ચોર-પોલીસની રમતનું રંગીલું રમખાણઃ કમઠાણ

2003ના વર્ષમાં આ અશ્વિની ભટ્ટે લખેલું, “‘કાજલ’ તેનું નામ. પત્રકારત્વ, નાટક,
ટી.વી., કવિતા, નવલકથા એ બધું જ રક્તકણોની જેમ તેની રગોમાં વહે છે. આંગળીને વેઢે ગણાય
તેટલી સ્ત્રી લેખિકાઓમાં તે આજની અને આવતીકાલની લેખિકા છે. તેના દિમાગમાં સ્ફુરતી
વાર્તાઓ તે જેટલી આસાનીથી અને ઝડપથી કહી શકે છે તેટલી તે લખે તો ગુજરાતી ભાષામાં
માતબર લેખિકાનું સ્થાન તે આજેય મેળવી શકે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.’ આ ચાર-પાંચ વાક્યો
એક એવા લેખકની ભવિષ્યવાણી છે જે ગુજરાતી ભાષા માટે કોઈ દિવસ ભૂતકાળ બની જ શકે નહીં.
1979માં એમની પહેલી નવલકથા ‘સૈલજા સાગર’ પ્રકાશિત થઈ ત્યારથી શરૂ કરીને આજ સુધી
ગુજરાતી ભાષામાં એમના બરનો, એમના પેંગડામાં પગ નાખી શકે એવો કોઈ લેખક આપણને મળ્યો
નથી.

ગુજરાતી ભાષાનો એક નવો યુગ શરૂ થયો છે ત્યારે, અશ્વિની ભટ્ટની નવલકથા
‘કમઠાણ’ પરથી એક ફિલ્મ હજી હમણા જ રજૂ થઈ છે. એક પોલીસ ઈન્સ્પેક્ટરના ઘરમાં ચોરી થાય,
એના યુનિફોર્મ, પિસ્તોલ, બક્કલ અને મેડલ ચોરાય… ને પછી જે થાય તે ‘કમઠાણ’! આમ તો આ
હાસ્યરસની નવલકથા છે. ચોર રઘલો, ઈન્સ્પેક્ટર રાઠોડ, વહીવટદાર તરીકે જાણીતા પ્રભુસિંહ,
ચોરોની જ્ઞાતિના પ્રમુખ છનાકાકા, દારૂ ગાળનાર નાનુ નવસાર ઉર્ફે નાનુ નારંગી અને બીજા
કોન્સ્ટેબલ જેવા પાત્રો સાથે એક ચંપા ચાંપાનેરી છે. સમાજસેવિકા પણ ફૂલ ગ્લેમરસ અને મજબૂત
વ્યક્તિત્વ ધરાવતી એક રસપ્રદ સ્ત્રીપાત્ર છે. ડૉ. દેસાઈ છે જે ‘પૈસા પહેલાં અને સારવાર પછી’ના
સિધ્ધાંતમાં માને છે… ઉપરછલ્લી નજરે આપણને કદાચ એવું લાગે કે, આ એક રમ્પસ છે.
સિચ્યુએશનમાંથી નિપજતું હાસ્ય છે, પરંતુ આ ‘અશ્વિની ભટ્ટ’ છે, એમની ‘વાર્તા’ માત્ર વાર્તા ન
હોય-એમાં ઊંડા ઉતરીએ તો સમજાય કે એમની નવલકથા સાથે એમાં ક્લાસ કોન્ફ્લિક્ટની એક
મજાની વાત એમણે ઉઘાડી આપી છે! ફિલ્મના દિગ્દર્શક ધૃણાલ કામલેના કહેવા મુજબ આ વાર્તા
‘પાવરલેસ’ વિરુધ્ધ ‘પાવરફૂલ’ લોકોની કથા છે. ઈન્સ્પેક્ટરની વર્દી એનો પાવર છે અને એક ચોર
જેને ચોરની ન્યાતમાં પણ કોઈ માન નથી આપતું એના હાથમાં અચાનક આ વર્દી, મેડલ અને પાવર
આવી જાય છે… ‘પાવરફૂલ’ માટે, પાવર પાછો મેળવ્યા વગર બીજો કોઈ રસ્તો નથી અને
‘પાવરલેસ’ અત્યારે ‘નેગોશિએટ’ (વાટાઘાટ) કરી શકવાની સ્થિતિમાં આવી ગયા છે. ટેબલ્સ ટર્ન થયા
છે… અને ત્યાંથી સર્જાય છે કમઠાણ!

ક્લાસ કોન્ફ્લિક્ટની આવી કેટલીય કથાઓ આપણે સાંભળી છે. સિનેમા, સાહિત્ય
અને શોર્ટ ફિલ્મોમાં ‘પાવરલેસ’ વિરુધ્ધ ‘પાવલફૂલ’ લોકોના યુધ્ધની કથા કંઈ નવી નથી, આવી
કથાઓ હસતાં હસતાં કહેવામાં આવે, ત્યારે મજા પડે. રોમન સામ્રાજ્યની કથાઓથી શરૂ કરીને આજ
સુધી સમાજના બે વર્ગો વચ્ચે આ યુધ્ધ ચાલતું રહ્યું. પીડિત, શોષિત, કચડાયેલા-દુભાયેલાની કથાઓ
આપણા મનમાં સહાનુભૂતિ જગાડે છે. સત્યજીત રાયની ‘પાથેર પાંચાલી’ હોય કે ‘સ્લમડોગ
મિલિયોનેર’ …વાર્તા તો બે ક્લાસની જ છે. અહીં અશ્વિની ભટ્ટની આ વાર્તા બે ક્લાસ વચ્ચેના
યુધ્ધમાં ઊભી થતી કોમિક સિચ્યુએશનને કારણે બહુ રસપ્રદ બની જાય છે. આમ જોવા જઈએ તો
ચાર્લી ચેપ્લિન કે રાજ કપૂરની ફિલ્મો પણ સમાજ તરફ આંગળી ચીંધતી સેટાયર કથાઓ જ હતી ને?
પરંતુ, એમાં ઉમેરાયેલા સંગીત, રોમેન્સ અને મજબૂત કથા-વસ્તુને કારણે આપણને એમાં રહેલા
ક્લાસ ડિફરન્સની વાત સ્પર્શે, ખૂંચે નહીં એવી રીતે કહેવામાં આવી. ડાયરેક્ટ મેસેજ કરતાં આવી રીતે
કહેવાયેલી વાર્તાઓનું આયુષ્ય અને લોકપ્રિયતા હંમેશાં વધારે હોય છે. એક રીતે જોવા જાઓ તો ‘ટોમ
એન્ડ જેરી’માં હિંસા સિવાય બીજું શું છે? પરંતુ, એ હિંસાને જ્યારે ‘હ્યુમર’માં લપેટવામાં આવે છે
ત્યારે એ વધુ રસપ્રદ અને મજાની બને છે.

આપણા સૌના જીવનમાંથી હ્યુમર ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગ્યું છે. કોઈ એક વ્યક્તિને
ટાર્ગેટ બનાવીને એની મજાક ઉડાવવાને જો આપણે હ્યુમર કહેતા હોઈએ તો એ આપણી કમનસીબી
છે! પતિ-પત્નીનાં જોક્સ કે ગુજરાતી ફિલ્મોમાં દેખાડવામાં આવતા અમદાવાદી લહેકા, ટોઈલેટની
હ્યુમર અને જાતભાતના મોઢા કરીને ઊભા કરવામાં આવતી કહેવાતી કોમિક સિચ્યુએશન્સ હવે
હસાવી શકતી નથી. ઉપરાઉપરી ફ્લોપ થતી ‘કહેવાતી કોમેડી’ ફિલ્મો ઉપરથી આપણે એટલું સમજી
શકીએ છીએ કે, ગુજરાતીઓનું ઈન્ટલએક્ચ્યુઅલ સ્તર હવે બદલાયું છે. રમેશ મહેતાની કોમેડી જ્યારે
ચાલતી હતી ત્યારે ચોક્કસ ચાલતી જ હતી, પરંતુ હવેની પેઢીને ગુજરાતી ફિલ્મોમાં એમને મજા પડે
એવી કોમેડી જોઈએ છે. લવ રંજનની ફિલ્મો આજની પેઢીને આકર્ષે છે કારણ કે, એ ‘એમની’ હ્યુમર
છે. સામે, ગુલઝાર સાહેબની ‘અંગુર’ (1982) કે રિષિકેશ મુખર્જીની ‘ચૂપકે ચૂપકે’ (1975) એવી
ફિલ્મો છે જે ભલે આજથી ત્રણ દાયકા પહેલાં બની હોય, પરંતુ આજે પણ એ ફિલ્મોની હ્યુમર
આપણને જોવી અને માણવી ગમે છે. ગુજરાતીઓએ સમજવાની જરૂર છે કે, હ્યુમર એટલે માત્ર
પત્નીનું અપમાન, ટોઈલેટના જોક્સ, સ્ત્રીઓ કેટલી મૂરખ હોય છે એની વાત કે આખોય પરિવાર
ગાંડો હોય એવી કોઈ ટીવી સીરિયલ નહીં… બલ્કે, થોડી બુધ્ધિ વાપરીને જોકને સમજવો પડે એ
પછી હસવું આવે એવી ઈન્ટેલિજન્ટ વિટ્. હવે જો ગુજરાતી ફિલ્મે સફળતા જોવી હશે તો એમણે
નવી પેઢીને મજા પડે એવી ફિલ્મો બનાવવી પડશે. જેમાં સાઉથની કોપી ન હોય, સ્ત્રીઓની
બેવકૂફીની મજાક ન હોય અને ઘૂસાડેલી નોકર-પડોશી કે ટોઈલેટની કોમેડી ન હોય… ‘કમઠાણ’માં
આવું કશું જ નથી.

સૌથી મોટી વાત એ છે કે, સાહિત્ય કૃતિ પર આધારિત ફિલ્મો જે દિવસે બનશે અને
ચાલશે એ દિવસે આપણે આપણી ભાષાના સાહિત્યને પણ જાળવવાનું એક મોટું કામ કરી શકીશું.
સાડા પાંચ દાયકા કરતાં વધુ સમય પહેલાં લખાયેલી નવલકથાઓ જો આજે પણ લોકપ્રિય હોય તો
એનો અર્થ એ થયો કે, અશ્વિની ભટ્ટની કલમ પાસે એક એવો જાદુ છે જે ચાર કરતાં વધુ પેઢીઓને
હજી પણ વશીભૂત કરી શકે છે. રહસ્ય, રોમાન્ચ અને રોમાન્સ એમની ખાસિયત છે. એમની
નાયિકાઓના વર્ણન આપણી આજની કોઈપણ હીરોઈનને ભૂલાવી દે એટલા આકર્ષક અને
સેન્યસ્યુઅસ છે. એમણે આપેલા ઘટનાસ્થળના ભૌગોલિક નકશા એટલા તો સચોટ છે કે ત્યાં જઈને
ઊભા રહીએ તો આપણે એ જગ્યા જોઈ-અનુભવી શકીએ. ‘કમઠાણ’ મૂળ નવલકથામાં નડિયાદમાં
સર્જાતી રમખાણ, ધમાચકડી અને ગૂંચવાડાઓની હારમાળા છે. ફિલ્મમાં સ્થળનું નામ બદલવામાં
આવ્યું છે, પરંતુ ઘટનાઓ એટલી જ અને એવી જ મજાથી ગોઠવાઈ છે…

ગુજરાતી ફિલ્મોનું સ્તર બદલવું હશે, તો પ્રેક્ષકે પોતાનું સ્તર બદલવું પડશે. આપણે
આપણી જાતને ગ્લોબલ ગુજરાતી કહેતા હોઈએ તો આપણે આપણા સાહિત્ય, સિનેમા અને
સમાજની માનસિકતાને બદલીને આપણી જાતને એક જુદા ગુજરાતી તરીકે પ્રસ્થાપિત કરવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *