“રંડી…” ગુજરાતી ફિલ્મોના એક જાણીતા અભિનેતા હિંદી ફિલ્મોની એક જાણીતી બિન્દાસ્ત અભિનેત્રીને
હાલોલના લકી સ્ટૂડિયોમાં ગાળ બોલે છે. આ ગાળનો અર્થ શું અને આટલા પ્રસિધ્ધ માણસ શું બોલ્યા એની
સમજ નહોતી મને… પરંતુ એ અભિનેત્રી એ ત્યારે આપેલો જવાબ મારા મગજમાં ફીટ બેસી ગયેલો.
ગાળ સાંભળ્યા પછી એ અભિનેત્રી સહેજ હસી હતી, અદબવાળીને સ્ટુડિયોના ફોયરમાં જ્યાં અનેક
લોકો આ ર્દશ્ય જોઈ રહ્યા હતા ત્યાં. બધાની સામે એક સરસરી નજર નાખીને એણે જરાય સંકોચાયા વિના
કહેલું, “હાં… મેં રંડી હૂં, લેકિન અપના ગ્રાહક ખુદ ચુનતી હૂં.” ઈતની ગૈરહ હૈ મુજમેં.
આજથી બરાબર પિસ્તાલીસ વર્ષ પહેલાં એક ભારતીય સ્ત્રીએ એક ભારતીય પુરૂષને આ કહેલું… આપણા
ગણતંત્રની આઝાદ ખયાલ અને સ્વતંત્ર મિજાજી સ્ત્રીએ જાહેરમાં પોતાની આઝાદીનું એલાન કરેલું.
વિશ્વના સૌથી મોટા ગણતંત્રમાં જન્મ થયો છે મારો. મેં આ દેશને ઊછરતો – વિકસતો, બદલાતો જોયો
છે. દૂરદર્શનનું પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી શરૂ થયું ત્યારે આખા કુટુંબ સાથે બસીને સાંભળેલા “સમાચાર”,
રવિવારની ફિલ્મ કે ગુરુવારનું “છાયાગીત” અને આજે ચોવીસ કલાક ચાલતી અનેક ચેનલ્સ ઉપર પર પોતપોતાનાં
રૂમમાં જોવાતા પોતપોતોની પસંદગીના કાર્યક્રમો સુધી હું આવી પહોંચી છું, ને એનીયે આગળ જઇને હવે
ઓટીટીનો પ્લેટફોર્મ પણ મેં જોયો. ઍન્ડ્રોઈડ કે આઈફોનમાં મળતા અપડેટ્સ સુધીના આ પ્રવાસમાં મેં ભારતીય
ગણતંત્રને ઘણીવાર કોઈનો હાથો બનતું, ક્યારેક આપખુદ રીતે નિર્ણય લેતું, ક્યારેક કોઈની દાસી બનતું તો કયારેક
ન્યાયાધીશ બનીને કોઈકનો ન્યાય તોળતું જોયું છે, જોઈ રહી છું… હવે આપણું ગણતંત્ર ઝાઝું સમજ્યા-વિચાર્યા
વગર ધર્મ અને અર્થને આગળ રાખી નિર્ણય લેતું થયું છે. જે લોકો પ્રામાણિકતાની વાત કરે, ભ્રષ્ટાચારનો વિરોધ કરે
એને વેદિયા અથવા અણસમજુનું લેબલ ચોટાડી પ્રગતિના રસ્તામાંથી ખસેડીને આગળ વધી જતું આ ગણતંત્ર
માત્ર રાજકારણીઓ નથી ચલાવતા. એ વાત આપણે બધા જ ભૂલી ગયા છીએ.
આપણને અજાણતાં જ મજા આવવા લાગી છે. રાજકારણીઓના કે ઉદ્યોગપતિઓના સ્કેમને કે સ્કેન્ડલને
ઉઘાડા પાડીને આપણે માની લઈએ છીએ કે, આપણે ધમકાયેલા છીએ. સત્ય તો એ છે કે, આજની અંધેર
નગરીમાં માત્ર ‘રાજાનંગા’ નથી, આપણે બધા જ વસ્ત્રવીહિન દશામાં ઊભા છીએ, પરંતુ પોતાને જોઈ શકતા
નથી એટલે અન્ય તરફ આંગળી ચીંધીને એની વસ્ત્રવીહિન દશાની ટીકા કરવા લાગ્યા છીએ. આપણે જાતે આવી
ટીકા કરવા પણ તૈયાર નથી. કારણ કે, આપણને ડર લાગે છે કે જો અન્યને અરીસો બતાવીશું તો એ પણ આપણને
અરીસો બતાવશે. એટલે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ આવો કોઈ પથ્થર ફેંકે ત્યારે આપણા હાથ પણ સળવળવા લાગે
છે. પછી પથ્થરમારો થાય છે. કાચના ઘરો તૂટે છે, પરંતુ જ્યારે આપણા ઘર પર પથ્થર ફેંકાય ત્યારે આપણે
‘વિક્ટિમ કાર્ડ’ પ્લે કરીને પોતાની જાતને બચાવવા મરણિયો પ્રયાસ કરીએ છીએ.
આજનું ગણતંત્ર પરસ્પર વિરોધ કરવાનું ગણતંત્ર છે. લોકશાહીનો અર્થ લોકો દ્વારા શાસન, પરંતુ કોના
ઉપર ! દરેક વ્યક્તિ અન્યનો વિરોધ કરે છે. અસહિષ્ણુતા અને અસ્વીકાર આજની સૌથી મોટી શાસન છે. ‘હું’
અને ‘મારું…’ આ બે જ શબ્દો ઉપર આપણું ગણતંત્ર ટક્યું છે અને આ બંને શબ્દો એટલા પોલા છે એ આપણી
લોકશાહીના પાયા હચમચવા લાગ્યા છે.
આજે આપણો દેશ હજી ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. એક જેને આપણે જૂની પેઢી કહીએ છીએ. 60-
70-75ની એક આખી પેઢી જે હજી પૈસા બચાવવામાં, ધર્મમાં, નિષ્ઠામાં પોતાની આસ્થા જાળવી શકી છે. બીજી
પેઢી જે 40થી 55-60ની વચ્ચે છે. એમને માટે ‘કમાઈ’ લેવું, વસાવી લેવું, ગોઠવી લેવું એ સૌથી અગત્યની
બાબત છે. પોતે જે રીતે ઉછર્યાં એ રીતે એ પેઢી પોતાના સંતાનોને ઉછેરી શકી નથી. આજના ભારતમાં
પ્રેક્ટિકાલિટી અથવા પોતાની સગવડ સૌથી અગત્યની છે. સૌથી મોટો વર્ગ આ પેઢીનો છે. જેણે આપણા
ગણતંત્રને અર્થ અને ધર્મના બે ત્રાજવામાં વહેંચી નાખ્યું છે. બંને ત્રાજવા સતત ઉપર-નીચે થયા કરે છે. એક
વિચિત્ર પ્રકારની જડતા એ આખી પેઢીએ પોતાનો સ્વભાવ બનાવી લીધી છે.
નેવુંના દાયકા પછી જન્મેલી પેઢી ભાગ્યે જ કોઈનો વિચાર કરતાં શીખી શકી છે… “સગવડ” શબ્દ
ધીમેધીમે “સ્વાર્થ”ના સ્ટેજ પર પહોચ્યો છે ને છતાંય આજની પેઢી પાસે પ્રામાણિકતા ભરપૂર છે. પોતે જે
અનુભવે છે, વિચારે છે કે જીવવા માંગે છે એ વિશે નિર્દભ છે નવી પેઢી. નેવુંના દાયકા પછી જન્મેલા બાળકો
ઇન્ફર્મેશનથી છલોછલ છે, પણ ઇમોશન વિશે કન્ફ્યુઝ છે. આ પેઢી ઓછી સગવડ સાથે પણ મજા કરે છે, પરંતુ
એમને શ્રેષ્ઠ જ જોઈએ છે એ વિશે પણ સ્પષ્ટ છે. આ, એને આપણે નવી પેઢી કહીએ છીએ. એની પાસે
જીવવાની, વિચારવાની, વર્તવાની પોતાની આગવી રીત છે. જે એમના માતા-પિતાની રીત સાથે મેચ નથી થતી.
આ સ્વાભાવિક પણ છે અને હાસ્યાસ્પદ પણ છે. ટેકનોલોજી વગર, મોટેભાગે મધ્યમવર્ગમાં ઊછરેલી એક આખી
પેઢીએ નવી દુનિયા ઊભી કરી છે. હવે એ દુનિયામાં જન્મેલા બાળકોને આ (વચલી પેઢી) પોતાની દુનિયામાં
જીવાડવા માગે છે !
સમય, સંજોગો અને સ્થિતિ બદલાયા છે. નવી પેઢીનો રાષ્ટ્રપ્રેમ લોકશાહીને સમજે છે, કદાચ ! એમને
ખબર છે કે, લોકશાહી એટલે સ્વતંત્રતા, પરંતુ સાથે સાથે સ્વીકારવી પડતી જવાબદારી. આ પેઢી પોતાના
નિર્ણયની જવાબદારી સ્વીકારવા તૈયાર છે.
રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોની જેમ આ ત્રણ પેઢીઓ આપણા ગણતંત્રનું નિર્માણ કરે છે. મધ્યમાં રહેલા
અશોકચક્રની જેમ જો આ દેશનું રાજકારણ પોતાનું અસ્તિત્વ મજબૂત અને મધ્યમાં રાખીને આ ત્રણેય પેઢીને
એક સાથે લાવી શકે તો વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણે અખંડ અને અજેય બની શકીએ એમાં કોઈ
શંકા નથી.