ફરી ખૂલે છે, ડિઝની વર્લ્ડ… 1955થી 2021…

લગભગ એક વર્ષ સુધી બંધ રહ્યા પછી છઠ્ઠી જૂને ફ્લોરિડામાં આવેલું મોટામાં મોટું ડિઝની વર્લ્ડ ફરી એકવાર ખુલવાના
સમાચાર સાંભળીને અમેરિકન્સ ઉત્સાહમાં આવી ગયા છે. અમેરિકાની ઓળખ બની ચૂકેલું આ ડિઝની વર્લ્ડ મૂળ ફ્લોરિડામાં
પછી કેલિફોર્નિયામાં, શાંઘાઈમાં, ટોકિયોમાં, પેરિસ અને હોંગકોંગમાં પણ ઊભા કરવામાં આવ્યા. આપણે બધા એવું માનીએ
છીએ કે ડિઝની વર્લ્ડ નાના બાળકો માટેનું જગત છે. પરંતુ સત્ય તો એ છે કે ડિઝની વર્લ્ડમાં કોઈપણ માણસ, કોઈપણ ઉંમરનો
માણસ બાળક બની જાય છે…

ડિઝની વર્લ્ડ એક એવી જગ્યા છે જ્યાં પહેલીવાર જનારને આશ્ચર્ય અને રોમાંચ થાય છે. જાતજાતની પરિકથાઓના પાત્રો
આપણી સામે આવીને ઊભા રહે, દરેક રાઈડમાં આપણે સાંભળેલી અનેક પરિકથાઓને આપણી નજર સામે જોઈને જે રોમાંચ
થાય એ ડિઝની વર્લ્ડ આપણને આપે છે.

જુલાઈ 1955માં ડિઝની વર્લ્ડનું પહેલીવાર ઓપનિંગ થયું હતું. વોલ્ડ ડિઝની નામનો એક સીધોસાદો માણસ, જે શિકાગોમાં
જન્મ્યા હતા. એના પિતા ઈલિયાસ ડિઝની અને માતા ફ્લોરા અત્યંત કડક અને પ્રામાણિક હતા. શરાબ કે સિગરેટ એમના ઘરમાં
ક્યારેય આવતા નહીં. ઈલિયાસના પાંચ સંતાનોમાં વોલ્ટ ચોથા નંબરનો દીકરો હતો. વોલ્ટ ઘરમાં કે સ્કૂલમાં બેસીને ચિત્રો દોર્યા
કરતો. એણે એકવાર ઘરનું છાપરું રીપેર કરવા માટે લાવવામાં આવેલા ડામરના પીપમાંથી આખા ઘરની દીવાલો પર ચિત્રો દોરી
નાંખ્યા હતા…

1910માં ઈલિયાસ અને એની પત્ની કેન્સસ શહેરમાં રહેવા આવ્યા. ઈલિયાસ ખૂબ મહેનત કરતાં પરંતુ પાંચ બાળકોને કેન્સસ
જેવા શહેરમાં ઉછેરવા સહેલા નહોતાં. વોલ્ટ અને એના ભાઈને છાપા નાખવાના કામ સાથે જોડવામાં આવ્યા. એણે ઈંડા અને
માણક ઘેર-ઘેર પહોંચાડવાનું કામ પણ શરૂ કર્યું. જોકે કાર્ટૂન દોરવાનું ક્યારેય છૂટ્યું નહીં. ક્યારેક સફરજનનો રસ કાઢી આપવા
માટે ફેક્ટરી જવું તો ક્યારેક ચોકીદારનું કામ કરીને વોલ્ટે પૈસા ભેગા કર્યા અને શિકાગો એકેડમી ઓફ ફાઈનઆર્ટ્સમાં એ ચિત્ર
શીખવા જોડાયો… કદીય કંટાળ્યા વગર એણે માતા-પિતાને આર્થિક મદદ કરવાનું તો ચાલુજ રાખ્યું. એને આઠમા ધોરણ પછી
ભણવાની તક ન મળી. ભણવાનું છોડ્યા પછી એણે કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. એ પોતાના કાર્ટૂન ‘લાઈફ’ અને ‘જગ’ જેવા
મેગેઝિનમાં આપતો અને એમાંથી પણ એને પૈસા મળતા. જે વર્તમાનપત્ર એ કેન્સસ શહેરમાં લોકોના ઘેર-ઘેર નાખતો હતો ત્યાં
એણે કામ માટે અરજી કરી. પરંતુ કામ ન મળ્યું. એણે ફ્રાન્સમાં જે ચિત્રો દોર્યા હતા એ બતાવ્યા ત્યારે એને એક આર્ટશોપમાં
નોકરી મળી અને મહિનાના 50 ડૉલરનો પગાર નક્કી થયો. જોકે નોકરી લાંબી ટકી નહીં… એ પછી એણે ખૂબ મહેનત કરી.
કાર્ટૂનિસ્ટ માટે જાતજાતનાં અખબારોમાં અરજી કરી. પછી એક ફિલ્મ કંપનીમાં જોડાયો અને ડિઝાઈન બનાવતી એક કંપનીમાં
કામ કરતાં કરતાં એ એનિમેશનનું કામ શીખ્યો. ઘરનાં ગેરેજમાં ઉધાર લીધેલા કેમેરા વડે એણે એમિનેશનના પ્રયોગો શરૂ કર્યા.
એનિમેશનની એ ફિલ્મ કાન્સસના એક થિયેટરના માલિક મિલ્ટન ફેલ્ડને બતાવી. મિલ્ટને એ ફિલ્મ ખરીદી લીધી અને ત્યારપછી
એનિમેશનનું કામ શરૂ થયું. 15 હજાર ડૉલરની મૂડી રોકીને એણે પહેલી કાર્ટૂન ફિલ્મ ‘ફોર મ્યુઝિશિયન’ બનાવી. ધીરે ધીરે ફિલ્મો
બનવા લાગી અને વોલ્ટ ડિઝની પ્રખ્યાત થવા લાગ્યા.

મજાની વાત એ છે કે, કોઈપણ કલાકાર એક જ કામ લાંબો સમય સુધી કરી શકતો નથી. વોલ્ટને પણ હવે કાર્ટૂનનો કંટાળો
આવવા લાગ્યો હતો. એની પોતાની ફિલ્મ કંપની લાફ-ઓ-ગ્રામ પણ પૈસાની તંગી અનુભવી રહી હતી. સ્ટાફને ઘણીવાર
સમયસર પૈસા મળતાં નહીં. પણ એનો સ્ટાફ એના જેવો જ ધૂની અને તરંગી હતો. એ સહુ એની સાથે પૈસા માટે નહીં પણ
કામની મજા માટે જોડાયાં હતા. 1926ની આસપાસ એણે 40 ફિલ્મો બનાવી. જેમાંથી સારી એવી કમાણી થઈ. ઓસ્વાલ્ડ- ધ
લક્કી રેબેટ નામના એક પાત્રની કલ્પના કરીને એને એક યુનિવર્સલ સ્ટુડિયોમાં કામ કર્યું એ સિરીઝમાં તેને 26 ફિલ્મો બનાવી.
પરંતુ ખાસ પૈસા કે પ્રસિદ્ધી મળી નહીં… એની પત્ની લીલીયન એની સાથે હતી. ઓસ્વાલ્ડની માલિકી તો યુનિવર્સલની હતી.
એટલે હવે કોઈ નવું પાત્ર ઊભુ કરવું પડશે, એમ વિચારીને એ રોજ નવા નવા પાત્રોની કલ્પના કરતા રહ્યા.

એક દિવસ એના ઘરમાં મૂકાયેલા માઉસ ટ્રેપના પાંજરામાં ઉંદર સપડાઈ ગયું ત્યારે વોલ્ટ ડિઝની પાસે કોઈ કામ નહોતું. એ
આખો દિવસ પાંજરામાં પૂરાયેલા ઉંદર સાથે વાતો કરી. ઉંદરનું હલનચલન એની આંખો અને એના હાવભાવ મને ગમવા
લાગ્યા. રોજ સવારે કચરાપેટીમાંથી ઉંદરો શોધીને એ પાંજરામાં પૂરતા. સામે ડ્રોઈંગ બોર્ડ રાખીને એની હલનચલનની
પ્રવૃત્તિઓના સ્કેચિસ કરતાં. એમણે મોટા કાન અને જુદા જ પ્રકારનો એક ઉંદર તૈયાર કર્યો. પહેલીવાર ચર્ચા થઈ ત્યારે એમણે
એમનું નામ મેટામોર માઉસ સૂચવ્યું… એમની પત્નીએ કહ્યું કે, ‘બહુ અઘરું નામ છે. હવે આવું નામ કોઈને ગમશે નહીં. એક
બાળક પણ બોલી શકે એવું નામ પાડવું જોઈએ.’ ઘણું વિચાર્યા પછી વોલ્ટ ડિઝનીના પત્ની લીલીયને ‘મિકી’ નામ સૂચવ્યું…
અને તૈયાર થયું, ‘મિકી માઉસ’નું પાત્ર.

1928માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો જુવાળ આવ્યો. હવે લાઈવ એક્શન શોટ્સ અને ડાયલોગ્સ કોમેડીઝ બનવા લાગી. વોલ્ટ
ડિઝની રેકોર્ડિંગ કંપનીએ થોડી ફિલ્મો બનાવી. પરંતુ એને બહુ સફળતા ન મળી. જોકે પાત્રા ખૂબ લોકપ્રિય થયું. વોલ્ટ મંદી
દરમિયાન ફિલ્મોના ખર્ચને પહોંચી વળવા માટે ખૂબ ઉધારી કરી. ફિલ્મ માંડ-માંડ પૂરી કરીને પત્ની લીલીયન સાથે એ નાસી
ગયો. લગ્ન પછી એ લોકો પહેલીવાર આવી રીતે બહાર નીકળ્યા અને વોલ્ટને એક નવો વિચાર આવ્યો. મિકી માઉસના રમકડાં,
ઢીંગલી અને બીજી વસ્તુઓ બનાવવાનો એક નવો કોન્ટ્રાક્ટ કર્યો. ધીરે ધીરે એમની આવક શરૂ થઈ. એ પછી એમણે ફીચર ફિલ્મો
બનાવી અને પિનોકીયો, સિન્ડ્રેલા, સ્નો વ્હાઈટ જેવી પરિકથાઓને ખૂબ સુંદર રીતે એનિમેશનમાં રજૂ કરી. યુરોપની યાત્રાએ
ગયેલા વોલ્ટ ડિઝનીએ અનેક મિનિએચર ભેગા કર્યાં. એમણે આ મિનિએચર પાત્રોવાળી ફિલ્મો બનાવી… જોકે, એ ફિલ્મો પૂરી
થઈ શકી નહીં. પરંતુ એમાંથી ડિઝનીલેન્ડનો વિચાર જન્મ્યો.

1952માં એમણે નક્કર રીતે વિચારવાનું શરૂ કર્યું. એક આખું નગર જે મિકીમાઉસ અને બીજાં પરિકથાના પાત્રો સાથે જીવતું હોય,
એવું દુકાનો, રેસ્ટોરાં, વોટરરાઈડર લાઈટો અને બેન્ડ સાથેનું નગર… ડિઝની પાસે કલ્પના અમાપ હતી. બસ ફાઈનાન્સ નહોતું.
વોલ્ટ ડિઝની એન્ટરપ્રાઈઝ નામની નવી કંપની શરૂ થઈ. એને પોતાના જીવન વીમા પોલિસી પર 1 લાખ ડૉલરની લોન લીધી
પણ એ તો શરૂઆતમાં જ વપરાઈ ગઈ. એણે શેરહોલ્ડરોની મિટીંગ બોલાવી. 165 એકર જમીનના શેર હોલ્ડર્સ ઊભા કર્યા અને
ધીમે-ધીમે વોલ્ટ ડિઝનીનું એક જગત આકાર લેવા માંડ્યું. 165 એકર જમીન એમાં ચાર ભાગ પાડવામાં આવ્યા. એડવેન્ચર
લેન્ડ, ફ્રન્ટિયર લેન્ડ, ફેન્ટસી લેન્ડ અને ટુમોરો લેન્ડ. બ્યુટિ કેશલ ડિઝની લેન્ડનું પ્રતીક બન્યો. જંગલ ક્રૂઝ અને ટુમોરો લેન્ડ સાથે
એક અદભૂત યોજનાની રચના થઈ. બાળવાર્તાઓમાં જે કંઈ વાંચ્યું એ બધું નજર સામે દેખાય એવી એક દુનિયામાં બાળકો માટે
ઊભી કરી. 10 મિલિયન ડૉલરના દેવા સાથે જુલાઈ 1955માં ડિઝનીલેન્ડનું ઉદ્ઘાટન થયું.

10 વર્ષ થાય એ પહેલાં 22માંથી 48 વિભાગો થયા. સવા કરોડ લોકોએ એની મુલાકાત લીધી અને તરત જ ફ્લોરિડામાં બીજા
ડિઝનીલેન્ડની જાહેરાત થઈ. એનો ભાઈ અને એનો બિઝનેસ પાર્ટનર રોય ત્યારે નિવૃત્ત થવાની તૈયારી પર હતા. પરંતુ 1966માં
વોલ્ટ ડિઝનીનું અવસાન થયું. રોય ડિઝનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ગટર વ્યવસ્થા અને બીજી સગવડો સરકાર પાસે માંગી. તૈયાર
થયા પછી એમણે આ સંસ્થા રાષ્ટ્રને અર્પણ કરી અને કહ્યું કે ભાઈની સ્મૃતિમાં આ જગ્યા વોલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટ તરીકે
ઓળખાશે…

આજે આ વિસ્તારમાં 33 રિસોર્ટ અને હોટેલ છે. જેમાંના 24ની માલિકી ડિઝનીવર્લ્ડ કંપનીની છે. 1968માં વોલ્ટ ડિઝનીની
ટિકિટ બહાર પાડવામાં આવી. 2009માં ફેમિલી મ્યુઝિયમ સાન ફ્રાન્સિસ્કોમાં ખુલ્લુ મૂકવામાં આવ્યું. આજે ડિઝની વર્લ્ડની
આવક 9.44 બિલિયન યુએસ ડૉલર છે. જેમાં ફિલ્મોની આવક સામેલ નથી. ફ્લોરિડાના મેજિક કિંગડમ પાર્કમાં બંધ થયા
પહેલા ગયા વર્ષે 20.49 મિલિયન વિઝિટર્સ આવ્યા હતા.

એક સપનું, અને મહેનત… જેમાં આખા જગતના, કોઈપણ ભાષા બોલતા, કોઈપણ દેશના, કોઈપણ ઉંમરના માણસોને બાળક
બનાવવાની તાકાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *