કલર થેરાપિઃ રંગ સાથે જોડાયેલું સ્વાસ્થ્ય

આ જગતમાં જે કંઈ બનેલું છે તે પાંચ તત્વોમાંથી બનેલું છે. માનવ શરીર અને અસ્તિત્વ
વચ્ચેનું બેલેન્સ આ પંચતત્વને કારણે સંભવે છે. હવે તો વિજ્ઞાને પૂરવાર કરી દીધું છે કે, પૃથ્વીની
જેમ જ માણસના તત્વમાં પણ લગભગ 75 ટકા પાણી હોય છે. આપણી શ્વાચ્છોશ્વાસની
ક્રિયા વાયુ પર આધારિત છે. આપણી ચયાપચય (ડાયજેસ્ટિવ સિસ્ટમ)ની ક્રિયા અગ્નિતત્વ ઉપર
આધારિત છે અને મન આકાશતત્વ સાથે જોડાયેલું છે. આ પાંચ તત્વો ભીતર અને બહાર
સમાંતર રીતે કામ કરે છે.

એવી જ રીતે, મૂળ રંગ ત્રણ જ છે અને બાકીના બધા રંગો એ ત્રણ રંગની મેળવણીમાંથી
પ્રગટે છે. બધા રંગો મળી જાય તો કાળો બને અને પ્રકાશને જ્યારે વિભાજિત કરીએ ત્યારે એ
સાત રંગોમાં વહેંચાય છે. આપણા શરીરમાં સાત ચક્રો છે. આ સાત ચક્રો આપણા માનસિક,
શારીરિક, સ્વાસ્થ્યને સતત નિયંત્રણમાં રાખે છે. શરીર એક પ્રકાશ છે એમ માની લઈએ તો
શરીરમાં રહેલા એ સાત ચક્રો પ્રકાશને વિભાજિત કરીને સાત રંગોમાં વહેંચે છે. આ સાત રંગ
આપણા સાત ચક્રો સાથે જોડાયેલા છે. એ વિશે લેફ. કર્નલ સી.સી. બક્ષીના એક પુસ્તક ‘વૈશ્વિક
ચેતના’માં રસપ્રદ વિગતો મળે છે. એમણે લખ્યું છે, સહસ્ત્રાર ચક્ર (પિનિયલ ગ્રંથિ): જ્યાં નાના
અને મોટા મગજના ચારેય હિસ્સા મળે છે. આનો રંગ લીલો માનવામાં આવે છે. એ શરીરમાં
શક્તિનું સંતુલન જાળવે છે. અર્ધજાગૃત અને અચેતન મન આ ચક્રના નિયંત્રણમાં હોય છે. આ
ચક્રના અધિષ્ઠાતા ગ્રહ બુધ છે એમ શાસ્ત્રો કહે છે. આજ્ઞાચક્રઃ સહસ્ત્રારની નીચેના પોલાણમાં
ભ્રકૃટિની પાછળ આ ચક્ર છે. જાગૃત અવસ્થામાં હોય ત્યારે માણસની બધી જ પ્રવૃત્તિઓ આ
ચક્રને આધારિત હોય છે. એનો રંગ વાદળી છે. એની ગ્રંથિ પિટ્યુટરી છે. એનો અધિષ્ઠાતા ગ્રહ
ગુરૂ છે એમ માનવામાં આવે છે. વિશુધ્ધિ ચક્રઃ આ ચક્ર હાનિકારક કિરણોથી બચાવીને શરીરને
વિશુધ્ધ કરે છે. જળતત્વ આ ચક્રના અધિષ્ઠાતા છે. એનો ગ્રહ શુક્ર છે. કફ અને પરુ અહીં નાશ
પામે છે. એની ગ્રંથિ થાઈરોઈડ છે. એનો અધિષ્ઠાતા ગ્રહ શુક્ર છે. એનો રંગ સફેદ ઝાંયવાળો
આસમાની છે. અનાહત ચક્રઃ સ્પર્શ અને ત્વચા આ ચક્રને આધારિત છે. વાયુતત્વ આ ચક્રને
નિયંત્રિત કરે છે. હૃદયના કાર્યમાં આ ચક્ર મહત્વનું પ્રદાન કરે છે. રક્ત સંચાર પણ આ ચક્ર ઉપર
આધારિત છે. એનો રંગ જાંબલી છે. એનો અધિષ્ઠાતા ગ્રહ શનિ માનવામાં આવે છે. અનાહત
ચક્રની ગ્રંથિ થાઈમસ છે. મણિપૂર ચક્રઃ એનું તત્વ અગ્નિ છે. ચયાપચયની ક્રિયા, દ્રષ્ટિ અને દ્રષ્ટિ
સાથે જોડાયેલા અનુભવની મન પર થતી અસર અહીં નિયંત્રિત થાય છે. એનું તત્વ અગ્નિ છે.
રંગ લાલ છે અને અધિષ્ઠાતા ગ્રહ સૂર્ય છે. અહીંની અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ એડ્રીનલ અને પેનક્રિયાસ
છે. સ્વાધિષ્ઠાન ચક્રઃ શરીરમાં રહેલા બધા પ્રવાહીઓનું નિયંત્રણ કરે છે. સ્વાદેન્દ્રિયોનો અનુભવ
અહીંથી થાય છે. જળતત્વ ઉપર આધારિત આ ચક્રનો અધિષ્ઠાતા ગ્રહ ચંદ્ર છે. એનો રંગ નારંગી
છે. (પ્રિઝમમાંથી જોઈએ તો જીભનો રંગ નારંગી દેખાય છે) અહીંની અંતઃસ્ત્રાવિ ગ્રંથિ નાભી
છે. મૂલાધાર ચક્રઃ એનો સીધો સંબંધ શ્વાચ્છોશ્વાસ અથવા ઘ્રાણેન્દ્રિય સાથે જોડાય છે. એનું
તત્વ પૃથ્વી છે અને રંગ લીલો છે. પીળા અને વાદળી રંગનું મિશ્રણ લીલા રંગને ઉત્પન્ન કરે છે.
(આપણે પ્રિઝમમાંથી જોઈએ તો નાકનું ટેરવું લીલું દેખાય છે) એમણે ટેલિ થેરેપીની માહિતી
પણ એમના પુસ્તકમાં રજૂ કરી છે. દરેક ગ્રહના જુદા જુદા નંગ અને એ નંગ સાથે જોડાયેલા
એના ગુણધર્મો વિશેની વિગતો પણ આપણને લેફ. કર્નલ સી.સી. બક્ષીના આ પુસ્તકમાંથી મળે
છે.

‘વૈશ્વિક ચેતના’ સિવાય પણ આપણને કલર થેરાપી અને એની સાથે જોડાયેલા સ્વાસ્થ્ય
વિશે અનેક વિગતો પ્રાપ્ત થાય છે. એક અમેરિકન ડૉક્ટર વૉર્ન મેક્ફિલ્ડનું પુસ્તક ‘ક્યોર વિથ કલર્સ’
બહુ ખ્યાતિ પ્રાપ્ત પુસ્તક છે. એ પુસ્તકમાં જુદા જુદા રંગની બોટલમાં પાણી ભરીને એને
સૂર્યપ્રકાશમાં રાખીને જુદા જુદા રોગોમાં કઈ રીતે લાભ થઈ શકે એ વિશે એમણે સ્વઅનુભવ અને
પોતે કરેલી દર્દીઓની સારવારની વિગતો સાથે ઘણી માહિતી આપી છે.

ભરતનાટ્ય શાસ્ત્રમાં નવરસની સાથે નવ રંગોને જોડવામાં આવે છે. આ પણ રંગોને
જોવાની એક બહુ રસપ્રદ દ્રષ્ટિ છે. શાંતરસનો રંગ સફેદ છે. અદભૂતનો તેજસ્વી પીળો,
બિભત્સ્ય રસનો ભૂરો, હાસ્ય રસનો લીલો, વીર રસનો ભગવો-કેસરી, રૌદ્ર રસનો લાલ, ભયાનક
રસનો કાળો, કરૂણ રસનો ગ્રે અથવા સફેદ, શૃંગાર રસનો રંગ મોરપીંછ અથવા લાલ છે. આ રંગો
વિશે વિચારીએ ત્યારે સમજાય કે આ નવરસની અનુભૂતિ રંગો સાથે કઈ રીતે જોડાઈને આપણા
મન ઉપર એ રસ અથવા રસની અનુભૂતિની અસર નિપજાવે છે. જેમ કે, સફદ રંગ શાંતિનો
અનુભવ કરાવે છે તો મોરપીંછ રંગ જોતાં જ આકર્ષણ અને રોમેન્સની અનુભૂતિ થાય છે. કેસરી
રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે તો લાલ રંગ ક્રોધ અને શૃંગાર બંનેનું પ્રતીક બને છે!

આપણે ઘરમાં રંગ કરાવતી વખતે પણ એવું ધ્યાન રાખીએ છીએ કે કયા રંગથી ઘર મોટું
લાગશે. કયા રંગથી હવાઉજાસ વધુ પરાવર્તિત થશે! બેડરૂમમાં કયો રંગ હોવો જોઈએ જેનાથી
શાંત નિંદ્રા આવે અને ડ્રોઈંગ રૂમમાં કયો રંગ હોવો જોઈએ જેનાથી ઘર બ્રાઈટ લાગે. પ્રસંગે
પ્રસંગે પહેરવાના રંગો પણ આપણા સમાજમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે, એની પાછળ એક
મનોવિજ્ઞાન અને રસશાસ્ત્ર હશે એમ હવે માની શકાય?

સફેદ રંગ સૂર્યના કિરણોને પરાવર્તિત કરે માટે આરબો સફેદ રંગના ઢીલા ઝભ્ભા પહેરે
અને તમામ રંગોને શોષી લે માટે શોકમાં કાળા વસ્ત્રો પહેરવાનો રિવાજ છે… આની પાછળ પણ
કોઈ રંગ-વિજ્ઞાન તો હશે જ ને!

આપણા પ્રકાશમય શરીરને જો રંગોમાં વિભાજિત કરીને સ્વાસ્થ્યના વિજ્ઞાન સાથે
જોડવામાં આવે તો કદાચ કલર થેરાપીનો ઉપયોગ એક સ્વસ્થ જીવન માટે કરી શકાય. શરીરમાં
ચક્રો છે એ ગ્રંથિઓ દ્વારા વિજ્ઞાન પણ પૂરવાર કરે છે અને આપણા શરીરનું નિયંત્રણ જો
ગ્રંથિઓ કરતી હોય તો એની સાથે જોડાયેલા ચક્રોનું નિયંત્રણ એના પર આધારિત રંગો દ્વારા
થઈ શકે એ વાત વૈજ્ઞાનિક રીતે પણ માની શકાય એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *