દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં સ્મરે ના કોઈ…

હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…
મધદરિયે કૈં વાવાઝોડું, સઘળું હાલક-ડોલક,
ભક્તિ પણ તોફાનની સાથે, પ્રગટી પછી અચાનક,
કડકડાટ શ્લોકો બોલાયા, થરથરતો જ્યાં શ્વાસ હતો…
હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…
માતા-પિતા-ગુરૂ-દેવ-દેવીને યાદ કર્યાં કૈં,
બચી ગયા તો હવે કરીશું, આડું અવળું કૈં નેં,
ડૂબતી’તી હોડી ત્યાં સુધી, મરણ-સ્મરણનો પ્રાસ હતો…
હોડી કાંઠા પર પહોંચે, બસ ત્યાં જ સુધી વિશ્વાસ હતો…

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની આ કવિતા… જ્યારે પણ વાંચીએ ત્યારે સમજાય
કે, આપણે બધા જાણે અજાણે આ કવિતામાં જે કહ્યું છે, લખાયું છે એ જ પ્રકારના
માણસો છીએ.

માણસ માત્રને પોતાની ઈચ્છા મુજબ જીવવું હોય છે. આ ‘ઈચ્છા’ એટલે
માત્ર સ્વતંત્રતા પૂરતી નહીં, ઝંખના, અપેક્ષા, અહંકારપુષ્ટિથી શરૂ કરીને માત્ર જીતવા
પૂરતું નહીં, સામેનાને હરાવવાનું સુખ પણ… મને મળે કે ન મળે-અન્યને ન મળ્યું
એનો સંતોષ! જે મળ્યું છે, એનો અસંતોષ અને હજી વધુ મેળવવાની લાલસા સાથે
આપણે બધા દોડીએ રાખીએ છીએ. આ આંધળી દોડમાં આપણી આંખો ક્યારેય
હંમેશ માટે મીચાઈ જશે એની ખબર નથી-ને નવાઈની વાત એ છે કે, ભય પણ નથી!
જે કંઈ મેળવ્યું એમાંનું કશું જ આપણી સાથે નથી જવાનું, એ ફિલસૂફી બધા જાણે
છે, પરંતુ એ જ્ઞાન અને સમજણ ફક્ત અન્યને આપવા પૂરતી છે, પોતે અમલમાં
મૂકવાની હોય ત્યારે એ ‘અર્થહીન’ છે.

સુખમાં હોઈએ ત્યારે દુઃખનો ભય લાગે અને દુઃખમાં હોઈએ ત્યારે સુખની
પ્રતીક્ષા રહે, અર્થ એ થયો કે, જ્યારે જ્યાં હોઈએ ત્યારે, એ પરિસ્થિતિનો સ્વીકાર
કરવાને બદલે કાં તો ભયમાં અને કાં તો અપેક્ષામાં આપણે વર્તમાનને સતત
અવગણતા રહીએ છીએ. આમ જોવા જઈએ તો દુઃખ કોના જીવનમાં નથી આવ્યું?
જે ઈશ્વરને આપણે આપણા દુઃખની ફરિયાદ કરીએ છીએ એવા કૃષ્ણએ સ્વજનોનું
મૃત્યુ જોયું. રામને સીતાનો વિરહ મળ્યો, વનવાસ મળ્યો, શિવના ખભે એમની પ્રિય
પત્ની સતીનું શબ છે તો જીસસને ક્રોસ છે. મહોમ્મદ પણ એમની પીડા ભોગવે છે ને
બુધ્ધ પણ એમના દુઃખોમાંથી પસાર થાય છે… આપણે માણસ તરીકે દુઃખને
નકારવાને બદલે એને વર્તમાનની પરિસ્થિતિ માનીને જો સ્વીકારી શકીએ તો કદાચ,
આપણને દુઃખની સાઈઝ-પીડા કે પ્રશ્નો થોડા નાના લાગે. આપણો પ્રોબ્લેમ એ છે
કે, આપણે જ્યારે દુઃખમાં હોઈએ છીએ ત્યારે કોઈપણ રીતે એ પરિસ્થિતિને ટાળવા
માટે કે જીવનમાં સમસ્યા આવે, મુશ્કેલી આવે, સંઘર્ષ આવે ત્યારે એમાંથી બહાર
નીકળવા માટે તરફડીએ છીએ. આ તરફડાટમાં ઈશ્વર, બાધાઆખડી, તંત્ર, મંત્ર,
સાધુઓ, ભૂવા… દરેકના દરવાજા ખખડાવીએ છીએ. ઈશ્વરના એક સ્વરૂપમાં
આપણને ‘રિઝલ્ટ’ ન મળે તો સ્વરૂપ બદલી નાખતા ય અચકાતાં નથી! હનુમાન
ચાલીસાનું ફળ આપણા અપેક્ષિત સમયે ન મળે, તો તરત માતાજીના શરણે…
માતાજી આપણું કહ્યું ન માને તો તરત કૃષ્ણચરણ શોધીએ… પરંતુ, સત્ય તો એ છે કે
પરિસ્થિતિ બદલવાની તાકાત કોઈ પાસે નથી, કારણ કે પરિસ્થિતિ તો કર્મજન્ય છે.
આપણે જે વાવ્યું છે એ આપણે જ લણવાનું છે એટલી સમજણ જો કેળવી શકીએ
તો આવા ગાંડાઘેલાં ઉપાય છોડીને શાંત મને, નિરાંત ચિત્તે આવેલા સમયને પસાર
કરવાની ધીરજ કેળવી શકાય. જે બદલી નથી શકાતું એ બદલવાનો પ્રયાસ જ પીડાને
નોતરે છે.

ખરાબ સમય કે તકલીફમાં ઈશ્વરને યાદ કરવો, બાધાઓ લેવી, જાતભાતના
વચનો આપવા, ફરી કોઈ દિવસ ખોટું નહીં કરીએ એવો સધિયારો પણ એકવાર
જાતને આપી દીધા પછી જ્યારે પરિસ્થિતિ ફરી પાછી નોર્મલ અને યોગ્ય થઈ જાય કે
તરત જ આપણે પણ ‘નોર્મલ’ થઈ જઈએ!

સામાન્ય માણસને પણ તમે છ-બાર મહિનાથી ફોન ન કર્યો હોય અને એનું
કામ પડે ત્યારે ફોન કરો, તો એ પણ એકાદવાર સંભળાવ્યા વગર રહે નહીં! આ તો
ઈશ્વર છે, પરમતત્વ… સુખમાં યાદ નથી કર્યા, આભાર નથી માન્યો, આપણને
મળેલી સંપતિ કે સુખ કોઈ સાથે વેચવાની તસદી લીધી નથી ને પછી જ્યારે સમસ્યા
આવે ત્યારે એને યાદ કરીએ, વિનવણીઓ કરીએ, કરગરીએ તો એ તરત જ
સાંભળશે-આપણી મદદે દોડી આવશે એવું ધારી લેવું જરા વધારે પડતું નથી?

જેસલ તોરલની કથા કે ક્રિશ્નાનિટીના કન્ફેશનનો વિચાર પણ અહીંથી જ
આવ્યો હશે! માણસને પોતાના પાપ, કર્મ કે ભૂલો ત્યારે જ યાદ આવે છે જ્યારે એ
સમસ્યામાં સપડાય છે. બધું બરાબર ચાલતું હોય ત્યારે તો આપણને કોઈ દિવસ
આપણી ભૂલ કે કર્મ સ્વીકારવાનો વિચાર જ નથી આવતો, કારણ કે એ વખતે તો
આપણે જીતતા હોઈએ છીએ… જીતી રહેલા માણસને અહંકાર અને વધુ પડતો
આત્મવિશ્વાસ હોય છે. પોતે કોઈ દિવસ હારશે-સપડાશે, ગૂંચવાશે કે જીવનમાં
સમસ્યા આવશે એવો વિચાર પણ જીતી રહેલો માણસ કરવા તૈયાર થતો નથી.

મજા એ છે કે, જે જીતે છે એને ‘હાર’ પહેરાવવામાં આવે છે… એ યાદ
કરાવવા માટે કે, આજે જીત્યા છો અને આ ગળામાં જે પહેર્યો છે તે-હાર, ક્યારેક તો
તમારી સામે આવીને ઊભી રહેશે!

મુકેશ જોષીની કવિતા, આ વાતની બહુ સરસ રીતે સમજણ આપે છે.
‘સુખ અને દુ:ખની ડબલ સવારી’ રસ્તા ઉપર જોઇ.
દુ:ખના પગ લાંબા તે આગળ બેસી પેંડલ મારે જાય.
સુખ રૂપાળું કિંતુ નાનું દુ:ખ પાછળ ઢંકાઈ જાય.
સામેથી સાયકલ આવે તો સહુને લાગે દુ:ખ આવે છે,
કોઈ સમજતું નથી કે દુ:ખ પાછળ બેસાડી સુખ લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *