ફૂલો વાલી ડાલી ભી હો, ચૂમા ભી હો, ગાલી ભી હો…

ફિલ્મી ગીતની આ પંક્તિ માણસના મનમાં રહેલા અનેક ખૂણેખાંચરે ફરી વળે છે… ઈર્શાદ
કામિલ, અમિતાભ ભટ્ટાચાર્ય (આલી રે નખરાલી રે), પ્રસૂન જોશી (લડકી ક્યોં ન જાને ક્યોં લડકોં સી
નહીં હોતી)માં સ્ત્રીના મનોવ્યાપારને સરસ રીતે વર્ણવવામાં આવ્યો છે. શેક્સપિયરે લખ્યું છે, ‘ડિસ્પ્યુટ
નોટ વીથ હર, શી ઈઝ લ્યૂનેટિક.’ (એની સાથે દલીલ કરવાનો અર્થ નથી, એ ગાંડી છે) આ વાત સ્ત્રીઓ
માટે અનેક લોકોએ કહી છે. સ્ત્રીના મનને સમજવું અઘરું છે. એ વાત સ્ત્રી પોતે પણ સ્વીકારે છે.
ઓશોએ કહ્યું છે, ‘સ્ત્રીને ચાહવા માટે એને સમજવી જરૂરી નથી !’

એક સર્વે મુજબ 2019ના માર્ચથી 2021નો જાન્યુઆરી પૂરો થાય છે ત્યારે મનોરોગના
દર્દીઓમાં 34 ટકા જેટલો વધારો થયો છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. આ આંકડા સત્તાવાર છે અને
જે લોકો મનોરોગ માટે દવા લઈ રહ્યા છે અથવા ડૉક્ટર પાસે જાય છે એના છે ! જે લોકો દવા નથી
લેતા, કે ડૉક્ટર પાસે જવામાં સંકોચ અનુભવે છે, ‘અમે ગાંડા નથી’ એવું કહીને મનોચિકિત્સા ટાળે છે
એવા લોકોના આંકડા તો હજી આપણને ખબર જ નથી. ડોમેસ્ટિક વાયોલેન્સ અને પડોશીથી લઈને
પતિ-પત્નીના ઝઘડા સુધી લગભગ બધા જ એન્ગ્સ્ટમાં, ઉશ્કેરાટ અને ઉદ્વેગમાં જીવી રહ્યા છે. માતાજી
આવવા, ખેંચ આવવી કે મેનોપોઝ અને સુવાવડ પછી (બ્લ્યૂઝ) માનસિક રીતે અસ્વસ્થ થઈ જવાના
કિસ્સા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે કારણ કે, સ્ત્રીનું મન નાજુક છે. એ જેટલી ઝડપથી અને
સહેલાઈથી ખુશ થાય છે એટલી જ ઝડપથી અને સહેલાઈથી દુઃખી કે આહત થાય છે.

મનોરોગી અથવા માનસિક બીમાર દરેક વખતે ‘ગાંડા’ દેખાય એવું જરૂરી નથી. માનસિક બીમારી
અનેક પ્રકારની હોય છે અને આપણા દેશમાં એને વિશેની માહિતી બહુ ઓછા લોકો પાસે, નહીંવત
પ્રમાણમાં છે. હજી હમણાં જ રજૂ થયેલી એક ફિલ્મ ‘અતરંગી રે’ આનંદ એલ. રાય અને હિમાંશુ શર્માનું
સહિયારું સર્જન છે. માતા-પિતાને પોતાની નજર સામે મૃત્યુ પામતા જોયા પછી એને જ પોતાનો ‘હીરો’
માનીને એને જ, ‘પ્રેમી’ માનીને હેલ્યુસિનેશનનો શિકાર થયેલી એક છોકરી અને એના પ્રેમમાં પડેલો એક
ડૉક્ટર… વાર્તા ખૂબ રસપ્રદ છે, પરંતુ સામાન્ય પ્રેક્ષકને થોડી ઓછી સમજાય એવી રીતે કહેવાઈ છે. આમ
પણ મનોરોગની વાર્તાઓ જ્યારે કહેવાય છે ત્યારે એને સમજવા માટે પ્રેક્ષકની સમજણ ઉપર જ
આધારિત રહેવું પડે છે. આ વાર્તા, ‘અતરંગી રે’ જેવા અનેક કિસ્સા આપણે જોયા છે. એક્ટરના, સ્ટારના
પ્રેમમાં પડેલી છોકરીઓ એ હદ સુધી પહોંચી જાય, કે એ સ્ટાર, સિંગર કે ક્રિકેટર એને મેસેજ કરે છે, એની
સાથે ફોન પર વાત કરે છે એવું એને લાગવા માંડે. એવી જ રીતે જાણીતા કે અજાણ્યા લોકો નજર સામે
દેખાય, એની સાથે વાત કરે, રડે-હસે એવું એક ઈલ્યુઝન અથવા ભ્રમ ઘણા લોકોના મનમાં હોય છે. આ
કોઈ મોટો રોગ નથી, વળગાડ કે ભૂતપ્રેત પણ નથી.

આવી વ્યક્તિના મનમાં કોઈ એક વ્યક્તિનું મહત્વ ખૂબ વધારે હોય, એને પ્રેમ કરતા હોય કે એના
ઉપર એનો ઈમોશનલ આધાર હોય… અને આવી વ્યક્તિ કદાચ જીવનમાંથી ચાલી જાય (મૃત્યુ પામે કે
કોઈ કારણસર જુદી થાય) ત્યારે એ આઘાતને મન બરદાશ કરી શકતું નથી. એવા સમયે મન ડિનાયલ
(નકારી દેવાના) સ્ટેટમાં જતું રહે છે. બહુ લોકોને અનુભવ હશે કે, આપણે જીવનના કેટલાક ભયાનક
આઘાતજનક અનુભવને યાદ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે બધું સિકવન્સમાં-ક્રમબદ્ધ રીતે યાદ આવતું
નથી. કેટલાક લોકોને તો સ્મૃતિનો એ આખો ચંક જ ભૂલાઈ જાય છે, કારણ કે એ દુઃખદ પ્રસંગને એમનું
મન યાદ રાખવા નથી માગતું.

આખા શરીરના કયા ભાગમાં, ક્યાં મન આવેલું છે, એની આપણને ખબર નથી તેમ છતાં,
આપણો તમામ વ્યવહાર ફક્ત મનના આધારે ચાલે છે એ કેવી નવાઈની વાત છે ! સાચું પૂછો તો
માણસના તમામ સુખ અને તમામ દુઃખનું કારણ એનું મન છે. આપણે હજારવાર સાંભળ્યું છે કે, અડધો
ખાલી ગ્લાસ-અડધો ભરેલો પણ છે… પરંતુ, એ વાતની આપણા ‘મન’ પર કેટલી અસર થાય છે ?
આપણે સાચે જ એ વિશે વિચારીએ છીએ ખરા ? કોઈપણ વાતને સારી કે ખરાબ બંને રીતે જોઈ જ
શકાય છે તેમ છતાં, એને જોવાની દરેકની દૃષ્ટિ જુદી હોય એ સ્વાભાવિક છે.

આપણી સ્મૃતિ જ આપણા સુખ અને દુઃખનું કારણ છે. જેની સાથે દિલ ખોલીને હસ્યા હોઈએ
એની સ્મૃતિ ક્યારેક આંખોમાં પાણી લઈ આવે તો જેની સાથે ખૂબ ઝઘડીને રડ્યા હોઈએ એની સ્મૃતિથી
ક્યારેક ચહેરા પર સ્મિત આવી જાય… આપણે બધા જ સ્મૃતિના એવા ખજાના પર બેઠા છીએ કે,
આવનારા વર્ષોમાં આ ખજાનામાંથી આપણે શું વાપરવું છે એ નક્કી કરવા સિવાય આપણી પાસે બીજું
કંઈ રહેશે નહીં. મોટાભાગના લોકો યુધ્ધમાં શહીદ થવાનો, એવરેસ્ટ જીતવાનો, ફિલ્મો બનાવવાનો કે
કલામાં કોઈ અવિસ્મરણિય પ્રદાન કરવાનો અવસર મેળવતા નથી. આપણે બધા જ સામાન્ય રીતે જીવીને
સામાન્ય મૃત્યુ પામવાના છીએ, પરંતુ ‘અતરંગી રે’ જેવી ફિલ્મો આપણને આપણા જ મનનો એવો
ઓરડો ઊઘાડી આપે છે જ્યાં જતાં આપણે સામાન્ય રીતે ડરતા હોઈએ છીએ.

મનના દરેક ઓરડા ઊઘાડી નાખવા અને અંધારા ભોયરા સુધી પણ એક આંટો મારી આવવો એ
બુધ્ધિશાળી અને ડાહ્યા માણસનું લક્ષણ છે. ઓરડા બંધ રાખવાથી એનું અસ્તિત્વ નકારી શકાતું નથી.
મન સ્મૃતિને નકારી દે એથી એ સમયે થયેલો દુઃખ કે પીડા નિવારી શકાતા નથી. સમસ્યા છે, એટલું
સ્વીકારીએ લઈએ તો એનો ઉકેલ શક્ય બને છે. દુઃખ, આઘાત કે અપમાનથી થયેલી પીડા છુપાવવા કે
નકારવાને બદલે સ્વીકારીને આપણા જ મન સાથે સંવાદ કરવાથી કદાચ આપણા સવાલનો જવાબ
આપણે જ શોધી શકીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *