એક નગર એસા બસ જાયે જિસ મેં નફરત કહીં ન હો; આપસ મેં ધોખા કરને કી, જુલ્મ કી તાકત કહીં ન હો

1980માં ‘બિટલ્સ’ નામના એક રોક બેન્ડના અતિ લોકપ્રિય બેન્ડ મેમ્બર જોન લેનનનું મર્ડર
કરવામાં આવ્યું. મર્ડર કરનાર એનો ફેન હતો, જેનું નામ હતું માર્ક ડેવિડ ચેપમેન. એ લેનનને એટલો બધો
ચાહતો હતો કે, લગભગ પોતાની જાતને લેનન જ માનવા લાગ્યો હતો. સાથે સાથે એ લેનનની વૈભવી
જિંદગી અને બેફામ સ્ટેટમેન્ટ્સથી ઈર્ષા પણ અનુભવતો હતો. અંતે, 8મી ડિસેમ્બર, 1980ના દિવસે
એણે લેનન પાસે એના આલ્બમની કોપી પર સહી કરાવી. આખો દિવસ એની રાહ જોઈ અને જ્યારે
લેનન પોતાની બિલ્ડિંગમાં પાછો ફરતો હતો ત્યારે 38 બોરની રિવોલ્વરમાંથી પાંચ ફાયર કરીને એને મારી
નાખ્યો. એવી જ રીતે અત્યારે આપણે જેને એક જાણીતા ડિઝાઈનર તરીકે ઓળખીએ છીએ એવા
ઈટાલિયન ડિઝાઈનર ગિન્ની વરસાચેને પણ એના ફેને ગોળી મારી હતી… ગાંધીજીના મૃત્યુ પછી
ગોડસેએ કોર્ટમાં એવું સ્વીકાર્યું હતું કે, એ મહાત્મા ગાંધીના વિચારોનો સમર્થક હતો, પરંતુ ગાંધીએ જે
રીતે પાકિસ્તાનના ભાગલા પડવા દીધા એ પછી એ ગાંધીનો વિરોધી થઈ ગયો!

શાહરૂખ ખાનની એક ફિલ્મ ‘ફેન’માં આવી જ રીતે શાહરૂખને ચાહતો એક ફેન કેવી રીતે એનું
જીવન મુશ્કેલ કરી નાખે છે એની કથા કહેવાઈ છે… આપણે બધા જેને સૌથી વધુ ચાહતા હોઈએ છીએ
એને જ સૌથી વધુ ધિક્કારી શકીએ એમ માનસશાસ્ત્ર કહે છે. આજના સમયમાં જ્યારે રોજેરોજ વેર
અને ધિક્કારની કથાઓ આપણી આસપાસ સાંભળવા મળે છે ત્યારે લાગે છે કે, માણસ ધીરે ધીરે એક
એવા પશુમાં પરિવર્તિત થતો જાય છે જે માણસજાતને જ ખતમ કરવા તૈયાર થઈ ગયો છે.

સવારનું અખબાર હોય કે ગૂગલના ન્યૂઝ, ટેલિવિઝન પરના રોજના સમાચારોના અપડેટ હોય કે
અમસ્તા પડોશી સાથેની બેમતલબ ગૂફ્તગૂ… બધે જ હિંસા અને નફરતનું વાતાવરણ છે. વાત હમાસ,
ગાઝાપટ્ટી કે યુક્રેઈન સુધી સીમિત નથી. મુખ્ય રસ્તા ઉપર બે ગાડીઓ આપસમાં ટકરાય કે ટુવ્હીલરનો
એક્સિડેન્ટ થાય તો સૌથી પહેલાં ગાળો અને મારામારીથી જ વાત શરૂ થાય છે. ઘરમાં નાનકડી વાતમાંથી
ભયાનક ઝઘડો થઈ જાય છે. માતા-પિતા અને સંતાનો હોય કે સાસુ-વહુ સહુ એકબીજાને કશું કહેતા,
સલાહ આપતા કે પ્રશ્ન પૂછતા ડરવા લાગ્યા છે. જાણે હવામાં કોઈ એવી હિંસા પ્રવર્તી રહી છે જે ધીરે
ધીરે આપણા બધાના મગજમાં વાયરસની જેમ ઉતરતી જાય છે. ક્રિકેટ, રાજકારણ, ફિલ્મ કે કોઈ અંગત
બાબતમાંથી જો એકવાર દલીલ શરૂ થાય તો ગમે તેવા ગાઢ સંબંધને ખતમ થઈ જતાં વાર નથી
લાગતી… ખરેખર આ ક્રિકેટર્સ, અભિનેતા કે આપણી રાજકીય માન્યતાઓ શું આપણા સંબંધથી પણ
મહત્વની છે? આવો સવાલ આપણે કોઈ દલીલ કરતી વખતે પોતાની જાતને પૂછતા નથી! એથી આગળ
વધીને જ્યારે ધર્મની વાત આવે ત્યારે તો આપણા મગજ કોઈ મશાલની જેમ સળગવા લાગે છે. ન હોય
ત્યાંથી પણ મુદ્દો ઊભો કરવો, એ મુદ્દાને વધુને વધુ સળગાવાની પ્રવૃત્તિ કેટલાક લોકો માટે ફૂલટાઈમ જોબ
થઈ ગઈ છે. જ્યારથી સોશિયલ મીડિયા જેવું સાધન આપણને મળ્યું છે ત્યારથી કોઈ એકાદ સફળ
વ્યક્તિને કે સેલિબ્રિટીને પકડીને એના વિશે જેમતેમ લખવાનો શોખ (ટ્રોલિંગ) આપણી એક વિચિત્ર
પ્રકારની માનસિક વિકૃતિને સંતોષ આપે છે… કોઈપણ સારી વાત કે સાચી વાતને કેવી રીતે તોડી-મરોડીને
એમાંથી ગંદકી શોધી કાઢવી એ આપણો સ્વભાવ બનતો જાય છે ત્યારે સવાલ એ છે કે, આપણે બધા આ
કઈ નફરતનો શિકાર છીએ? કયું ફ્રસ્ટ્રેશન છે આ, જે આપણને વધુને વધુ હિંસક બનાવી રહ્યું છે?

સત્ય એ છે કે, આપણે બધા નફરત નહીં, નિરાશાનો શિકાર છીએ. લગભગ દરેક વ્યક્તિને લાગે
છે કે, એને જે મળવું જોઈતું હતું અથવા એણે જે મેળવવું હતું તે એને મળ્યું નથી. પોતાને મળ્યું નથી
કારણ કે, પોતાના ભાગનું સુખ, સંપત્તિ, સત્તા કે સંબંધ કોઈ અન્ય વ્યક્તિએ મેળવી લીધાં છે. આ રહી
ગયાની લાગણી છે. આ લાગણી માત્ર એક સામાન્ય ગરીબ માણસને હોય એવું જરૂરી નથી. જે જે લોકો
અન્યની સાથે પોતાની સરખામણી કરે છે એ સૌને આ અભાવ હોઈ જ શકે છે. કલા, સાહિત્ય, ફિલ્મ કે
રોજિંદા જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની સતત ટીકા કરે કે એના દરેક કામમાંથી ભૂલ કાઢ્યા
જ કરે ત્યારે એવું ચોક્કસ માની શકાય કે ભૂલ કાઢનારી, ટીકા કરનારી વ્યક્તિ ક્યાંક એ વ્યક્તિની સફળતા,
લોકપ્રિયતા, સારાઈ કે સુખ જોઈને અધૂરપ અનુભવે છે. અધૂરપની આ લાગણી આપણને બધાને એક
એવી નિરાશા તરફ ધકેલે છે જ્યાં આપણને આ દુનિયા દુશ્મન લાગે છે. તમામ સુખી-પૈસાવાળા કે સફળ
માણસો તરફ આપણે આકર્ષણ અને ઈર્ષાના મિશ્રભાવથી જોઈએ છીએ. એક તરફથી આપણને શાહરૂખ-
સલમાન કે કોઈ રાજનેતા ગમે છે, એના તરફ અહોભાવ છે, પરંતુ એની સાથે જ્યારે કોઈ સમસ્યા થાય
છે જેમ કે, શાહરૂખનો દીકરો પકડાય… ત્યારે આપણને એક વિચિત્ર સંતોષની લાગણી થાય છે! જોન
લેનન, વરસાચે, શાહરૂખ કે કોઈ સંત આ દરેક વ્યક્તિનો ગુનો એ છે કે, એ કાં તો સફળ છે કાં તો
પૈસાવાળા છે અને વૈભવી જીવન જીવે છે અથવા લોકપ્રિય છે…

સોશિયલ મીડિયાને કારણે હવે દરેક વ્યક્તિ રીલ બનાવે છે, દરેક પાસે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ
અકાઉન્ટ્સ છે એટલે ફૉલોઅરની સંખ્યાની સરખામણી આપોઆપ થવા લાગે છે. ‘ફોમો’ ફિયર ઓફ
મિસિંગ આઉટ એક એવી લાગણી છે જેમાં આપણે બીજી વ્યક્તિની સરખામણીએ ‘રહી ગયાની’
લાગણી અનુભવીએ છીએ. અન્ય લોકો આપણને પણ ફૉલો કરે, આપણા વખાણ કરે, આપણે પણ
‘એની જેમ-પેલાની જેમ’, વાહવાહ તાળીઓના ગડગડાટ, વૈભવી જીવન કે ઐયાશી ભોગવી શકીએ, તો
આપણને કોઈ વિરોધ નથી, પરંતુ આ બધું ‘એને’ મળે છે ને મને નથી મળતું ત્યારે આપણે નિરાશ થઈએ
છીએ, એ નિરાશામાંથી ઈર્ષા, ઈર્ષામાં વેર અને વેરમાંથી હિંસા જન્મે છે…

સરખામણી નહીં કરવી, એ આ રોગનું મૂળથી નિવારણ કરવાનો ઉપાય છે. જેમ આપણે કોઈની
ઈર્ષા કરીએ છીએ, એમ કોઈક આપણી ઈર્ષા પણ કરતું જ હશે. આ વિષચક્રને એક જગ્યાએથી તોડવું
હોય તો એ આપણે જ કેમ નહીં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *