દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ દેવી પરં સુખં । રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ ।।

દુર્ગા સપ્તશતિના ‘અર્ગલા સ્તોત્ર’ નો આ 13મો શ્લોક છે, જેમાં મા દુર્ગા પાસે આશીર્વાદ માગવામાં
આવે છે. માર્કંડેય પુરાણમાં દેવીના અર્ગલા સ્તોત્રનો ઉલ્લેખ છે. 27 શ્લોકોમાં દેવી દુર્ગાના મહામ્ત્યની સાથે સાથે
એમની પાસે માંગવાના વરદાનની પણ બહુ સુંદર રીતે વાત કરવામાં આવી છે. માણસને આશીર્વાદ માગતા પણ
આવડવું જોઈએ ! આપણે ભૌતિક સુખોની માગણી કરીએ છીએ ત્યારે નાની ક્ષુલ્લક બાબતોમાં અટવાઈ જઈએ
છીએ. વરદ્ મુદ્રામાં બિરાજતા મા દુર્ગા તો વરદાન આપવા જ બેઠાં છે એવું ‘દેવી ભાગવત’ માં કહેવાયું છે.
આસુતોષ (તરત જ પ્રસન્ન થઈ જતા) શંકર – મહાદેવના પત્ની, મહાદેવી – દુર્ગાના મહાત્મ્ય અને એમને પ્રસન્ન
કરવાના સ્તોત્ર પૂજનનો વિધિ માર્કંડેય પુરાણમાંથી મળે છે.

‘પુરાણ’ એટલે શું? આમ તો, ‘પુરાણું’ એટલે જૂનું. જે વાત આપણે ન સ્વીકારવી હોય અથવા આપશ્રી
શ્રદ્ધાને સંશય થાય એટલે આપણે તરત કહીએ છીએ કે આ તો બધી પૌરાણિક વાતો છે…. પરંતુ પુરાણ સાથે
જોડાયેલી અથવા પૌરાણિક વાત એટલે આપણી સમજણની બહાર એવું નહીં. જે વેદ છે એને સમજાવતા જે
ભાષ્યો લખાયા એને ઉપનિષદ કહેવાય છે. ઉપનિષદને સમજાવતી જે કથા, વાર્તા કે ઉપનિષદમાં વર્ણવાયેલી
દેવોની સ્તુતિની રચના થઈ એ બધાં પુરાણ છે. પુરાણમાં પાંચ લક્ષણો હોવાં જોઈએ. એથી જ એને ‘પંચજન્ય’
કહે છે. 1. સર્ગ, 2. પ્રતિસર્ગ, 3. વંશ, 4. મનવંતર અને 5. વંશના ચરિત્રો. સર્ગ એટલે ભાગવતમાં જણાવ્યા
મુજબ સૃષ્ટિની ઉત્પત્તિની કથા અને સૃષ્ટિના સર્જનની સમગ્ર પ્રક્રિયા એ સર્ગનો મુખ્ય ભાવ છે. પ્રતિસર્ગ એટલે
સર્ગથી વિરુદ્ધ, એટલે પ્રલયની કથા. બ્રહ્માંડની રચના અને એનું વિસર્જન બંને પ્રક્રિયા સહજ છે. પ્રાકૃતિક છે
અને નિયમિત રીતે થયા કરે છે, એમ પુરાણો કહે છે. એ આખીય પ્રક્રિયાને પુરાણોમાં એક યા બીજી રીતે વર્ણવામાં
આવી છે. વંશ એટલે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલા મનુષ્યાવતારોની કથા.

સર્વપ્રથમ નારાયાણ અને એમના નાભિકમળથી જન્મ્યા એ બ્રહ્મા. બ્રહ્માએ ઉત્પન્ન કરેલા માનવ અને
દેવ અવતારો સૂર્યવંશ અને ચંદ્રવંશમાં વિભાજિત થાય છે. સૂર્ય વંશમાં મરીચી, કશ્યપ, વિવસ્વાન્ (સૂર્ય), વૈવસ્વત
(મનુ), ઇલા (સુદ્યુમ્ન) એજ રીતે ચંદ્ર વંશમાં અત્રી, ચંદ્ર, બુધ, પુરુવા, આયુષ, નહુષ, યયાતિ, પૂરુ, જન્મેજય,
પ્રાચીન્વાન જેવા રાજાઓનો જન્મ થયો. એમની 28મી પેઢી દુષ્યંત 29મી પેઢી ભરત (જેના પરથી ભારત
કહેવાય છે.) અને 32મી પેઢી એ હસ્તી (જેણે હસ્તિનાપુરની સ્થાપના કરી) આ વંશની કથા પુરાણોમાં કહેવાય
છે. ભાગવત પુરાણમાં માત્ર રાજાઓના વંશની પરંપરાને નહિ પરંતુ ઋષિઓની સંતાન પરંપરાનો પણ સમાવેશ
કરવામાં આવ્યો છે. મનવંતર એટલે જુદી જુદી સમય મર્યાદાના માપનું એક સૂચક. મનુષ્ય જન્મના યુગો અથવા
એ યુગો સાથે જોડાયેલી સમયમર્યાદા મનવંતર કહેવાય છે. પુરાણો મુજબ 14 મનવંતર છે. પ્રત્યેક મનવંતરમાં
એક અધિપતિ વિશિષ્ટ મનુ કહેવાય છે. એના પછી પાંચ મનુ એટલે દેવતા, મનુપુત્ર, ઇન્દ્ર, સપ્તર્ષિ અને
ભગવાનના અંશાવતાર, આ સર્વે વિશિષ્ટ જન્માંતરના અસ્તિત્વના સમયને મનવંતર કહેવાય છે અને અંતે, વંશ
ચરિત્ર. ચંદ્ર વંશ અને સૂર્ય વંશના મુખ્ય અંશમાંથી જુદા જુદા વંશમાં વિભાજિત થઇને ઉત્પન્ન થયેલા વંશજો
જેમાં, રાજા, ઋષિઓ અને અંશાવતારની કથાઓ કહેવામાં આવે છે. આમાં મનુષ્યાવતારમાં જન્મેલા અતિ
વિશિષ્ટ ચરિત્રોની કથા પણ છે. કુલ અઢાર પુરાણ છે.

મહાભારત ગણવામાં આવે છે. ગીતાના અઢાર અધ્યાય મહાભારતના અઢાર પર્વ અને અઢાર પુરાણો…
આ અઢારનો અંક આપણા શાસ્ત્રો માટે મહત્ત્વનો છે, કારણ કે આઠ અને એક, નવ, પૂર્ણાંક બને છે. વળી શતપથ
બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે વર્ષમાં 12 માસ અને 6 ઋતુઓ એમ 18નું વર્ષ થાય છે. આઠ અને આઠ એમ સોળ
ચોઘડિયાં અને દિવસ તથા રાત્રિ એમ મળીને પણ અઢારનો અંક બને છે, તેથી અઢારનું આપણા શાસ્ત્રોમાં આગવું
મહત્ત્વ છે. આવા 18 પુરાણમાંથી માર્કેંડેય પુરાણનો ક્રમ સાતમો ગણવામાં આવે છે.

દુર્ગા સપ્તશતી માર્કંડેય પુરાણમાં દેવીની આરાધના છે. એમાં
ॐ જયત્વમ દેવી ચામુન્ડે જય ભૂતાપહારિણી
જય સર્વગતે દેવિ કાલરાત્રિ નમોડસ્તુ તે ।। 1 ।। થી શરૂ થતું આ સ્તોત્ર
ઇદં સ્તોત્રં પઠિત્વા તુ મહાસ્તોત્રં પઠેન્નરઃ ।
સપ્તશર્તી સમારાધ્ય વરમાપ્નોતિ દુર્લભમ્ ।। 27 ।। થી પૂર્ણ થાય છે… એમાં દરેક શ્લોકના બીજા
ચરણમાં માંગ્યું છે. રૂપં દેહી – રૂપ આપો. આ રૂપ એટલે ફક્ત સુંદરતા નહીં સ્વાસ્થ્ય અને સ્વ-રૂપની પણ વાત
છે… મને મારા ‘સ્વ-રૂપ’ નું ભાન થાય અને હું એને યોગ્ય બનું એવી પ્રાર્થના પણ કરવામાં આવે છે. બીજું, જયં
દેહી-જય આપો. જય એટલે સતત વિજય નહિ અન્ય હરાવવાનું વરદાન નથી આ. અહીં જય એટલે સર્વનું
હૃદય, મન અને સ્નેહનો જય પામવાની વાત છે. વ્યક્તિ તરીકે સૌ આપણને નમે એ વિજય છે. પરંતુ સૌ
આપણને ચાહે એ જય છે, અને આ જય મેળવવો આપણા હાથની વાત છે. આપણને દેવી ‘જય’ને યોગ્ય બનાવે
એવી પ્રાર્થના છે. ત્રીજુ, યશો દેહી – યશ આપો. જ્યારે સ્વસ્થતા હોય પ્રેઝન્ટેબલ અને પ્લેઝન્ટ વ્યક્તિત્વ હોય,
અન્યનું હૃદય અને આદર જીતવાની આવડત હોય એ પછી યશ એટલે કે પ્રસિદ્ધિ કે કીર્તિની માંગણી કરવામાં
આવે છે. આ યશ એટલે પ્રસિદ્ધિ નહિ પણ સિદ્ધિ. એક વ્યક્તિ તરીકે આપણા વિશે સૌ સારું વિચારે કે આપણી
ગેરહાજરીમાં પણ આપણા વિશે સારી વાત થાય એ ‘યશ’ છે.

આ બધા પછી, દ્વિષો જહી – એટલે દ્વેષ, કામ, ક્રોધ જાય એવું વરદાન આપો.

વિચારીએ તો સમજાય કે પહેલી ત્રણ માંગણી કરતા ચોથી બાબત અગત્યની છે. રૂપ હોય, જય હોય,
યશ હોય તેમ છતાં જો હૃદયમાં દ્વેષ હોય – અન્ય પરત્વે ઇર્ષ્યા કે કોઈની પણ સરખામણી કરીને આપણને
અભાવ, અસુરક્ષા કે અસંતોષ થતો રહે તો આપણને મળેલાં રૂપ, જય કે યશનો કોઈ અર્થ રહેતો નથી. ચોથા
વરદાનમાં દ્વેષને કાઢવાનું કહીને સંતોષ, શાંતિ અને ક્ષમાની માંગણી કરવામાં આવી છે.

અર્ગલાસ્તોત્રના પ્રત્યેક શ્લોકનું બીજું ચરણ આ જ ચાર બાબતો માગે છે. દેવીની પ્રશંસા કે એમના
પરાક્રમના વર્ણન સાથે પ્રત્યેક શ્લોકમાં વ્યક્તિ તરીકે આપણે શું માંગવું જોઈએ, એ અર્ગલાસ્તોત્ર શીખવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *