1960-70ના દાયકામાં જે સાહિત્ય, સિનેમા કે સમાજજીવનની એકમેક પર અસર થઈ એ
સમય સંબંધોની ગૂંચવણનો સમય હતો. પ્રિયજનને સાચું ન કહેવું, ગૂમ થઈ જવું, એકમેકથી દૂર થઈ
જવાના કોન્સેપ્ટને ‘સમર્પણ’નું નામ આપવું. ત્યાગ, બલિદાન કરીને મહાન બનવાનો પ્રયાસ કરવો અને
ત્રણ કલાકની ફિલ્મમાં કે 300 પાનાંની નોવેલમાં અંતે, એકમેક સુધી પહોંચીને સત્યને પામી જવું… આ
બધું એ સમયે કદાચ સારું અને સાચું બંને લાગ્યાં, પરંતુ 2000 પછીના-મિલેનિયમ સમયમાં જ્યારે
આખી પેઢી પ્રવેશી છે ત્યારે સંબંધોની સ્પષ્ટતા બિલોરી કાચમાંથી દેખાતા અક્ષરો જેવી સુલેખ અને
સુવાક્ય થતી જાય છે!
વિચારીએ તો સમજાય કે, 60ના દાયકામાં જન્મેલા માતા-પિતા હવે 60ના થવા આવ્યા છે ત્યારે
એમના 20-30 કે 35ના સંતાનોના એમના પ્રિયજન સાથેના-જીવન સાથેના સંબંધો માતા-પિતાને
સમજાતા નથી! ખૂબ શાંતિથી અને સહમતિથી લગ્નમાંથી છૂટા થવા માગતા સંતાનોની વાત કે
માનસિકતા માતા-પિતાને ગૂંચવે છે! સંતાનો પોતાના બાકીના 30-40 વર્ષનો વિચાર કરે છે જ્યારે
માતા-પિતા સમાજ, પ્રતિષ્ઠા અને પોતાના ભૂતકાળમાં દૃઢ બંધાઈ ગયેલા કેટલાક વિચારો અને રૂઢિચુસ્ત
માનસિકતાથી એમની સામે ઝઝૂમે છે.
આજની પેઢી જે વિચારે છે-જે જીવે છે એ ખરેખર સમજવા જેવું છે. બની શકે તો 60ની નજીક
પહોંચી રહેલા માતા-પિતાએ એમની પાસેથી શીખવા જેવું છે. એકમેકની સાથે રહેવું, અને એ પણ કોઈ
ત્રીજી વ્યક્તિ-વ્યક્તિઓને ‘સારું લાગે’ તે માટે… આ પેઢીને મંજૂર નથી. આ પેઢી પોતાને માટે જીવે છે.
બીજા લોકો શું વિચારે છે અથવા શું કહેશે, એના કરતા વધારે પોતાને કેવું લાગે છે-એનું મન શું કહે છે-શું
ઈચ્છે છે એ વિશે આ પેઢી વધુ સજાગ છે, જે સારું છે! અન્યના અભિપ્રાય ઊભા કરવામાં અને
બદલવામાં, અન્યની નજરે પોતાની ‘ઈમેજ’ સાચવી રાખવામાં જે માતા-પિતાએ જિંદગીના લગભગ
છ-છ દાયકા ખર્ચી નાખ્યા એ માતા-પિતાને સંતાનોની આ સ્પષ્ટતા અને સમજણ ક્યારેક ‘સ્વાર્થ’ તો
ક્યારેક ‘અહંકાર’ લાગે છે.
1985 પછી જન્મેલી પેઢી એવું સ્વીકારી શકે છે કે એના પ્રિયજન કે જીવનસાથી ‘હવે એને નથી
ચાહતા, નથી ચાહી શકતા.’ સામે પક્ષે, પોતે પણ કોઈ અન્ય વ્યક્તિને ચાહવા લાગ્યા છે-એની સાથે વધુ
કોમ્પિટેબલ અને કમ્ફર્ટેબલ છે એવું સ્વીકારવામાં આ પેઢીને મોરલ કે સંસ્કાર નડતા નથી. આ સાચું છે કે
ખોટું, આમાં સંસ્કાર છે કે નથી, આપણી સંસ્કૃતિને આ વિચારોથી કેટલું નુકસાન થાય છે કે નથી થતું, એ
વિશે ચર્ચા કરવાનો અધિકાર કદાચ, એમના માતા-પિતાની પેઢી પાસે નથી કારણ કે, એ પેઢી જે વિચારે
છે-અને જે જીવી છે, એનાથી તદ્દન વિરુધ્ધ એમણે એમના સંતાનોને ઉછેર્યાં છે અને તદ્દન જુદી રીતે
એમને જીવતાં શીખવ્યું છે! 60-65ના માતા-પિતા આ વાત સ્વીકારે કે નહીં, પરંતુ એમણે એમના
ઉછેરમાં ક્યાંક ખૂબ બધી પાશ્ચાત્ય સ્વતંત્રતા અને અંગ્રેજી શિક્ષણ ઉમેર્યું, એનાથી નવી પેઢી સ્વતંત્ર રીતે
વિચારતી થઈ એ સાચું, પરંતુ સાથે સાથે હવે પશ્ચિમનો ‘રિલેશનશિપ’નો ઓપન કોન્સેપ્ટ પણ આ પેઢી
સુધી પહોંચ્યો.
આજની પેઢી-85-90 પછી જન્મેલા સ્ત્રી અને પુરુષ બેવફાઈને બહુ મોટો ગુનો નથી માનતા.
ન પોતાના માટે ન પોતાના પ્રિયજન માટે. એમની પાસે ન્યાયના કોઈ મજબૂત ત્રાજવાં છે! પોતે કે
પોતાના પ્રિયજન કોઈ બીજાને ચાહે છે, એ વાત જાણીને એમને દુઃખ ચોક્કસ થતું હશે, દિલ તૂટતું હશે,
પરંતુ સામે પક્ષે આ આખી પેઢીના સ્ત્રી અને પુરુષ બંને, એકમેકને બાંધી રાખવામાં જીવનની સાર્થકતા
છે એવું નથી માનતા! હવેની પેઢી સ્વતંત્રતા નહીં, મુક્તિમાં માને છે!
બે વ્યક્તિ મુક્ત રીતે એકમેકની સાથે રહી શકે, સાચા હૃદયથી એકમેકને ચાહી શકે અને સાથે
જીવવા માટે એકસરખી તીવ્ર ઈચ્છા હોય તો જ નવી પેઢીની ‘લીવ ઈન’ કે ‘લગ્ન’નું કમિટમેન્ટ ટકે છે.
બેમાંથી એક પણ જો સહેજ ઢચૂપચૂ હોય, ક્યાંક બીજે આકર્ષાય કે સંબંધને લાઈટલી, ટેકન ફોર ગ્રાન્ટેડ
લેવા માંડે તો હવે જેન્ડર બાયસ (સ્ત્રી-પુરુષના ભેદ વગર) સામેની વ્યક્તિ પોતાના પ્રિયજન કે
જીવનસાથીને છૂટા પડવાનું ‘આમંત્રણ’ આપી શકે છે. સાથે સમય વિતાવ્યો હોય, સ્નેહ કે સેક્સના સુંદર
સંભારણાં હોય ત્યારે છૂટા પડવાનું દુઃખ બંને પક્ષે હોય, પરંતુ એકમેક ઉપર આક્ષેપ કરીને, એકમેકને કડવી
વાતો કહીને-છૂટા પડવાના નિર્ણયને પોતાના અંગત અહંકાર ઉપર ચોટ થઈ છે એવું કંઈ માનવાને બદલે
સામેની વ્યક્તિ હવે સાથે રહી શકે એમ નથી એવા સ્વીકારની સ્પષ્ટતા આ પેઢી પાસે છે, જે ખરેખર
સંબંધને વધુ મજબૂત અને સાચો બનાવે છે.
30-35 વર્ષના લગ્નજીવન પછી પણ 60-65ના માતા-પિતા એકમેક સાથે જે આનંદની ક્ષણો,
મિત્રતા કે મહોબ્બત માણી નથી શકતા એ આ પેઢી એમના ટૂંકાગાળાની રિલેશનશિપમાં પણ માણે છે,
ઉજવે છે જે ખરેખર પ્રશંસાપાત્ર છે. કેટલો સમય સાથે વિતાવ્યો છે એના કરતાં કેવો સમય સાથે
વિતાવ્યો છે એ વધુ મહત્વનું નથી?
હસરત મોહાનીનો આ શે’ર નવી પેઢીના મન અને માનસિકતાને, પ્રેમના સંબંધની ઋજુતાને,
મહોબ્બતમાં મુક્તિના મહત્વને ખૂબ સુંદર રીતે રજૂ કરે છે. સ્ત્રી-પુરુષના ભેદ વગર આ શે’ર વાંચીએ તો
સમજાય કે બંને વ્યક્તિ એકમેકને આ જ વાત કહી શકે છે.