એક સમાચાર મુજબ ચંદ્રકાન્ત બક્ષીના પાલનપુરના ઘરમાં એમનું મ્યુઝિયમ
બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બક્ષી સાહેબના હસ્ત લિખિત મેન્યુસ્ક્રીપ્ટની સાથે સાથે,
એમના ફોટા, જીવનના પ્રસંગો, પ્રવાસની સ્મૃતિઓની સાથે જે કઈ સચવાયું છે તે બધું જ હવે બક્ષી
સાહેબના વાચકો અને ચાહકો માટે ખૂલ્લું મૂકવામાં આવશે… એવી જ રીતે અત્યાર સુધી અત્યંત
વિવાદાસ્પદ રહેલી જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડી વિશે એક ડોક્યુમેન્ટ્રી ઓટીટી પર
રિલીઝ થઈ છે. 25માંથી 20 બ્લોકબસ્ટર ફિલ્મો અને પછી અચાનક તૂટી ગયેલી આ સ્ટાર રાઈટરની
જોડી વિશે પહેલાં નહીં સાંભળેલા કિસ્સા અને કથાઓ આ ત્રણ ભાગની ડોક્યુમેન્ટ્રીમાં આવરી
લેવાયા છે. હવે, એટલી જ વિવાદાસ્પદ અને કરુણાંતિકા કહી શકાય તેવી, પરંતુ ખૂબ રોમેન્ટિક
રિલેશનશિપ, મીનાકુમારી અને કમાલ અમરોહીના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ચૂકી
છે ત્યારે ડોક્યુમેન્ટેશન-દસ્તાવેજીકરણ અને સ્મૃતિશેષ થઈ ગયેલા લેજન્ડ્સ વિશે ભવિષ્યની પેઢી જાણે
એવી કોઈક વ્યવસ્થા ઊભી થઈ રહી છે એનો આનંદ અને ગૌરવ ચોક્કસ થવાં જોઈએ.
મીનાકુમારીની વિદાય પછી એક વિવાદ ઊભો થયેલો, એમની લગભગ 250 જેટલી ડાયરીઓનો
વારસો એમણે ગુલઝાર સાહેબને આપવાનું પોતાના વીલમાં લખ્યું હતું. કેટલાક અણસમજુ
ઈર્ષાળુઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, ગુલઝાર સાહેબ જે કંઈ લખે છે એ બધું જ એમનું
‘પોતાનું’ નથી… એ પછી આક્ષેપ તો વિસારે પડી ગયો, પરંતુ મીનાકુમારીની શાયરી અને ડાયરી ફરી
એકવાર જીવંત થવાના છે!
ચંદ્રકાન્ત બક્ષીની ડાયરીઝ એક એવી આર્કાઈવ છે જે વિશે જેને ખરેખર પ્રગટ કરીને
આવા લેખકને અમર બનાવી શકાય. ‘બક્ષીનામા’ જેવી એક અવિસ્મરણીય આત્મકથામાં એમણે
લખ્યું છે કે, ‘હું રોજ ડાયરી લખું છું. મારા વિચારો અને મારા દિવસની રોજનીશીને ડાયરીમાં
ટપકાવી લઉં છું. મારી પાસે મારા દરેક વર્ષની ડાયરી છે અને એ ડાયરીઓએ મને આવનારાં વર્ષોમાં
કેવી રીતે જીવવું એની સૂઝ પાડી છે.’ ફ્રાન્સ કાફ્કાની ડાયરીઝમાં એની વિટંબણાઓ, સમસ્યાઓ
અને જિંદગી સાથે જોડાયેલા સવાલોનો ઉલ્લેખ છે. તો અમૃતા પ્રીતમની ડાયરીમાંથી ‘સુનેહડે’
(સંદેશાઓ) અને એમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ પ્રગટ થઈ છે. મહાદેવભાઈ દેસાઈની ડાયરી
ગાંધીજીને ઓળખવાનો અને સ્વતંત્રતાનો ઈતિહાસ જાણવાનો એક સરળ રસ્તો પુરવાર થઈ. સરદાર
પટેલ, મનુ ગાંધી, મણિબહેન પટેલ, જવાહરલાલ નેહરુ જેવા મહાન વ્યક્તિઓની ડાયરી ભારતના
રાજકીય ઈતિહાસનું ડોક્યુમેન્ટેશન છે. શાહરુખ ખાનની ડાયરી ‘ઈનર વર્લ્ડ ઓફ શાહરુખ ખાન’ના
નામે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તરીકે પણ પ્રસિધ્ધ થઈ છે. બિંદુ ભટ્ટની નવલકથાની મીરાં યાજ્ઞિકની ડાયરી
ગુજરાતી ભાષાની એક એવી નવલકથા હતી જેણે સ્ત્રીલેખકની કલમના ટ્રેન્ડને એક નવો વળાંક
આપ્યો. નર્મદની ડાયરી ‘મારી હકીકત’ અને સઆદત હસન મન્ટોની ડાયરી પણ ખૂબ જ રસપ્રદ
અને કોન્ટ્રોવર્સિયલ પુરવાર થઈ છે. કોઈપણ માણસની ડાયરી એના જીવાયેલા જીવનનો દસ્તાવેજ
હોય છે એવું માનવામાં આવે છે.
ડાયરી લખવાની આખીયે પ્રવૃત્તિ બે લેવલ પર હોય છે. કેટલાક લોકો ફક્ત હિસાબની
ડાયરી લખે છે ને કેટલાક હિસાબ સિવાયનું બધું જ લખતા હોય છે… કેટલીક ડાયરી એવી હોય છે
જેને વાંચવા કરતાં વાગોળવાની મજા વધુ હોય છે તો કેટલીક ડાયરી કચરાના ડબ્બા માટે જ લખાતી
હોય છે! માણસના મનમાં ચાલતા સમય સમયાંતરના વિચારો ડાયરીમાં સચવાઈ રહે તો માણસને
પોતાની માનસિક સ્થિતિનો ઈતિહાસ જાણવામાં ઘણી મદદરૂપ પુરવાર થઈ શકે. આપણે પોતે ક્યારે
શું વિચારતા હતા, કેવું જીવ્યા અને કેવું જીવવા માંગતા હતા… આપણી મનઃસ્થિતિ અને
પરિસ્થિતિમાં કયા, કેવા અને કેટલા ફેરફારો ક્યારે થતા રહ્યા આ બધી માહિતી ડાયરીમાં સંગ્રહાઈને
આપણને જ આપણા વિશે સંશોધન કરવામાં મદદરૂપ પુરવાર થઈ શકે. ‘ડાયરી’ અથવા ‘રોજનીશી’
અથવા ‘વાસરિકા’ બહુ રસપ્રદ બાબત છે એને માટે અંગ્રેજી થીસોરસમાં જર્નલ, જર્નલ સ્ટાર,
ક્રોનિકલ, ક્રોનિકલ સ્ટાર, લોગ, લોગસ્ટાર, નોટબુક સ્ટાર, એજન્ડા સ્ટાર, ડે બુક સ્ટાર, મિનિટ્સ
સ્ટાર, રેકોર્ડ સ્ટાર, એપોઈન્ટમેન્ટ બુક, કેલેન્ડર, ડેઈલી નોટ, પ્રોગ્રામ, લાઈનઅપ, પ્લાન, સ્કેડ્યુઅલ
વગેરે શબ્દો વપરાય છે. આ લગભગ દરેક શબ્દનો અર્થ થાય છે કે એક ડોક્યુમેન્ટેશન અથવા પ્લાનર
તરીકે ઉપયોગમાં લેવાતી માહિતી. વીતેલા દિવસો અને આવનારા દિવસો બંને વિશેની માહિતી
ડાયરીમાંથી ઉપલબ્ધ થઈ શકે છે.
ડાયરી એક ડોક્યુમેન્ટેશન છે-દસ્તાવેજીકરણ. સામાન્ય લોકોને આ વાત કદાચ સમજાતી
નથી પણ ડાયરીનાં પાનાંનું મૂલ્ય ઈતિહાસનાં પાનાનાં મૂલ્ય કરતાં ઓછું નથી. ડૉ. શરદ ઠાકરની
લોકપ્રિય કોલમનું નામ ‘ડૉક્ટરની ડાયરી’ છે, જેમાં એ પોતાની જિંદગીના સાચા પ્રસંગોને ક્યારેક
સાચા તો ક્યારેક બદલેલાં નામો સાથે રજૂ કરતા રહે છે. નિકોલસ સ્પાર્ક્સની નવલકથા ‘ધ નોટબુક’
આવી જ એક ડાયરીનાં પાનાં છે. હિટલરના અત્યાચારોનું ડોક્યુમેન્ટેશન રજૂ કરતી ‘ડાયરી ઓફ એન
ફ્રેન્ક’ અને જોસેફ ગોબલ્સની ડાયરીઓ કાળજું કંપાવી મૂકે એવી વિગતો રજૂ કરે છે.
ડાયરીનાં પાનાં સામાન્યતઃ આત્મકથાની ગરજ સારે છે. ક્યારેક આત્મકથા લખવા માટે
ડાયરીનાં આ પાનાં ખૂબ મદદરૂપ પુરવાર થાય છે. માણસને સ્મૃતિ અને વિસ્મૃતિ બંનેનાં વરદાન
મળેલાં છે, તેમ છતાં જે વાતો યાદ રાખવાની છે તે ક્યારેક વિસરાઈ જાય છે તો ક્યારેક જે ગોઠવાઈ
જાય છે. સવાલ એ ઊઠે છે કે આવા ડોક્યુમેન્ટેશન અથવા પાના પર લખાયેલી વિગતો માણસને
ફાયદો કરે કે નુકસાન? પ્રામાણિકતાપૂર્વક લખાયેલી ડાયરી જો જીવનસાથીના હાથમાં આવી જાય ને
એ વાંચી કાઢે તો? અત્યંત સચ્ચાઈથી લખાયેલી ટીનએજ સંતાનની ડાયરી માતાપિતાના હાથમાં
આવે ને એ જો આવી વિગતો વાંચીને એ વિશે રિએક્ટ થાય તો? ખરેખર તો કોઈ એક વ્યક્તિની
અંગત ડાયરી બીજાને વાંચવાનો અધિકાર જ નથી. જીવનસાથીને કે માતાપિતાને પણ નહીં. સ્વયં
સાથે કરેલી વાત અને જાત સાથેનો સંવાદ બીજી કોઈ વ્યક્તિ વાંચવાનો પ્રયત્ન પણ કરે તો એ ગુનો
છે-માનવતાનો, પ્રામાણિકતાનો અને બીજી વ્યક્તિના વિશ્વાસને તોડવાનો ગુનો. તેમ છતાં કેટલીક
ડાયરી પ્રેરણા અને જીવન જીવવાની દિશા પૂરી પાડતી હશે.