रान्झां दे यार बुल्लेया सुने पुकार बुल्लेया
तू ही तो यार बुल्लेया मुर्शिद मेरा, मुर्शिद मेरा
तेरा मुकाम कमले सरहद के पार बुल्लेया
परवरदिगार बुल्लेया हाफ़िज़ तेरा, मुर्शिद मेरा
‘ઐ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં આ ગીત બહુ જ લોકપ્રિય થયું. રણબીર કપૂર ઉપર ફિલ્માવાયેલું આ ગીત પ્રીતમે સ્વરબદ્ધ કર્યું છે… પણ, જેને ઉદ્દેશીને અમિતાભ ભટ્ટાચાર્યએ આ ગીત લખ્યું છે એ બુલ્લેયા અથવા બુલ્લે શાહ છે કોણ? પંજાબની સૂફી પરંપરામાં ચાર નામ બહુ મહત્ત્વના છે. બાબા ફરીદ, બુલ્લે શાહ, વારિસ શાહ અને ફઝલ શાહ… બાબા ફરીદના સલોક, બુલ્લે શાહની કાફિયા, વારિસ શાહની હીર અને ફઝલ શાહે લખેલો કિસ્સા સોહણી-મહિવાલ, પંજાબની અમરકૃતિઓ છે. પંજાબના આ મુસલમાન સૂફી સંતોએ પ્રેમની દિવ્યધારાને બહુ અદ્ભુત રીતે વહેવડાવી છે. આપણે સૂફીનો અર્થ અનેકવાર કર્યો છે, પરંતુ ઓશો કહે છે કે, ‘સૂફી ચિશ્ત-સૂફી સૂફિસ્ત’ (એક સૂફી-બસ ! સૂફી હોય છે. એની કોઈ વ્યાખ્યા નથી હોતી.)
સૂફીવાદ અથવા તસ્સવ્વુફ ઈસ્લામથી શરૂ થયેલી એક ધાર્મિક પધ્ધતિ અથવા જીવનશૈલીનું નામ છે. બાહ્ય ઔપચારિકતાઓને છોડીને ભીતરના વિચારો અને માન્યતાઓનું મહત્ત્વ સમજાવે છે. કૌલ (વચન) ફિઅલ (કર્મ) અને હાલ (મનોદશા)… આ ત્રણ એના નિયમ છે. સિમરન-સ્મરણ, ઝિકરી ઈલ્લાહી (ભજન અથવા નામ જપવું), સિદક ઔ સફા (સત્ય અને પવિત્રતા), સુલૂક ઔ એહસાન (નેકી અને ભલાઈ), આ જીવનશૈલીના મુખ્ય મુદ્દા છે. ઈલ્મ (જ્ઞાન) ઔસત (મધ્ય) અને અમલ (કર્મ)… આ તસ્સવ્વુફમાં સૌથી મહત્ત્વની બાબતો છે.
કૂફા શહેરમાં એક ચિંતક હતા. એમનું નામ અબુ હાશિમ હતું. એમણે જ્યારે પોતાના પરમાત્મા સાથેના અનુભવો પ્રગટ કર્યા ત્યારે એ સાંભળીને લોકોએ એમને ‘સૂફી’ કહેવાનું શરુ કર્યું. આ 782 ઈ.સ.ની આસપાસ, અર્થાત્ હજરત મોહંમદ સાહેબે શરીર ત્યાગ્યું એ પછી દોઢ
સો વર્ષ બાદ થયું હતું… સૂફીઓને બીજી સદીમાં ‘સાહાબા’ (દોસ્ત-સોબત કરવાવાળા સાથી) કહેવાયા. કબીરજીનું ‘સાહિબ’ પણ કદાચ અહીંથી જ આવ્યું હોય એમ બને. એ પછી એમને તાબિ-એ-દિન (આજ્ઞાકારી અથવા સમર્પિત) કહેવાયા.
આ પંથમાં પંજાબમાંથી બાબા બુલ્લે શાહનું નામ બહુ આદર અને સ્નેહથી લેવાય છે. બાબા બુલ્લે શાહનું સાચું નામ અબ્દુલ્લા શાહ હતું. એ પોતાના પિતા પાસે શરૂઆતની શિક્ષા લીધા પછી ખ્વાજા ગુલામ મુર્તઝા પાસે ભણ્યા. બાબા વારિસ શાહ પણ એમની જ પાસે ભણ્યા હતા. બુલ્લે શાહની કેટલીક સુંદર પંક્તિઓ આજે પણ આપણને જીવન વિશેની માહિતી આપે છે. કબીર સાહેબનું, “માટી કહે કુમ્હાર સે, તું ક્યા રોંદે મોય…” જેવી જ એમની કાફી, “માટી કુદમ કરેન્દી યાર, માટી માટીનું દોડાયે, માટી દા ખડકારા… માટી માટીનું મારન લાગી, માટી દે
હથિયાર, જીસ માટી પર બહુત હી માટી, તિસ માટી હંકાર” (માટી કમાલ કરે છે. માટી માટીને દોડાવે છે, માટી જ એને ખડકી દે છે. માટી જ માટીને મારે છે ને હથિયાર પણ માટીનું જ છે… જે માટી પર બહુ માટી (લોકપ્રિયતા અથવા પ્રતિષ્ઠા) એ માટીને અહંકાર આવી જાય છે…) બુલ્લે શાહને આપણે ઘણા કાવ્યોમાં સાંભળ્યા છે. “બુલ્લા કી જાણા, મેં કોણ…” અથવા “બુલ્લેનું સમજાવણ આઈ…” હિન્દી ફિલ્મોમાં વપરાઈ ચૂકેલા ગીતો છે.
બુલ્લે શાહના સમવયસ્ક વારિસ શાહ પણ એક સૂફી કવિ હતા. એમણે પણ પોતાની શરૂઆતની શિક્ષા મૌલવી ગુલામ મુર્તઝા પાસે લીધી. એમને જ્યારે આધ્યાત્મિક જ્ઞાન થયું ત્યારે એમણે ઉત્તમ કવિતાઓ આપી, પરંતુ વારિસ શાહે લખેલી હિર રાંઝાની કથા, “હિર” બહુ જ
અદ્ભુત કૃતિ છે. હિરને આવી રીતે કવિતામાં ઉતારીને આટલી હૃદય વલોવી નાખે એવી રીતે કહેવાયેલી કથા પંજાબના ઘેર ઘેર લોકગીતની જેમ ગવાય છે. એવી જ રીતે, ફરીદુદ્દીન ગંજશકર, બાબા ફરીદ કાબુલના બાદશાહ ફર્રુક શાહના વંશ હતા. એમણે લખેલા કેટલાક સલોક અથવા કદાચ, (શ્લોક) આજે પણ પંજાબમાં ખૂબ જાણીતા છે.
કિઝુ ન બુઝૈ કિઝુ ન સુઝૈ દુનીઆ ગુઝી ભાહિ,
સાંઈ મેરૈ ચંગા કીતા નાહી ત હં ભી દઝાં આહિ.
મને કંઈ સમજાતું નથી, અને કંઈ પલ્લે પડતું નથી એવી આ ગૂંચવણભરી દુનિયામાં તેં મને ઉલઝાવ્યો નથી, એ તેં ખૂબ સારું કર્યું છે નહીં તો હું પણ આ આગમાં દઝાતો હોત… એ જ પરંપરાના કવિ હુસૈન શાહ પણ એક અમર કવિ થઈ ગયા. સૂફીઓના ઈતિહાસમાં 14 સંપ્રદાય
સાંભળવા મળે છે. 1. ચિશ્તી, 2. સુહરાવર્દી, 3. રબીજી, 4. તફૂરી, 5. કરખી, 6. સક્તી, 7. જનેંદી, 8. કાજવની, 9. તુસીં, 10. ફિરદૌસી, 11. જેદી, 12. ઇયાદિ, 13. અધમી, 14. હુબેરી.
આ જ પરંપરામાં એક બીજા કવિને પણ યાદ કરવા પડે જેનું નામ, શાહ હુસૈન છે. શાહ હુસૈને માત્ર સૂફી કવિતા લખી એવું નહીં, પરંતુ એમણે સૂફીવાદને સરળ બનાવીને વધુ વિશ્વના અનેક લોકો સુધી પહોંચાડવાનું કામ પણ કર્યું. શાહ હુસૈનની પ્રારંભિક શિક્ષા લાહોરમાં થઈ. એકવાર હજરત દાતા ગંજ બક્ષની મઝાર પર ગયા અને પછી એમણે ત્યાં જવાનું નિત્યકર્મ કરી દીધું. બાબા બુલ્લે શાહ, શેખ ફરીદ કે વારિસ શાહની સૂફી કવિતાઓમાં આપણને હજી જગત અને જગતની મોહમાયાથી દૂર રહેવાની સલાહ મળે છે, પરંતુ શાહ હુસૈન તો ઈશ્વરને સો એ
સો ટકા સમર્પિત કોઈ પ્રેમિકાની જેમ લખે છે. “ઈક્કે દિલવર સમછટી રવિયા, દુજા નહીં કદાઈ કહે હુસૈન ફકીર નિમાણા, સતિ ગુરુ તો બલિ જાઈ…” અથવા “આશિક હોવેં તાં ઈશ્ક કમાવૈં, રાહ ઈશ્ક કા સૂઈ કા નક્કા, તાગાં હોવેં તાં જાવૈં” (આશિક બન્યા વગર ઈશ્ક મળતું નથી, ઈશ્કનો રસ્તો સોયના નાકાં જેવો છે, દોરા જેવા બની જઈએ તો જ આરપાર પસાર થઈ શકાય)
એમણે કોઈ ધર્મનો પ્રચાર નથી કર્યો… માત્ર સૂફીવાદ સાથે પોતાની જાતને જોડી રાખી. એકવાર એમને કોઈએ પૂછ્યું કે, તમે કોણ છો ત્યારે એમણે જવાબમાં કહેલું, “ન સ્થિતિ, ન મુસાફિર, ન મુસલમાન, ન કાફિર, મૈં વહી હૂં જો પહલે થા.”
ઓશો કહે છે, “સૂફી ધર્મ બધા ધર્મોનું સારભૂત કેન્દ્ર છે. તેને વિશેષ રૂપે ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી. ‘સૂફી’ ઈસ્લામ વગર જીવિત રહી શકે છે, પણ ઈસ્લામ ‘સૂફી’ વગર જીવિત રહી શકતો નથી. કોઈપણ વિશ્વાસ, સિધ્ધાંત, સંપ્રદાય કે મંદિર સુધી સીમિત ન હોય એ સૂફી છે.
એ ઝેનથી પણ અલગ છે… સૂફી ભીતરથી જન્મ લેતો એક સ્વધર્મ છે. સૂફી એક સચ્ચાઈ અને નેકીના માર્ગ પર ચાલવાની બેફીકર ફકીરી છે.”
સુફી વિષે ખુબજ સરસ માહિતી આપવા બદલ આભાર!