ગ્રીષ્મા વેકરિયા, જિંદગીના 20 વર્ષ માંડ વીતાવ્યા હોય એવી છોકરીના નામની આગળ ‘સ્વ.’
લખી દેવું પડે ત્યારે એના મા-બાપનું શું થાય ! આ તો એક કિસ્સો છે, જે આપણા સુધી પહોંચ્યો-
કારણ કે, એના વીડિયો વાયરલ થયા, પરંતુ આપણે નથી જાણતા એવા અનેક કિસ્સા ભારતના નાના
નાના ગામડાંના ચોરે ને ચૌટે બનતા રહે છે. વધુ ભણવા માટે, સરપંચ કે જમીનદારને ના પાડવા
માટે, પેઢીઓથી ચાલ્યો આવતો ઉધારીનો હિસાબ પૂછવા માટે, ઘોડે ચડીને પરણવા માટે… સાચું
પૂછો તો કેટલાક લોકોને કોઈનો જીવ લેવા માટે કારણની જરૂર નથી હોતી ! એમને માટે, એમની
પીડા, એમનો અહંકાર કે એમની જીદ જ કોઈના જીવનને ઝુંટવી લેવા માટેનું કારણ હોય છે. આવા
લોકો માનસિક રીતે અસ્વસ્થ છે, છતાં એવા દેખાતા નથી. એક સર્વે મુજબ ભારતના નાના શહેરો
અને ગામડાંઓમાં માનસિક રીતે અસ્વસ્થ કહી શકાય એવા લોકોની સંખ્યા 68 ટકાથી વધુ છે !
ફેનિલ, જે ગ્રીષ્માને પ્રેમ કરવાનો દાવો કરતો હતો… એની માનસિક અસ્વસ્થતાનો શિકાર
બની ગયેલી આ છોકરી ગમે તેટલી સજા પછી પણ પાછી તો નહીં આવે ને ? ફેનિલ ‘કપલ બોક્સ’
ચલાવતો હતો. શું છે આ કપલ બોક્સ ? છ બાય છની નાનકડી જગ્યામાં ટેબલ-ખુરશી, સેટી-ગાદલાં
મૂકીને બનાવવામાં આવેલી નાની નાની કેબિન જેવી આ જગ્યા કલાકના 150-200 રૂપિયે ભાડે
મળે. એ.સી. કે બીજી સગવડો હોય તો ભાડું કદાચ વધારે હોય. અંદરથી દરવાજો બંધ થઈ શકે,
અંધારું થઈ શકે. ટીનએજ અને યુવા કપલ (હવે આ શબ્દ માત્ર સ્ત્રી-પુરૂષ પૂરતો મર્યાદિત નથી રહ્યો)
અમુક કલાકો માટે આવી કેબિનમાં સમય વીતાવે. સ્વાભાવિક છે કે, એ દરમિયાન શારીરિક સંબંધ
અને બીજી પ્રવૃત્તિઓ થતી હોય એ સ્વાભાવિક છે. આવા કપલ બોક્સનો ઉપયોગ માત્ર કોલેજમાં
જતા કે યુવાન પ્રેમીઓ જ કરે છે એવું નથી, લગ્નેતર સંબંધ ધરાવતા આધેડ સ્ત્રી-પુરૂષો પણ
ઓફિસના લંચ ટાઈમ જેવો સમય ચોરીને આવાં કપલ બોક્સનો ઉપયોગ કરે છે. આવાં કોઈ કપલ
બોક્સમાં સ્કૂલનો યુનિફોર્મ પહેરેલા છોકરા-છોકરી પણ મળી આવે છે. ખાસ કરીને ઓફિસ
કોમ્પ્લેક્સમાં જેવી રીતે ‘સ્પા’ના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે એવી જ રીતે આ કપલ બોક્સ
પણ ચાલે છે. બહારથી કેફે જેવું દેખાતું હોય, પરંતુ અંદર એક વધારાના ભાગમાં પાંચ કે છ કેબિન
બનાવી હોય, અથવા તો બહારથી ઓફિસ દેખાતી હોય, પરંતુ અંદર દાખલ થતા જ એક રિસેપ્શન
અને થોડીક કેબિન જેવાં કપલ બોક્સ દેખાય… માલિક અને બોક્સનો ઉપયોગ કરનાર બંને માટે કેફે
અને ઓફિસ કોમ્પ્લેક્સમાં આવાં કપલ બોક્સ પ્રમાણમાં સલામત હોય છે. હવે હોટેલમાં રૂમ લેવા
માટે આઈડી કાર્ડ આપવું ફરજિયાત થયું છે એટલે આવાં કપલ બોક્સનું ચલણ વધતું જાય છે. જોકે,
શહેરના આઉટ સ્કર્ટ્સ અને નાની ગલીઓમાં આવેલી નાની હોટેલ્સ હજી પણ આઈડી કાર્ડ લીધા
વગર-નામ સરનામું લખ્યા વગર થોડા કલાકો માટે રૂમ આપે છે.
આપણે સ્વીકારીએ કે નહીં, પણ આવી મોટાભાગની પ્રવૃત્તિઓની જાણ સામાન્ય રીતે લોકલ
પોલીસને હોય છે. જ્યાં સુધી ફેનિલ જેવો કોઈ કિસ્સો બને નહીં અને ચર્ચાના ચકડોળે ચડે નહીં ત્યાં
સુધી આવી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. હવે અચાનક દરેક ટેલિવિઝન ચેનલને આવાં કપલ બોક્સમાં રસ
પડ્યો છે… માત્ર સુરત જ નહીં, અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના નાના શહેરોમાં
પણ આવાં કપલ બોક્સ છે, જેમાં કેટલીકવાર વેઈટિંગ લિસ્ટ જોવા મળે છે. ફોન કરીને કોર્ડવર્ડમાં
પૂછવામાં આવે છે, ‘કેમનું છે ?’ સામેથી જવાબ મળે છે, ‘અડધો કલાક-કલાક લાગશે, આવો છો ?’
જો બુકિંગ કન્ફર્મ થાય તો ગુગલ પે કરવું પડે, ઓળખાણ હોય તો ઉપયોગ પછી પણ કેશમાં ચૂકવણી
કરી શકાય છે. કેટલીકવાર આ કપલ બોક્સમાં છુપા કેમેરા હોય છે. યુગલની જાણ બહાર એમની
પ્રવૃત્તિની વીડિયો બનીને વેચાતી થઈ જાય છે. આ કપલ બોક્સમાં નશો કરવા માટે પણ એકાંત મળી
રહે છે. ડ્રગ્સનું રેકેટ પણ આવાં કપલ બોક્સિસમાંથી પકડાવવાની સંભાવના હવે ધીરે ધીરે ઉઘડી રહી
છે. ઘરમાંથી લિમિટેડ પૈસા મળતા હોય, અને આવી કુટેવ પડી જાય પછી સંતાન ચોરી કરતાં અને
પૈસા મેળવવા માટે ખોટી પ્રવૃત્તિ કરતાં શીખે છે. નોઈડાની એક પબ્લિક સ્કૂલમાં ઉચ્ચ
અધિકારીઓના સંતાનો ભેગાં મળીને ડ્રગ્સનો બિઝનેસ કરતા થઈ ગયા હતા. ‘દૃશ્યમ’ ફિલ્મમાં
આઈજીનો દીકરો એક સામાન્ય ઘરની દીકરીનો વીડિયો ઉતારે છે જેમાંથી કિસ્સો એના મૃત્યુ સુધી
લંબાય છે.
અજમેરમાં 1992માં 11થી 20 વર્ષની અનેક છોકરીઓએ એક પછી એક આપઘાત કર્યાં.
જ્યારે એની તપાસ કરી ત્યારે ખબર પડી કે, સોફિયા સિનિયર સેકન્ડરી સ્કૂલની આ છાત્રાઓને
પહેલાં બળાત્કાર અને પછી દેહવિક્રયમાં ધકેલવામાં આવી હતી. કેટલી દીકરીઓ આ કેસમાં શિકાર
બની એનો તો કોઈ આંકડો જ ઉપલબ્ધ નથી, પરંતુ લગભગ 27 જેટલી છોકરીઓએ આપઘાત કર્યો
હતો. આ આપઘાતની શૃંખલા પછી તપાસ શરૂ કરવામાં આવી… અને એના છેડા છેક યુથ કોંગ્રેસના
લીડર સુધી પહોંચ્યા હતા. અખબારોમાં અવારનવાર ‘સ્પા’ના નામે ચાલતા દેહવિક્રયના સ્થળો વિશે
પ્રકાશિત થતું રહે છે છતાં, આપણા જ કોમ્પ્લેક્સમાં આવું કંઈ ચાલતું હોય તો આપણે ‘શું થઈ શકે ?’
અથવા ‘લફરાંમાં કોણ પડે ?’ કહીને આંખ આડા કાન કરીએ છીએ.
આપણું દુર્ભાગ્ય એ છે કે, આપણે આવી ગેરકાયદે ચાલતી ભયાનક પ્રવૃત્તિઓને રોકવા ત્યારે
જ ઊભા થઈએ છીએ જ્યારે એકાદ ગ્રીષ્માને ગુમાવી બેસીએ ! કેટલાક ટીનએજ કે યુવાન સંતાનોને
‘જુનવાણી’ લાગે તો પણ આજના સમયમાં માતા-પિતાએ સાવધ રહેવાની જરૂર છે. અચાનક
ટ્યુશન ક્લાસ કે કોલેજ પર પહોંચી જવું, ખાના (ડ્રોઅર) કે બેગ ચકાસતા રહેવું, એના મિત્રોને
ઓળખવા, એમની સાથે સંવાદ કરવો, વાત વાતમાં સંતાનની પ્રવૃત્તિ જાણવી અને જો ક્યારેક સંતાન
ઉદ્વેગમાં કે અપસેટ લાગે તો એના કારણોની તપાસ કરવી… હવેના સમયમાં જરૂરી બની ગયું છે.
આપણે જાતને ગમે એટલા મોર્ડન માતા-પિતા માનીએ, પરંતુ સંતાન ઉપર ધ્યાન આપવું એ
જુનવાણીપણું નથી બલ્કે, ઉછેરની સૌથી વધુ આધુનિક રીત છે.
સંતાનનું મૃત્યુ કે નશામાં ધકેલાઈ ગયેલું સંતાન માતા-પિતા માટે દુઝતો ઘા બની જાય છે.
ગેરરસ્તે ચાલી નીકળેલા સંતાનો પોતાની જિંદગી તો બરબાદ કરે જ છે સાથે સાથે ફેનિલની જેમ
અન્યની જિંદગી સાથે પણ રમત કરે છે… જે માતા-પિતા જાગૃત છે, એમને કદાચ મોડું થઈ જાય એ
પહેલાં સંતાનને બચાવવાની તક મળે છે.
અબ્દુલ હમિદ અદમનો શે’ર,
સિર્ફ એક કદમ ઉઠા થા ગલત રાહે શૌક મેં
મંઝિલ તમામ ઉમ્ર મુઝે ઢુંઢતી રહી.