આ વર્ષે દિવાળીએ અનેક ઉદ્યોગોને એક બુસ્ટર ડોઝ આપ્યો. નાના વેપારીઓની સાથે સાથે
ટુરિઝમ ઉદ્યોગને ગુજરાતમાં સાચા અર્થમાં ફરી એકવાર ઊભા થવાની તક મળી. છેલ્લા થોડા વર્ષથી
ગુજરાત ટુરિઝમની દૃષ્ટિએ ખૂબ મોટી રેવન્યૂ જનરેટ કરી શકે છે. એની પાછળ આપણા વડાપ્રધાન
શ્રી નરેન્દ્ર મોદીની પહેલને દાદ દેવી પડે. આ જ કચ્છ, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કે આ જ દીવ અને
દમણ ગઈકાલ સુધી કોઈ ઓરમાયા સંતાનની જેમ ચૂપચાપ પોતાના અસ્તિત્વને સંભાળીને બેઠાં
હતાં. આજે જે કોઈ પ્રવાસીઓ કચ્છ કે સૌરાષ્ટ્રના પ્રવાસે જાય અથવા દીવ કે દમણ એકવાર જઈ
આવે એને સમજાય કે ગુજરાતે ટુરિઝમ ક્ષેત્રે શું અને કેવી પ્રગતિ કરી છે.
છેલ્લાં કેટલાંય વર્ષોથી પોતાનું આગવું અસ્તિત્વ ધરાવતા દીવ-દમણ-દાદરાનગર હવેલી અને
લક્ષદ્વીપ જેવા સુંદર સ્થળો કેન્દ્રશાસિત છે. એમને આગવું મહત્વ મળી રહે એ માટે કેન્દ્રશાસિત
પ્રદેશો તરીકે ઘોષિત કરવા છતાં માફિયાઓ દ્વારા ગેરકાયદે ચાલતા દાણચોરી અને બીજા ધંધાઓ
માટે આ સ્થળો વપરાશમાં લેવાતા હતા. આ પ્રદેશોના શાસક તરીકે પ્રફુલ્લ પટેલની નિમણુંક કરવામાં
આવી. એ પછી આજે દીવ કે દમણ જનારી કોઈ પણ વ્યક્તિને દેખાય કે આ પ્રદેશો એક સલામત
અને સુંદર પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યા છે. આ પહેલાંની સરકારમાં આ પ્રદેશોમાં કોઈ શાસક
નહોતા ? એવું તો નથી… કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે આ વિસ્તારો વિશે જાણી જોઈને આંખ આડા
કાન કરવામાં આવતા હતા ? કદાચ.
દીવ-દમણનો ઈતિહાસ ખરેખર બહુ જ જૂનો અને રસપ્રદ છે. 1946માં ગાંધીજીએ
પોર્ચુગીઝ લોકોને ગોવાની પ્રજા સાથે દીવ અને દમણના લોકોને પણ માનભર્યા કરાર કરીને મુક્ત
કરવાની સલાહ આપી હતી. ભારતને સ્વતંત્ર થયે આટલાં વર્ષો વીત્યાં તેમ છતાં દીવ અને દમણને
સતત નજરઅંદાજ કરવામાં આવ્યા એનું કારણ બીજું કંઈ નહીં, પરંતુ ત્યાં ચાલતી માફિયા પ્રવૃત્તિને
અટકાવવામાં આવે તો કરોડોની બેનામી આવક બંધ થઈ જાય !
હાજી મસ્તાન અને સુકર બખિયા જેવા લોકોનું દમણ પર રાજ હતું. સુકર બખિયાના
મકાનમાં એક આખી બોટ દાખલ થઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અહીં સોનું,
ઈમ્પોર્ટેડ વસ્તુઓની દાણચોરી કરવામાં આવતી. ત્યાં સુધી કદાચ બહુ મોટો પ્રશ્ન ન હતો, પરંતુ હવે
છેલ્લા થોડા સમયથી દમણ અને ગોવાનો ઉપયોગ ડ્રગ માફિયાઓએ કરવા માંડ્યો હતો. કેન્દ્રશાસિત
પ્રદેશ હોવાને કારણે અહીં શરાબની પણ છૂટ છે. એક તરફ વલસાડ અને બીજી તરફ વાપી સાથે
જોડાયેલું આ નાનકડું ટાપુ જેવું સંસ્થાન દારૂની દાણચોરી માટે પણ બહુ સરળ જગ્યા બની ગયું હતું.
રોડના રસ્તે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું કામ દીવ અને દમણથી ખૂબ સરળતાથી ચાલતું હતું અને
કદાચ એટલે જ આ વિસ્તારોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આ પહેલાંની સરકારોને બહુ રસ
નહોતો.
‘ગુજરાત નહીં દેખા તો ક્યા દેખા !’ કહેતા અમિતાભ બચ્ચનને લઈને કચ્છનું રણ, રાણકી
વાવ, મંદિરો, જૂનાગઢ, પાલીતાણા અને તળાજાની સાથે સાથે ધોળાવીરા અને હવે સ્ટેચ્યૂ ઓફ
યુનિટીને વિશ્વના નકશા પર મૂકી આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ટુરિઝમને એક
ધિક્તો વ્યાપાર બનાવી આપ્યો, પરંતુ દીવ અને દમણને સ્વચ્છ કરવાની અને સલામત બનાવવાની
જરૂરિયાત તો હતી જ. પ્રફુલ્લ પટેલે શાસક તરીકે સત્તા સંભાળ્યા પછી જે સ્વચ્છતા અને સલામતી
ઊભી કરી છે એને કારણે દીવ અને દમણના પડી ભાંગેલા ઉદ્યોગોને પણ એક નવજીવન મળ્યું છે.
ગુજરાતને પોતાના ઈતિહાસ વિશે ખાસ જાણકારી નથી અથવા ગુજરાતમાં ઈતિહાસ જાણવા
માગતા જીજ્ઞાસુઓ કદાચ ઓછા છે. પ્રવાસન સ્થળ તરીકે હજી હમણા જ વિકાસ પામેલા આ બંને,
દીવ અને દમણનો ઈતિહાસ લગભગ 500 વર્ષ જૂનો છે.
1510માં ગોવા જીત્યા પછી પોર્ચુગીઝોએ કિનારાની આસપાસને બીજો પ્રદેશ કબજે કરવા
માંડ્યો. દરિયાના રસ્તે દાખલ થઈને દીવ ઉપર પોર્ચુગીઝોની નજર પડી. એ વર્ષમાં ગુજરાતના
સુલ્તાન બહાદુરશાહ ઉપર મોગલ બાદશાહ હુમાયૂંએ હૂમલો કર્યો હતો, એનાથી બચવા માટે
બહાદુરશાહોએ પોર્ચુગીઝો સાથે મૈત્રી કરી. એમને પોતાનો કિલ્લો બાંધવાની છૂટ આપી અને અહીં
પોર્ચુગીઝોને પહેલો પગપેસારો શરૂ થયો.
મોહમ્મદ ત્રીજો ગુજરાતની ગાદીએ આવ્યો પછી એણે દીવ ટાપુ પાછો મેળવવાનો પ્રયાસ
કર્યો. 1537 અને 1545માં થયેલા યુધ્ધો નિષ્ફળ ગયા કારણ કે, પોર્ચુગીઝો પાસે ટોપ હતી.
વણાટકામ અને રંગકામ માટે પરદેશના બજારોમાં દીવની ખૂબ માગ હતી. એ વસતિનો મુખ્ય ઉદ્યોગ
માછીમારી અને વણાટ-રંગકામ હતો. પરંતુ, પોર્ચુગીઝોએ આને સાવ નકામો બનાવી દીધો અને
ગુજરાત માટે દીવ એક સમસ્યા બની ગયું.
1559માં દમણ પોર્ચુગીઝોના હાથમાં આવ્યું. આફ્રિકાના પૂર્વ કિનારા સાથે દમણનો વેપાર
ધમધોકાર ચાલતો. ગુજરાતમાં બનતું સુતરાઉ કાપડ, મસાલા અને સાથે સાથે અત્તર પણ અહીંથી
મોટા પાયે નિકાસ થતું હતું. 19મી સદીના શરૂઆતના 25 વર્ષ સુધી કરાંચીથી આયાત કરેલા
અફીણનો વેપાર પણ અહીંથી ધમધોકાર ચાલતો. અલ્બુકર્કના હૂમલાએ ગોવાનો વિસ્તાર જીત્યો એની
પહેલાં જ દીવ અને દમણ ઉપર પોર્ચુગીઝોએ પોતાની સત્તા સ્થાપી દીધી હતી. આજે પણ દીવ અને
દમણમાં આવેલા પોર્ચુગીઝ કિલ્લા એમની હયાતિની સાક્ષીરૂપે ઊભા છે.
અત્યાર સુધી દીવ-દમણના કિલ્લા, ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓના અડ્ડા જેવા હતા, પરંતુ
હવે દમણ જનારી વ્યક્તિને પોતે ગુજરાતમાં નહીં, પણ ક્યાંક વિદેશી પ્રવાસન સ્થળ પર હોવાનો
અનુભવ થાય છે. દીવની ગુફાઓ કે દમણનો જામપોર બીચ હવે ગોવાની ગરજ સારતા થયા છે, પરંતુ
ત્યાં ગોવાની જેમ ડ્રગ માફિયાનું રાજ નથી એ ગુજરાત માટે ગૌરવની વાત છે !
દમણમાં ચાલતી ગેરકાયદે બાંધકામ કરીને ઊભી કરાયેલી હોટેલ્સની જમીનોને પાછી
સંપાદિત કરવામાં આવી છે. એ જમીન અનેક મોટી હોટેલ્સ અને રિઝોર્ટને યોગ્ય જગ્યા ફાળવીને
સરકાર માટે આવક ઊભી કરવામાં આવી છે. મુંબઈથી આવતા પ્રવાસીઓને એમના સ્ટાન્ડર્ડની
હોટેલ મળે, પૈસા ખર્ચી શકતા ગુજરાતીઓ ફાઈવસ્ટારમાં રહી શકે, તો બીજી તરફ મધ્યમવર્ગીય
પરિવારો પણ આ પ્રવાસન સ્થળને માણી શકે એવી રીતે દીવ અને દમણનો વિકાસ થઈ રહ્યો છે.
આપણને બધાને અજાણતાં જ ‘સરકાર શું નથી કરતી’ એનું એક નાનકડું લિસ્ટ બનાવવું ગમે
છે. આપણે સૌ સરકારના ‘છીડા’ શોધવામાં એટલા વ્યસ્ત છીએ કે, એની પોઝિટિવ બાજુ અથવા
‘સરકારે શું કર્યું છે’ એ તરફ નજર નાખવાનું ભૂલી જઈએ છીએ ! ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને
ધમધમતો કરીને જે આવક ભારતીય જનતા પક્ષની સરકારે ઊભી કરી છે એનાથી કેટલાય ઘરો ચાલે
છે. કેટલાય નાના વ્યાપારીઓની મૃતઃપ્રાય થઈ ગયેલી દુકાનો અને રેસ્ટોરાં ફરી એકવાર પ્રવાસીઓથી
ભરાવા લાગી છે.