ભારતીય સમાજમાં સાસુ-વહુના સંબંધો વિશે જાતભાતની વાતો લખાઈ છે, બોલાઈ છે…
લોકસાહિત્ય, નવલકથાઓ, નાટકોની સાથે સાથે કેટલા બધા પ્રહસનો પણ સાસુ-વહુના સંબંધોને
આપણી સામે જુદી જુદી રીતે મૂકે છે. લડતાં-ઝઘડતાં, એકમેકને ભાંડતાં સાસુ-વહુથી શરૂ કરીને દીકરો કે
પતિ જીવિત ન હોય તેમ છતાં એકમેકનો સાથ નિભાવતાં, મા-દીકરીની જેમ જીવતાં સાસુ-વહુના
દાખલા આપણા આસપાસના જગતમાંથી જ આપણને મળે છે. નવાઈ એ વાતની લાગે કે, વિશ્વના
બધા સંબંધો છોડીને ફક્ત સાસુ-વહુના સંબંધોને જ આટલા બધા ગૂંચવણભર્યા, રમૂજી કે પીડાદાયક કેમ
ચીતરવામાં આવ્યા હશે!
મહારાણી એલિઝાબેથ (2) અને ડાયના, ઈન્દિરા ગાંધી અને મેનકા ગાંધી, જયા બચ્ચન અને
ઐશ્વર્યારાય જેવાં સેલિબ્રિટી સાસુ-વહુ હોય કે આપણા પડોશમાં રહેતી બે સ્ત્રીઓ, ગોસિપનું કેન્દ્ર
બન્યા વગર રહેતા નથી. કદાચ, બંને જણાંને બહુ બનતું હોય અને એકમેકને સ્નેહ કરતાં હોય તો પણ
સમાજમાં ‘બધો દંભ અને દેખાવ છે બાકી માહ્યેલા ગુણ તો મહાદેવજી જાણે’ જેવી કમેન્ટ્સ આપણને
સાંભળવા મળે જ છે!
એક મા, પોતાના દીકરાને વહાલથી 25, 28, 30 વર્ષ સુધી ઉછેરે છે. એ દીકરાના બાળોતિયાં
ધોવાથી, એની પરીક્ષામાં ઉજાગરો કરવા સુધી મા પોતાનો સમય અને શક્તિ વાવે છે. જગતની કોઈ મા
પોતાના સ્નેહ કે સમર્પણનું વળતર માગતી નથી, પરંતુ સાથે સાથે આપણે એટલું તો સમજવું જ પડે કે,
જનની ન હોત તો આપણે પણ ન હોત! બીજી તરફ, પ્રણય અને પરિણયના સંબંધો માનવજીવનના
અસ્તિત્વનું મૂળ છે એમ કહીએ તો ખોટું નથી. સ્ત્રી-પુરુષને એકમેક પરત્વે આકર્ષણ ન હોત-સેક્સની
સર્જનપ્રક્રિયાને જો સ્ત્રી-પુરુષ સાથે જોડવામાં ન આવ્યા હોત તો માનવજાતિનું અસ્તિત્વ જ ન હોત!
અર્થ એ થયો કે, એક પુરુષના જીવનમાં બંનેનું મહત્વ એકસરખું છે, પરંતુ એમના સ્થાન ભિન્ન છે.
આજના સમયની સાસુઓની એક ફરિયાદ એ છે કે, “અમે પહેલાં અમારી સાસુની સેવા કરી
અને હવે અમારે વહુની સેવા કરવી પડે છે.” એમની ફરિયાદ સાવ ખોટી છે એવું ન કહી શકાય. 50થી
60ના દાયકામાં જન્મેલી મોટાભાગની સ્ત્રીઓ જે આજે સાસુ છે. એમણે પોતાની સાસુનો કડપ,
કરકસર અને જોહુકમી સહન કર્યાં છે. એમના પતિ, જે 50થી 60ના દાયકામાં જન્મ્યા હોય એ પોતાની
મમ્મી સામે કશું કહી શકતા નહોતા અને માતા-પિતા, સાસરામાં ‘સમાઈ જવાની’, ‘ટકી જવાની’ સલાહ
આપતા-આગ્રહ રાખતા એટલે નાની નાની વાતમાં પિયર પાછા જવાનો પ્રશ્ન આવતો જ નહોતો!
આજના સમયમાં પુત્રવધૂ જે રીતે વર્તે છે એ જોઈને વિતેલા સમયની પુત્રવધૂ-જે આજે સાસુ છે એને
કદાચ ન સમજાય તેવી ઈર્ષા થતી હોય તો પણ નવાઈ નહીં! જે સ્ત્રીઓએ સાસુ, જેઠાણી અને થોડા
પ્રમાણમાં પતિને પણ ‘સહન’ કર્યા છે, એ સ્ત્રીઓમાંથી મોટાભાગની સ્ત્રીઓને લાગે છે કે, એમની
જિંદગી ફક્ત સેવા અને સમાધાન કરવામાં જ વિતી ગઈ! હવે એ સ્ત્રીઓ 60-65ની નજીક પહોંચી છે.
પૂરું ન જીવી શક્યાનો અસંતોષ આજની સ્ત્રીની-પુત્રવધૂની સ્વતંત્રતા જોઈને વધુ પીડા આપે છે.
સવાલ એ છે કે, જે જતું રહ્યું છે, વહી ગયું છે એમાં શું બદલી શકાશે? આપણે જે સમયમાં
જન્મ્યા એ સમયમાં જે રીતે જીવી શકાતું હતું એ રીતે આપણે જીવ્યાં. આજના સમયનો સંદર્ભ લઈને
વિતી ગયેલા વર્ષોની સરખામણી ફક્ત તકલીફ કે અભાવ જ ઊભો કરે. આજથી એક દાયકા પહેલાં
જોઈએ તો પણ સમજાય કે, છેલ્લા એક દાયકામાં સમય હરણફાળ ભરીને આગળ વધ્યો છે. આજની
પુત્રવધૂ મોટેભાગે આર્થિક રીતે સ્વતંત્ર છે. એનું કામ અથવા વ્યવસાય એને માટે મહત્વના છે. નવા
જમાનાનો પુરુષ પોતાની પત્નીને સમોવડી સમજે છે, એ જ રીતે સ્વીકારે છે. એકમેકને ‘તું’ કહેવાથી
શરૂ કરીને સામસામે દલીલો થઈ શકે, ગુસ્સો થઈ શકે અને ઘરના સૌની હાજરીમાં ઊંચા અવાજે
એકમેકની સાથે ઉગ્ર ચર્ચા પણ થઈ શકે એવી સ્વતંત્રતા આજના યુગલને બહુ સહજ રીતે મળી છે.
ગઈકાલની સ્ત્રીને લાગે છે કે, એણે ઉછેરેલો ‘આજનો પુરુષ’ (એનો દીકરો) પોતાની પત્નીને બહુ છૂટ
આપે છે. એ પોતે પણ પુત્રવધૂને મોઢે કશું કહીને એની ‘બેડ બુક્સ’માં દાખલ થવા માગતી નથી. એક
તરફથી એને મોર્ડન સાસુ હોવાનો દંભ કરવો છે, બીજી તરફથી એ ઈચ્છે છે કે, એના જેવી-કામગરી,
સહનશીલ અને પરિવારની ‘સેવા’ કરનારી સમર્પિત વહુ હોય!
સાચું પૂછો તો આજની સાસુ કન્ફ્યુઝ્ડ છે. એને દીકરાની ખુશી પણ જોઈએ છે અને સાથે સાથે
વહુ ઉપર રાજ પણ કરવું છે! દીકરાની ખુશી એક મોર્ડન, સ્માર્ટ, ભણેલી અને કમાતી પત્નીમાં છે, જ્યારે
રાજ તો એવી વહુ પર થઈ શકે જે આર્થિક રીતે જરા પાતળા પરિવારમાંથી આવતી હોય, ઓછું ભણેલી
અને ઘરકામમાં રસ ધરાવતી હોય… આ બંને વચ્ચે મોર્ડન સાસુ, પોતાના સગાં અને વર્તુળમાં, ‘અમે તો
દીકરીની જેમ રાખીએ, અમે તો બધી છૂટ આપીએ’ કહીને પોતાની જાતને ‘આધુનિક’ સાબિત કરવા
મરણિયા પ્રયાસ કરતી હોય અને બીજી તરફ એની ભીતર પેલી પીડાયેલી, કચડાયેલી, છંછેડાયેલી સ્ત્રી
એને વારંવાર પોતાને નથી મળ્યું એ એની પુત્રવધૂ માણે એ સામે ઉશ્કેરતી હોય… એમાંય, જો પતિ ન
હોય તો આજની સાસુની પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી થઈ જાય છે.
દીકરો અને વહુ પોતાની જિંદગી જીવી રહ્યા છે, વ્યસ્ત છે, મસ્ત છે. ‘મમ્મી’ પોતાની જિંદગી
જીવવાનો પ્રયાસ કરે છે-પરંતુ, એ ક્યારેય એકલી જીવી નથી. એને પોતાની મજા કરતાં આવડ્યું નથી.
એકલી પડેલી મમ્મી, વધુ અભાવગ્રસ્ત અને ચીડિયણ થઈ જાય છે. આજનો પુરુષ, દીકરો સમજી શકતો
નથી કે એની મમ્મીને પ્રોબ્લેમ શું છે!
આજના લગભગ દરેક ઘરની આ સમસ્યા છે… એનો સાદો ઉકેલ એટલો જ છે કે, મમ્મીએ
સમજીને વિતેલા સમયમાં પોતાને જે નથી મળ્યું એને સરભર કરવાનો પ્રયત્ન છોડી દેવો. બદલાતા
સમયમાં જે બદલાઈ ચૂક્યું છે એને સ્વીકારીને પોતાની આજની સ્વતંત્રતાને માણતાં શીખી જવું અને
હા, દીકરો-વહુ એની ‘કંપની’ નથી એ વાતને સ્વીકારી લઈને એને ગમે તેવી, ફાવે તેવી કંપની શોધી લેવી.
આપણે બધા જ જે ખોયું છે એના અફસોસમાં જે છે તેને પણ ગૂમાવીએ છીએ. આગળ જવા
માટે વિન્ડ સ્ક્રીન મોટો અને પાછળ જોવા માટે રિઅર વ્યૂ મિરર નાનો એટલા માટે જ આપ્યો છે, કારણ
કે આગળનું દ્રશ્ય વધુ મહત્વનું છે. પાછળ તો માત્ર રેફરન્સ છે જેથી અકસ્માત ન થાય.