ફેક પ્રોફાઈલઃ સોશિયલ મીડિયામાં, જીવનમાં અને સંબંધોમાં

એક બીજી વ્યક્તિનું નામ ધારણ કરીને એના નામે પોતાનો ડેટિંગ પ્રોફાઈલ બનાવીને એક
પરિણિત પુરુષ, એક સ્ત્રીને મળે છે. બંને જણાં પ્રેમમાં પડી જાય છે. પુરુષ બે સંતાનનો પિતા છે, પરંતુ
પોતાના લગ્નજીવન વિશે કે બીજી કોઈ વાત એ પેલી સ્ત્રીને જણાવતો નથી જ્યારે સ્ત્રી પોતાના
જીવનની એક એક વાત એને પૂરી પ્રામાણિકતાથી જણાવે છે… પ્રેમમાં પડેલો પુરુષ પ્રેમિકાને ખોઈ ન
બેસે એટલા માટે જૂઠ પર જૂઠ બોલતો જાય છે, અને બુધ્ધિશાળી-ભણેલી અને દુનિયા જોઈ ચૂકેલી
પ્રેમિકા એના એક એક જૂઠને પકડવા વધુને વધુ સાહસ કરતી જાય છે. આ કથા છે એક વેબસીરિઝ ‘ફેક
પ્રોફાઈલ’ની.

જ્યારે એ પુરુષ પકડાય છે ત્યારે પોલીસ એને કહે છે કે, ‘જો દુનિયામાં ફેક પ્રોફાઈલ બનાવનારા
દરેકને અમે પકડવા લાગીએ તો સાચા ગુનેગારને જેલમાં પૂરવાની જગ્યા જ ન રહે!’ આ વાત કેટલી
ચોંકાવનારી છે… આ જગતમાં કેટલાય એવા લોકો છે જેમને પોતાની ઓળખ છુપાવીને કંઈક એવું કરવું
છે જે એમની ફેન્ટ્સી છે, વાસના છે, ઝંખના છે, ઈચ્છા કે વિદ્રોહ છે! આ વેબસીરિઝ પરિવાર સાથે
જોઈ શકાય એવી નથી, બીનજરૂરી નગ્નતા અને એલજીબીટીના દ્રશ્યોને ઠાંસી ઠાંસીને ભર્યા છે, પરંતુ
મૂળ વાત એ છે કે એક વ્યક્તિને હંમેશાં બીજી વ્યક્તિની જિંદગી જ વધુ રસપ્રદ, વધુ મજેદાર અને વધુ
રંગીન લાગતી હોય છે! ‘જે છીએ તે નથી રહેવું’, ‘કંઈક બીજું’ અથવા ‘કોઈક બીજા’ બનવું છે, આ
સુવિધા સોશિયલ મીડિયા બહુ આસાનીથી પૂરી પાડે છે. કેટલાય લોકો સાથે આ ફેક પ્રોફાઈલની
છેતરપિંડી થાય છે. ખાસ કરીને, મેટ્રીમોનિયલ, ડેટિંગ એપ્સ જેવી લલચાવનારી સોશિયલ સાઈટ્સ પર
ખોટા પ્રોફાઈલ મૂકીને આર્થિક અને શારીરિક રીતે સામેની વ્યક્તિને છેતરવાની પ્રવૃત્તિ છેલ્લા કેટલાય
સમયથી ચાલી રહી છે. નવાઈની વાત એ છે કે, આમાં માત્ર પુરુષ જ સ્ત્રીને છેતરે છે એવું નથી, સ્ત્રીઓ
પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં હવે ઘણી આગળ છે બલ્કે કેટલાક સર્વેના આંકડા જોઈએ ત્યારે સમજાય કે,
સ્ત્રીઓની સંખ્યા આવા પ્રકારની પ્રવૃત્તિઓમાં વધતી જાય છે.

જે છેતરાય છે એ ફરિયાદ તો કરે છે, પરંતુ એવું સ્વીકારવા તૈયાર નથી કે સામેની વ્યક્તિ આપણને
ત્યારે જ છેતરી શકે જ્યારે આપણે આપણી લાલચના, ભૂખના કે ઈચ્છાઓને વશ થઈ જઈએ. ચારેતરફ
વધતી જતી સેક્સ અને સપનાંઓની ભરમાળ માણસને એટલી બધી અધૂરપનો અનુભવ કરાવે છે કે રહી
ગયાની લાગણી એના જીવનના દરેક સંબંધમાં, દરેક સ્થિતિમાં એને પીડા આપે છે. પત્ની સાથેનો સંબંધ
જાણે કે વાસી અને જૂનો થઈ ગયો છે અથવા કાળજી લેનારો, ચિંતા કરનારો પતિ ‘બોરિંગ’ લાગવા
માંડ્યો છે! દરેકને ‘થ્રીલ’ જોઈએ છે. આદમ અને ઈવને ના પાડી હતી તેમ છતાં એમણે સ્વર્ગના
બગીચામાં જે ખાધું તે ‘ફોરબિડન ફ્રૂટ’ સૌને જોઈએ છે. આ એક એવી સ્થિતિ છે જેમાં આપણે બધા જ
એક યા બીજી રીતે ઢસડાવા લાગ્યા છે. ચારેતરફ પ્રલોભનો વધતા જાય છે જેને કારણે કોઈપણ ઉંમરના,
સ્ત્રી કે પુરુષ, કુતૂહલ કે કામેચ્છા, વસ્તુ કે વ્યક્તિને પામવા માટે ‘કંઈ પણ’ કરવા તૈયાર છે!

પ્રશ્ન માત્ર એટલો છે કે પામ્યા પછી સંતોષ થાય છે ખરા? જવાબ છે, ‘ના’… બલ્કે પછી તો
એક આવડત, હોંશિયારી અને આત્મવિશ્વાસ આવી જાય છે. આપણે પકડાતા નથી અને આપણને જે
જોઈએ છે તે મળી રહે છે એની મજા પડવા લાગે છે. ટીનએજરથી શરૂ કરીને વૃધ્ધ કહી શકાય એ
ઉંમરના લોકો સોશિયલ મીડિયાના ફેક પ્રોફાઈલ સાથે છેડછાડ કરીને છેતરપિંડીના બજારમાં જે ફાવે
વેચી-ખરીદી રહ્યા છે. માણસ જ્યાં સુધી પોતાની ઈચ્છાઓને પોતાના કાબૂમાં, વશમાં કરતાં નહીં શીખે
ત્યાં સુધી એ છેતરાવવા માટે પૂરેપૂરો તૈયાર છે, એ વાત સામેની વ્યક્તિ બરાબર સમજે છે. સાવ નાનકડા
બાળકને પણ હવે ‘જીત’, ‘લીડરશીપ’ અને ‘બેસ્ટ’ બનવાના સપનાં સાથે જ ઉછેરવામાં આવે છે.
શાળાઓ પણ વચન આપે છે કે, એમને ત્યાંથી બધા જ ‘વિજેતાઓ’ બહાર પડશે… પણ, એ શક્ય છે
ખરું? સિકંદર હોય કે હિટલર, ‘ભૂખ’નો કોઈ અંત નથી. સત્તા, સંપત્તિ હોય કે શરીર, ‘હજી વધુ’ની
શોધમાં નીકળેલા આ શિકારીઓથી બચવાનો રસ્તો શું? એનો જવાબ છે, આપણે જ્યાં છીએ, જેમ
છીએ એનો એક રિયાલિટી ચેક આપણી પાસે હોવો જોઈએ. આપણી મર્યાદાઓ શું છે, અને જરૂરિયાત
કેટલી છે એની ખબર હોય તો આપણે ખોટી પ્રશંસા કે ખોટા વચનોમાં ક્યારેય નહીં ફસાઈએ.

‘હું જે નથી’ તે સામેની વ્યક્તિને દેખાઉં છું, એ વાત માણસ માત્ર માટે ફસાવનારી છે. મને જે
મળી શકે તેમ નથી એ સામેની વ્યક્તિ મને આપવાનું વચન આપે છે એ મારી મોટામાં મોટી લાલચ છે.
સૌથી મહત્વનું, આપણે બધા સાચું નહીં, સારું સાંભળવા અને જે શક્ય છે તે નહીં, બલ્કે જે અશક્ય છે
તે જ પામવા ઝઝુમીએ છીએ. મુખ્યત્વે આ સંબંધનો પ્રશ્ન છે, કારકિર્દી કે વ્યવસાયની બાબતમાં કદાચ
થોડી વધુ મહેનત અને સંઘર્ષથી અશક્ય બાબતોને પામી શકાય છે, પરંતુ સંબંધોમાં કેટલીક બાબતો
સમજણ અને સ્વીકાર સાથે જીવવી પડે છે.

આપણા સૌ પાસે સ્વતંત્રતા છે, પસંદગી કરવાની-પરંતુ, એકવાર પસંદગી કરી લીધા પછી એને
વારંવાર બદલવાની સગવડ કે સ્વતંત્રતા સૌને મળતી નથી… સોશિયલ મીડિયાએ આપણને સૌને આ
સ્વતંત્રતા મેળવવા માટે છેતરપિંડી શીખવી દીધી છે. હવે આપણે જે કંઈ મેળવવા માગીએ છીએ એ માટે
‘જે કંઈ’ બનવું પડે તે બનવા અને બનાવવા તૈયાર છીએ.

કદી એવું વિચાર્યું છે ખરું, કે આ ફેક પ્રોફાઈલ માત્ર સોશિયલ મીડિયા પર નથી, ધીરે ધીરે
જીવનમાં પણ પ્રવેશતો જાય છે. બોટોક્સથી શરૂ કરીને બેન્ક બેલેન્સ સુધી બધું જ ધીરે ધીરે ફેક બનતું
જાય છે. માણસજાત કદાચ સત્યનો સામનો કરવામાંથી વધુને વધુ ભાગતી થઈ ગઈ છે. જે ક્ષણે આપણે
સત્યથી મોઢું ફેરવી લઈએ છીએ એ ક્ષણે આપણી પાછળ ઊભેલું અસત્ય આપણને એના બાહુપાશમાં
જકડી લેવા તૈયાર છે. એકવાર અસત્યના પંજામાં સપડાયા પછી મોટાભાગના લોકોને ત્યાં જ અને એ જ
પરિસ્થિતિમાં અનુકૂલન આવી જાય છે. પછી એમને અસત્ય જ, સત્ય લાગવા માંડે છે… અને, એ
બીજાને પણ પોતાના અસત્યને જ ‘સત્ય’ માનવા મજબૂર કરે છે, લલચાવે છે, ડરાવે છે.

આપણે જે ક્ષણે સત્યનો ચહેરો આપણા ચહેરાના પ્રતિબિંબ તરીકે જોઈ શકીશું, એ ક્ષણે
આપણને કોઈ રીતે કે ક્યાંય ફેક પ્રોફાઈલની જરૂર નહીં પડે! ગમે તેટલું કરીએ તો પણ ફેક પ્રોફાઈલ એક
દિવસ પકડાઈ ગયા વગર રહેતો નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *