છૂટાછેડાનો સરળ વિકલ્પઃ કુલિંગ અને ફુલિંગ બંધ

ગુજરાત હાઈકોર્ટનો એક ક્રાંતિકારી ચુકાદો છૂટાછેડા માટે રાહ જોઈ રહેલા
અનેક યુગલોના જીવનમાં રાહત લઈને આવ્યો છે. જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને
જસ્ટિસ નિશા એમ. ઠાકોરની બેઠકે આ ચુકાદો આપ્યો જેમાં કહ્યું કે, એક દંપત્તિના પરસ્પર
સંમંતિથી છૂટાછેડા માટેની અરજી કલમ-13બી હેઠળ કરવામાં આવી હોય તો એમાં છ મહિનાના
કુલિંગ પિરિયડને ફરજિયાત ગણી શકાય નહીં. ફેમિલી કોર્ટે આપેલા એક ચુકાદાને રદબાતલ
ગણાવીને હાઈકોર્ટની આ બે મહિલા જજની ખંડપીઠે જણાવ્યું હતું કે, સમાધાન શક્ય જ ન હોય
એવા કિસ્સામાં છ મહિના રાહ જોવાનો કોઈ અર્થ રહેતો નથી. ભારતીય સમાજમાં જ્યારે એક
યુગલ છુટા પડવાનું નક્કી કરે છે ત્યારે સગાં-વહાલાથી શરૂ કરીને પડોશી, મિત્રો અને અંતે વકીલો
સુધી સહુ પાસે પોતપોતાના અભિપ્રાય અને સલાહ હોય છે. સત્ય તો એ છે કે, જે બે જણાં
એકબીજાની સાથે સુખી થવા માટે લગ્ન કરે છે એ જ બે જણાં સ્વતંત્ર રીતે સુખી થવા માટે છુટા
પડવાનો નિર્ણય કરે છે! અત્યાર સુધી ભારતીય સંવિધાનમાં મ્યુચ્યુઅલ કન્સેન્ટ-પરસ્પર સંમતિથી
છૂટાછેડા લેવાનું નક્કી થાય ત્યારે એક વર્ષનું સેપરેશન અને છ મહિનાનો કુલિંગ પિરિયડ કમ્પલસરી
હતો. આ એક વર્ષ જુદા રહેતા દંપતીને કદાચ એવું સમજાય કે, ઉશ્કેરાટમાં કે ઉદ્વેગમાં એમણે કરેલો
નિર્ણય ખોટો છે તો એમને માટે ભૂલ સુધારવાની જગ્યા રહેવી જોઈએ. છ મહિનાના કુલિંગ
પિરિયડ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ ફ્રી કાઉન્સિલિંગ સેશન પણ આ દંપતિને પૂરા પાડવામાં
આવે છે જેમાં પરસ્પર વિરોધ, અસંમતિ કે અણગમાના મુદ્દા સમજીને એમને ફરી ભેગા કરવાનો
પ્રયાસ કરવામાં આવે છે. ફેમિલી કોર્ટના કાઉન્સેલર્સની સાથે વાત કરતા સમજાયું કે, આવા
કાઉન્સિલિંગના સેશન કે કુલિંગ પિરિયડનો ઝાઝો અર્થ નથી હોતો. છૂટાછેડા લેવા નીકળેલું દંપતિ
બધા પ્રયત્નો કરી ચૂક્યું હોય છે. સગાં અને મિત્રોના પ્રાઈવેટ કાઉન્સિલિંગ પણ થઈ ચૂક્યા હોય છે.
એટલે છ મહિનાનો સમય વેડફવાને બદલે એ નિર્ણય વહેલો આવે તો સારું એવું બંને જણાં ઈચ્છતા
હોય છે.
ભારતમાં છૂટાછેડા, આજે પણ એક સામાજિક કલંક તરીકે જોવાય છે. ચોક્કસ
ટકાવારીમાં પ્રમાણ મળતું નથી, પરંતુ શહેરી વિસ્તારો અને યુવા યુગલોમાં
છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. મોટી ઉંમરના એટલે કે ગ્રે ડિવોર્સના આંકડા હવે
ચોંકાવી દે એ હદે વધી રહ્યા છે. તેમ છતાં, પશ્ચિમની સરખામણીમાં ભારતમાં
છૂટાછેડાનો દર હજી પણ પ્રમાણમાં ઓછો છે. આપણે છૂટાછેડાના કારણોમાં ઉતરીએ
તો સમજાય કે, વર-કન્યાના માતા-પિતાની દખલગીરી, આર્થિક પ્રશ્નો, સ્ત્રીની
મહત્વકાંક્ષાનો પુરુષ કે પુરુષના પરિવાર તરફથી થતો વિરોધ, લગ્નેતર સંબંધો અને
સૌથી મોટો અને મહત્વનો મુદ્દો ઈચ્છા વિરુધ્ધ કરાવવામાં આવેલાં લગ્નો!
ભારતીય સમાજમાં આજે પણ છોકરો 28ની આજુબાજુ પહોંચે અને છોકરી
25ની થઈ જાય તો માતા-પિતા અને સગાં-વહાલા તરફથી એમને ‘સેટલ’ થવાનું
દબાણ કરવામાં આવે છે. યુવા પેઢી મોટી ઉંમર સુધી લગ્ન કરતી નથી, કરવા
માગતી નથી, પરંતુ માતા-પિતાના ઈમોશનલ બ્લેકમેઈલ અને માતા-પિતાને
લાગતો પ્રતિષ્ઠા-સમાજનો ભય જાણે-અજાણે આ પેઢીના મન પર એક ભાર બની
જાય છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાની અસર હેઠળ ઈન્ટરનેટ પર થતી
ઓળખાણોને પછી મુલાકાતો અંતે પ્રેમમાં પરિણમે છે, પરંતુ બંને જણાં એકબીજાને
વર્ચ્યુઅલ મીડિયાથી ઓળખે છે, એટલે રિયાલિટી ચેકનું પ્રમાણ મોટેભાગે ઝીરો હોય
છે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પણ એ જ પ્રશ્ન હોય છે… વીડિયો કોલ કે
મેસેજીસ પર બંધાતો અને જીવતો સંબંધ ફેઈક-તકલાદી અને મોટાભાગે અલ્પજીવી
પૂરવાર થાય છે. માતા-પિતા અરેન્જ મેરેજમાં રૂપ, કુળ, પ્રતિષ્ઠા, પૈસા જુએ છે,
કુંડળી મેળવે છે, પરંતુ સંતાનોને પૂરતો સમય લેવા દેતા નથી. બે-ચાર મુલાકાતોમાં
કરવામાં આવેલો નિર્ણય સામાન્ય રીતે ખોટો અને પીડાદાયક પૂરવાર થાય છે!
આજથી થોડા વર્ષો પહેલાં છૂટાછેડા થાય ત્યારે સ્ત્રીને બાપડી, બિચારી,
પીડિત, શોષિત ગણીને એની દયા ખાવામાં આવતી. આજે જો અનેક કિસ્સાનું સત્ય
તપાસીએ તો સમજાય કે કાયદા અને સમાજ બંનેની દ્રષ્ટિએ હવે પુરુષ ‘બિચારો’
બનવા લાગ્યો છે. જ્યારે છૂટાછેડા લેવાની વાત આવે છે ત્યારે મ્યુચ્યુઅલ કન્સેન્ટ
તો બહુ જ ઓછા કિસ્સાઓમાં મળે છે. મોટેભાગે કન્યાના પક્ષ તરફથી મોટી રકમની
માગણી કરવામાં આવે છે. જો વરપક્ષવાળા આ માગણી ન માને તો માનસિક અને
શારીરિક અત્યાચાર અને દહેજના કેસમાં પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવે
છે. કેટલીકવાર વરપક્ષવાળા તદ્દન નિર્દોષ હોય-કન્યાના માતા-પિતાએ દખલગીરી
કરીને પોતાની જ દીકરીનું જીવન ગૂંચવી નાખ્યું હોય તેમ છતાં આજના કાયદા
એવા છે કે, વરપક્ષવાળાએ ડરવું પડે છે. વિદેશથી ભારત લગ્ન કરવા આવનાર
એનઆરઆઈ મૂરતિયા તો વધુ ખરાબ સ્થિતિમાં મૂકાય છે કારણ કે, લગ્ન ભારતમાં
થાય, છૂટાછેડાનો કેસ પણ ભારતમાં કરવામાં આવે ત્યારે કેટલાંક છોકરાઓ માટે
દેશમાં પાછા ફરવાનું અઘરું થાય એ હદે એમને હેરાન કરવામાં આવે છે. છૂટાછેડાના
કેસમાં કેટલીકવાર માતા-પિતા, ભાઈ-બહેન સહિત સૌને પોલીસ લોકઅપમાં રાત
ગુજારવી પડે એવું બને છે, જેને કારણે હવે સહુ સાવચેત અને સાવધાન રહેવા
લાગ્યા છે. કેટલાક કિસ્સામાં છોકરો એક પૈસો પણ ન કમાતો હોય, વ્યસની હોય,
એને બીજી છોકરી સાથે અફેર હોય તેમ છતાં માતા-પિતા પોતાની મરજીની છોકરી
પરણાવવા માટે એટલો મોટો દંભ ઉભો કરે છે જેમાં કન્યાપક્ષવાળા ફસાઈ જાય છે.
આવા લોકો છોકરીના દાગીના અને દહેજની વસ્તુઓ પાછા નથી આપતા, બલ્કે
દીકરીની જિંદગી બચાવવી હોય તો અમુક રકમ ચૂકવી આપવાનું કહેણ મોકલાવે
છે…
છેલ્લા થોડા સમયથી એવું સાંભળવા મળે છે કે, એકની એક દીકરીના માતા-
પિતા આવું પ્લાનિંગ કરીને લગ્ન કરાવે છે, જેમાં થોડા સમયમાં છૂટાછેડા લેતી
વખતે સારી એવી રકમ લઈને દીકરીની સાથે સાથે પોતાનું ભવિષ્ય પણ સુરક્ષિત
કરી શકાય. એક રસપ્રદ માહિતી એવી છે કે, છૂટાછેડા લેવા માગતા બે જણાં પૈસેટકે
ઈમોશનલી અને સમયથી ખુંવાર થઈ જાય છે. વકીલોની ફી, ફેમિલી કોર્ટના ધક્કા
અને ક્યારેક કાયદો અને વ્યવસ્થાના ભ્રષ્ટાચારનો ભોગ બનતા પતિ-પત્ની અને
એના પરિવાર માટે છૂટાછેડા મુક્તિનો રસ્તો નહીં, બલ્કે ફસામણીનું કારણ બને છે.
આવી પરિસ્થિતિમાં જો કુલિંગ પિરિયડ, કાફન્સિલિંગ, કોર્ટના ધક્કા ટાળીને
છૂટાછેડાની અરજી તરત જ મંજૂર કરવામાં આવે તો બંને પક્ષના પૈસા, સમય અને
દંપતિની જિંદગીના કેટલાક વર્ષો બચી શકે છે.
કુલિંગ પિરિયડ બચાવવાનો આ ક્રાંતિકારી ચુકાદો કેટલાય ભારતીય
યુગલનો સંઘર્ષ, સમય અને સંતાપ ઘટાડી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *