ચુનાવ અને તનાવ

થોડા વખત પહેલાં એક વ્હોટ્સએપ વીડિયો મળ્યો, “અચાનક આજ યૂં હી ખયાલ આયા કી,
અખબાર પઢા તો પ્રાણાયામ છૂટ ગયા-પ્રાણાયામ કિયા તો અખબાર છૂટ ગયા, અગર દોનોં કિયા તો
નાશ્તા છૂટ ગયા. અચ્છા, સબ જલદી જલદી કિયા તો આનંદ છૂટા! કુછ ન કુછ છૂટના તો લાઝમી હૈ.
હેલ્ધી ખાયા તો સ્વાદ છૂટા, સ્વાદ કા ખાયા તો સ્વાસ્થ્ય છૂટા. દોનોં કિયે… તો, ઈસ ઝંઝટ મેં કૌન પડે!
શાદી કી તો મહોબ્બત છૂટી, મહોબ્બત કી તો શાદી છૂટી, દોનોં કિયે તો વફા છૂટી… જો જલદી કી તો
સામાન છૂટ ગયા, નહીં કી તો ટ્રેન છૂટ ગઈ. ઔર અગર દોનોં નહીં છૂટે, તો વિદાય કે વક્ત ગલે મિલના
છૂટ ગયા. ઔરોં કા સોચા તો મન કા છૂટ ગયા, મન કા ચાહા તો રિશ્તા તૂટા! ઔર ક્યા, ખુશ હુએ તો
હસી છૂટી… દુઃખી હુયે તો રુલાઈ છૂટી! અરે, કુછ છૂટને મેં હી તો પાને કી ખુશી હૈ. જિસકા કુછ નહીં
છૂટતા વો ઈન્સાન નહીં મશીન હૈ. જી લો જિંદગીભર… ક્યોંકિ એક દિન યે જિંદગી છૂટના ભી લાઝમી
હૈ!”

આપણે બધા બધું જ પામવાના ફાંફા મારીએ છીએ. કશું જ છોડવું નથી. ક્યારેક બેમાંથી એકની
પસંદગી કરવાની ફરજ પડે તો પણ આપણો પ્રયાસ અને આગ્રહ બધું જ મેળવવાનો હોય છે. જિંદગી
બધાને બધું નથી આપતી, એ વાતની બધાને ખબર છે. ફિલોસોફી ઝાડતી વખતે આપણે બધા કહીએ
છીએ કે, ‘બધાને બધું નથી મળતું’ પરંતુ, આપણો વારો આવે ત્યારે આપણે બધું જ જોઈએ છે અને
સમસ્યા કે મુશ્કેલી ત્યાંથી જ શરૂ થાય છે. માણસ જો સહજ રીતે પસંદગી કરી શકે તો જિંદગીમાં કોઈ
સમસ્યા કે મુશ્કેલી રહેતી નથી. શું જોઈએ છે એના કરતા વધારે પણ જો ‘શું નથી જોઈતું’ એટલું નક્કી
કરી શકાય તો ગૂંચવણ ઘટી જાય છે. કેટલીવાર આપણે ઘણા બધા લોકોને કહેતા સાંભળ્યા છે કે, ‘…ત્યારે
મને ખબર નહોતી કે મારે શું જોઈએ છે.’ આ વાક્યનો અર્થ એ છે કે જ્યારે પસંદગી કરવાની આવી ત્યારે
સ્પષ્ટતા અને સ્વસ્થતાપૂર્વક પસંદગી થઈ શકી નહીં. આમ જુઓ તો આપણે બધા જ બીજાની થાળીમાં
પડેલી વાનગી વધુ સ્વાદિષ્ટ છે એમ માનનારા લોકો છીએ. એકવાર નિર્ણય લઈ લીધા પછી જ આપણને
સમજાય છે કે આપણે લીધેલા નિર્ણય કરતા જો આપણને મળેલી પસંદગીમાં બીજું કંઈ પસંદ કર્યું હોત
તો… નવાઈ લાગે, પરંતુ મોટાભાગના લોકો પોતાના ભૂતકાળ તરફ નજર કરે ત્યારે એમના અફસોસ
અને અધૂરપના પોટલાં ખૂબ વજનદાર છે, એવું એમને લાગતું હોય છે.

માણસ તરીકે જિંદગીમાં ડગલે ને પગલે આપણને મળતી પસંદગીમાંથી એક, વ્યક્તિ, વસ્તુ,
વિચાર, બાબત કે પરિસ્થિતિ-પસંદ કરવું જ પડે છે. એ વખતે આપણે આપણી સમજ અને અનુભવનો
ઉપયોગ કરીને પસંદગી કરીએ છીએ. આ ચુનાવ કે પસંદગી એક ક્ષણે સાચી જ લાગે છે. દુનિયાની કોઈ
વ્યક્તિ પોતાને નુકસાન થાય એવો નિર્ણય ન જ કરે એ સાચું અને સમજી શકાય એવું છે! સમય સાથે આ
પસંદગીનું પરિણામ પણ આપણી સામે આવે છે. વિતેલા સમય સાથે માણસ બદલાયો હોય છે. એની
સમજ અને અનુભવો પણ સમય સાથે વધુ પરિપક્વ થયા હોય છે, એટલે જ્યારે ભૂતકાળમાં કરેલી
પસંદગીનું પરિણામ આવે ત્યારે ઘણા બધા લોકોને એવું લાગે છે કે, એમણે ‘એ સમયે’ પસંદગી કરવામાં
ભૂલ કરી! માણસ તરીકે આપણા બધા સુખો બીજાની સરખામણીએ ઓછાં અને આપણા બધા દુઃખ
બીજાની સરખામણીએ વધુ છે… આપણે અંગત ત્રાજવું લઈને આપણા સુખ કે દુઃખ વિશે વિચારવાનું
ભૂલી ગયા છીએ.

દુનિયાની કોઈ વ્યક્તિ એવી નથી જેને પોતાને મળેલા બે કે બેથી વધુ વિકલ્પોની વચ્ચે પસંદગી
કરવાની ફરજ ન પડી હોય! કૃષ્ણને પણ રાધા અને મથુરા વચ્ચે પસંદગી કરવી પડી હતી. રામને પણ
વનવાસ અને વિદ્રોહ વચ્ચે પસંદગી કરવી પડી હતી… સ્વાર્થ અને સમજણ, ક્ષમા અને વેર, પ્રેમ અને
પરિવાર, પ્રામાણિકતા અને સફળતા, આવા ઘણા ચુનાવ આપણે સૌએ કરવા પડે છે. એકતરફ શ્રેય અને
બીજી તરફ પ્રેય હોય, અથવા જ્યારે અસર વ્યક્તિગત હોય ત્યારે ચુનાવ કરવો સહેલો પડે, પરંતુ
કેટલીકવાર આપણે કરેલી ચુનાવની અસર ફક્ત આપણા જ નહીં, આપણી આસપાસના જગત,
પરિવાર, સ્નેહીઓ ઉપર પણ થતી હોય છે. કેટલીકવાર બે યોગ્ય વિકલ્પો વચ્ચેથી પણ, વધુ યોગ્ય
વિકલ્પનો ચુનાવ કરવો પડે છે. પ્રિયતમા અને પરિવાર… કે ક્ષમા અને શિક્ષા જેવી પસંદગી કરવાની
આવે ત્યારે બંને તરફ ‘શ્રેય અને પ્રેય’ બેઉ હોય, એવું પણ બને. બંને તરફ સાચું જ હોય, બંને તરફ યોગ્ય
જ હોય, બંને તરફ આપણી ઈચ્છા કે ઝંખના આપણને ખેંચતી હોય… એવું પણ બને, ત્યારે ચુનાવ,
પસંદગી કે ચોઈસ-કરતી વખતે પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠા અકબંધ રાખીને એ સમયે જે સૌથી સાચું
લાગે એ કરવું.

એક પકડવા જઈએ તો બીજું છૂટે જ, એ સચ્ચાઈને સ્વીકારીને… બંને તરફ બધું યોગ્ય હોય તો
પણ એક જ પસંદ કરવું પડશે એ સત્યને સમજીને ચુનાવ કરવો. એ પછી કોઈ તનાવ ન રાખવો. જે પળે
જે સત્ય લાગ્યું તે કર્યું, એ પછીનો નિર્ણય કુદરત, પરમતત્વ કે આપણી પ્રામાણિકતાના હાથમાં સોંપીને
નિશ્ચિંત થઈ જવું. ચુનાવ સૌએ કરવો જ પડે છે-સૌને બધું નથી જ મળતું… જે છૂટે છે એની પાછળ
દોડવાથી પણ છૂટેલી વ્યક્તિ, વસ્તુ કે વિચાર હાથમાં નથી જ આવતા! પસંદગી અને પરિણામ એક
સિક્કાની બે બાજુ છે… એટલે પરિણામનો વિચાર ચોક્કસ કરવો, પરંતુ સાથે જ એ ‘પરિણામ’ આપણા
હાથમાં નથી એ સત્યને નમ્રતાપૂર્વક સ્વીકારી લેવું.

ચુનાવ અને તનાવ એક સિક્કાની બે બાજુ નથી, ચુનાવ કર્યા પછી નિશ્ચિંત થઈ જવાની,
હળવાશ અનુભવવાની એક તક સૌને મળે છે. આ તક લઈ લેવી જોઈએ જેથી ચુનાવનો તનાવ ન રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *