એ…એ…એ… ફસા…

‘ઈસે ખેલમેં આદત લગના યા આર્થિક જોખીમ સંભવ હૈ, સાવધાની સે ખેલે’ લગભગ દરેક
ઓનલાઈન ગેમમાં આવી સૂચના હોય છે, પરંતુ ઓનલાઈન રમવાનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય
છે. કેટલાય લોકો લાખો રૂપિયા ગૂમાવે છે તેમ છતાં આ રમી કે લૂડો જેવી રમતોને કોઈ કાયદેસર રોકી
શકતું નથી. આપણે કંઈ પણ કહીએ, એ એક જાતનો જુગાર જ છે. ક્રિકેટનો સટ્ટો હોય કે આ રમત,
ફરક માત્ર કાયદેસરની મંજૂરીનો છે એમ કહીએ તો કશું ખોટું નથી.

સ્માર્ટફોનની સામાન્ય સમસ્યા ઓનલાઈન ચોરીની છે. ઓટીપી નંબર કોઈ સાથે શેર ન
કરવો, એકાઉન્ટની વિગતો બને ત્યાં સુધી અજાણ્યા લોકોને ન આપવી વગેરે સૂચનાઓ આપણને
મળ્યા કરે છે તેમ છતાં ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધતા જાય છે. આનું એક કારણ કદાચ એ છે કે,
ભારતીય નાગરિક પ્રમાણમાં થોડો ભોળો (ડફોળ) છે, અને લાલચુ પણ. ‘બીજા સાથે થયું એ મારી
સાથે નહીં થાય’ એવું લગભગ દરેકને લાગે છે. મફત ટ્રિપ, હોટેલનો સ્ટે, રેસ્ટોરાંમાં ફૂડની કુપન સુધી
તો બરાબર હતું, હવે આ ફ્રોડ કરનારા મફત મેડિકલ ચેક-અપ અને બનાવટી નામે સર્વિસ ટેક્સ,
ઈન્કમટેક્સના બનાવટી નામે પણ ફોન કરવા લાગ્યા છે. ગઈકાલ સુધી જે સાધુબાવા બનીને એકના
ડબલ કરવાના વચન આપતા હતા એ લોકો હવે સ્માર્ટફોનના કોલ સેન્ટર ખોલીને બેસી ગયા હોય
એવું લાગે છે.

સ્માર્ટફોનના અનેક ફાયદા છે, પરંતુ એની સાથે સાથે સ્માર્ટફોને આપણને આપેલા દુષણો
પણ અત્યંત જોખમકારક છે. પહેલાં એવો ભય હતો કે, આમાં માત્ર નાની ઉંમરના બાળકો અથવા
ટીનએજના છોકરાંઓ જ ઘસડાય છે, પરંતુ ધીરે ધીરે હવે મોટી ઉંમરના અને આધેડ લોકો પણ
સ્માર્ટફોનની કેટલીક ખોટી એપ્સમાં સપડાવા લાગ્યા છે. સૌથી પહેલી જ આ રમી અને લૂડો જેવી
નિર્દોષ રમતોના નામે ચાલતો જુગાર છે. એક ગરીબ, મધ્યમવર્ગથી નીચેના જીવનધોરણ સાથેના
લોકો દોઢ કરોડ રૂપિયા જીત્યાની વાત કહે ત્યારે સ્વાભાવિક છે કે, મહેનત-મજૂરી કરતા, આસાનીથી
પૈસા બનાવવાનું સપનું જોતા અનેક લોકો આવી વાતમાં સપડાઈ જાય. ફિલ્મસ્ટાર્સ આવી એપ્સની
જાહેરાત કરે છે-જેને કારણે ફેન પણ એમાં ખેંચાય છે. શરૂઆતમાં 20-50-100-500 રૂપિયા જીતે
પછી એવો ચસકો લાગે છે કે, પોતાની પાસે હોય એટલા પૈસા હારી જઈને રમનાર કંગાળ થઈ જાય
છે. આમાં કોઈ જવાબદાર વ્યક્તિ કે કંપનીમાંથી કોઈ વાત કરી શકે એવું નથી હોતું. ઉબર, એમેઝોન
કે બીજી ઓનલાઈન કંપનીની જેમ જ અહીં પણ તમારી ફરિયાદ ઓનલાઈન રજિસ્ટર કરાવીને ફક્ત
રાહ જોવાની હોય છે. જેમાં દરેક વખતે જવાબ મળે એવું જરૂરી નથી. આવી નાની મોટી જાહેરાતો
બતાવીને ગ્રાહકોને આકર્ષ્યા પછી એ રમત છોડતા હોય ત્યારે ‘આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ક્વિટ?’
પૂછીને એમને ‘યુ કેન વિન… ગેટ યોર મની બેક’ જેવા લલચામણા આમંત્રણ આપવામાં આવે છે.
આદત પડી ગઈ હોય એવા લોકોને સાયકોલોજિસ્ટ અને ક્યારેક તો મેડિકેશનથી આ આદત છોડાવવી
પડી હોય એવા દાખલા છે. દુનિયાના કેટલાક દેશોમાં સિંગાપોર, મકાઉ, હોંગકોંગ અને નેપાળમાં
વિદેશીઓ કેસિનોમાં રમવા માટે જાય છે, પરંતુ એ દેશના નાગરિકોને કેસિનોમાં રમવાની છૂટ નથી.
અર્થ એ થયો કે, વિદેશી પ્રવાસી આવીને જુગાર રમે એનો વાંધો નથી, પરંતુ દેશના નાગરિકો આવી
બદિમાં કે લતમાં સપડાવા ન જોઈએ એ વાતનો ખ્યાલ સરકાર રાખે છે. આપણે ત્યાં આવું કેમ નથી
થતું? આવી જાહેરાતો અને આવી ગેમ્સને સરકાર શા માટે બંધ નથી કરતી?

બીજી સૌથી ભયાનક રમત છે, ફોન ઉપર કંપની આપવાની. મીઠી મીઠી વાતો કરતી અને
ફોન સેક્સથી ગ્રાહકોને લલચાવતી અનેક કંપનીઓ છે. આવા કોલ સેન્ટરમાં નોકરી મેળવવા માટે
સ્ત્રીઓ (ક્યારેક પુરુષ પણ) બે જ ક્વોલિટી ધરાવતી હોવી જોઈએ. એક, એમનો અવાજ અત્યંત
માદક, મીઠો અથવા સેક્સી હોવો જોઈએ, બીજો એમને લાંબી લાંબી વાતો કરીને સામેની વ્યક્તિનું
બિલ વધારવાની આવડત હોવી જોઈએ. આમાં પણ એવો ચસકો લાગે છે કે, જ્યાં સુધી સામેવાળી
વ્યક્તિ સાથે વાત ન કરે ત્યાં સુધી ચેન ન પડે. લાખો રૂપિયાના બિલ આવે ત્યારે સમજાય કે પોતે
‘મૂરખ’ બન્યા છે. ભારતમાં કરોડો લોકો વસે છે જેમને પોતાની પત્નીથી, જીવનથી, પરિસ્થિતિથી
ફરિયાદ છે, એમને કોઈ સાંભળનારું, મીઠી વાત કરનારું જોઈએ છે. એકાદને પોતાની ભૂલ સમજાય
ત્યાં સુધીમાં બીજા દસ હોંશેહોંશે મૂરખ બનવા તૈયાર થઈ ગયા હોય છે.

ત્રીજી અને સૌથી ખતરનાક આદત પોર્ન વીડિયોની છે. ઈન્ટરનેટ ઉપર ભારતીય અને વિદેશી
પોર્ન મબલખ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિચારીએ તો સમજાય કે, એમાં કેવી કમાણી હશે કે રાજ કુન્દ્રા
જેવી વ્યક્તિ પણ આવા બિઝનેસમાં સપડાય! પોર્ન જોવાની ટેવમાં મુખ્યત્વે ટીનએજ અને આધેડ
વયના લોકો હોય છે. ઘરથી દૂર રહેતા અને શહેરમાં નોકરીઓ માટે આવેલા મજૂર, વોચમેન, ડ્રાઈવર
પ્રકારના લોકોને પણ આ પોર્ન જોવાની આદત પડી જાય છે. આ પોર્નનું સૌથી મોટું અને ભયાનક
પાસું એ છે કે, પોર્ન જોઈને ઉશ્કેરાયેલો માણસ બળાત્કાર કરવાની માનસિકતામાં ગમે ત્યારે સપડાઈ
શકે છે… આવા લોકોનો શિકાર નાની બાળકીઓ કે એકલી પ્રવાસ કરતી, કામેથી મોડી પાછી ફરતી
એકલવાયી સ્ત્રીઓ બને છે. છેલ્લા થોડા સમયથી વધી રહેલા બળાત્કારના કિસ્સાની પાછળ છૂટથી
મળતું પોર્ન વ્યૂઈંગ પણ ખૂબ જવાબદાર છે.

ડેટિંગ એપ પણ એક બહુ મોટું દુષણ છે. એના ઉપર પ્રોફાઈલ બનાવીને પહેલાં વાતો, પછી
પ્રાઈવેટ નંબર અને એ પછી મળવા બોલાવીને એમએમએસ બનાવી લેવાના, નગ્ન ફોટા પાડી
લેવાના કે નકલી પોલીસ બોલાવીને લૂંટી લેવાના કિસ્સા ખૂબ બને છે, પરંતુ બધા પોલીસ ચોપડે
નોંધાતા નથી કારણ કે, ડેટિંગ એપમાં થયેલા ફ્રોડમાં સ્ત્રી કે પુરુષની લગ્નબાહ્ય સંબંધની તીવ્ર લાલચ
પણ જવાબદાર હોય છે. પોતાના જીવનસાથીને કે માતા-પિતાને આવી કોઈ ઘટનાની જાણ થાય એને
બદલે પૈસા જાય એ પોષાય, એમ માનીને કેટલાય લોકો ચૂપ રહે છે. ડેટિંગ એપ દ્વારા થતા
બ્લેકમેલિંગના શિકારની સંખ્યા હજારોમાં છે. આવી જ કોઈ ઘટનાને કારણે આપઘાતના કિસ્સા પણ
બને છે, અને એ પણ પોલીસ ચોપડે નોંધાતા નથી કારણ કે, પરિવારને પ્રતિષ્ઠા અને સામાજિક
સંબંધોની શરમ નડે છે.

આ બધા માટે સરકારે તો જાગૃત થવું જ રહ્યું, પરંતુ એથી વધુ જાગૃત થવાની જરૂર આપણે
છે. આવા કોઈપણ પ્રલોભન, લાલચ કે મોહમાં ફસાયા વગર સેલફોન આપણા જીવનને સરળ બનાવે
ત્યાં સુધી જ એનો ઉપયોગ મર્યાદિત રાખીએ તો કેવું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *