અલ્હાબાદ (પ્રયાગરાજ) યુનિવર્સિટીમાં અંગ્રેજી લિટરેચરનો ક્લાસ ચાલી રહ્યો હતો.
છેલ્લા થોડા દિવસ ગેરહાજર રહેલા એક પ્રોફેસરે આવીને કહ્યું, ‘ફિરાક કુછ દિનોં સે બિમાર થા.’
ક્લાસમાં બેઠેલા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ‘ફિરાક ખુદ એક બિમારી હૈ…’ વિદ્યાર્થીઓ હસી પડ્યા
(ફિરાકનો અર્થ વિરહ થાય છે એટલે વિદ્યાર્થીનું કહેવું હતું કે વિરહ પોતે જ એક બિમારી-તકલીફ-પીડા
છે). ખરી રીતે તો પ્રોફેસરે ખીજાઈ જવું જોઈતું હતું, પરંતુ એની જગ્યાએ એમણે વિદ્યાર્થીને કહ્યું,
‘બહોત ખૂબ! શાયરી સમજ લેતે હો.’ આ પ્રોફેસર એટલે ‘ફિરાક’ ગોરખપુરી… રઘુપતિ સહાય એમનું
મૂળ નામ. એમનો જન્મ ગોરખપુરમાં કાયસ્થ પરિવારમાં થયો હતો. આર્ટ્સમાં આખા વિસ્તારમાં
ચોથા નંબરે આવ્યા પછી એમણે આઈસીએસની પરીક્ષા આપી. 1920માં નોકરી છોડીને સ્વરાજ્ય
આંદોલનમાં ભાગ લીધો, જેલમાં જઈ આવ્યા. જેલમાંથી છૂટ્યા પછી જવાહરલાલ નહેરુએ એમણે
અખિલ ભારતીય કોંગ્રેસની ઓફિસમાં અગ્રસચિવ તરીકે નીમ્યા, પરંતુ એમણે એ પણ છોડી દીધું.
1930થી 1959 સુધી અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાં અંગ્રેજી લિટરેચર ભણાવ્યું. અમિતાભ
બચ્ચનના પિતા, હરિવંશરાય બચ્ચન અને ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય) બંને કાયસ્થ અને બંને
અલ્હાબાદ યુનિવર્સિટીમાં કામ કરતા. બંને ખૂબ સારા મિત્રો હતા. હરિવંશરાય બચ્ચન 1941થી
1957 સુધી અલ્હાબાદ યુનિવર્સિટીમાં એ જ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર હતા.
હરિવંશરાયજીએ પોતાની આત્મકથાના એક ભાગ ‘નીડ કા નિર્માણ ફિર’માં લખ્યું છે,
અંગ્રેજી વિભાગમાં મારા પ્રવેશ પછી કોઈ વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી હોય એવું મને યાદ
નથી, બલ્કે કોઈકે થોડા અસંતોષ અને થોડા વ્યંગ સાથે કહ્યું હતું, ‘ચાલો, અંગ્રેજી વિભાગમાં એક
ઉર્દૂના શાયર હતા, હવે હિન્દીના કવિ પણ આવી ગયા!’
હરિવંશરાય બચ્ચને પોતાની આત્મકથાના એક ભાગ ‘બસેરે સે દૂર’માં લખ્યું છે, ‘એમાં
કોઈ સંદેહ નથી કે અંગ્રેજી વિભાગમાં સૌથી રસપ્રદ વ્યક્તિત્વ ફિરાક સાહેબનું હતું. એ ઉર્દૂના
પ્રતિષ્ઠિત કવિ હતા અને ચિંતક પણ હતા. બીજાથી જુદું વિચારતા, પણ ચર્ચા કરવાની તૈયારી હંમેશાં
જોવા મળતી. વ્યંગ, વિનોદ, ક્યારેક તોછડાઈ અને ક્યારેક અતિશય સ્પષ્ટતા એમના વ્યક્તિત્વને
નિખાર આપતી. શેરવાની સાથે ક્યારેક ચૂડીદાર તો ક્યારે ઢીલો પાયજામો પહેરતા. ક્યારેય શૂટ પહેર્યો
નહીં. શોખથી હાથમાં લાકડી રાખતા. એક હાથ પર લટકતી. નીચે ટેકવતા નહીં. વધતી ઉંમર સાથે
વસ્ત્રો વિશે લાપરવાહ થઈ ગયા હતા. બેન્ક રોડ પર આવેલા યુનિવર્સિટીના બંગલામાં રહેતા અને
ચાલતા જ યુનિવર્સિટી આવતા. ક્યારેક અચાનક હોસ્ટેલમાં પહોંચી જતા અને વિદ્યાર્થીઓ સાથે
અંગ્રેજીમાં ગરમાગરમ ચર્ચા કરતા.
ઘણી બધી વાતો પર અમે એકમત ન થઈ શક્યા અને એકમેકને બહુ પસંદ ન કરતા
હોવા છતાં આજે પણ મને એમનું વ્યક્તિત્વ બહુ આકર્ષક લાગે છે. અલ્હાબાદ જવાનું થાય ત્યારે
દરેક વખતે હું સૌથી પહેલાં એમને મળવાનું પસંદ કરતો…’
બંનેને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિરાક ગોરખપુરીને
પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. એમના પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘જીવનનો
કાવ્યાત્મક અને કલાત્મક અનુભવ પ્રાપ્ત કરવો અને એને બીજાઓ સુધી પહોંચાડવો એ સાહિત્યનું
એક માત્ર લક્ષ્ય છે. હિન્દુ સંસ્કૃતિ અને આ સંસ્કૃતિના મિજાજથી હું અનુભવી શક્યો છું કે પ્રેમી-
પ્રેમિકાનો સંબંધ, બીજા બધા સંબંધો કરતાં-સાંસારિક જીવન, સામાજિક જીવન, પ્રકૃતિ, ધરતી, નદી,
સાગર, પહાડ, લીલાછમ ખેતરો, બાગ, સૂર્ય, ચંદ્ર, તારા, બદલાતી ઋતુઓ, કોઈપણ ઈશ્વર કે
પયગમ્બર, ધાર્મિક ગ્રંથ, કાબા કે કાશી કરતાં પણ અધિક દિવ્ય અને પવિત્ર છે. ભૌતિકતાના
ચમત્કારના અનુભવને જ હું ઉચ્ચતર અધ્યાત્મિકતા માનું છું. મેં મારી રચનામાં એ જ પ્રયાસ કર્યો છે
કે, કાવ્યાત્મક અને કલાત્મક ચેતનાથી મનન અને વિવેક દ્વારા એવો પ્રયત્ન પ્રાપ્ત કરું જેને આ
વિશ્વથી જુદું કોઈ સાંપ્રદાયિકતા કે પૂજાપાઠ સાથે સંબંધ ન હોય.’
ફિરાક ગોરખપુરીની શાયરીના સંકલન ગુલ-એ-નગ્મા, મશ્અલ, રુહ-એ-કાયનાત,
નગ્મ-એ-સાઝ, ગઝલિસ્તાન જેવી અનેક પુસ્તકો પ્રગટ થયા છે. એમની ભાષા ફારસી, હિન્દી,
વ્રજભાષાનું મિશ્રણ છે. આપણે ઉર્દૂ અને હિન્દુસ્તાની સાહિત્ય વિશે જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે
ફિરાક ગોરખપુરીનું નામ ખૂબ આદર સાથે લેવું પડે. એમના કેટલાક ઉત્તમ શે’ર એમની યાદમાં… 28
ઓગસ્ટ, 1896 એમનો જન્મદિવસ!
एक मुद्दत से तिरी याद भी आई न हमें
और हम भूल गए हों तुझे ऐसा भी नहीं
बहुत पहले से उन क़दमों की आहट जान लेते हैं
तुझे ऐ ज़िंदगी हम दूर से पहचान लेते हैं
तुम मुख़ातिब भी हो क़रीब भी हो
तुम को देखें कि तुम से बात करें
ग़रज़ कि काट दिए ज़िंदगी के दिन ऐ दोस्त
वो तेरी याद में हों या तुझे भुलाने में
कौन ये ले रहा है अंगड़ाई
आसमानों को नींद आती है
इसी खंडर में कहीं कुछ दिए हैं टूटे हुए
इन्हीं से काम चलाओ बड़ी उदास है रात
मौत का भी इलाज हो शायद
ज़िंदगी का कोई इलाज नहीं
कोई समझे तो एक बात कहूँ
इश्क़ तौफ़ीक़ है गुनाह नहीं