કોરોના પછી ‘ઓનલાઈન’ની એક નવી દુનિયા ખુલી છે… ગ્રોસરીથી શરૂ કરીને ઘરેણાં સુધી, કશું
પણ ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે, હોમ ડિલિવરી થઈ જાય છે. મોટાભાગના લોકોએ દુકાનોમાં
જવાનું બંધ કરી દીધું છે. સ્ટોરની ઈલેક્ટ્રિસિટી, એરકન્ડીશન અને સ્ટાફના ઓવરહેડ્ઝ વગર પ્રોડક્ટ
ઓનલાઈન સસ્તી પણ પડે છે… પરંતુ, એક નવાઈની વાત એ છે કે, આ ઓનલાઈન પ્રોડક્ટ્સ વધુને વધુ
યુથ ઓરિએન્ટેડ થતી જાય છે. આખી દુનિયા જાણે ફક્ત યુવાનો માટે જ ડિઝાઈન થઈ રહી હોય એમ,
બધું જ નવી પેઢી અથવા યુવા પેઢીને ધ્યાનમાં રાખીને ગોઠવાતું જાય છે. જાહેરાતો જોઈએ તો સમજાય કે
લગભગ બધી જ જાહેરાત ફિટનેસથી શરૂ કરીને ફેશન સુધી, કોસ્મેટિકથી શરૂ કરીને કેર સુધી… આપણને
જુવાન થવાનું અથવા જુવાન રહેવાનું આમંત્રણ આપે છે.
મોટાભાગના લોકોને હવે પોતાની ઉંમર કહેવામાં એક વિચિત્ર પ્રકારનો સંકોચ થાય છે. મા-દીકરી
સાથે જતાં હોય તો, ‘તમે તો મોટી બહેન જેવાં લાગો છો’ સાંભળીને માને અજબ જેવો સંતોષ થાય છે !
આવું શા માટે અને કેમ થયું છે એવો વિચાર ભાગ્યે જ કોઈને આવે છે. થોડાં વર્ષો પહેલાં સુધી ઉંમર વિશે
આટલી બધી સભાનતા નહોતી, હવે અચાનક જ, છે-એનાથી નાના અને બર્થ સર્ટિફિકેટમાં લખેલી ઉંમર
કરતાં યુવાન દેખાવાની કોઈ હોડ લાગી છે. બોટોક્સ, પીઆરપી (વેમ્પાયર ફેશિયલ), ફિલર્સ કે થ્રેડ્ઝથી
ચહેરાની ત્વચાને એક નવો ઓપ કે નવી જ તાજગી-યુવાની પ્રદાન કરનારા ક્લિનિક્સ વધુને વધુ
પ્રમાણમાં દેખાવા લાગ્યાં છે.
સવાલ એ છે કે, આ કોસ્મેટિકલી ઘટાડેલી ઉંમર સાચા અર્થમાં કેટલી ‘સાચી’ છે? આ સવાલને
બે રીતે જોવો જોઈએ. પહેલો જવાબ એ છે કે, બીજા આપણને યુવાન કે નાના માને એનાથી આપણી
‘સાચી’ ઉંમર આપણે ભૂલી શકતા નથી અને બીજો જવાબ એ છે કે, યુવાન દેખાવા માટે ગમે તેટલો
સંઘર્ષ કરીએ, પણ એ માત્ર થોડાં વર્ષ ટકી શકે છે. અંતે તો આપણી સાચી ઉંમર, વૃધ્ધત્વ કે ચહેરા પરની
કરચલી ડોકાયા વિના રહેતાં નથી. યુવાન દેખાવાનો આ આખો ક્રેઝ-ઘેલછા એટલા માટે છે કે દુનિયા
યુવાન લોકોની-યુથ ડોમિનેટેડ બનતી જાય છે. 25થી 35 વર્ષના લોકો પોતાની કારકિર્દીના ટોપ પર છે.
બીજી તરફ, ધનપતિઓની નવી પેઢીએ કામ સંભાળી લીધું છે. ફિલ્મસ્ટાર્સના સંતાનો હવે સ્ક્રીન પર
દેખાવા લાગ્યાં છે… સ્ટાર્ટઅપ્સ હોય કે, ટી.વી., ઓટીટીનું કોન્ટેન્ટ પણ હવે યુવાનોને ધ્યાનમાં રાખીને
બનાવવામાં આવે છે.
શાહરૂખ ખાને આજથી 20 વર્ષ પહેલાં કહ્યું હતું, ‘કેચ ધેમ યંગ’ જો નાની ઉંમરે એ લોકો લોયલ
કન્ઝ્યુમર, કસ્ટમર કે ફેન બની જશે તો એ લાંબા સમય સુધી ચાલશે. એની વાત સાચી પૂરવાર થઈ છે.
શિક્ષણના એપ હોય કે ફેશન, 40થી ઉપરના લોકોને હવે બીનજરૂરી અને બીનમહત્વના હોવાની
લાગણી થવા લાગી છે. આ એક મહત્વનું કારણ છે જેને કારણે હવે દરેક વ્યક્તિને યુવાન હોવાનો અને
દેખાવાનો ક્રેઝ વધવા લાગ્યો છે. યુવાન દેખાવાથી મુદ્દો સોલ્વ નથી થતો કારણ કે, સૌથી મોટો પ્રશ્ન
ટેકનોલોજીનો છે. યુવાવર્ગ પાસે જે ટેકનોલોજી છે એ 40 કે 45એ પહોંચી ગયેલી પેઢી પાસે નથી. ગમે
તેટલું ‘સ્માર્ટ’ થવાનો પ્રયાસ કરે, ટેકનોલોજી 45થી ઉપર પહોંચી ગયેલા લોકો માટે અઘરો વિષય છે. જે
સહજતાથી 9-10 વર્ષના બાળકો કે 18-20ની ઉંમરના યુવાનો ટેકનોલોજી સાથે કામ પાડે છે એ જોઈને
ક્યારેક આ પેઢીને કોમ્પ્લેક્સ આવે છે. યુવા પેઢી પોતાના દેખાવ કે વસ્ત્રો વિશે બહુ સભાન નથી. 18થી
25ના યુવાનો શોર્ટ્સ પહેરીને ઓફિસ જઈ શકે છે અથવા કોઈપણ કપડા પહેરીને પાર્ટી કે લગ્નમાં
પ્રસ્તુત થઈ શકે છે. મજાની વાત એ છે કે, એ પેઢીને આ કેરલેસ દેખાવ કે બેફીકરી અદભુત રીતે સુટ કરે
છે, શોભે છે-કારણ કે આ બેફીકરી અથવા કેરલેસનેસ નવી પેઢીની પ્રકૃતિમાં, એમના બેઝિક વ્યક્તિત્વમાં
છે. 45 કે 50ના લોકો જ્યારે આવું વર્તે ત્યારે એમાંના કોઈક હાસ્યાસ્પદ લાગે છે, કારણ કે એ મનથી
50ના છે અને વર્તન 20-25નું કરવાનો પ્રયાસ કરે છે.
અગત્યનું એ છે કે, માત્ર ત્વચા બદલવાથી કે વસ્ત્રો બદલવાથી યુવાન નહીં થઈ શકાય. એવું
કરવાથી તો મોટી ગૂંચવણ થશે… ન અહીંના રહીશું, ન ત્યાંના ! જો સાચે જ યુવા પેઢી સાથે ભળવું
હોય, એમના જેવું થવું હોય કે યુવાન દેખાવું હોય તો પહેલાં મનથી યુવાન થવું પડશે. એમના જેવી જ
માનસિકતાને સમજવાનો અને સ્વીકારવાનો પ્રયત્ન કરવો પડશે. એમની પ્રામાણિકતાને, સ્પષ્ટતાને અને
બેફીકરાઈને ‘તોછડાઈ’ કહેવાને બદલે એમની આગવી લાક્ષણિકતા તરીકે જોવી પડશે.
પહેલા એક દાયકામાં પેઢી બદલાતી, હવે બે-ત્રણ વર્ષમાં બદલાય છે. આનું કારણ ટેકનોલોજી છે.
હજી બજારમાં એક સાધન મૂકાયું એ ન હોય, ત્યાં તો એ જ કંપની પોતાના જ સાધનને (ફોન, લેપટોપ,
આઈપેડ, ટેબલેટ કે હોમગુડ્સ) અપગ્રેડ કરીને બજારમાં ફરી દાખલ કરે છે. 45 કે એનાથી મોટી ઉંમરની
પેઢી માંડ માંડ એક ટેકનોલોજી સાથે પનારો પાડે ત્યાં તો તરત એમણે પોતાની જાતને અપગ્રેડ કરવી પડે
છે. આવું ન થઈ શકે ત્યારે એમને પાછળ રહી ગયાની લાગણી થાય છે. એ લાગણીને ખોટી પાડવા પોતે
જ જે વિચારે છે એની સાથે સંઘર્ષ કરવા આ ઉંમર વિતાવી ગયેલી પેઢી યુવાન દેખાવા માટે બીનજરૂરી
શારીરિક અને માનસિક પીડા વ્હોરે છે. સચ્ચાઈ તો એ છે કે, કાળનું ચક્ર આપણે કોઈ રોકી શકતા નથી ને
ત્વચા બદલવાથી તાસિર કે તહેઝિબ બદલી શકાતાં નથી.