ઘર ફૂટે ઘર જાયઃ સતયુગનું શ્રીલંકા ને કલિયુગનું અફઘાનિસ્તાન

ભારતના સ્વતંત્રતા દિવસની સવારે જે ખબર આપણા સુધી પહોંચી એમાં અફઘાનિસ્તાનની ગુલામીના સમાચાર હતા. ગઈકાલ સુધી જે તાલિબાન સામે અમેરિકા લડતું હતું એણે પોતાનું લશ્કર ત્યાંથી પાછું બોલાવ્યાના થોડા જ દિવસોમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો… 17મી ઓગસ્ટે તાલિબાનના ઝબીઉલ્લાહ મુઝાહિદે સરકાર બનાવવાનું વચન આપ્યું, પરંતુ સાથે જ સ્ત્રીઓ માટેના ફતવા જારી કરવામાં આવ્યા ! ગુરૂવારની સવારે તાલિબાનના એક બીજા નેતાએ જણાવ્યું, ‘અમારા માણસોને સ્ત્રીઓ સાથે વર્તતાં નથી આવડતું માટે સ્ત્રીઓએ ઘરમાં રહેવું !’ 

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની શું અને કેટલું લઈને અફઘાનિસ્તાન છોડી ગયા એ વિશે અનેક અફવાઓ વહેતી રહી. નવાઈની વાત એ છે કે, તાલિબાને અફઘાનિસ્તાનનો કબજો લીધાના થોડા દિવસ પછી એમના સગાં ભાઈ હશમત ગનીએ સ્વીકાર્યું કે આ હુમલા અને એની સફળતા પાછળ એમનો હાથ છે ! 

એકવાર ઈતિહાસ તપાસીએ તો સમજાય કે, 1979માં અફઘાનના બળવા પછી રશિયાએ અફઘાનિસ્તાનને પોતાની તરફ લઈ લીધું. બબરાક કરમાલને અફઘાનિસ્તાનના સોવિયત તરફી નેતા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા. 1980માં સિવિલ વોર થઈ અને 15 હજાર સોવિયત સૈનિકો મરાયા. લાખો અફઘાનીઓ પાકિસ્તાનમાં રેફ્યૂજી તરીકે દાખલ થયા. પહેલાં જે અમેરિકા મુઝાહિદ્દન ગ્રુપ્સને મદદ કરતું હતું એમણે હથિયાર સપ્લાય કરવાના શરૂ કર્યાં. રોનાલ્ડ રેગને અફઘાનિ યોધ્ધાઓને વ્હાઈટ હાઉસમાં આવકાર્યા અને યુનુસ ખાલિસને 1987માં ઓવલ ઓફિસમાં દાખલ થયા. એ પહેલાં ’86માં સીઆઈએ દ્વારા સપ્લાય કરવામાં આવેલા એન્ટી એરક્રાફ્ટ મિશાઈલથી સોવિયત હેલિકોપ્ટરને શૂટ કરવામાં આવ્યા. સોવિયત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મોહમ્મદ નજીબુલ્લાહ કરમાલને હટાવીને રાષ્ટ્રપતિ થયા. 1988માં જીનિવાની શાંતિ પરિષદમાં અફઘાનિસ્તાન, સોવિયત યુનિયન અને અમેરિકા પાકિસ્તાન વચ્ચે શાંતિ કરાર થયા. રશિયાએ પોતાનું લશ્કર પાછું ખેંચવાની શરૂઆત કરી. ફેબ્રુઆરી 15, 1989માં સોવિયત સૈનિકો અફઘાનિસ્તાન છોડી ગયા.

1990થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં ઘણી ઘટનાઓ બનતી રહી. નજીબુલ્લાહ કોમ્યુનિસ્ટ માન્યતા ધરાવતા હતા એટલે એમની સરકાર તૂટી પડી. એમને કાબુલ યુનાઈટેડ નેશન્સ કમ્પાઉન્ડમાં કેદ કરવામાં આવ્યા. મુઝાહિદ્દીન નેતાઓ કાબુલમાં દાખલ થયા અને એકબીજા સાથે લડવા લાગ્યા. પાકિસ્તાન અને ઈરાનમાં અનેક રેફ્યૂજી (શરણાર્થીઓ)એ આશરો લીધો. મુઝાહિદ્દીનના નેતા ગુલગુદ્દીન હેતમત્યાર દ્વારા નેશનલ મ્યુઝિયમને લુંટવામાં આવ્યું અને 50 હજાર લોકોને મારી નાખવામાં આવ્યા. 1994, 96, 97, 98 દરમિયાન અફઘાનિસ્તાનમાં મુલ્લાહ મોહમ્મદ ઓમાન, બિન લાદેન અને બીજા લોકોએ પોતાની જાળ ફેલાવી. સપ્ટેમ્બર 26, 1996ના દિવસે તાલિબાને કાબુલ પર કબજો લીધો. નજીબુલ્લાહને મારી નાખવામાં આવ્યા અને એમનું શરીર જાહેરમાં લટકાવ્યું. તાલિબાને પોતાના ફતવા જારી કર્યાં. ઓગસ્ટ, 1998માં અમેરિકાએ પોતાના ક્રૂઝ મિશાઈલ્સથી હુમલો કર્યો. કેન્યા અને તાન્ઝાનિયામાં અલકાયદાએ કરેલા હુમલાનો આ જવાબ હતો. 1999માં યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલે તાલિબાન અને અલકાયદા ઉપર આતંકવાદીનું લેબલ ચોંટાડીને એમનો દુનિયાભરમાં બહિષ્કાર થવો જોઈએ એવો પ્રસ્તાવ મૂક્યો. ’99માં કાઠમંડુથી ન્યૂ દિલ્હી જતી ફ્લાઈટને હાઈજેક કરી કંધહારમાં લેન્ડ કરવામાં આવી. 2001માં તાલિબાને 1500 વર્ષ જૂનું બુધ્ધની પ્રતિમા તોડી પાડી અને બુધ્ધ પરસ્તીની મનાઈ ફરમાવી. 2001માં બે અમેરિકન સ્ત્રીઓને જાહેરમાં મારી નાખવામાં આવી.

તાલિબાનનો વિરોધ કરનાર નેતા અહેમદશા મસુરને જાહેરમાં મારી નાખવામાં આવ્યો. 11 સપ્ટેમ્બરના ન્યૂયોર્ક અને વોશિંગ્ટનના એટેક પછી 2001માં તાલિબાન અને અલકાયદા સામે અમેરિકાએ રીતસરનું યુધ્ધ છેડ્યું. 13 નવેમ્બર, 2001ના દિવસે અમેરિકન સૈનિકો અને એમની સાથે જોડાયેલા તાલિબાની સૈનિકો કાબુલમાં દાખલ થયા. યુ.એન.ના મેન્ડેટ (કાયદા) નીચે હામિદ કારઝાઈ અને બીજા નેતાઓએ પોતાની સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો. 2003માં ડિફેન્સ સેક્રેટરી રોનાલ્ડ રૂમ્સ ફેલ એ કોમ્બેટ (યુધ્ધની પ્રવૃત્તિ)ના અંત વિશે જાહેરાત કરી. 2004માં અફઘાનિસ્તાનમાં ચૂંટણી થઈ અને હામિદ કારઝાઈનો વિજય થયો.

ત્યાંથી શરૂ કરીને 2009 સુધી અમેરિકાના સંરક્ષણ હેઠળ અફઘાનિસ્તાનને બહુ સમસ્યાઓ નહોતી. 2009માં કારઝાઈ ફરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. નાટોએ તમામ વિદેશી ટ્રુપ્સને પાછા ખેંચવા માટે અને સિક્યોરિટી ઓપરેશન્સનો કંટ્રોલ તાલિબાનને 2014 સુધીમાં સોંપી દેવાની જાહેરાત 2012માં કરી, પરંતુ 2013માં ઓબામાએ તાલિબાન સાથે શાંતિ મંત્રણાઓની શરૂઆત કરવાનો દેખાવ કર્યો. લોહિયાળ ચૂંટણી પછી અશરફ ગની કારઝાઈને હરાવીને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા. ભયાનક હિંસા થઈ. તાલિબાને પોતાના હુમલા અટકાવીને અફઘાન અને યુ.એસ.ના સૈનિકો, નાગરિકોને મુક્ત કરવાનું વચન આપ્યું. 2016માં અફઘાન સરકારે પુરાણા મુઝાહિદ્દીન લીડર ગુલાબુદ્દીન હકમત્યારને (જેને કાબુલના ખાટકી તરીકે ઓળખવામાં આવતો હતો) એને અભય વચન આપીને બહાર આવવાની છૂટ આપી. 2017 સુધી સરકાર અને તાલિબાન વચ્ચે નાના મોટા છમકલા થતા રહ્યા. 2018માં ડોનાલ્ડ ટ્રમ્પે ઝાલ્મે ખાલીઝાને અફઘાનિસ્તાનના એલચી અને ખાસ પ્રતિનિધિ તરીકે પસંદ કરીને તાલિબાન સાથેની મંત્રણાઓ શરૂ કરી. ફરી એકવાર લોહિયાળ ચૂંટણી પછી અશરફ ગનીને રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા અને અબ્દુલ્લાને ગવર્મેન્ટના શાંતિ મંત્રણા માટેની કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. કાબુલમાં હિંસા વધતી જતી હતી. અંતે દોહા, કતારમાં યુ.એસ. અને તાલિબાન વચ્ચે ફેબ્રુઆરી 29, 2020માં શાંતિના કરાર કરવામાં આવ્યા. 

એપ્રિલ 14, જો બિડેને પોતાના લશ્કરને પાછું બોલાવવાની જાહેરાત કરી અને સપ્ટેમ્બર, 11 સુધીમાં લશ્કર પાછું લઈ લેવાનું વચન આપ્યું. મેથી તાલિબાને પોતાની પ્રવૃત્તિ ફરી શરૂ કરી. જુલાઈ, 2021માં યુ.એસ. સૈનિકોએ બગરામ એરફિલ્ડથી અમેરિકા જવા માટે પ્રસ્થાન કર્યું અને ઓગસ્ટની 15મીએ હશમત ગનીની મદદથી તાલિબાનના ક્રૂર સૈનિકો અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા… 

રાષ્ટ્રપતિના ભાઈનો સહકાર ન હોત અને આ પ્લાનિંગમાં જો અફઘાનિસ્તાનના જ કેટલાક લોકો સામેલ ન હોત તો તાલિબાન આટલી સહેલાઈથી કાબુલનો કબજો લઈ શક્યું ન હોત. વિભિષણે તો પોતાના ભાઈની ભૂલ સામે શ્રીરામનો સાથ આપીને પોતાની પ્રજાને, શ્રીલંકાના લોકોને એક બહેતર જીવન આપવા માટે કદાચ સામેના પક્ષમાં ભળવાનું નક્કી કર્યું, પરંતુ હશમત ગની જેવો ભાઈ પોતાની જ પ્રજા અને દેશવાસીઓને દોજખની આગમાં ઝોંકીને એમના શબો પર પોતાની રોટલી શેકી રહ્યો છે ત્યારે એની બેઈમાનીમાં, ખયાનતમાં ઈસ્લામની શરિયાતમાં એને માટે કોઈ સજા નથી ? 

અફઘાનિસ્તાનનો ઈતિહાસ જોઈએ તો સમજાય કે, 1979થી આજ સુધી અફઘાનિસ્તાનના લોકો અશાંત અને અરાજક જીવન જીવ્યા છે. મહાભારતમાં જેનો ગાંધાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ કંદહાર, કાબુલ અને પંજશીરના વિસ્તારો અત્યંત સુંદર પહાડોની વચ્ચે આવેલા રમણિય પ્રદેશો છે, પરંતુ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની જેમ ત્યાં પણ જીવન અત્યંત બેહાલ છે… કોઈ ભવિષ્ય વગર અને દયનીય ભૂતકાળ સાથે જીવી રહેલી આ અફઘાની પ્રજા માટે શાયર ઈકબાલના શબ્દોમાં એટલું જ કહી શકાય કે, 

‘ક્યા બદનસીબ હું મેં, ઘર કો તરસ રહા હૂં, રહેતા તો હું વતન મેં, પર કૈદ મેં પડા હું…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *