આજના સમયમાં દરેક ઘરમાં મતમતાંતર અને જનરેશન ગેપ જોવા મળે છે. 1995 પછી
જન્મેલી પેઢી, 2000ની અને એ પછીની પેઢી-એની સામે 60ના દાયકામાં જન્મેલા માતા-પિતા,
એમના પણ માતા-પિતા… જુદી જુદી માનસિકતાઓ અને આગવા સંઘર્ષમાંથી સૌ પસાર થાય છે. નવી
પેઢીની ચેલેન્જિસ કદાચ જૂની પેઢીને સમજાતી નથી, તો જૂની પેઢીની મહેનત અને એમણે કાળી મજૂરી
કરીને પોતાના પછીની પેઢીને આપેલી સગવડ અને સુરક્ષા નવી પેઢીને સમજાતી નથી. આ પરિસ્થિતિમાં
સંયુક્ત કુટુંબ અઘરું થઈ પડે, એ સ્વાભાવિક છે. મોટાભાગના ધર્મ અધ્યાત્મ શીખવે છે, ઈશ્વર ભક્તિ,
ઈશ્વર પ્રીતિ કે પાપ અને પુણ્ય વચ્ચે તફાવત કરતાં શીખવે છે, પરંતુ પારિવારિક સંબંધો અને એમાંથી
જન્મતી સંવાદિતા શીખવવાનું કામ સ્વામિનારાયણ ધર્મ કરે છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ
સ્વામિનારાયણ સંસ્થાની એક ઉત્તમ પ્રવૃત્તિ ‘ઘર સભા’ છે. ધર્મનો પ્રચાર કે પ્રસાર કર્યા વગર, સહજીવન
કઈ રીતે સૌમ્ય અને સુખી બની શકે એ માટે સ્વામિનારાયણ સંતો ઘરે જઈને ‘હોમ કાઉન્સેલિંગ’ કરે છે.
આ બહુ જ મહત્વની બાબત છે કારણ કે, જ્યાં સુધી માણસનું મન શાંત નહીં હોય ત્યાં સુધી એને ધર્મ
પરત્વે વાળવો અઘરો છે. ધર્મનું પાલન ત્યારે જ થઈ શકે, જ્યારે ઘરમાં શાંતિ હોય!
બીજી એક બહુ જ મહત્વની વાત, સ્વામિનારાયણ ગુરુકુળની છે. આજે અંગ્રેજી શાળાઓ અને
ઈન્ટરનેશનલ શિક્ષણની વચ્ચે આપણા બાળકો એમના રૂટ્સ (મુડ), સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલી રહ્યા છે
એવી ફરિયાદ તો બધા કરે છે, પરંતુ એ માટે જો ખરેખર કોઈ કટિબધ્ધ થઈને કામ કરતું હોય તો એમાં
એક મહત્વની સંસ્થા ‘બાપ્સ’ છે. દેશ-વિદેશથી અહીં બાળકો ભણવા આવે છે. એમને ભારતીય સંસ્કૃતિ,
ધર્મ અને વેદનું શિક્ષણ આપવામાં આવે છે. એ વખતે કદાચ યુવા વિદ્યાર્થીઓને બધું અઘરું અને આકરું
લાગે, પરંતુ સમય જતાં આવાં ગુરુકુળનું શિક્ષણ એમને જીવનમાં સ્વયંશિસ્ત, પ્રામાણિકતા અને નિષ્ઠા
શીખવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાય ઘનશ્યામદાસજી મહારાજે પ્રસ્થાપિત કરેલો ધર્મ છે, જે પછીથી શ્રી
સહજાનંદ સ્વામી તરીકે ઓળખાયા. છપૈયા (ઉત્તર પ્રદેશ)માં 1781માં એમનો જન્મ. 11 વર્ષની વયે
ગૃહત્યાગ કરીને એમણે બાળયોગી બનીને ધર્મના પ્રચાર અને પ્રસારનું કામ કર્યું. શ્રી રામાનંદ સ્વામીજીએ
એમને વૈષ્ણવ તરીકે દીક્ષિત કર્યા. 17 ડિસેમ્બર, 1801માં શ્રી રામાનંદ સ્વામીના દેહત્યાગ પછી શ્રી
સહજાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયનું નેતૃત્વ સ્વીકાર્યું. જેમ દરેક ધર્મમાં થાય છે એમ જ વિરોધનો સામનો
કરીને પણ એમણે ઈશ્વરમાં નિષ્ઠા છોડી નહીં અને પુરુષોત્તમ-કૃષ્ણમાં પોતાની શ્રધ્ધાને અડગ રાખી
ધર્મનો વિસ્તાર કર્યો. શિક્ષાપત્રી અને વચનામૃત, સ્વામિનારાયણ ધર્મના બે એવાં પુસ્તકો છે જેને ધર્મ
કરતાં વધુ જીવન અને જીવનશૈલી સાથે જોડી શકાય. દરેક વ્યક્તિએ સમાજમાં કઈ રીતે જીવવાનું છે, કઈ
રીતે વર્તવું જોઈએ અને શું કરવાથી સામાજિક ઐક્ય અને સંસ્કૃતિ જળવાય એની વાત આ બંને
પુસ્તકોમાં નિરપેક્ષ રીતે કરવામાં આવી છે.
ગુરુશિષ્ય પરંપરાની રીતે સ્વામિનારાયણ ધર્મમાં નેતૃત્વનું ચયન થાય છે. વ્યક્તિગત લાયકાત અને
ધાર્મિક પરંપરા મુજબ દરેક ગુરુ પોતાના પછી ધર્મનું નેતૃત્વ કરનાર શિષ્યને પસંદ કરે છે. ‘ગુણાતીત ગુરુ
પરંપરા’ મુજબ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયનું નેતૃત્વ 13 ઓગસ્ટ, 2016ના
દિવસે પોતાના હસ્તાક્ષરમાં શ્રી મહંત સ્વામીને સોંપી ચૂક્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના દેહત્યાગ
પછી શ્રી મહંત સ્વામીએ ધર્મનું નેતૃત્વ સંભાળ્યું. આજે, 13મી સપ્ટેમ્બરે, શ્રી મહંત સ્વામી મહારાજનો
89મો જન્મદિવસ છે.
વિશ્વનો કોઈ ધર્મ ટીકાકારોથી બચી શક્યો નથી. જિસસને ક્રોસ પર લટકાવનાર કે ભગવાન શ્રી
મહાવીરના કાનમાં ખીલા ખોસનાર, નરસિંહ મહેતાને ન્યાત બહાર કરનાર કે, મીરાંને ઝેર આપનાર,
ગુરુનાનક કે મોહમ્મદ પર અત્યાચાર કરનાર, બુધ્ધ ઉપર ચારિત્ર્યહીન હોવાનો આક્ષેપ કરનાર કે શ્રી
રામને વનવાસ આપનાર, ભગવાન શિવનું અપમાન કરનાર કે શ્રીકૃષ્ણને ગાળો દેનાર શિશુપાલ દરેક
યુગમાં પાક્યા જ છે. જ્યારે જ્યારે કોઈએ સાચી અને સારી વાત કરી છે અથવા જગતને શુધ્ધિ અને
સદવૃત્તિનો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે વિરોધીઓ જાગ્યા જ છે. ધર્મ એટલે જે આપણને
ધારણ કરે છે તે, ટકાવી રાખે છે તે…
માન્યતા કોઈપણ હોય, શ્રધ્ધા ક્યાંય પણ હોય-શુધ્ધિ અને સત્વ ધર્મના મૂળ ગુણો છે. વ્યક્તિગત
રીતે આપણે કોઈપણ ધર્મમાં માનતા હોઈએ, પરંતુ દરેક ધર્મનો સંદેશ અંતે શાંતિ, અહિંસા અને
પ્રામાણિકતા તરફ લઈ જાય છે. દુનિયાનો કોઈ ધર્મ વિરોધીનો નાશ કરવાનું કહેતો નથી. ભારતીય
સંસ્કૃતિનું સુભાષિત કહે છે, ‘શત્રુ બુધ્ધિ વિનાશાય’-શત્રુનો નહીં, એની બુધ્ધિનો વિનાશ થાય. એ સારો
માણસ બને. એ જ પ્રયાસ દુનિયાનો દરેક ધર્મ કરે છે.
આવનારા વર્ષોમાં લોકો વધુને વધુ ડિપ્રેસ્ડ અને અસંતોષી થવાના છે. વ્યક્તિગત સંબંધો વધુ
વણસી જવાના છે. બે પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર અને મનદુઃખ આપનારો થશે ત્યારે ધર્મએ
પોતાનો ધ્વજ ઉપાડીને માનવીય સંબંધો તરફ જોવું પડશે. એક માણસના બીજા માણસ સાથે,
પરિવારમાં વ્યક્તિના એકબીજા સાથે, લગ્નમાં પતિ-પત્નીના પરસ્પર અને માતા-પિતાના સંતાનો સાથે
જો સંબંધ સારા નહીં હોય તો અધ્યાત્મ એમાં મદદ નહીં કરી શકે, કદાચ! આવનારા વર્ષોમાં ધર્મોનું કામ
માનવીય લાગણીઓ અને મન સાથે જોડાયેલી વિટંબણાઓને ઉકેલવાનું રહેશે.
ધર્મ હવે ફક્ત મંદિરો કે પૂજા-કર્મકાંડ પૂરતો ન રહે અને માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સંબંધ
સાથે જોડાશે તો જ સામાજિક સ્વાસ્થ્ય સુધારી શકાશે. સામાજિક સ્વાસ્થ્ય સુધરશે તો જ શ્રધ્ધા અને
નિષ્ઠાનું સ્તર ઉપર આવશે, જો શ્રધ્ધા અને નિષ્ઠાનું સ્તર ઊંચું આવશે તો આપોઆપ ધર્મની પુનઃ
સંસ્થાપના શક્ય બનશે.