કોમનમેનઃ રમૂજથી રેસેશન સુધી…

‘લહુ જિનકા બહાયા જા રહા હૈ, ઉન્હેં કાતિલ બતાયા જા રહા હૈ’ અંદાઝ દહેલવીનો આ શે’ર
આજના સમયમાં કેટલો પ્રસ્તુત છે! આજે, ભારતનો દરેક સામાન્ય માણસ કોઈ ગુનેગાર જેવી
જિંદગી જીવી રહ્યો છે. મોટા મોટા સ્કેમ વિશે કોઈ ચૂં કે ચાં કરતું નથી, પરંતુ નાનકડા સર્વિસ ટેક્સ કે
ઈન્કમ ટેક્સના ગુના બદલ સામાન્ય માણસના પાછલા અનેક વર્ષોના હિસાબ ખૂલે છે! ટ્રાફિકની
નાનકડી ભૂલ કે નાનકડા ગુના બદલ હજારોનો દંડ વસુલવામાં આવે છે જેની સામે ખુલ્લેઆમ થતાં
ગુનાઓ વિશે કોઈ અવાજ ઊઠાવતું નથી. આમાં કાયદો અને વ્યવસ્થા કરતા વધુ જવાબદાર સામાન્ય
નાગરિક છે. આપણે જ આપણા કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરતા નથી. આપણને જ આ
ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અનુકુળ આવી ગઈ છે. મુઠ્ઠીભર લોકો પોતાનું સામ્રાજ્ય સ્થાપીને બેઠા
છે. જેની સામે કરોડો લોકો પોતાની રોજિંદી આવક રળવા માટે કાળી મજૂરી કરી રહ્યા છે.
આત્મહત્યાઓ અને ડોમેસ્ટિક વાયોલેન્સના કિસ્સા હવે જાણે બહુ ધ્યાન આપવા લાયક બાબત નથી
રહી… ‘એ તો ચાલ્યા કરે’નો એટિટ્યૂડ હવે આપણે બધાએ અપનાવી લીધો છે.

‘અભી પૂરી તરહ જાગે ન થે હમ, થપક કર ફિર સૂલાયા જા રહા હૈ…’ અહીં જાગૃત કે પ્રશ્ન
પૂછનાર વ્યક્તિનો અવાજ દબાવી દેવામાં આવે છે. એક આખી ટીમ આ કામમાં સતત જોડાયેલી છે.
જરાક વિરોધનો સૂર ઊઠે કે તરત જ બધા તૂટી પડે છે. આપણે બધા જ ધીરે ધીરે વિરોધના સૂરને
ભૂલીને અંગત સલામતીની એક એવી જિંદગી ગોઠવતા થઈ ગયા છીએ જેમાં ‘આપણે શું?’નો સવાલ
આપણા બધાની જિંદગીનો સૌથી સરળ જવાબ બની ગયો છે.

એક સામાન્ય માણસના જીવનમાં શું હોય છે? એનો નાનકડો પરિવાર ખુશહાલ રહી શકે,
પોતે એની જરૂરતો પૂરી કરી શકે અને પોતાના આવનારા દિવસો-વૃદ્ધાવસ્થા માટે નાનીસૂની બચત
કરી શકે એથી વધુ એક સામાન્ય માણસની કોઈ અપેક્ષા હોતી નથી. આજના સમયમાં આ અપેક્ષા
પણ જાણે વધુ હોય એવું લાગવા માંડ્યું છે.

વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસને જે રીતે ભરડામાં લીધો છે એ જોતાં એવું
સમજાય છે કે આવનારો સમય હજી વધુ અઘરો અને મુશ્કેલ બનવાનો છે. પેટ્રોલ, સિમેન્ટ, લોખંડ,
કાગળ જેવા રો-મટિરિયલના ભાવ સતત વધી રહ્યા છે. આને કારણે બાકીની વસ્તુઓ પણ
બાયડિફોલ્ટ મોંઘી થઈ રહી છે. પગાર વધતા નથી, કે આવકમાં એવો વધારો દેખાતો નથી. આવી
પરિસ્થિતિમાં સામાન્ય માણસ પોતાના પરિવારને કઈ રીતે એક સુખી-સ્વસ્થ અને સલામત જીવન
આપી શકે એ સવાલ લગભગ સૌના મનમાં છે. વાંક સરકારનો છે, એવું કહેવાથી વાત પૂરી નહીં
થાય. આપણને, સામાન્ય નાગરિકને લગભગ દરેક બાબતમાં સરકારને બ્લેઈમ કરી દેવાની ટેવ પડી
ગઈ છે, પરંતુ વિશ્વની આર્થિક સ્થિતિ જોઈએ ત્યારે સમજાય કે એક ભારત સરકાર આમાં એકલા
હાથે કશું કરી શકે એમ નથી. સમગ્ર વિશ્વ મંદીના મહામોજા તરફ ધકેલાઈ રહ્યું છે. અમેરિકન આર્થિક
વ્યવસ્થા અત્યારે ફૂગાવાની સ્થિતિમાં છે, પરંતુ જે દિવસે આ બબલ ફૂટશે એ દિવસે એની અસર
આખા વિશ્વ પર થયા વગર રહેશે નહીં.

કોઈએ નોંધ્યું છે ખરું કે, આપણને જાહેરાતમાં જે દૃશ્યો બતાવવામાં આવે છે એમાં સતત
હસતા, મુસ્કુરાતા ચહેરા બતાવવામાં આવે છે, પરંતુ રસ્તા પર ચાલતા, એરપોર્ટ પર કે રેલવે સ્ટેશન
પર દેખાતા ચહેરા પર ભાગ્યે જ સ્મિત જોવા મળે છે! લગભગ દરેક આંખોમાં ચિંતા અને ચહેરા પર
ઉદ્વેગ આપણા સૌના વ્યક્તિત્વનો હિસ્સો બની ગયા છે. રોજિંદી થાળીની વાનગીઓ તો ઘટી જ
રહી છે, પરંતુ એની સાથે સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાદી સગવડો પણ સામાન્ય નાગરિક માટે
અઘરી બનતી જાય છે. જોકે, સરકાર અનેક લાભ થાય એવી યોજનાઓ બનાવે છે, પણ આ
યોજનાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચતી નથી કારણ કે, આ યોજનાનો લાભ લેવા જનાર
વ્યક્તિએ અનેક પ્રશ્નોત્તરી અને પેપરમાંથી પસાર થવું પડે છે. યોજના મધ્યમ અને ગરીબ વર્ગ માટે
છે. જ્યાં ભણેલા અને સરકારી કાગળો સાથે કામ પાડી શકે એવા લોકો ઓછા છે. જે લોકો માટે આ
યોજના છે એમના માટે જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ યોજનાનો લાભ એ લઈ શકે એટલી
આવડત, સમજ કે શિક્ષણ એમની પાસે નથી, માટે એ તો ત્યાંના ત્યાં જ… વંચિત રહી જાય છે.

આવનારી ચૂંટણીઓમાં આપ, કોંગ્રેસ અને ભાજપનો ત્રિપાંખિયો વ્યૂહ ગોઠવાશે તેવું દેખાઈ
રહ્યું છે. દરેક પાર્ટી પોતપોતાના વચનો આપશે… નવા નવા સપનાં બતાવશે, પરંતુ સામાન્ય
નાગરિકનું જીવન કેટલું બદલાશે, એની સ્થિતિમાં શું ફેર પડશે એ સવાલ તો ઊભો જ છે.

સત્તા કોઈની પણ હોય, પરિસ્થિતિ સામાન્ય નાગરિકની સુધરવી જોઈએ. એની જિંદગીમાં
ફેર પડવો જોઈએ, એ મહત્વનો મુદ્દો છે. જેનો નિર્ણય નાગરિકે જાતે જ કરવો પડશે. આપણે બધા
કોઈ એવી ઊંઘમાં સૂતા છીએ જેમાંથી હવે આપણને જગાડવા અઘરા બનતા જાય છે. ‘કાંઈ ફેર નથી
પડવાનો…’ એ વાતને જાણે આપણે સ્વીકારી લીધી છે.

મુનવ્વર રાણાનો એક શે’ર,
‘ડરા ધમકા કે તુમ હમ સે વફા કરને કો કહેતે હો,
કહી તલવાર સે ભી પાંવ કા કાંટા નીકલતા હૈ?’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *