દીદી અને મોદીઃ બંને જિદ્દી ?

બંગાળની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષની ગણતરીને ઊંધી પાડીને દીદીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી ચૂકી
છે. એ પછી થયેલા અંદરોઅંદરના તોફાન અને સામસામેની આક્ષેપબાજી હજી પૂરી થઈ નથી. ‘યાસ’ વાવાઝોડાએ
બંગાળ અને ઓરિસ્સાને તહસનહસ કરી નાખ્યું તેમ છતાં, રાજકીય પક્ષોની સાઠમારી પૂરી થતી નથી ! વાવાઝોડાના
નીરિક્ષણ વખતે પ્રધાનમંત્રીએ ‘દીદી’ને આમંત્રણ ન આપ્યું એ વિશે દીદી નારાજ છે. એમણે સામે પ્રાઈમ મિનિસ્ટરની
મિટીંગમાં 30 મિનિટ મોડા આવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, એ પછી મિટીંગ છોડીને ચાલી જવાના એમના વર્તન
બદલ પીએમઓએ નારાજગી વ્યક્ત કરી છે. અલ્પન બંદોપાધ્યાયની સામે તપાસનો ઓર્ડર થાય, સચિવની બદલી
થાય કે કેન્દ્ર તરફથી થતા અન્યાયની ફરિયાદ ચાલુ રહે… એનાથી સામસામેના વાંધાવચકાનો રાજકીય સ્કોર તો સેટલ
થતો રહેશે, પરંતુ જેમણે પોતાનો વોટ આપીને પીએમ કે સીએમને ચૂંટ્યા છે એમના વિશે કોઈને ચિંતા થતી નથી…
એમણે વોટ આપી દીધો, ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે ખુરશી પર બેઠેલા નેતાઓ પોતપોતાના રાજકીય સ્કોર સેટલ
કરવામાં એવા તો વ્યસ્ત થઈ ગયા છે કે રાજસ્થાનમાં વેડફાયેલી રસી કે પોસ્ટ કોરોના ઈફેક્ટમાં માનસિક, આર્થિક અને
શારીરિક રીતે હેરાન થઈ રહેલી જનતા તરફ કોઈ જોવા તૈયાર નથી !

દેશમાં કોરોના ઘટી રહ્યો છે તેમ છતાં, મ્યુકરમાઈક્રોસિસ અને બીજી સમસ્યાઓ વધી રહી છે. આર્થિક
પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. એકતરફ કેવડિયા કોલોનીમાં કેવડી સાઈઝનું કમળ બનશે એ વિશેની ચર્ચા ચાલે છે,
તો બીજી તરફ નીરવ મોદીને ભારત લાવવાના મરણિયા પ્રયાસો આપણી સરકાર કરી રહી છે. એક રીતે જોવા જઈએ
તો આખો દેશ સળગી રહ્યો છે. આસામ અને સેવનસિસ્ટર્સના વિસ્તારમાં ચીન પોતાની ધોંસ જમાવી રહ્યું છે, તો
બીજી તરફ પીઓકેના પ્રશ્નો આપણા સુધી પહોંચતા નથી એટલે આપણને ઝાઝી માહિતી નથી. યુપી, બિહાર,
છત્તીસગઢ અને ઝારખંડના વિસ્તારોમાં સ્વાસ્થ્યકર્મીઓ બિલકુલ બેદરકાર અને બેજવાબદાર છે. ફિલ્મના શૂટિંગ બંધ
છે, મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન છે, ધીમે ધીમે યુપી, બિહાર ખૂલી રહ્યા છે, પરંતુ કેરળ અને બીજા રાજ્યો કોરોનાની
અસરમાંથી મુક્ત થયા નથી. આવા સમયમાં આપણા નાગરિકો વોટરપાર્કમાં જઈને કે સ્વીમિંગપુલમાં મજા કરતા હોય
એવા વીડિયો વાયરલ થાય છે ત્યારે નવાઈ લાગે છે કે, એમને મૃત્યુની બીક નહીં લાગતી હોય ?

છેલ્લા સાત વર્ષમાં, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા એ પછીના સમયમાં દેશ અનેક કુદરતી આફતોમાંથી
પસાર થતો રહ્યો છે. નરેન્દ્ર મોદીએ એમના શાસનકાળ દરમિયાન કેટલાક હિંમતપૂર્વકના નિર્ણયો કર્યાં, તો કેટલાક
નિર્ણયો ખૂબ વખોડાયા. કહેવાય છે કે, એમની આસપાસ એક એવું કવચ છે કે પહેલાં જે લોકો સીએમ મોદી સુધી
સહજતાથી પહોંચી શકતા હતા એ લોકો પીએમ મોદી સુધી પહોંચી શકતા નથી અને કદાચ એટલે, એમની પાસે
માહિતી પણ ફિલ્ટર થઈને પહોંચે છે એવો એક અફસોસ એમના નિકટના વર્તુળમાં સંભળાય છે. મોટાભાગના
આક્ષેપો કરનાર લોકો કે ‘સરકાર કશું નથી કરતી’ કહીને સરકારને સતત બિનકાર્યક્ષમ સાબિત કરવાના પ્રયાસમાં જોડાઈ
ગયેલા લોકોને એવી ખબર છે ખરી કે એક વ્યક્તિની સામે જ્યારે આટલા બધા સવાલો ઊભા હોય ત્યારે ક્યાંથી શરૂ
કરવું એવો સવાલ એમને પણ માણસ તરીકે કદાચ થતો હોય ! આ પહેલાં પ્રાઈમ મિનિસ્ટર છે જેમને કોરોના જેવી
મહામારીનો સામનો છેલ્લા દોઢ વર્ષથી કરવો પડ્યો છે. એક વાયરલ થયેલો જોક એવો છે કે, ‘પેથાભાઈ, મધુભાઈ,
રમણ, ડૉક્ટર, એન્જિનિયર, નર્સ, વૈજ્ઞાનિક અને સફાઈકર્મીથી શરૂ કરીને મને અને તમને બધાને કોરોના વિશે
એકસરખું જ્ઞાન છે !’ અત્યારે આપણી પાસે પણ અખબારો અને મીડિયા સિવાય બીજી એવી કોઈ બાબત નથી જેના
પર આધાર રાખી શકીએ, જે આપણને સાચા આંકડા કે સાચી માહિતી આપે… આપણે બધા જાણીએ છીએ કે,
આપણને મળતાં આંકડા ખોટા છે, પરંતુ એની સામે વ્હોટ્સએપની અફવાઓ પર ફરતા આંકડા કે વિગતો પણ સાચા
નથી જ.

આ બધા ગુંચવાડાની વચ્ચે એક સામાન્ય માણસ, મધ્યમવર્ગીય વોટર ફસાઈને પીસાઈ રહ્યો છે. એને માટે
બેંકના ઈએમઆઈ, ગાડીના ઈએમઆઈ કે બાળકની ફીથી શરૂ કરીને ઘર ચલાવવાની સમસ્યા આ દેશની રાજકીય
સાઠમારી કરતા ઘણી મોટી અને ઘણી વિકરાળ છે. દીદી અને મોદી વચ્ચેનો આ જંગ કદાચ ઈગો પ્રોબ્લેમ હોઈ શકે,
પરંતુ જીતી ગયા પછી દીદીએ શું સાબિત કરવાનું બાકી રહે છે ? બંગાળનું રાજકારણ દેશના રાજકારણથી જુદું છે.
આજે નહીં, પરંતુ આજથી સો વર્ષ પહેલાં પણ શરદબાબુની નવલકથાની હિરોઈન પારો કે પરિણીતાની લલિતા,
આજથી દોઢસો વર્ષ પહેલાં ટાગોરની નાયિકા બિનોદિની કે બિમલા, એ સમયમાં જો આટલી જુદી અને સમયથી
આગળ હતી, એમના બંગાળી પ્રાઈડ (ગૌરવ) અને સ્વાભિમાન જો એ સમયે લખાયા છતાં આજના લાગે છે તો
આજની સ્ત્રી, મમતા દીદી જ્યારે ત્રીજીવાર ચૂંટાય છે ત્યારે જે લોકો બંગાળના માનસ અને બંગાળી સ્ત્રીનાં પ્રાઈડને
ઓળખતા કે સમજતા હોય એ એટલું ચોક્કસ સમજી શકે કે મમતા દીદી પોતાનો મુદ્દો કે તંત નહીં મૂકે.

બંગાળનું રાજકારણ માત્ર ધર્મ પર ટકે એવું રાજકારણ નથી. બંગાળી પ્રજા લોજિક, કમ્યુનિઝમ અને વિચિત્ર
પ્રકારની દેશભક્તિ સાથે વ્યક્તિપૂજાથી અંજાયેલી પ્રજા છે. એમને માટે ટાગોર, શરદબાબુ, સુભાષચંદ્ર કે સત્યજીત રાય,
ઉત્પલ દત્ત, સુચિત્રા સેન જેવા નામો એમના સ્વાભિમાનના પ્રતીક છે. એમની સાથે હિન્દુત્વનું રાજકારણ ચાલી શકે
એમ નથી, માટે કદાચ ભારતીય જનતા પક્ષ બંગાળની ચૂંટણીઓમાં પોતાની વ્યૂહરચના બરાબર પૂરવાર કરી શક્યો
નહીં.

મમતા દીદી હવે જીતી ગયા છે, એના મગજમાં જીતનો નશો અને ખુમારી છે. એવા સમયે કેન્દ્ર સાથેની
અથડામણ થતી રહેવાની છે… સાચું પૂછો તો, નિર્ણય હવે પ્રધાનમંત્રીએ લેવાનો છે. ક્યારેક કડક ઊભા રહેવા કરતા
ઝૂકી ગયેલા વૃક્ષો તોફાનની સામે ટકી જવામાં સફળ થાય છે. બે જણાંના ઈગો પ્રોબ્લેમમાં જો જનતા પિસાતી હોય
તો પ્રધાનમંત્રી તરીકે કે જનતાના હિતરક્ષક તરીકે આ વાતનો નિવેડો લાવવો અનિવાર્ય છે, આ નિર્ણય અને નિવેડો
કોઈપણ એક વ્યક્તિએ લાવવો પડશે… એ વ્યક્તિ પ્રધાનમંત્રી હશે તો કદાચ દેશની જનતાના મનમાં એમને માટે ઘટી
રહેલો આદરનો ગ્રાફ ફરી એકવાર ઊંચો લાવવામાં એમને જ મદદ મળશે…

5 thoughts on “દીદી અને મોદીઃ બંને જિદ્દી ?

 1. K k karpada says:

  ભાજપ ને ઘમંડ છે ..એનો જવાબ દિદિએ આને બંગાળ ની જનતાને જોરદાર આપ્યો…

 2. છગનભાઈ કોઠીયા says:

  મમતા બેનજીઁ એક માથાભારે અને ભરાડી રાજનેતા છે જેમાં કોઈ બેમત ન હોય શકે.મોદી સામે શિંગડા ભરાવી ને તે એવું સાબિત કરવા મંાગે છે કે રાષ્ટીૃય લેવલ પર મોદીનો મુકાબલો ફક્ત તેજ કરી શકે તેમ છે,અને તે રીતે કેન્દ્ર ની રાજનીતિ માં આવવા માંગે છે અને વડાપૃધાન બનવા મંગે છે.

 3. Kaushik Patel says:

  એક વૃદ્ધ મહિલા ને બહેન જેવા શબ્દ થી પણ અપમાનિત કરી શકાય એવી એક્ટિંગ કરવી એ મોદીજી સિવાય બીજા કોઈનું કામ નય..
  અને છતાં તમને એવું લાગે છે કે મોદીજી નમતું મૂકીને વાત નો નિવાડો લાવશે તો તમે વહેમ માં છો.
  કાજલ આંટી..
  દીદી…ઓ..ઓ.ઓ. દીદી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *