ભાગઃ2 | એ દિવસોનું હૈદરાબાદઃ રંગીન દુપટ્ટા અને અમીરોની ઐય્યાશી

નામઃ શૌકત કૈફી
સ્થળઃ મુંબઈ
સમયઃ ઓક્ટોબર, 2018
ઉંમરઃ 93 વર્ષ

કૈફી આઝમી, આજે આપણી વચ્ચે નથી, પણ એમણે લખેલા ગીતો, એમના શબ્દ,
એમના વિચારો અને એમની અવિસ્મરણિય રચનાઓ આજે પણ ક્યારેક રેડિયો પર સાંભળું ત્યારે હું
ભૂતકાળમાં સરી પડું છું. મેં જે વાતાવરણમાં આંખો ખોલી એ જરા જુદા પ્રકારનું હતું. મારા પિતા
દીકરીઓને ભણાવવાના અને સ્વતંત્રતા આપવાના વિચારો સાથે નવી દુનિયામાં જીવતા હતા જ્યારે
મારા દાદા અને કાકા આ વિચારથી તદ્દન વિરુધ્ધ હતા. મારા પિતાએ 1938માં આખા પરિવારની
મરજી વિરુધ્ધ મારી મોટી બેન લિયાકત અને વચલી બેન રિયાસતને મિશન સ્કૂલ (કોન્વેન્ટ)માં દાખલ
કરી. અહીં કો-એજ્યુકેશન હતું, એટલે સાથે છોકરાઓ પણ ભણતા. સવાલ પડદાનો, તો એમણે
100 વર્ષ પહેલાં પોતાની પત્નીનો બુરખો ઉતરાવી દીધો હતો. લગ્ન કરીને જેવા એ લોકો ટ્રેનમાં
બેઠા કે મારા પિતાએ પત્નીનો બુરખો ઉતરાવીને બેગમાં મૂકાવી દીધો… એ પછી મારી માએ ક્યારેય
બુરખો પહેર્યો નથી.

બીજી તરફ મારા દાદા મૌલવી અને અરબી, ફારસીના વિદ્વાન હતા. એ અંગ્રેજીની
એકદમ વિરુધ્ધ હતા અને મારા પિતા જાણતા હતા કે બદલાઈ રહેલા સમયમાં અંગ્રેજી વગર નોકરી
નહીં મળે. મારા પિતાએ દાદાથી સંતાઈને અંગ્રેજી ભણવાનું શરૂ કર્યું અને મેટ્રિક પાસ કર્યું ત્યાં સુધી
મારા દાદાજીને ખબર નહોતી કે, મારા પિતા મેટ્રિકમાં ભણતા ભણતા બી.એ.ના વિદ્યાર્થીઓના
અંગ્રેજીના ટ્યૂશન કરતાં.

આ બધી હૈદરાબાદના દિવસોની કથા છે. ત્યાં તેલુગુ બોલાતું એટલે મારા પિતાએ
ત્રીજી ભાષા તરીકે લખતા-વાંચતા શીખી લીધું. એમને એક સારી સરકારી નોકરી મળી ગઈ. જોકે,
આ બધી આધુનિકતા સાથે મારા પિતા પાંચ વખતની નમાજ અચૂક પઢતા. મારી વચલી બહેને સાત
વર્ષની ઉંમરમાં કુરાન શરીફ આખું વાંચી લીધું હતું અને કંઠસ્થ કરી લીધું હતું.

અમે દસ ભાઈ-બહેન હતા. મારા અબ્બાનો પગાર 300 રૂપિયા. જોકે, અમ્મી ખૂબ
સારી રીતે મેનેજ કરતી. મારી મા આટલા નાના પગાર, આટલા બધા બાળકો અને મોટા પરિવારમાં
પણ ગમે તેમ કરીને પૈસા બચાવતી જ્યારે, ઘરમાં કોઈ તકલીફ પડે ત્યારે મારી મા પાસે કરેલી બચત
અબ્બા માગી લેતા, ને મા પણ આવા જ સમય માટે પૈસા બચ્યા હશે એવું વિચારીને કોઈપણ
પ્રકારના અફસોસ વગર એની નાનકડી પણ મહત્વની બચત અબ્બાને ધરી દેતી. મારા મોટા ભાઈ
ઉસ્માનિયા યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને ભણતા હતા. અમને ટ્યૂશન ભણાવવા આવતા માસ્તર
મહેમાનોની અવરજવર અને આટલા મોટાં પરિવારનો ખર્ચ ઊઠાવતાં ઊઠાવતાં રોજ રાત્રે ડીનરમાં
ખીચડી, ચટણી, દહીં અને પાપડ જ મળતું, પરંતુ દીકરીઓને સ્કૂલ જવા માટે મારા પિતાએ શિકરમ
(બેલગાડી) રાખી હતી.

હું 1941ની વાત કરું છું. મારી ઉંમર તેર વર્ષની હતી અને હું છઠ્ઠા ધોરણમાં ભણતી
હતી. હૈદરાબાદમાં હાલિ પૈસો ચાલતો. છ પૈસાનો એક આનો અને કલદાર સિક્કાનો વિનિમય હતો.
એ વખતે મહિનાના નામ પણ જુદા હતા…

તેર વર્ષની ઉંમરે મને સમજાઈ ગયું હતું કે, હું બહુ સુંદર નહોતી, પણ મારી બુધ્ધિ અને
મારી તેજસ્વી-ધારદાર આંખોને કારણે મહોલ્લામાં બહુ છોકરાઓ મારા દીવાના હતા. મને દુપટ્ટા
રંગવાનો શોખ હતો. હું કુર્તાના રંગ અને ડિઝાઈન મારી જાતે મારા દુપટ્ટા પર છાપતી. આ મારી
પાસે કુદરતી બક્ષીસ હતી, અને મારી બહેનપણીઓ, બહેનો બધા આ દુપટ્ટા રંગાવવા માટે મને
મસકા મારતા. મારી માએ મારી આ આવડત જોઈને મને દુપટ્ટા રંગવા માટે ચોકમાં એક તખ્ત લઈ
આપ્યો હતો. રંગોના ડબ્બા, બ્રશ, ગુંદર, સ્ટવ અને લાકડાના ટુકડા આ મારો ખજાનો હતો. હું જાતે
બ્લોગ્સ બનાવતી અને દુપટ્ટા પર છાપતી. ત્યારે રંગોના નામ ઉર્દૂમાં હતા. કાસની, પ્યાજી, કઠ્ઠઈ,
ઉદા, શબ્સ, મોતિયા, કાહી, ઉન્નાબી, સંદલિ… શિફોન અને કારગાનું કપડું મને બહુ ગમતું. હું
ઈદીના અને બીજા પૈસા બચાવીને કારગાના કપડા ખરીદતી કારણ કે, એ 18 રૂપિયે ગજ મળતું અને
મારા પરિવાર પાસે એવું કપડું ખરીદવા માટે મને આપવાના પૈસા નહોતા!

એ વખતે હૈદરાબાદની ગલીઓમાં બિરયાની, કોરમા, દમ કે કબાબ, લુક્મિયા, જેવી
જાતભાતની વાનગીઓ મળતી. મારી બહેનોના મોટાભાગના પૈસા ખાવામાં જતા. જ્યારે હું
કંજૂસની જેમ પૈસા બચાવીને સારામાં સારા કપડા પહેરતી. મારી છ બહેનપણીઓ હતી. આમીના,
શમીમ, અત્યા, મોહસીના, મહેંદી અને દીલશાદ. જેમાંથી આમીના અને હું સારામાં સારા કપડાં
પહેરતાં. બીજા ક્લાસની છોકરીઓ અને ક્યારેક છોકરાઓ પણ અમારા દુપટ્ટા જોવા માટે અમારા
ક્લાસમાં આંટા મારતા. હજી હમણાં જ, થોડા વખત પહેલાં આમીનાનું અવસાન થયું, એ બટવારા
પછી પાકિસ્તાનમાં રહેતી હતી…

હૈદરાબાદમાં એક તરફ તો આવો રંગીન, ખૂબસુરત માહોલ હતો તો બીજી તરફ, ગરીબ
લોકો બહુ દુઃખી હતા. રજાઓમાં અબ્બાજાન અમને એમની સાથે સરકારી ટૂર ઉપર લઈ જતા અને
ત્યારે અમે જોતા હતા કે, જુવાન ચપરાસી બીજી જ્ઞાતિના (હરિજનો)ને જબરજસ્તી એમના
ઘરોમાંથી ઘસડીને અમારા કામ કરવા માટે મફતમાં લાવવામાં આવતા. મારા અબ્બાજાન કોઈ દિવસ
રિસ્વત લેતા નહીં. એટલે અમારે ઘરે કોઈ દિવસ આવું નહોતું થતું, પણ અમે જોયું છે કે મારા
અબ્બાના બીજા મિત્રો અને મારા મામાને ઘરે આ હરિજનોને ઘેરથી મરઘી, ઘી, ફળો અને એમના
ખેતરમાંથી શાકભાજી મફતમાં મગાવવામાં આવતા. જો એ ના પાડે તો એમની પિટાઈ કરવામાં
આવતી. કદાચ એટલે જ તિલંગાના મુવમેન્ટનો જન્મ થયો હતો જે કોઈક કારણોસર સફળ ન થઈ
પણ આજે વિચારું છું તો સમજાય છે કે, આટલો જુલમ બરદાસ્ત કરતાં કરતાં માણસની હાલત શું
થતી હશે!

એક બીજી વાત મને આજે પણ યાદ છે કે, કોઈ અમીર, ખાનદાની ઘરના લગ્નમાં
નિઝામ સરકાર આવવાના હોય ત્યારે 14થી 24-25 વર્ષની છોકરીઓને ઘરમાં સંતાડી દેવામાં
આવતી. જો સરકાર (નિઝામ)ની નજર પડી જાય અને એમને પસંદ આવી જાય તો એ છોકરીએ
જબરજસ્તી એમના હરમમાં દાખલ થઈ જવું પડતું. એ સમયે કોઈ સાહિદજાદગાન હતા જે એટલા
ઐય્યાશ અને આવારા હતા કે રસ્તા પરથી સુંદર છોકરીને ઊઠાવી જતા. નવાઈ એ વાતની લાગે કે,
આવું કરતા દીકરાઓના પિતાને કે આવા છોકરાઓને સજા કરવાને બદલે નિઝામે એકવાર એમના
પિતાને ફૂલની બેડી પહેરાવીને ગામમાં ફેરવ્યા હતા! બસ, આ એમની સજા!

મને એક કિસ્સો યાદ છે, મારી મોટી બહેન લિયાકત અને મારા નાના ભાઈ જાન અને
હું એમના એક મિત્રના લગ્નમાં ખુલ્લા ટાંગામાં જઈ રહ્યા હતા. અમે લોકો રસ્તામાં એક જગ્યાએ
રોકાયા. મારી બહેન ટાંગામાં બેઠી હતી અને મારા ભાઈજાન કશું લેવા માટે ઉતર્યા. ત્યાં જ આછા
અંધારામાં એક ગાડી આવીને એમના ટાંગાની નજીક ઊભી રહી. એમાંથી એક કાળી શેરવાની પહેરેલા
સાહેબ ઉતર્યા. ટાંગા પાસે આવીને બોલ્યા, ‘ચાલો.’ આપાએ પૂછ્યું ક્યાં, ‘સાહેબ બોલાવે છે’ પેલા
ભાઈએ કહ્યું. હું કંપી ગઈ. મને ખબર હતી કે, અત્યારે જે પરિસ્થિતિ છે એમાં મારી બહેન બચશે
નહીં. મેં આપાને કહ્યું, ‘અહીંથી ભાગો. આ સાહિદજાદગાન છે.’ મારી બહેન કહી સમજે એ પહેલાં
એનો હાથ પકડીને એને ટાંગામાંથી ઉતારીને અમે દોડ્યા. ગાડી અમારા પાછળ આવી. બરાબર એ જ
વખતે ડૉક્ટર સાહેબના દવાખાનામાં અમે ઘૂસી ગયા. અમારા ચહેરા પર પરસેવો અને આંખોમાં
ખૌફ હતો. ત્યાં મારા ભાઈ જાન આવી પહોંચ્યા. હતા તો 16 વર્ષના, પણ નિહાયત એક નીડર
પઠાણ. એમણે ત્યાં ઊભેલી ગાડીમાં માથું નાખી દીધું અને પૂછ્યું, ‘તમારામાંથી કોણે કહ્યું ચાલો?
શરીફ ઘરની વહુ-દીકરીઓની આવી રીતે છેડતા શરમ નથી આવતી? કુરાન શરીફમાં વિશ્વાસ છે કે
નહીં, તમારી જાતને મુસલમાન કહો છો?’ અંદર બેઠેલા માણસે જરાક સંકોચ સાથે કહ્યું, ‘અમે તો…
એમની મદદ કરવા…’ મારા ભાઈ જાને કહ્યું, ‘એ મારી બહેનો છે, એમને મદદની જરૂર નથી.’ અને,
એ અમારા હાથ પકડીને હિંમતથી બહાર ઊભેલા ટાંગામાં બેઠા. ગાડી થોડીવાર ઊભી રહી અને પછી
જતી રહી.

એ સમય પણ વીતી ગયો. મારી બે બહેનોના લગ્ન થઈ ગયા. મારા ભાઈના લગ્ન થઈ
ગયા. અબ્બાજાનની બદલી ઔરંગાબાદમાં થઈ ગઈ અને અમે બધા ઔરંગાબાદ શિફ્ટ થઈ ગયા.
મોટી કોઠી, ગાડી, ટેલિફોન, બાર જેટલા પટાવાળા સાથે અમે ખૂબ સગવડોની વચ્ચે રહેવા લાગ્યા.
ત્યારે હું મેટ્રિકમાં ભણતી હતી.

મારી બહેન હૈદરાબાદ રહેતી હતી અને હું મેટ્રિકની પરીક્ષા આપીને એને હૈદરાબાદ
મળવા ગઈ. મારા એન્ગેજમેન્ટ-મંગની મારા મામાના દીકરા સાથે થવાની હતી. એ ઓક્સફર્ડમાં
ભણીને ઔરંગાબાદ પાછા ફર્યા હતા. એ દેખાવડા છતાં રૂઢિચુસ્ત વિચારોના હતા. હું સ્કૂલમાં હતી
ત્યારે જ એમણે માગું નાખેલું, પણ ત્યારે, ‘નાની છે’ કહીને મારા માતા-પિતાએ ટાળેલું. હવે એ
પાછા ફર્યા હતા અને હું પણ મેટ્રિક પાસ થઈ ગઈ હતી એટલે મારા માતા-પિતાએ મને મારી બહેનને
ત્યાં મોકલી, જેથી મારી બહેન મારી ઈચ્છા જાણી શકે. મને મારા બનેવી ખૂબ ગમતા, એ મારા
માસીના દીકરા હતા અને બાળપણથી જ મારી એમની સાથે ખૂબ બનતી. મારી બહેન અને બનેવી
મળીને મારા મામાના દીકરા વિશે મારી સાથે વાત કરશે એવું સમજાવીને મારી માએ મને હૈદરાબાદ
મોકલી. મારા બનેવી ખૂબ સ્વતંત્ર મિજાજના અને આધુનિક વિચારોના વ્યક્તિ હતા. એમને શાયરી
અને નાટકોમાં રસ હતો. આમ ખૂબ સાદા પણ ખાનદાની રઈસ હતા. એમને ત્યાં અવારનવાર
મુશાયરા અને દાસ્તાનગોઈના સમારંભો થયા કરતા. હું એમને ત્યાં રહેવા ગઈ ત્યારે એમણે મારા
સન્માનમાં, મારા મનોરંજન માટે આવા જ એક મુશાયરાનું આયોજન કર્યું. મને કલ્પના પણ નહોતી
કે એ મુશાયરો મારા જીવનનું એક એવું પાનું પલટી નાખશે જેનાથી મારી આખી જિંદગી બદલાઈ
જશે!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *