તા. 24.3.2021, બુધવાર સવારના છાપાંમાં જાહેરાત કરવામાં આવી કે, હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી
અથવા વેક્સિન આપવામાં આવશે. એક રીતે જોવા જઈએ તો આ પગલું ડહાપણ ભરેલું ગણાવી શકાય. સરકારી નિયમ અનુસાર
પહેલાં ફક્ત સિનિયર સિટિઝનને વેક્સિનનું પ્રાધાન્ય આપવાનું નક્કી થયું હતું. વધતા જતા કોરોનાના આંકડા જોઈને કદાચ
સરકારને આ નિર્ણય કરવાની ફરજ પડી હોય એમ બને… પરંતુ, પ્રશ્ન એ છે કે રસી અથવા વેક્સિન લેવાથી કોરોના નહીં જ
થાય એવી ગેરન્ટી કે વોરન્ટી કેટલા ટકા છે ? એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. એક ડોઝ લઈને નિશ્ચિંત થઈ ગયેલા કેટલાક લોકો
બહારગામ ફરી આવ્યા, પાછા ફરીને કોરોના પોઝિટિવ થઈ ગયા ! ચૂંટણી, મેચ અને ધાર્મિક સ્થાનોમાં ભેગી થતી ભીડે આપણને
સાપસીડીની રમત રમતાં હોઈએ એમ ફરી પાછા શૂન્ય પર લાવીને ગોઠવી દીધા છે.
મમતા દીદી પોતાના ભાંગેલા પગને લઈને વોટ બટોરવા નીકળ્યા છે, તો બીજી તરફ બીજેપી પોતાનો પ્રચાર
જોરશોરથી કરી રહી છે. આમાં કોંગ્રેસ અને બંગાળની બીજી પાર્ટીઓ તો ક્યાંય દેખાતી પણ નથી ! આસામ અને વેસ્ટ બંગાલમાં
27 માર્ચથી 29 એપ્રિલ, કેરાલા અને તામિલનાડુમાં 6 એપ્રિલના દિવસે ચૂંટણી થવાની છે. હજી 24 માર્ચ સાંજ સુધી પ્રચારના
પડઘમ વાગી રહ્યા હતા ત્યારે લોકોના ટોળેટોળાં રસ્તા પર જોઈને આપણને આઘાત લાગે એવી સ્થિતિ ઊભી થઈ છે.
દિવાળીથી શરુ કરીને ક્રિકેટ મેચ સુધી, ને આજે પણ ટેલિવિઝન પર ન્યૂઝ ચેનલ્સ ઈન્ટરવ્યૂ કરે છે ત્યારે માસ્ક વગરના
અનેક ચહેરા, લોકોની ભીડ આપણને દેખાય છે. એ વિશે મીડિયા પોતે જાણી જોઈને બેદરકાર છે, જનતામાંથી કોઈ ચૂં કે ચાં
કરતું નથી. 22મી માર્ચે, લોકડાઉનનું એક વર્ષ પૂરું થયું ત્યારે આપણે ફરી એક વાર એ જ ભય અને આશંકાના ઘેરામાં ઊભા
છીએ. આને માટે કોણ જવાબદાર છે? જે સરકાર ઉત્તરાયણ ઊજવવા પર પ્રતિબંધ મૂકે છે કે હોળી-ધૂળેટી ઊજવતા રોકે છે એ
સરકાર આપણે જ પસંદ કરેલી છે. આપણે એમને પૂછતા કેમ નથી કે આ રાજનૈતિક રેલીઓ અને વિજય યાત્રાઓમાં ભેગા
કરવામાં આવતા અનેક લોકોના સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે ? જો કદાચ કોઈ પૂછી નાખે, કે એ વિશે અવાજ ઊઠાવે તો એનો
અવાજ દબાવી દેવા માટે સરકારી, બિનસરકારી-ભક્તો અને ચાપલુસોની એક આખી ટીમ તૈયાર બેઠી છે. માત્ર રાજનીતિને જ
જવાબદાર ઠેરવવાથી નહીં પતે, ધાર્મિક સ્થાનોમાં જે પ્રકારની ભીડ થઈ રહી છે એ આપણી માનસિક નબળાઈનું પ્રદર્શન છે ?
મંદિરોમાં ભેગા થતા લોકો (બહાર લખેલી સૂચના છતાં) માસ્ક વગર, એકબીજાને અડોઅડ ઊભા રહીને આરતી કે દર્શન કરે છે.
એમને પોતાના કે અન્યોના સ્વાસ્થ્ય વિશે કોઈ પરવાહ નથી ! આ વિશે કોઈ કંઈ બોલવાનો કે લખવાનો પ્રયાસ કરે તો પણ એને
ટ્રોલ કરવા માટે સોશિયલ મીડિયા ઉપર એક આખો વર્ગ ટાંપીને બેઠો છે.
જેટલા કોરોનાથી ડરીએ છીએ એના કરતા વધારે ટ્રોલર અને સરકારી ચાપલુસોથી ડરતા થઈ ગયા છીએ આપણે ?
સાચી વાત એ છે કે સમય સાથે આપણે બધાં રાજનીતિક અને ધાર્મિક બાબતોમાં ભીરુ અને ડરપોક થઈ ગયા છીએ, બેદરકાર
અને ઉદાસીન થઈ ગયા છીએ. જ્યાં સુધી આપણે સાજા છીએ અને પરિવારમાં કોઈ બિમાર નથી ત્યાં સુધી આપણને ઝાઝો ફેર
પડતો નથી… ને કદાચ, પરિવારમાં કોઈ બિમાર થાય કે આપણને પોતાને કોરોના થાય તો પણ યોગ્ય સારવાર મળી જાય ત્યાં સુધી
આપણને આ બધાં કેઓસ વિશે અવાજ ઉઠાવવાની જરુરિયાત લાગતી નથી. જે કોરન્ટાઈન રહી શકે છે એવા મોટા ઘરોમાં
રહેતાં લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને સારવાર લેવામાં ઝાઝો વાંધો આવતો નથી, પરંતુ વન કે ટુ બીએચકેમાં રહેતાં લોકો
માટે કોરન્ટાઈન થવું કેટલું અઘરું અને સમસ્યા ભરેલું છે એ વિશે કોઈ દિવસ કલ્પના કરી છે ? કોરોનાના સમયમાં સાદી બિમારી
કે ઓપરેશન માટે હોસ્પિટલમાં જતાં લોકો ડરવા લાગ્યા છે. એને કારણે જાહેર સ્વાસ્થ્યની સાદા સવાલો ઉપર પણ ઘણી મોટી
અસર થઈ છે. આ બધાથી ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારોને કે મંદિરોને કોઈ ફેર પડતો નથી ?
એની સામે, એક સાચો અવાજ કે એક મજબૂત સવાલ પૂછવામાં આવે તો બધાને તરત જવાબ આપવાનું સૂઝી આવે
છે. આપણે બધા હવે ‘છોડોને…’ અથવા ‘જવા દો ને…’ અથવા ‘આપણે શું ?’ની માનસિકતામાં જીવવા લાગ્યા છીએ. દરેકને
પોતાની સોશિયલ ઈમેજની ચિંતા છે. સૌને વખાણ થાય એવી જ પોસ્ટ મૂકવી છે, એમાં જો કોઈ એકાદ શૂરવીર-આંખો
ઊઘાડીને, પોતે જાગીને બીજાને જગાડવાનો પ્રયત્ન કરે તો બધા ભેગા થઈને એની આંખો પર પટ્ટી બાંધવા બેબાકળા થઈ જાય
છે. ગાંધીજીના ત્રણ વાંદરાની મૂર્તિને હવે આપણે જરા જુદી રીતે જોવી પડશે. કોઈને હવે ‘સત્ય’ જોવું, સાંભળવું કે કહેવું નથી,
એની સાથે ચોથો વાંદરો જોડાયો છે જેને અનેક હાથ છે… એનું કામ બીજા ત્રણેય વાંદરાના આંખ, કાન અને મોઢા પર પોતાના
હાથ દબાવી દેવાનું છે. એ પોતે તો પોતાનું મોઢું, આંખ અને કાન ખુલ્લા રાખે છે, પરંતુ બીજા બંધ રાખે એ જોવાની
જવાબદારી એણે જાતે જ પોતાને સોંપી છે ! હવે આવા વાંદરા સોશિયલ મીડિયા ઉપર ખૂબ કૂદકા મારે છે… ને આપણે, એને
ડરાવવા, ભગાવવાને બદલે એમનાથી ડરીને આપણા બારી-બારણા બંધ કરતા થઈ ગયા છીએ.
સાચું તો એ છે કે આપણે બધાં મૂર્ખતાની હદ સુધી બેદરકાર છીએ. બેવકૂફ અને અણસમજુ છીએ. આપણને પોતાની
જિંદગીનું મૂલ્ય નથી, બીજાની જિંદગીનું ક્યાંથી કરવાના ? છેક આઝાદી પૂર્વેના સમયથી આ દેશ સ્વાસ્થ્યની બાબતમાં બેદરકાર
હતો, આઝાદીના સાડા સાત દાયકા પછી પણ આપણે સ્વચ્છતા અને સ્વાસ્થ્યની બાબતમાં લગભગ ત્યાં જ ઊભા છીએ, એવું
નથી લાગતું ? મોટી મોટી હોસ્પિટલ કે આધુનિક તબીબી સારવાર એ લોકો માટે ઉપલબ્ધ છે જેમની પાસે તગડું બેન્ક બેલેન્સ
છે. નાના ગામડાના સ્વાસ્થ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલ્સ કે સરકારી દવાની દુકાનોની સ્થિતિ તો જાતે તપાસ કરીએ તો જ
સમજાય એવી છે. તબીબોનો અભાવ, એક્સપાયર થઈ ગયેલી કે બનાવટી દવાઓની સપ્લાય, ભ્રષ્ટાચાર અને બેદરકારી કોણ કરે
છે ? આપણે બહુ નિરાંતે સરકારને જવાબદાર ઠેરવી દઈએ છીએ કારણ કે એમ કરવું આપણને અનુકૂળ આવે છે. સત્ય તો એ છે
કે, સરકાર પોતાના તરફથી પ્રયાસ કરી રહી છે, પરંતુ નરેન્દ્ર મોદી કે ડો. હર્ષવર્ધન, અશ્વિની કુમાર ચોબે જાતે તો આ દુકાનો કે
સ્વાસ્થ્ય કેન્દ્રોમાં જઈને સેવા આપી શકે નહીં. અહીં કામ કરતા લોકોની માનસિકતા અહીંની પરિસ્થિતિ માટે જવાબદાર છે,
એકલી સરકાર નહીં…
આ લોકો એટલે કોણ ? આપણે… શહેરોમાં વસતા, ભણેલા-ગણેલા, પોતાની જાતને બુદ્ધિજીવી કે દેશપ્રેમી
કહેવડાવતા આપણે બધાં, સરકારી હોસ્પિટલ્સ કે સ્વાસ્થ્ય કેન્દ્રોમાં સગવડના અભાવ માટે જવાબદાર છીએ. સ્વીકારીએ કે
નહીં, આંખો મીંચીને માથું રેતીમાં ખોસી દેવાથી કદાચ અત્યાર પૂરતા આપણી જવાબદારીમાંથી નાસી શકીએ, પરંતુ આ દેશની
બગડતી જતી પરિસ્થિતિ અને વધતા જતા ભ્રષ્ટાચારથી આપણા પછીની પેઢીને જે નુકસાન થવાનું છે એમાં આપણે ભાગીદાર
છીએ, એ સત્યથી નાસી નહીં શકાય.
135 કરોડનો આ દેશ ધીમે ધીમે એક બેકાબૂ અને બેવકૂફ ટોળાંમાં પરિવર્તિત થઈ રહ્યો છે. અહીં દરેક માણસ પોતાની
બેદરકારીની જવાબદારીમાંથી છટકવા મરણિયો પ્રયાસ કરી રહ્યો છે. બધા જ, બધું સમજે છે એમ માનીને બીજાને સમજાવે છે,
પરંતુ જ્યારે પોતાને એ વિશે કોઈ પગલું લેવાનું આવે ત્યારે ભીડના છેડે જઈને તમાશો જોવા ઊભા રહી જાય છે. ભીડને દિશા
નથી હોતી, દયા પણ નથી હોતી… સૌથી દુઃખની વાત એ છે કે, આવા ટોળાં કે ભીડને દૃષ્ટિ પણ નથી હોતી. આંધળાના ગામમાં
આઈનો લઈને નીકળેલા કોઈ એકાદને જે નિરાશા થાય એવી નિરાશા આજકાલ સોશિયલ પ્લેટફોર્મ કે મીડિયામાં અવાજ
ઉઠાવનારને થાય છે !
આપણે બધાં કદાચ ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારોને, મેચ રમવા આવેલા ક્રિકેટર્સ અને ઓર્ગેનાઈઝર્સને કે
મંદિરની ઓથોરિટિઝને બેદરકાર અને બેજવાબદાર ઠેરવીને હાથ ખંખેરી નાખીએ, તો પણ આપણી માનસિકતાને શું થયું છે
એવો સવાલ હવે આપણે જાતને પૂછવો પડે એમ છે. ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ઉમેદવારો રેલીમાં કે પ્રચારમાં કોઈને પરાણે કે
કમ્પલસરી બોલાવતા નથી, બોલાવી શકે નહીં ! મેચમાં આપણે ટિકિટો ખરીદીને ગયા, મંદિરોમાં પણ જવું જ પડે એવો કોઈ
બંધારણીય કાયદો છે નહીં, તેમ છતાં આપણે જાણી જોઈને-સમજી વિચારીને ભીડ ભેગી કરીએ છીએ. એ ભીડ માસ્ક વગરની
બેકાબૂ અને બેવકૂફ લોકોની ભીડ છે. અહીંથી શરુ થતું નુકસાન ધીરે ધીરે ઘર, મોહલ્લો, શહેર, જિલ્લો, રાજ્ય અને દેશને ગ્રસી
લે છે, પછી આપણે ગભરાઈએ છીએ-ઘાંઘા થઈને કોરોનાના આંકડા તપાસીએ છીએ. જે આંખ સામે દેખાય એના તરફ
આંગળી ચીંધીને આપણી જવાબદારીમાંથી જાતને છોડાવવા મથીએ છીએ, પરંતુ બીજા કોઈને પણ જવાબદાર ઠેરવવાથી આમાં
કશું થશે નહીં એ વાત આપણે સમજી લેવી પડે.
કોરોના એક અંગત રોગ છે… એ વ્યક્તિગત હુમલો કરે છે. સ્વમાની છે, આમંત્રણ આપો તો જ આવે છે…