એક ડોસી, ડોસાને હજુ વહાલ કરે છે… એ કોઈ ગુનો કરે છે?

‘બીજું કઈ થઈ શકે એમ જ નહોતું. અમારી પાસે કોઈ રસ્તો જ નહોતો…’ એક રેકોર્ડિંગમાં સુરતના એક ભાઈ પોતાના મિત્રોને કહે છે, ‘આ વસ્તુ કરવાની જ હતી ને કરવી જ પડે એમ હતી… અમારું શું થશે એ કંઈ નક્કી નથી’. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરતમાં બનેલી એક ઘટનાએ ચકચાર જગાવી હતી. કેટલાક લોકોએ એને સમાજ સામેના વિદ્રોહ તરીકે જોયું તો કેટલાક લોકોએ એને વખોડી કાઢ્યું. એની ઉપર કેટલાય ગીતો અને જોક્સ બન્યા. તો બહુ થોડા લોકો આ વાતની ગંભીરતા અને ઊંડાણને સમજી શક્યા… સુરતથી ભાગી ગયેલા એક વેવાઈ અને વેવાણ વિશેના સમાચારો મીડિયા ગજવતા રહ્યા. 16 દિવસ સુધી સાથે રહીને એ પછી બહેન પાછા ફર્યાં પણ પતિએ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. વેવાઈ પોતાના ઘરે પાછા ફર્યા. નવા સમાચારો કહે છે કે, થોડોક વખત રહીને સંતાનના લગ્ન પછી એ બંને જણા ફરી એક વાર જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હજી આ સમાચારો સાચા છે કે ખોટા એની ચકાસણી થાય તે પહેલાં અમદાવાદમાં આવી જ એક ઘટના બની છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક બહેન દીકરીના ઘરે ડિલિવરી વખતે પહોંચ્યા ત્યારે એમને દીકરીના સસરા સાથે મન મળી ગયું હતું. દીકરી પોતે એક વખત વિધવા હતી અને બીજી વખત સાસરિયા મારપીટ કરતા હોવાથી એ પરત આવી હતી. દીકરીએ દબાણ કરીને 181ની મદદ લીધી અને અંતે આત્મહત્યાની ધમકી આપીને માતા અને એમના વેવાઈને (મિત્ર કે પ્રેમીને) છૂટા પડવાની ફરજ પાડી હતી. અંતે બંને જણાએ પોતપોતાની રીતે અલગ રહેવાનું સ્વીકાર્યું, વેવાઈને વૃદ્ધાશ્રમનો વિકલ્પ પણ સૂચવવામાં આવ્યો…

ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા અભિનિત એક ફિલ્મ, ‘પ્યાર મેં ટ્વિસ્ટ’ (2005) પણ આ જ પ્રકારની કથા લઈને આવ્યા હતા. પોતાના સંતાનોના લગ્ન કરાવવા માટે મળેલા બે જણા જૂનો પ્રેમ જાગી ઊઠતાં ભાગી જાય છે… બંનેના સંતાનો એમના લગ્ન કે પ્રેમનો વિરોધ કરે છે ત્યારે બંને જણા એક સવાલ પૂછે છે, ‘તમને તમારી જિંદગી જીવતા જો અમે ક્યારેય રોક્યા નથી તો અમારી જિંદગીના બાકી રહેલા થોડા વર્ષો અમે સારી રીતે જીવીએ એવું તમે કેમ નથી ઈચ્છતા ?’

આપણે કયા સમાજમાં જીવી રહ્યા છીએ ? એ સવાલ સૌએ પોતપોતાની જાતને પૂછવાનો સમય થઈ ગયો છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જીવવાની સ્વતંત્રતા મળવી જોઈએ કે નહીં ? આ સવાલ પણ હવે પૂછાવો જોઈએ. સમાજમાં બની રહેલી ઘટનાઓ મીડિયા માટે મસાલો છે, અણસમજુ લોકો માટે મજાક છે, પરંતુ જેના પર વીતે છે એ વ્યક્તિ માટે આવી ઘટના જીવનભરનો ઘાવ મૂકી જાય છે. એણે આવું કરવાની ફરજ શા માટે પડી એવું સમાજના ઠેકેદારો પૂછતા નથી, બલ્કે એણે શું કરવું જોઈએ એ વિશે પોતાનો નિર્ણય જાહેર કરીને સામ-દામ-દંડ-ભેદથી એ જ પ્રમાણે કરવા મજબૂર કરવામાં આવે છે ! પરિણિત વ્યક્તિએ પોતાના કુટુંબની જવાબદારી અને સમાજની મર્યાદા સાચવવી જોઈએ એમાં કોઈ શંકા નથી, વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ એને આ જવાબદારીમાંથી મુક્તિ મળી શકે નહીં. કાયદો પણ એને આ મુક્તિ આપતો નથી અને સમાજ પણ વ્યક્તિને પોતાની કૌટુંબિક અને દામ્પત્યની જવાબદારીમાંથી મુક્ત કરે એવી કોઈ અપેક્ષા હોઈ શકે જ નહીં, પરંતુ હવે સવાલ એ આવે છે કે બે વ્યક્તિ-એક વિધવા સ્ત્રી અને એક વિધુર પુરુષ, કોઈ મોટી ઉંમરના અપરિણિત પુરુષ કે સ્ત્રી જો પોતાની વૃદ્ધાવસ્થામાં કે પ્રૌઢાવસ્થામાં એકબીજાની સાથે જીવવા માગતા હોય, એકબીજાની હૂંફ, કંપની કે કાળજીની ઝંખના રાખતા હોય તો એમાં ખોટું શું છે ? સમાજને એમાં શા માટે વાંધો હોવો જોઈએ ?

નવાઈની વાત તો એ છે કે સમાજ વાંધો ઉઠાવે તે પહેલાં તો આવાં સ્ત્રી કે પુરુષના સંતાનો પોતાનો વિરોધ અને વાંધા લઈને હાજર થઈ જાય છે. કેટલાક સંતાનો વિદેશ રહેતા હોય, માતા-પિતાનો ખ્યાલ ન રાખી શકતા હોય તેમ છતાં માતા કે પિતા જો પુનઃલગ્નનો વિચાર કરે, કમ્પેનિયનશિપ માટે કોઈની સાથે લિવ ઈન રહેવાનું નક્કી કરે તો સંતાનો પોતાનો વિરોધ પ્રગટ કરે છે. જે માતા-પિતાએ એમને ઉછેર્યા, ભણાવ્યા, વિદેશ મોકલ્યા એ માતા-પિતા પોતાની ઢળતી ઉંમરે કોઈની સાથે રહે કે સુખેથી પોતાની જિંદગીની સંધ્યા પસાર કરે એનાથી સંતાનને આનંદ થવો જોઈએ કે ગુસ્સો આવવો જોઈએ ?

એની સામે, યુવાન કે પ્રૌઢ સંતાનો પોતાના એકસ્ટ્રા મેરિટલ કે લફડાબાજી નિરાંતે ચલાવે છે. માતા-પિતા કંઈ વાંધો ઉઠાવે કે સમજાવવાનો પ્રયત્ન કરે ત્યારે પોતાના અરેન્જ મેરેજ કરાવવા બદલ, કે પછી લવ મેરેજ હોય તો પણ પત્ની કે પતિ વિશે વાંધા-વચકા કાઢીને પોતાના લફડા કે ડિવોર્સને એ સાચા ઠેરવવાનો પ્રયાસ કરે છે. આપણે પ્રેમને, માત્ર ઉંમર સાથે જોડીને ઓળખતા શીખ્યા છીએ ? પ્રેમ કરવો એ ફક્ત યુવાનોને શોભે, એવું જો ખરેખર આ સમાજ માનતો હોય તો યુવાનોને પણ પ્રેમ કરવાની છૂટ કેમ નથી મળતી ? ઓનરકિલિંગના એક હજાર કિસ્સા ગુગલ પર ફરે છે. હજી બે દિવસ પહેલાં જ પોતાની બહેનને ચપ્પુના ઘા મારીને એનું ખૂન કર્યા પછી ભાઈ ભાગી છૂટ્યાના સમાચાર અખબારોના પાનાં પર આપણે વાંચ્યા છે. આશ્ચર્ય એ વાતનું છે કે યુવાનો પ્રેમ કરે તો જ્ઞાતિ-જાતિ અને ઊંચ-નીચના પ્રશ્નો ઊભા થાય છે, પ્રૌઢ કે વૃદ્ધ વ્યક્તિ જો પ્રેમ કરે તો એની સામે સમાજને ‘ઉંમર’ના પ્રશ્નો ઊભા થાય છે !

આપણે બીજી બધી બાબતોમાં પશ્ચિમની કોપી કરીએ છીએ. વસ્ત્રો વિદેશી પહેરીએ છીએ, શિક્ષણ પધ્ધતિ પણ આપણે વિદેશની ગમે છે. ભોજન કે ભાષા પણ વિદેશી હોય તો આપણને ગૌરવની લાગણી થાય છે, પરંતુ પશ્ચિમ પાસેથી વૈચારિક ઉદારતા અને સમજદારી સ્વીકારવામાં આપણને વાંધો પડે છે. એક જાણીતા નવલકથાકાર કેન્ટ હાર્ફની નવલકથા ‘અવર્સ સૉલ્ઝ એટ નાઈટ’ (2017) પરથી ભારતીય ડિરેક્ટર રિતેશ બત્રાએ બનાવેલી ફિલ્મ બહુ જ સુંદર છે. રોબર્ટ રેડફોર્ડ અને જેઈન ફોન્ડા (ફિટનેસ ગુરુ)ની આ ફિલ્મમાં કોલોરાડોના એક શહેરમાં રહેતી એક વિધવા અને એના પડોશી વચ્ચે સર્જાતા એક અદ્ભુત સંબંધની આ કથા છે. એકલી ઊંઘતા ડરતી એક વિધવા (જેઈન ફોન્ડા) એના પડોશીને પોતાની સાથે ઊંઘવા બોલાવે છે અને એમાંથી સર્જાતી સુંદર મિત્રતા-મોટી ઉંમરના સમજદાર પ્રણયની આ કથા આપણને એક જુદા જ પ્રકારની ઝાંખી આપે છે. એવી જ ક્લિન્ટ ઇસ્ટવૂડ અભિનિત ફિલ્મ ‘ધ બ્રિજીસ ઓન મેડિસન કાઉન્ટી’, ‘એલ્સા એન્ડ ફ્રેડ’, ‘લેટર્સ ટુ જુલિયેટ’, ‘સોંગ ફોર મેરિયેન’, ‘હેમ્પસ્ટેડ’, ‘આર્મર’, ‘બુક ક્લબ’, ‘અવે ફ્રોમ હર’ જેવી ફિલ્મો મોટી ઉંમરના પ્રેમકથાઓ તરીકે હોલિવૂડમાં ખૂબ વખણાઈ છે. આપણે બધા અંગ્રેજીમાં એ જ ફિલ્મો જોવા તૈયાર છીએ, પરંતુ એવા જ પ્રકારની કોઈ ફિલ્મ જો રિજનલ ભાષામાં કે હિન્દીમાં બનાવવામાં આવે તો આપણા પ્રેક્ષકો એને સ્વીકારવા તૈયાર થતા નથી. આપણે ‘બાગબાન’ કે ‘અવતાર’ જોઈ શકીએ
છીએ, વખાણી શકીએ છીએ, પરંતુ બે વ્યક્તિ – જે એકબીજા સાથે પરણેલી ન હોય એમની પ્રેમકથા આપણા માટે ‘સંસ્કૃતિ ઉપરનો પ્રહાર’ કેમ છે?

આપણે ‘રાધા-કૃષ્ણ’ની પૂજા કરીએ છીએ, એ બે જણા પરિણિત નહોતાં… આ દેશનું નામ ભારત ગાંધર્વ વિવાહ (લવ મેરેજ) કરીને પરણેલા શકુંતલા અને દુષ્યંતના સંતાન ‘ભરત’ના નામ પરથી પડ્યું છે. આ દેશનો યુવાન દીકરો દેવવ્રત પિતાનાં લગ્ન માટે આજીવન બ્રહ્મચારી રહેવાનું નક્કી કરીને ભીષ્મ કહેવાય છે, આ દેશનો દીકરો પૂરુ, પોતાના પિતા યયાતિને પોતાની યુવાની દાનમાં આપે છે તો આ જ દેશની દીકરી ઝવેરચંદ મેઘાણીની વાર્તામાં લગ્ન કરીને સાસરે ગયા પછી, પાછી આવીને પિતાનાં લગ્ન કરાવે છે અને નવી માના ખોળે દીકરાનો જન્મ કરાવે છે…

સંતાનની પહેલી ફરજ માતા-પિતાનું સુખ છે. સમાજની મર્યાદામાં રહીને, પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી લીધા પછી જો માતા કે પિતા એકલવાયું જીવન ગાળતાં હોય તો એમને જીવનસાથી શોધી આપવાનું કામ આજના યુવાન સંતાનની જવાબદારી છે. જે સંતાન પોતાની જાતને આધુનિક કહેવડાવતા હોય એવાં સંતાનોને એમના વિચારો અને વ્યવહારમાં પણ આધુનિકતાને પ્રગટ કરવી જોઈએ…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *