‘મારા બે સંતાનો વિદેશ રહે છે. મારી પત્નીના મૃત્યુ પછી હું સાવ એકલો પડી ગયો એટલે મેં 68
વર્ષની ઉંમરે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યાં. મારા સંતાનો મારી સાથે બોલતા નથી.’ આ એક વૃધ્ધ વડીલનો ઈમેઈલ
છે. એમણે બીજી વિગતો પણ લખી છે, પરંતુ મહત્વની બાબત એ છે કે એમના સંતાનો સાથે રાખવા કે
સાથે રહેવા તૈયાર નથી, પરંતુ એમને ‘વીલ’ કરવા માટે દબાણ કરે છે. આમ જોવા જઈએ તો આ કોઈ
નવી કે આશ્ચર્ય પમાડે એવી વાત નથી. આપણા દેશમાં કેટલાય કુટુંબોમાં આ અથવા આવા પ્રકારની
સમસ્યા જોવા મળે છે. માતા-પિતાની સંપત્તિ ગમે છે, પરંતુ વૃધ્ધ માતા-પિતા ન ગમતા હોય એવું
આપણે અવારનવાર જોયું છે. બીજી તરફ એ જ માતા-પિતા કોઈપણ ભોગે ‘સમાજ’ની સામે સંતાનનું
માન સાચવવા જુઠ્ઠું બોલે, કે એમનું અપમાન સહીને પણ એમની સાથે રહેવાનો મરણિયો પ્રયાસ કરે
છે. ‘વૃધ્ધાશ્રમ’ અથવા ‘સિનિયર લિવિંગ’ કોઈ અપમાનજનક પરિસ્થિતિ હોય એમ મોટાભાગના માતા-
પિતા એ પરિસ્થિતિથી ગભરાય છે, ઝંખવાય છે અને ‘એકલા પડી જવાના’ ભયથી અપમાનિત થઈને
પણ સંતાન સાથે રહેવા મથે છે.
વિદેશોમાં સંતાન 18 વર્ષનું થાય એટલે જુદું રહેવા લાગે છે. આ પરિસ્થિતિને વખોડવાને બદલે
જો થોડી સમજદારીથી જોઈએ તો સંતાનની સ્વતંત્રતાની સાથે સાથે એની જવાબદારી પણ શરૂ થાય
છે. આર્થિક રીતે માતા-પિતા પર નિર્ભર રહેતા સંતાનો મોટી ઉંમર સુધી આળસુ અને બેજવાબદાર રહે
છે. ભારતમાં આ પરિસ્થિતિ વધુ જોવા મળે છે કારણ કે, આપણે ત્યાં સંતાનોને જુદા નહીં થવા દેવાનો
એક વિચિત્ર પ્રકારની જીદ છે. સમાજમાં અને પડોશમાં ‘લોકો શું કહેશે?’ના ભય હેઠળ મોટાભાગના
માતા-પિતા પોતાના સંતાનને જુદા રહેવા જવા દેતા નથી.
હવે, બે પેઢીના વિચારો અને જીવનશૈલી જુદા છે. જે લોકો 65થી ઉપર, 70-75 વર્ષના છે
એમને માટે રૂપિયાની કિંમત ઘણી વધુ છે કારણ કે, એમણે સંઘર્ષ જોયો છે. બીજી તરફ એમના જ
સંતાનો જે 50ના થવા આવ્યા છે, થઈ ચૂક્યા છે એમને કારકિર્દીનું, સંતાનોના શિક્ષણનું અને આ
રોજિંદી હરિફાઈમાં ટકી રહેવાનું એટલું બધું પ્રેશર છે કે એમને માટે માતા-પિતાની ‘સેવા’ કરવી એના
કરતા વધારે મોટી પ્રાયોરિટી પોતાની રોજિંદી જિંદગી મેનેજ કરવાની છે. એમની નવી પેઢી, એમના
સંતાનો સાથે એમને મતભેદ તો છે જ, ઘણા પરિવારોમાં મનભેદ પણ છે… ટીનએજમાં પ્રવેશી ચૂકેલા કે
વટાવી ગયેલા એમના યુવા સંતાનો તો હવે એમની સાથે નથી રહેવાના, એ વાતની આ 50-55ના
માતા-પિતાની પાક્કી ખબર છે.
આપણે સંયુક્ત કુટુંબનો અર્થ ‘એક છત નીચે રહેવું’ એવો કરીએ છીએ. સાચો અર્થ કદાચ
આજના જમાનામાં એ છે કે, જે પરિવારના મન એકબીજા સાથે મળેલા હોય એ પરિવાર સંયુક્ત છે.
આજે પણ ઘણા પરિવારો એક જ છત નીચે રહે છે. ચાર પેઢી ભાઈઓ-ભાભીઓ અને એમના પણ
સંતાનો, એમના સંતાનો એક જ ઘરમાં સમજણપૂર્વક જીવે છે. આ પ્રશંસાને પાત્ર પરિસ્થિતિ છે, પરંતુ
દરેક વખતે વધતા જતા પરિવારને એક જ છત નીચે રાખવું શક્ય નથી હોતું. વળી, વિચારોના અને
અભિપ્રાયોના ટકરાવ સતત મનને ઊંચા રાખે અને વાતે વાતે દલીલ થાય કે ઝઘડા થાય, મન-દુઃખ થાય
એને બદલે કદાચ થોડા દૂર રહીને પણ જો પ્રેમ જળવાય તો એ પરિસ્થિતિ આવકાર્ય છે.
જે લોકો 60ના દાયકામાં જન્મ્યા છે એમને માટે એમના માતા-પિતા અને એમના સંતાનોને એક
જ છત નીચે રાખવા એ સૌથી અઘરી જવાબદારી પૂરવાર થાય છે. વૃધ્ધ માતા-પિતાને લાગે છે કે,
સંતાનો પોતાના બાળકોને કંઈ કહેતા નથી. બાળકોને લાગે છે કે, મમ્મી-પપ્પા, દાદા-દાદીની રોકટોકને
અટકાવતા નથી. હજી હમણા જ મળેલા એક ઈમેઈલમાં એક બહેને લખ્યું હતું, “અમે પહેલાં અમારી
સાસુનો ત્રાસ સહન કર્યો અને હવે અમારે પુત્રવધૂને રાજી રાખવા મન મારવાનું…” એમની વાત સાવ
ખોટી નથી એટલું તો આપણે સૌએ સ્વીકારવું જ પડે.
વિદેશ રહેતા કે બહારગામ કામ કરતા સંતાનો માતા-પિતાને પોતાની સાથે રાખવા પ્રયત્ન કરે,
પરંતુ એ માતા-પિતાને પણ વિદેશમાં કે પોતાનું વાતાવરણ અને ગામ કે શહેર છોડીને રહેવાનું ગમતું
નથી. સવારથી સાંજ કામ કરતા સંતાન (દીકરો હોય કે દીકરી)ના પરિવાર સાથે રહેનારા માતા-પિતા વધુ
એકલા અને વધુ નિગ્લેક્ટેડ હોવાની અનુભૂતિ કરે છે. આ વાત બધા માટે સાચી ન હોય તો પણ આખી
જિંદગી સ્વમાન અને સ્વતંત્રતા સાથે જીવેલા વ્યક્તિ માટે સતત ટોક-ટોક સાંભળવી કે નાના-બે
બેડરૂમના ઘરમાં સતત પોતાના રૂમમાં પૂરાઈ રહેવું એ અગવડભરી પરિસ્થિતિ તો છે જ. પતિ-પત્ની બંને
હોય ત્યાં સુધી તો પરિસ્થિતિ સહ્ય હોય છે. એકમેકની કંપની અને કાળજીથી બંને જણાં ટકી જાય છે,
પરંતુ બેમાંથી એક ચાલી જાય પછી પરિસ્થિતિ વધુ દુષ્કર અને મુશ્કેલ બને છે. ખાસ કરીને, પત્નીનું મૃત્યુ
થાય ત્યારે એકલા વૃધ્ધ પુરુષ માટે જીવન વધુ અઘરું છે કારણ કે, ભારતીય પુરુષને સ્વાવલંબી બનતા
શીખવવામાં આવતું નથી.
વૃધ્ધ માતા કે પિતાને પણ ક્યારેક સંતાનની સાથે રહેતાં આવડતું નથી. આખી જિંદગી પોતે જે
રીતે જીવ્યાં, એ જ રીતે સંતાને જીવવું જોઈએ અથવા પોતે વડીલ છે માટે સૌએ એમનું જ સાંભળવું
અને એમના જ કહ્યા મુજબ, એમના જ સમયે બધું થવું જોઈએ એવો આગ્રહ રાખનાર માતા-પિતા પણ
અંતે પોતાના જ માટે મુશ્કેલી ઊભી કરે છે.
સંતાનના જન્મ સમયે જે આનંદ અને ખુશી અનુભવ્યા હોય, એને ઉછેરવામાં જે મહેનત, સ્નેહ
અને સંઘર્ષ રેડ્યા હોય એ પછી જ્યારે સંતાન સાથે રહેવું અઘરું બને ત્યારે અફસોસ કે અકળામણ વગર
સમજણપૂર્વક ઉકેલ શોધવો એ જ સાચો રસ્તો છે. એક છત નીચે નહીં જ રહી શકાય એવું લાગે ત્યારે
જુદા થવામાં કશું જ ખોટું નથી બલ્કે, સત્ય તો એ છે કે જો માતા-પિતા જ સંતાનને સમયસર જુદા કે
સ્વતંત્ર કરી દે તો એમને જવાબદારીની સાથે સાથે માતા-પિતાની હાજરીનું મૂલ્ય પણ આપોઆપ થઈ
જાય. મનદુઃખ કરીને પણ પરાણે સાથે રહેવાને બદલે સમજણપૂર્વક છૂટા પડવામાં સગવડ અને સુખ બંને
જળવાય છે.