ડીપીએસના શિક્ષિકા રીચાબહેન દીક્ષિતનો કિસ્સો હજી જૂનો થયો નથી, ત્યારે માતા-પિતા
દીકરાની ઈચ્છા શું કામ રાખે છે એના કારણોમાં થોડા લોજિકલી ઉતરવું જોઈએ. દીકરો માતા-
પિતાનું વૃધ્ધત્વ પાળશે, એમની કાળજી રાખશે એવી કોઈ ખાતરી કે ગેરસમજ છે ? દીકરો કમાશે,
અને પોતે રિટાયર્ડ થઈ શકશે, એવું માનતા માતા-પિતા સામે વૃધ્ધાશ્રમોની સંખ્યા ચેતવણી છે. દીકરો
વંશ રાખશે, એવું માનતા માતા-પિતા માટે પણ ‘સંતાનને જન્મ નહીં આપવાનો નિર્ણય’ કરતા યુગલો છે
જ… તો પછી, એવું શું છે, જે દીકરાને વધુ પ્રિય અને દીકરીને ‘પારકી થાપણ’ બનાવે છે.
દીકરીની શારીરિક નિર્બળતા અને બહાર ફરતા બે પગાં જાનવરોની વધતી સંખ્યા, બદલાઈ
રહેલા, મોર્ડન કહેવાતા સમાજમાં પણ માતા-પિતાને દીકરી ન અવતરે એવું વિચારવા મજબૂર કરે છે.
છ મહિનાની, બે વર્ષની, આઠ વર્ષની કે 69 વર્ષની બાળકી, વૃધ્ધા ઉપર પણ બળાત્કાર કરનારા આ
પુરૂષો માતા-પિતાને સતત ડરાવતા રહ્યા છે. સ્કૂલ બસનો ડ્રાઈવર હોય કે શાળાનો શિક્ષક, ટ્યુશન
ટીચર હોય કે કોલેજની બહાર ઊભા રહેતા છેલબટાઉ છોકરાઓ, બહેનપણીનો બોયફ્રેન્ડ હોય કે
પિતાનો મિત્ર… કોનો વિશ્વાસ થઈ શકે એમ છે ? આ સવાલનો જવાબ આખા સમાજ પાસે નથી !
બળાત્કાર થયો હોય એવી સ્ત્રીની હિંમત તોડી નાખવામાં આવે છે. ‘કોઈને નહીં કહેતી’ની સલાહ
એટલા માટે આપવામાં આવે છે કારણ કે, એવી સ્ત્રીને પીડિત કે શોષિત નહીં, પરંતુ ઓછાં કપડાં
પહેરીને, સ્વતંત્ર જીવન જીવીને પુરૂષને ઉશ્કેરતી કોઈ સ્લટ તરીકે જોવામાં આવે છે. એ ફરિયાદ ન કરે
એવા પૂરા પ્રયાસો પછી પણ જો હિંમત બતાવે અને બળાત્કાર કરે તો કાયદો અને વ્યવસ્થા, ન્યાયતંત્ર અને અંતે
એનો જ પરિવાર એની સાથે રહેવાને બદલે સામે પડે છે ! આવી સ્ત્રી ‘બદનામ’ થઈ જાય છે ! એની હિંમત
માટે એની પીઠ થાબડવાને બદલે, એને લાત મારીને કાઢી મૂકનારાની સંખ્યા વધારે છે જેમાં, માતા-
પિતા, પ્રેમી, પતિ અને આખો સમાજ પણ સામેલ છે.
દીકરીને દીકરાની જેમ ઉછેરીને શું ફાયદો ? એ નથી સ્ત્રી રહેતી, નથી પૂરો પુરૂષ બની શકતી
પરિણામે, એક અડધો પુરૂષ અને અડધી સ્ત્રી જ્યારે સમાજમાં દાખલ થાય છે ત્યારે એ બંનેના
અવગુણો લઈને જીવે છે. એ સાસરે સેટલ નથી થઈ શકતી અને ઈમોશનલ હોવાને કારણે એકલી
જીવી નથી શકતી ! માતા-પિતાને આ વાતની સમજણ છે, ને માટે જ કદાચ ચિંતા પણ છે. જો
સાસરે મોકલવા માટે એક સારી ગૃહિણી, સમજદાર પુત્રવધૂ અને સ્નેહાળ પત્ની તૈયાર કરે તો એને
પૂરું સન્માન કે સલામતી મળશે એવી કોઈ ખાતરી માતા-પિતા પાસે નથી. પૂરેપૂરા હૃદયથી પોતાના
પરિવારને સાચવનાર કે સેવા કરનાર ગૃહલક્ષ્મીને પણ દીકરીના જન્મ બદલ, દહેજ ન લાવવા બદલ
ને ક્યારેક તો શાક તીખું બનાવવા બદલ, સામે બોલવા બદલ શારીરિક અને માનસિક પ્રતાડનાનો
સામનો કરવો પડે છે… લાચાર માતા-પિતા દીકરીને પીડાતી જોવા સિવાય બીજું કંઈ કરી શકતા
નથી.
જો એ જ દીકરીને સાસરેથી પાછી લઈ આવે, તો એ ‘ડિવોર્સી’ કહેવાય છે. આ સમાજમાં
ડિવોર્સી, સિંગલ મધર અને ‘પાછી આવેલી’ સ્ત્રીઓને મોટાભાગના પુરૂષો ‘અવેલેબલ’ અથવા ‘ડેસ્પરેટ’
સમજીને એનો ગેરફાયદો ઊઠાવવાનો પ્રયાસ કરે છે. પોતાની જાતને ‘તરછોડાયેલી’ માનતી, રિજેક્ટેડ,
ડિજેક્ટેડ અને પોતે સંપૂર્ણપણે અડજેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, જ્યારે પતિ અને
સાસરિયાંએ એને કાઢી મૂકી હોય ત્યારે આવા કોઈ પુરૂષ સાથે સંબંધ બાંધીને ‘આધાર શોધવાની’ કે
‘બદલો લેવાની’ સ્ત્રીની માનસિકતા વધારે નુકસાન પોતાને જ કરે છે એવી સમજણ નુકસાન થઈ ગયા
પછી જ આવે છે !
ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વતંત્ર હોય એવી સ્ત્રી પણ ‘પ્રેમ’ ના નામે આસાનીથી
જાળમાં ફસાતી હોય છે. કેટલાક પુરૂષોને ‘સોનાના ઈંડા આપતી મરઘી’ અનુકુળ પડે છે. કમાવામાં કે
ભણવામાં આવી છોકરીઓએ પોતાની જિંદગીના ‘યુવાની’ કહેવાય એવા વર્ષો વિતાવી દીધા હોય છે
એટલે સમાજ અને આસપાસના લોકો ‘રહી ગયેલી’ના મ્હેણાં મારીને માતા-પિતાની અને એની માનસિકતા
છિન્ન-ભિન્ન કરી નાખે છે. પછી, એ પોતે પણ ‘જે મળે તે’ સ્વીકારીને ‘સેટલ’ થઈ જવા માટે ડેસ્પરેટ
હોય ત્યારે આવી ભૂલ થવાના ચાન્સ વધારે છે. ‘લવ જેહાદ’ના નામે વિધર્મી યુવકો છોકરીઓને
ફસાવે છે… એક છોકરીની જિંદગી બરબાદ કરીને પસતાવાને બદલે શાબાશી મેળવે છે.
આ બધું ઓછું હોય એમ, ભણેલી, નોકરી કરતી, સાસરિયાંને સાચવતી અને પતિને વફાદાર
હોય એવી સ્ત્રીઓ માટે કામ કરવાની જગ્યા પણ સલામત નથી. એનો બોસ કે સહકર્મચારી એના પર
નજર બગાડે છે. નોકરી ટકાવવા માટે અથવા ઈમોશનલ થઈ જતી આવી સ્ત્રીઓ ઉપર બગડેલી
નજરના ડાઘ પડે છે. એ જે સંબંધને પ્રેમ અથવા સમાધાન માનતી હોય એ સંબંધમાં એને બ્લેકમેઈલ
કરવામાં આવે છે. ફરી એકવાર ‘સમાજ’ અને ‘સાસરિયાં’ની બીકે આવી સ્ત્રીઓનું શોષણ થાય છે…
નવાઈની વાત એ છે કે, પત્નીની કમાણી જેને વહાલી લાગતી હોય એવા પતિ પણ કોઈ દિવસ એને કામના
સ્થળે પડતી મુશ્કેલી વિશે પૂછવાની કે એની પરિસ્થિતિ સમજવાની દરકાર કરતા નથી, પરંતુ જો જરાક પણ શંકા
પડે કે એમની શંકા દુર્ભાગ્યે સાચી પડે તો આટલા વર્ષો સુધી જેના પૈસા વાપર્યા છે એવી પત્નીને કાઢી મૂકતા
પહેલાં એના પૈસા પાછા આપવાની નૈતિક હિંમત ભાગ્યે જ કોઈ પુરૂષમાં હોય છે !
જગતના કોઈ માતા-પિતાને પોતાનું સંતાન ન અવતરે એવી ઈચ્છા હોય ખરી ? કોઈ માતા-પિતા
પોતાના બે સંતાનો વચ્ચે ભેદભાવ કરે ખરાં ? સત્ય એ છે કે, દીકરીને કંટ્રોલમાં રાખનાર, ઓછું
ભણાવનાર કે દીકરીને જન્મ નહીં આપવાનો નિર્ણય કરનાર માતા-પિતાની ચિંતા અને પીડા છે… જે
બાળક આ જગતમાં આવીને સલામત, સુખી કે સ્નેહપૂર્ણ વાતાવરણ ન પામી શકવાનું હોય એને
જન્મ શા માટે આપવો જોઈએ એવો સવાલ માતા-પિતાને થાય તો એ અસ્થાને છે ?