ડાંગની દીકરીથી ડીએસપી સુધીઃ એક દોડવીરની સંઘર્ષ કથા

નામઃ સરિતા ગાયકવાડ
સ્થળઃ ગામઃ કરડીઆંબા, ડાંગ, ગુજરાત
સમયઃ 21 મે, 2022
ઉંમરઃ 29 વર્ષ

નમસ્તે, મારું નામ સરિતા લક્ષ્મણ ગાયકવાડ છે. આજે ગુજરાતી ટીવી ચેનલ્સના
સમાચારમાં તમે સહુએ મારા વિશે સાંભળ્યું હશે. મારા ઘરે હવે નળ નંખાઈ ગયો છે અને એ ‘નલ સે
જલ યોજના’ નરેન્દ્રભાઈ મોદીને લીધે શક્ય બન્યું છે. માત્ર મારા જ ઘરે શું કામ, ડાંગ જિલ્લાના
અનેક નાનાનાના ગામોમાં પાણી પહોંચ્યું છે-અને હું એની સાક્ષી છું.

જોકે, આ એક નાનકડો નળ નંખાવવા માટે મારે ઓછો સંઘર્ષ નથી કરવો પડ્યો…
આમ જોવા જઈએ તો, મારી જિંદગી જ સંઘર્ષનો પર્યાય છે. આજે ડીએસપી તરીકે ફરજ બજાવું છું,
પાકા મકાનમાં રહું છું, સરકારી જીપમાં ફરું છું, પરંતુ આજથી દસ વર્ષ પહેલાં જ્યારે નવસારી ખેલ
મહાકુંભમાં મને પાંચ ઈવેન્ટમાં જીતવા માટે 25 હજાર રૂપિયાનું ઈનામ મળ્યું ત્યારે મેં પહેલીવાર
આટલા બધા પૈસા એક સાથે જોયા હતા! મારા પિતા લક્ષ્મણભાઈ અને મારી મા રામુબહેન પણ
આટલી મોટી રકમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

ગુજરાત રાજ્યના 27 જિલ્લા, 225 તાલુકા છે. જેમાં 242 નાનામોટા શહેરો અને
18,618 ગામડાં છે. કેટલાંય ગામોમાં મારા જેવી કેટલીયે તેજસ્વી અને આગળ વધી શકે એવી
છોકરીઓ હશે જ, પરંતુ દરેકને જીવનમાં આવી તક નથી મળતી. સ્વયં પ્રધાનમંત્રીના ટ્વિટર પરથી
જેને 2018ની એશિયન રમતમાં ગોલ્ડ મેડલ મળ્યો. એ પછી 2018માં કોમનવેલ્થ રમતો વખતે
ચાર બાય ચારસો મીટરની રીલે દોડ માટેની ટીમમાં મારી પસંદગી કરવામાં આવી. આજે, હું ગોલ્ડન
ગર્લ તરીકે ઓળખાઉ છું, પરંતુ સાચું પૂછો તો હું મારી માટીની, મારા ગામની અને મારા આદિવાસી
વિસ્તારની વ્યક્તિ છું.

હમણા જ કોઈકે મને એક ઈન્ટરવ્યૂમાં પૂછ્યું હતું કે, હું જ્યારે કેમ્પમાં હોઉ અથવા
પ્રવાસ કરતી હોઉ ત્યારે મને શું મિસ થાય છે? ત્યારે મેં જવાબ આપેલો, “નાગલીના રોટલા અને દેશી
અડદની દાળ હું બહુ મિસ કરું છું…” હું આજે પણ મારા પરિવાર સાથે ખૂબ આત્મીયતા ધરાવું છું. મારો
એક ભાઈ અને બે બહેનો સાથે અમે ખૂબ ધીંગામસ્તી કરતાં. અમે ચારેય સરકારી શાળામાં ભણ્યાં.
આજે વિચારું છું તો સમજાય છે કે, મારા પિતાએ મહેનત-મજૂરી કરીને પણ અમને ભણાવવાનો
આગ્રહ રાખ્યો જેને કારણે આજે હું જીવનમાં કશું બની શકી. મારા જેવી કેટલીયે છોકરીઓ હશે કે,
જેમની પાસે હુન્નર, કલા અને સપનાં હશે, પરંતુ એમની પાસે આવી તક નથી કારણ કે, એના માતા-
પિતા એમને શાળાએ મોકલતા નથી.

આખા આહવા તાલુકામાં આટલો બધો વરસાદ પડે છે તેમ છતાં, પાણીની અછત છે.
એક રીતે ડાંગ જિલ્લો ગુજરાતનો ચેરાપૂંજી વિસ્તાર કહેવાય, પરંતુ ઉનાળામાં મારી બહેનો અને હું
દોઢ-બે કિલોમીટર દૂરથી પાણી ભરીને લાવતા. આવા ચાર-પાંચ ધક્કા ખાઈએ ત્યારે આખા ઘરની
પાણીની જરૂરિયાત પૂરી થાય! હું એ વખતથી જ બીજી બધી છોકરીઓ કરતાં ઘણી ઝડપથી ચાલતી.
એ લોકોના ચાર-પાંચ ધક્કા પૂરા થાય એથી ઘણી વહેલી હું મારું કામ પતાવીને બેસી જતી… સ્કૂલે
જતી વખતે પણ અમે દોડ લગાવતા, જેમાં સામાન્ય રીતે હું જ જીતતી… પરંતુ મારા કાકાને ત્યાં
ટી.વી. હતું અને એ નાનકડા બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી. ઉપર અમે ડીડી સ્પોર્ટ્સ જોતા. અમે જ્યારે
જ્યારે ટી.વી. ઉપર સાનિયા મિર્ઝા અને પી.ટી. ઉષા જેવી ખેલાડીઓને જોતાં ત્યારે મને હંમેશાં
વિચાર આવતો કે, મારી દોડવાની આ શક્તિનો ઉપયોગ કરીને હું જિંદગીમાં આગળ વધી શકીશ કે
નહીં, પરંતુ ત્યારે તો કોઈ આશા નહોતી. શરૂઆતમાં તો મને લાગતું હતું કે, મારી જિંદગી પણ આવી
જ રીતે પૂરી થઈ જશે.

સરકારી શાળામાં સ્વાભાવિક રીતે જ કોઈ આપણા પર ધ્યાન ન આપે, પરંતુ મારું
નસીબ ગણો કે ઈશ્વરની કૃપા. મારા પિતાએ આગ્રહ રાખ્યો કે, હું આગળ ભણું. સરકારી યોજનામાં
આદિવાસી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં હું રહેવા આવી ત્યારે એક સરે બધાને
પૂછ્યું, “કોને કોને સ્પોર્ટ્સમાં રસ છે?” મને તો સવાલ જ સમજાયો નહોતો કારણ કે, મને અંગ્રેજી
બિલકુલ આવડતું નહોતું. મેં મારી ફ્રેન્ડને પૂછ્યું, “આ સ્પોર્ટ્સ એટલે શું?” એણે મને સમજાવી કે,
સર રમત-ગમતની વાત કરતા હતા. એ દિવસે તો મેં હાથ ઊંચો નહોતો કર્યો, પરંતુ બીજા દિવસે મેં
સરને શોધીને એમને કહ્યું કે, “મને રમત-ગમતમાં રસ છે.”

એ પછી સાચા અર્થમાં મારો વિકાસ શરૂ થયો એમ કહીએ તો ખોટું નથી. એ વખતે હું
ખોખો અને દોડમાં મારી શાળાને મેડલ અપાવા લાગી. મારા પ્રિન્સીપાલને દેખાયું કે હું ખરેખર
આગળ વધી શકું એમ છું એટલે એમણે 2005માં મને ગુજરાત રાજ્ય ખોખો સ્પર્ધામાં મોકલી.
ત્યાંથી જીતીને અમે રાષ્ટ્રીય સ્પર્ધામાં દાખલ થયા. એ સમયે મારા સર જયમલ નાયકે મને
એથ્લેટિક્સની તાલીમ આપવાનું શરૂ કર્યું. એથ્લેટિક્સને કારણે મારામાં એક ડિસિપ્લિન અને
ટાઈમીંગની સમજ આવવા લાગી. જોકે હજી મને ખુલ્લા પગે દોડવાનું જ ફાવતું. મારા સર મને
વારંવાર શૂઝ પહેરીને દોડવાની વિનંતી કરતા, પરંતુ હું તો આદિવાસી છોકરી… લગભગ 14 વર્ષની
ઉંમર સુધી તો અમે ભાગ્યે જ ચપ્પલ પહેરતા! આશ્રમ શાળામાં ભણવા ગયા પછી મેં નિયમિત
ચપ્પલ પહેરવાની શરૂ કરી, શૂઝની તો વાત જ ક્યાંથી કરવી!

મારા માતા-પિતા બિલકુલ ભણેલા નથી. એટલે એમને રમતગમત કે સ્પોર્ટ્સનું મહત્વ
ન સમજાય એ સ્વાભાવિક છે. એમને એવું લાગવા માંડ્યું કે, હું રમતગમતમાં પડી જઈશ તો
ભણવામાં પાછળ રહી જઈશ. મારા માતા-પિતા જ શું કામ, ભારતમાં એવા ઘણા માતા-પિતા હશે
જે ભણેલા અને શહેરમાં રહેતા હોવા છતાં એવું માને છે કે, રમતગમત અથવા સ્પોર્ટ્સમાં કોઈ
કારકિર્દી નથી, પરંતુ મારે સૌને કહેવું છે કે, ગમે તેટલી મહેનત કરવા છતાં હું 28 વર્ષની ઉંમરે
ડીએસપી ન બની શકી હોત, જો મારી પાસે આ ગોલ્ડ મેડલ અને એથ્લેટિક્સનું બેકગ્રાઉન્ડ ન હોત
તો…

ખોખોની રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્ય તરફથી હું 17 વાર રમી ચૂકી છું, પરંતુ
2012માં જ્યારે મને નવસારી ખેલકુંભમાં 25 હજાર રૂપિયા મળ્યા ત્યારે મારા માતા-પિતાને
સમજાયું કે, સ્પોર્ટ્સમાં પણ કારકિર્દી હોઈ શકે! એ પછી મેં એમ.આર. દેસાઈ કોલેજમાં એડમિશન
લીધું. ચિખલીમાં આવેલી આ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં મને સ્પોર્ટ્સના બેકગ્રાઉન્ડને કારણે
સ્કોલરશિપ પણ મળી. એ કોલેજમાં મારા સાચા અર્થમાં વિકાસ થયો. મારા કોચ કે.એસ. અજિમોન
મને ત્યાં મળ્યા. એમણે મને રિલે એથ્લેટિક્સ અને બીજા સ્પોર્ટ્સમાં રસ લેતી કરી. એમણે મને કહ્યું કે,
મારે નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં એપ્લાય કરવું જોઈએ.

ગુજરાત સરકારની નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમી મારા જેવા કેટલાંય લોકોને ટ્રેનિંગ આપે
છે. સરકારની શક્તિદૂત યોજનામાં પૌષ્ટિક આહાર, રમતગમતની અદ્યતન સુવિધા, આધુનિક સાધનો,
સ્પોર્ટ્સકીટ, સ્પર્ધા ખર્ચ, નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ, મેડીક્લેમ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે
મનોવૈજ્ઞાનિક કાર્યશિબિર અને સ્પોર્ટ્સ મેડિસિન જેવી સવલતો આપવામાં આવે છે. નડિયાદ
એકેડેમીમાં હું વ્યવસ્થિત રીતે એથ્લિટ અને દોડની ટ્રેનિંગ લઈ શકી. ત્યાં મને જ્યારે શૂઝ આપવામાં આવ્યા, અને
એની કિંમત મેં જાણી ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં. મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે, હું આટલા
મોંઘા શૂઝ પહેરીશ અને એક દિવસ મારા દેશનું પ્રતિનિધિત્વ કરીશ.

નડિયાદ એકેડેમીમાંથી મારી પસંદગી પટિયાલામાં આવેલી સ્પોર્ટ્સ એકેડેમી માટે થઈ. અહીં મેં
સંપૂર્ણ ટ્રેનિંગ લીધી… 2017માં ઈન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં મને ગોલ્ડ મેડલ મળ્યો.
એ રિલે દોડવીરોમાં હું એકલી ગુજરાતી છોકરી હતી. એ પછી 2018ની કોમનવેલ્થ ગેમમાં મહિલા ટીમમાં મારી
પસંદગી થઈ. હું પહેલી ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બની. એ પછી એશિયન ગેમ્સની ભારતીય ટીમ માટે મારી
પસંદગી થઈ અને અમે સુવર્ણચંદ્રક મેળવ્યો. મારી સાથે એમ.આર. પુવમ્મા, હિમા દાસ અને વી.કે. વિસ્મયા પણ
હતાં.

અમારી જીત પછી એક અંગ્રેજી અખબારમાં મને ‘ડાંગ એક્સપ્રેસ’નું બિરૂદ મળ્યું. દેશભરમાં
હું જાણીતી બની, મારી તસવીરો દરેક અખબારમાં છપાઈ તેમ છતાં, મારા ઘરમાં નળ નહોતો…
કૂવેથી પાણી ભરતા મારા વીડિયો વાયરલ થયા એ પછી ગુજરાત સરકારે મારા ઘર સુધી જ નહીં બલ્કે
મારા ગામ અને એની આસપાસના વિસ્તારોમાં પણ ‘નલ સે જલ’ની યોજનામાં પાણી પહોંચાડ્યું.
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મારી નિમણૂક નાયબ પોલીસ અધિક્ષક તરીકે કરી અને
એમણે પોતાના ટ્વિટર પર લખ્યું, “ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી
એશિયન ગેમ્સમાં મહિલાઓની ચાર બાય ચારસો મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી
ગુજરાતની દીકરી શક્તિવંદન સ્વરૂપા સુ.શ્રી. સરિતા ગાયકવાડને નવરાત્રિના દુર્ગાષ્ટમીના પાવન
દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક બદલ અભિનંદન.”

(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *