દારા સિંહઃ 55 વર્ષના અજેય પહેલવાન

7મી જુલાઈ, 2012ના દિવસે ભારતના ગૌરવસમા પહેલવાન દારા સિંહને હાર્ટએટેક આવ્યો.
10મી જુલાઈ સુધી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રહ્યા પછી એમણે અને એમના પરિવારે નિર્ણય
કર્યો કે, એ પોતાના નિવાસસ્થાન ‘દારાવીલા’ પાછા જવા માગે છે. 11 જુલાઈએ એમને દારાવીલામાં
લાવવામાં આવ્યા અને 12મી જુલાઈએ સમગ્ર પરિવારની હાજરીમાં એમણે દેહ છોડ્યો. આ એમની
પહેલી અને આખરી બિમારી હતી.

1928માં 9 નવેમ્બરના દિવસે પંજાબના ધરમુચક ગામમાં એમનો જન્મ થયો. એમનું મૂળ નામ
દીદાર સિંહ હતું. 55 વર્ષ સુધી એમણે 500થી વધારે ફ્રી સ્ટાઈલ કુસ્તીની સ્પર્ધાઓમાં ભાગ લીધો જેમાં
એકવાર પણ હાર્યા નથી. 1983માં એમણે એમની એક સ્પર્ધા જીત્યા પછી સન્માનપૂર્વક 56 વર્ષની ઉંમરે
કુસ્તીમાંથી સન્યાસ લીધો. મુમતાઝ સાથે એમણે અનેક સ્ટંટ ફિલ્મોમાં અભિનય કર્યો. રામાયણની ટી.વી.
સીરિયલમાં ‘હનુમાન’ના રોલમાં એમને ખૂબ લોકપ્રિયતા મળી. એ અભિનેતા હતા અને છ વર્ષ સુધી
રાજ્યસભાના સાંસદ પણ રહ્યા…

એ 15 વર્ષના હતા ત્યારે એમનાથી આઠ વર્ષ મોટી છોકરી સાથે એમના પરિવારે લગ્ન એમના
લગ્ન કરી દીધા. દીકરો જલદી જવાન થઈ જાય એમ વિચારીને મા સો બદામ, ભેંસનું દૂધ અને માખણ
ખવડાવતી. પરિણામ એ આવ્યું કે દારા સિંહની ઊંચાઈ અને શરીર એકદમ મજબૂત બની ગયા. એમના
એક નાના ભાઈ સરદારા સિંહ પહેલવાન હતા. જેને લોકો ‘રંધાવા’ના નામે ઓળખતા. રંધાવાના
આગ્રહથી દારા સિંહે કુશ્તી લડવાનું શરૂ કર્યું. નાના નાના ગામના દંગલથી શરૂ કરીને શહેર અને અંતે
1947માં એ ભારતીય સરકારના પ્રતિનિધિ તરીકે સિંગાપુર આવ્યા. એ પછી મલેશિયા અને ધીરે ધીરે
બીજા દેશોમાં એમણે પોતાની કુશ્તીની ધાક જમાવી. ઓરિયેન્ટલ ચેમ્પિયન કિંગકોગને હરાવ્યા પછી
એમને વિશ્વભરમાં સન્માન મળ્યું. એમની પહેલી પત્ની એમની સાથે જ રહેતી હતી, પરંતુ જ્યારે એ
પ્રસિધ્ધ અને પૈસાપાત્ર થયા ત્યારે પહેલી પત્નીની પરવાનગીથી એમણે એમ.એ. ભણેલી એક સુરજીત
કૌર નામની છોકરી સાથે લગ્ન કર્યા.

એમણે પોતાની આત્મકથા મૂળ પંજાબીમાં લખી છે, પરંતુ એનો હિન્દી-અંગ્રેજી અને બીજી
ભાષાઓમાં અનુવાદ થયો છે. દારા સિંહે પોતાની આત્મકથામાં એક બહુ રસપ્રદ વાત લખી છે,
‘કેટલીકવાર આપણી સાથે બનતી ઘટનાઓ આપણી મરજીથી નથી બનતી, પરંતુ એ ઘટનાઓમાં કોઈ
ઈશ્વરી સંકેત હોય છે. જો મારા લગ્ન મારાથી મોટી ઉંમરની છોકરી સાથે ન થયા હોય અને મને મારી
માએ મને આટલી બદામ અને દૂધ-માખણ ન ખવડાવ્યા હોત તો કદાચ હું દારા સિંહ ન હોત!’

આપણે બધા જીવનમાં બનતી ઘટનાઓને ક્યારેક બદનસીબ, દુર્ભાગ્ય કે આપણી સાથે થયેલા અન્યાય તરીકે
જોઈએ છીએ, પરંતુ એ સમયે આપણને ખબર નથી હોતી કે, આ ક્ષણે આપણી સાથે જે થયું છે એને ભવિષ્યમાં
કોઈક સંકેત તરીકે આજે રોપવામાં આવ્યું છે. લગભગ દરેક વ્યક્તિ જે સફળ છે, લોકપ્રિય પ્રસિદ્ધ કે જીવનમાં કશું
પામી છે એ દરેક વ્યક્તિ પાસે પોતાના ભૂતકાળની એક કથા હોય છે. એ જ્યારે સંઘર્ષ કરી રહી હોય છે ત્યારે એને
સમજાતું નથી કે એ સંઘર્ષમાં એના ભવિષ્યની સફળતા છુપાયેલી છે. કોઈપણ સફળ વ્યક્તિના ઈન્ટરવ્યૂમાં કે એની
જીવનકથામાં એને બધું જ તૈયાર, સરળતાથી કે સ્વાભાવિક રીતે મળ્યું હોય એવું સાંભળવા નહીં મળે. આજના
મોટાભાગના માતા-પિતા પોતાના સંતાનોને સંઘર્ષ કરવા દેતા નથી, જોકે એમની સફળતાની અપેક્ષા વાસ્તવિકતા
કરતાં ઘણી વધુ હોય છે! જે વ્યક્તિએ સંઘર્ષ જોયો નથી એને માટે એની સફળતાનું મૂલ્ય જેટલું હોવું
જોઈએ એટલું તો નથી જ હોતું.

દારા સિંહ હોય કે અમિતાભ બચ્ચન, ધીરુભાઈ હોય કે મહેન્દ્રસિંહ ધોની, આ સૌની સફળતાના
રસ્તા અંધકારમાંથી પસાર થયા વગર રહ્યા નથી. થોડો સમય માટેનો અંધકાર કાયમ ટકવાનો જ છે એવું
માનવાની જરૂર નથી. એવી જ રીતે, પ્રકાશથી થયેલી શરૂઆત સતત ઉજ્જવળ જ રહેશે એવું માનવાની
ભૂલ ન કરવી. સંઘર્ષની ફરિયાદ કરવાને બદલે આજની ક્ષણના સિક્કાને પૂરી ઈમાનદારીથી વટાવવા જોઈએ.
એમાંથી મળતા દરેક પાઠને-લેસન કે અનુભવને આપણને મળેલા વળતર તરીકે સાચવી રાખવા જોઈએ.

જે માતા-પિતા પોતાના સંતાનને જરાક પણ તકલીફ પડવા દેતા નથી એ એમના સંતાનનું ભલું નથી કરતા
બલ્કે એમને નબળા અને આધારિત બનાવી રહ્યા છે. માતા-પિતા તરીકે એમનો પ્રેમ સમજી શકાય, એ પણ સમજી
શકાય કે એમણે કરેલો સંઘર્ષ એમનું સંતાન ન કરે એવો એમનો ઈમાનદાર પ્રયાસ હોય, પરંતુ સાથે સાથે પોતે કાયમ
રહેવાના નથી અને એમના સંતાને જીવનના તડકા-છાંયડા જોવા જ પડશે એ વાત પણ એમણે સ્વીકારવી જ રહી.

દારા સિંહની આત્મકથામાં એમણે લખ્યું છે, ‘હું દરેક મુકાબલાને મારા પહેલા મુકાબલા તરીકે જ
જોતો. મને એટલો જ ભય લાગતો. એટલી જ ઉત્કંઠા અને એન્ઝાયટી રહેતાં. સામેનો પહેલવાન નબળો
હોય કે મારાથી મજબૂત, પણ હું દરેક વખતે મારી પૂરી તૈયારી સાથે જતો. કુશ્તી છોડી દીધા પછી પણ મેં
કદી કસરત છોડી નથી. મોટાભાગના પહેલવાનો કુશ્તી છોડ્યા પછી ઢીલા અને નબળા પડી જતા હોય
છે, પરંતુ મેં 55 વર્ષની ઉંમરે મેં 25-30 વર્ષના યુવાનો સાથે પણ ઔપચારિક કુશ્તી લડવાનો પ્રયત્ન કર્યો
છે, જેમની શક્તિ અને નવા નવા દાવપેચ જોઈને એમની પાસેથી પણ હું ઘણું શીખ્યો છું.’

ઓછું ભણેલા અને ગામડામાંથી છેક સાંસદ, અભિનેતા-દિગ્દર્શક અને લેખક સુધીનો સફળ
પ્રવાસ કરનાર દારા સિંહ પાસેથી એક જ વાત શીખવાની છે… સતત શીખતા રહેવું અને સતત અભ્યાસ
કરતા રહેવું. સંઘર્ષની ફરિયાદ ન કરવી, સફળતા એ પછી જ મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *