંભી છીએ.

એક પાર્ટીમાં સહુ વાતો કરતાં હતા. ત્યાં એક વ્યક્તિએ વિષય છેડ્યો, ‘ઓ માય ગોડ 2
જોઈ?’ પાર્ટીમાં એક વિચિત્ર પ્રકારનો સોંપો પડી ગયો તેમ છતાં એમણે વાત ચાલુ રાખી, ‘સેક્સ
એજ્યુકેશન જેવા બોલ્ડ વિષય પર ઈશ્વરને જોડીને ગજબ કામ કર્યું છે!’ ત્યાં ઊભેલા એક ટીનએજ
છોકરાએ કહ્યું, ‘સેક્સ એજ્યુકેશન ક્યાં છે? વિષય તો હસ્તમૈથુન-માસ્ટરબેશનનો છે.’ પાર્ટીમાં જાણે કે
કોઈ ગુજરી ગયું હોય એવો સન્નાટો થઈ ગયો. કોઈ એ વિશે આગળ વાત કરવા કે કંઈ બોલવા પણ
તૈયાર ન હોય એમ બધા એક પછી એક જુદી જુદી દિશામાં ખસી ગયા. જે છોકરાએ આ જવાબ
આપ્યો હતો એણે આશ્ચર્યથી સૌની સામે જોયું અને સ્વગત કહ્યું, ‘વાત તો એમણે કાઢી… મેં તો
ખાલી…’

આપણે બધા જ, એ પાર્ટીમાં હાજર હતા એવા-વાતને ફેસ નહીં કરી શકતા, મુદ્દો સંતાડતા
અને એવી કોઈ વાત નીકળે ત્યારે ઝંખવાઈ જતા એવા લોકો છીએ જે સંસ્કાર અને સભ્યતાના નામે
સત્યથી ભાગતા ફરે છે. આપણા ઘરોમાં મોટા થઈ રહેલા ટીનએજ બાળકો બધું જ સમજે છે, જાણે
છે. એમની આસપાસની દુનિયામાં ઓટીટી પર દેખાતી નગ્નતા અને ટેલિવિઝન પર દેખાડવામાં
આવતી કોન્ડોમની કે અંતઃવસ્ત્રોની જાહેરાત હવે કોઈપણ પ્રકારે કશું સંતાડવા દેતી જ નથી. દુનિયા
એટલી બધી બદલાઈ ગઈ છે કે, માતા-પિતા અને સંતાન સાથે માણી શકે એવા મનોરંજનની ખોટ
પડવા લાગી છે. આપણે જેને સંસ્કાર, સભ્યતા, મર્યાદા જેવા શબ્દોથી માપીએ છીએ, એ ખરેખર
આપણી શરમ છે. ભારતીય સંસ્કૃતિમાં તો કામસૂત્ર અને ખજુરાહો છે. આપણે ત્યાં કોઈ દિવસ આવો
છોછ કે શરમ હતા જ નહીં. આ દેશ અને એની સભ્યતા અત્યંત એડવાન્સ અને વૈજ્ઞાનિક
માનસિકતા ઉપર આધારિત હતા. અંગ્રેજો પોતાની સાથે ક્રિશ્ચાનિટી અને એની સાથે જોડાયેલી
પાપ-પુણ્યની વ્યાખ્યાઓ લઈને આવ્યા. આપણે એ વ્યાખ્યાઓને સમજ્યા વગર સ્વીકારી લીધી.
જેવી રીતે પશ્ચિમના આંધળા અનુકરણને આવકાર્યું, એવી જ રીતે શરીર સાથે જોડાયેલા તમામ
અનુભવોને ‘પાપ’નું લેબલ ચોંટાડીને આપણે પણ એ વિશે ચર્ચા કરવાનું ટાળવા લાગ્યા.

ભર્તૃહરિનું ‘શૃંગાર શતક’, જયદેવનું ‘ગીત ગોવિંદ’ કે પૃથ્વીને પ્રણામ કરતી વખતે આપણે જે
શ્લોક બોલીએ છીએ એમાં પણ, ‘સમુદ્ર્વસને દેવી પર્વતસ્તન મંડલે। વિષ્ણુપત્ની નમસ્તુભ્ય
પાદસ્પર્શં ક્ષમસ્વમે ।।’ જેમણે સમુદ્રના રૂપમાં વસ્ત્રો પહેર્યાં છે, પર્વતો રૂપી જેમનું સ્તનમંડલ છે,
અને જે ભગવાન વિષ્ણુના પત્ની છે તેવાં હે ધરતીમાતા, હું તમને નમન કરું છું અને મારા પગથી
તમને સ્પર્શ કરવા બદલ માફી માગું છું. ત્યારે પણ આપણને ‘માના સ્તન’નો વિચાર આવે છે જેમાંથી
આપણે બધા આપણું પોષણ મેળવીને મોટા થયા છીએ.

કોઈક કારણ વગર શરમ, સંકોચ અને મર્યાદા જેવા શબ્દોનો ખોટો અર્થ કાઢીને ધીમે ધીમે
આપણે બધા આપણા જ પરિવારમાં કેટલીક વાતો કરતાં અટકી ગયા. જે પ્રક્રિયા સાથે ઈશ્વરે
સર્જનને જોડી આપ્યું છે, માણસજાતનું અસ્તિત્વ જોડાયું છે એ પ્રક્રિયા ગંદી, પાપી કે શરમજનક
કેવી રીતે હોઈ શકે? બદલાતા સમય સાથે જે લોકો પોતાની જાતને નથી બદલતા એ પાછળ પડી જાય
છે. સમાજ ખૂબ ઝડપથી દોડી રહ્યો છે. ટેકનોલોજી આપણને એ બધું જ શીખવી રહી છે, જેની
આપણે અત્યાર સુધી કલ્પના પણ નહોતી કરી! વ્યક્તિ તરીકે આપણે જે માનતા હોઈએ તે, પણ હવે
માતા-પિતા તરીકે વિચારવાનો સમય પાકી ગયો છે. જે સવાલોના જવાબો આપણા બાળકોને
આપણા ઘરમાંથી નહીં મળે એ સવાલોના જવાબો શોધવા આપણા બાળકો ખોટી વ્યક્તિ પાસે
પહોંચી જશે. એ ખોટી વ્યક્તિ આપણા બાળકને જે શીખવશે એનાથી એક આખી પેઢી-નસ્લ
બરબાદ થશે. આપણે મહારાણા પ્રતાપ અને શિવાજીની કથાઓ, રામાયણ અને મહાભારતની
વાર્તાઓ જેટલી શ્રધ્ધા અને સંસ્કાર સાથે આપણા સંતાનોને શીખવીએ છીએ એટલી જ શિદ્દત અને
સ્નેહ સાથે હવે સેક્સ એજ્યુકેશન વિશે વાત થવી જોઈએ.

દીકરી પીરિયડ્સમાં આવે કે દીકરો પોતાના શરીરમાં થતાં ફેરફાર અનુભવે ત્યારે એ સંકોચથી
મા કે પિતાની સામે ન આવે એને બદલે માતા-પિતા, ભાઈ-બહેન એક જ ઘરમાં બેસીને એકમેકની
સાથે સ્નેહ, સમજદારી અને શાણપણથી કેટલીક એવી વાતોની ચર્ચા કરે જે હવે અનિવાર્ય છે, તો
કદાચ ડેટ રેપ, ફોનસેક્સ પર થતા બ્લેકમેઈલના કિસ્સા, મિત્રો સાથે જોવાતા પોર્ન વીડિયો કે ખોટી
ઉંમરે કુતૂહલ અને આકર્ષણમાં ઢસડાઈ જતા શારીરિક સંબંધોથી આપણે આપણા સંતાનોને બચાવી
શકીશું.

શક્ય છે આ બધાની સામે કેટલાક લોકોને વિરોધ હોય, કેટલાક લોકો ‘મર્યાદા’ના નામે દબાણ
અને જોહુકમી ચલાવવા માગતા હોય. વલેન્ટાઈન ડે ઉજવવો કે નહીં, એ વિશે તોડફોડ કરવાને બદલે
કે બગીચામાં બેઠેલા ટીનએજ પ્રેમીઓને મારપીટ કરીને લૂંટી લેવાને બદલે જે લોકોને ખરેખર
ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવો છે એમણે આવનારી પેઢીને શરીર, શરીર સાથે જોડાયેલા
તબક્કાઓ, ઉત્સુકતા, કુતૂહલ, આકર્ષણ, ઉત્તેજના અને એની સાથે જોડાયેલા ભયસ્થાનોનું શિક્ષણ
આપવાની શરૂઆત કરવી જોઈએ.

‘ઓ માય ગોડ’ કે ‘રોકી રાની કી પ્રેમ કથા’ જેવી ફિલ્મો હવે બદલાતા સમાજનું દર્પણ
આપણી સામે ધરે છે. યુવાન છોકરો ‘અંતઃવસ્ત્ર’ જોઈ જાય, ત્યારે સંકોચ અનુભવતી મા શું નથી
જાણતી કે, હવે તો અંતઃવસ્ત્રો હોર્ડિંગ ઉપર દેખાય છે. આ સ્ત્રીઓ કદાચ એવું માને છે કે, દીકરો
અંતઃવસ્ત્ર જોશે તો એ અંતઃવસ્ત્ર પહેરેલી સ્ત્રીની કલ્પના કરવા માંડશે… પરંતુ, હવે કલ્પના કરવા
જેવું કશું બચ્યું જ નથી કારણ કે, બધું ખુલ્લું અને ઉઘાડું છે. આવા સમયમાં આપણા બાળકને જો
ખરેખર સંસ્કારી, સભ્ય અને સજ્જન વ્યક્તિ બનાવવી હોય તો એની સાથે ખુલ્લા દિલે સારા અને
ખરાબની ચર્ચા કરતાં આપણે શીખવું પડશે. એનો સંકોચ દૂર કરવા માટે પહેલાં આપણે આપણી
ખોટી શરમ અને આપણા ખોટા ખ્યાલોમાંથી બહાર આવવું પડશે. એ તો કોરી પાટી છે, આપણે
આપણા મગજમાં દોરેલા લીટા ભૂંસીને નવેસરથી નવી પરિભાષા લખવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *