‘અમે અમુક ધર્મના, અમુક પંથમાં માનીએ છીએ એટલે અમે એ જ ધર્મના બીજા
પંથના મંદિરોમાં ન જઈએ.’ કહીને શાળામાંથી એક મંદિરની મુલાકાતે જતી ટ્રીપમાંથી પોતાના
દીકરાનું નામ કેન્સલ કરવાની વાલીએ વિનંતી કરી. શાળાની ટ્રીપ બીજી અનેક જગ્યાઓએ પણ
જવાની હતી, સાથે આ મંદિર પર એનો હિસ્સો હતું, પરંતુ એમનું સંતાન ‘એ’ મંદિરમાં નહીં જાય, એવા
હઠાગ્રહ સાથે એમણે દીકરાને સ્કૂલની ટ્રીપમાં ન જવા દીધો. આ કિસ્સો જ્યારે સાંભળ્યો ત્યારે બહુ નવાઈ
લાગી. આપણે બધા હજી પણ, કોમ્પ્યુટર અને સેટેલાઈટના જમાનામાં ધર્મના વાડાઓ એટલા બધા
સંકુચિત કરીને બેઠા છીએ કે ધર્મનું મૂળ હાર્દ ભૂલાઈ ગયું છે! ધર્મનું કામ તો માણસને થોડો વધુ નમ્ર,
વિવેકી, સહિષ્ણુ અને સમજદાર બનાવવાનું છે. ઈશ્વરની પરિકલ્પના એટલા માટે કરવામાં આવી
હતી જેનાથી માણસને પોતાનાથી વધુ શક્તિશાળી, સત્વશીલ અને સત્યશીલ તત્વ સામે નમવાની
અને એને સમર્પિત થવાની સમજ આવે. ધર્મ એટલે જે ધારણ કરે છે તે, અથવા જે ધારણ કરવાની
શક્તિ ધરાવે છે તે! જે આપણને ટકાવે-ખરાબ સમયમાં જેનો વિચાર કરવાથી આપણામાં
પોઝિટિવિટી, શક્તિનો સંચાર થાય તે. જે આશા આપે તે, જે આવતીકાલમાં શ્રધ્ધાને જન્મ આપે તે!
આ બધી વ્યાખ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીએ, તો આપણને આ વહેંચાયેલા, વિખરાયેલા,
સંકુચિત અને અણસમજુ ધર્મો, એમના વાડાઓ કેટલા બધા અધૂરા અને નકામા લાગે!
ધર્મ પુરૂષોએ લોકોના મનમાં ધર્મની પરિકલ્પના પ્રત્યે પ્રેમ કે સમર્પણને બદલે ભય
ઊભો કર્યો. ઈશ્વર, ખુદા, જિસસ… કે જેને પણ માણસ પૂજે છે, ભજે છે એ સતત આપણને જોતા
રહે છે, એવું કહીને લોકોને ધર્મપ્રેમી બનાવવાને બદલે ધર્મભીરૂ બનાવી દીધા. માણસ ઈન્ડિવિડ્યુઅલ
(અસ્તિત્વ)ને બદલે (પર્સન) વ્યક્તિ બની ગયો. જે મુક્ત જીવવા માટે સર્જાયો હતો એ હવે ભયગ્રસ્ત
બની ગયો. પાપ અને પુણ્યની કલ્પનાએ એને ગણતરીબાજ બનાવી દીધો. પાપ કરી શકાય, પરંતુ
સામે પુણ્ય કરીએ એટલે પાપ બેલેન્સ થઈ જાય આવું માણસને કોણે અને ક્યારે શીખવાડી દીધું?
એ પછી આવી પ્રાયશ્ચિતની કલ્પના! પાપ કરી શકાય, પછી પ્રાયશ્ચિત કરો એટલે
બધું ધોવાઈ જાય… ખરેખર? તો બધાને બધું કરવાની છૂટ મળી જાય! ગુનો કરો, પાપ કરો, ખોટું કરો,
બીજાને પીડા આપો, અન્યાય કરો અને પછી પ્રાયશ્ચિત કરી લો! શું ખરેખર આ શક્ય છે? અગત્યનું
એ છે કે, માણસ સજાગ બને, સભાન બને, ખોટું ન કરે… એ જ ધર્મ છે. મૂર્તિ તો બહુ મોડેથી
આપણી સંસ્કૃતિમાં પ્રવેશ કરે છે. ઈશ્વરને સ્વરૂપ આપવાનો વિચાર ભારતીય સંસ્કૃતિમાં ઘણો મોડો
આવ્યો છે. મૂળ આપણે પ્રકૃતિને પૂજનારા લોકો છીએ. પંચતત્વ એ જ આપણે માટે ‘ઈશ્વર’ની
કલ્પના હતી. કદાચ એટલે જ, જે બહાર છે તે ભીતર છે-‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ની વાત વધુ
સત્યપૂર્ણ લાગે છે.
એક કથા બહુ મજાની છે. એક માણસ ચર્ચમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ
એની ત્વચાનો રંગ જોઈને એને ચર્ચમાં પ્રવેશ મળતો નહોતો. જિંદગીના કેટલાય વર્ષો ચર્ચમાં નહીં
જઈ શકવાના અફસોસમાં એણે વિતાવી દીધાં. એક દિવસ એ ચર્ચની બહાર બેસીને રડતો હતો ત્યારે
એક અજાણ્યો માણસ આવીને એની બાજુમાં બેઠો. અજાણ્યા માણસે પૂછ્યું, ‘કેમ રડે છે?’ પેલા
માણસે ચર્ચમાં નહીં જઈ શકવાની પોતાની પીડા એને જણાવી. અજાણ્યા માણસે ફરી પૂછ્યું, ‘ચર્ચમાં
કેમ જવું છે?’ એણે ઉત્તર આપ્યો, ‘ચર્ચમાં ઈશ્વર છે.’ પેલો અજાણ્યો માણસ હસવા લાગ્યો…
હસતાં હસતાં એણે કહ્યું, ‘હું આ બેઠો તારી બાજુમાં. એ લોકોએ મને પણ બહાર કાઢી મૂક્યો છે.’
આ કથાની ભીતર ઉતરીને સમજીએ તો કદાચ સમજાય કે આપણે જ્યાં ઈશ્વરને ધારીએ છીએ,
શોધીએ છીએ ત્યાં કદાચ એક મૂર્તિ છે-એનર્જી (ઊર્જા) છે, શ્રધ્ધા છે, પરંતુ જો ખરેખર ઈશ્વર અથવા
સર્જનહાર, અથવા પરમતત્વ ક્યાંય હોય તો એ બધે જ છે-અથવા ન હોય તો ક્યાંય નથી!
વિભિન્ન ધર્મો અથવા ઈશ્વરની કલ્પના કદાચ એક બગીચા જેવી છે. એક જ માટી,
એક જ માળી હોવા છતાં એક જ જગ્યાએ ખીલેલાં જુદાં જુદાં ફુલો જેવી. એમની પાસે એક જ
જમીન છે, એક જ વ્યક્તિ એમને પાણી પીવડાવે છે, માવજત કરે છે છતાં એમનો રંગ, આકાર,
સુગંધ બધું જ જુદું છે-છતાં, બધાં જ ‘ફૂલો’ કહેવાય છે. આપણે એમને છુટા પાડીએ છીએ-નામ
આપીને. એમના આકાર, સુગંધ અને રંગ મુજબ નામ આપીએ છીએ એથી એમને જુદા જુદા
ઓળખી શકાય, પરંતુ અંતે તો બધાં જ ફૂલો છે. જેવું બીજ નાખવામાં આવે એવું ફૂલ ખીલે. એવી
જ રીતે ધર્મનો વિચાર જે રીતે કરવામાં આવે એ રીતે વ્યવહાર અને વાસ્તવિકતામાં એ પરિણમે છે.
અલગ અલગ ધર્મને, અલગ અલગ બીજ તરીકે જોઈ શકાય, પરંતુ અંતે સહુનો ઉદ્દેશ્ય સુગંધ અને
સુંદરતા સાથે જોડાયેલો છે કે નહીં?
ખરેખર તો આપણે બધા જ એક બીજમાંથી જન્મેલાં જુદાં જુદાં ફૂલો છીએ. આપણી
માટી એક જ છે, આપણો માળી એક જ છે… આપણને એક જ પ્રકારનું પાણી પીવડાવવામાં આવે
છે, એક જ સૂર્યપ્રકાશ અમને સૌને મળે છે. આપણી જાતને મનુષ્ય સમજીએ અને જો સમજણ વધે
તો આપણી જાતને ‘અસ્તિત્વ’ સમજીએ. આ અસ્તિત્વમાં સહુનો, પૃથ્વી, આકાશ, જળ, પક્ષી,
પ્રાણી, જીવજંતુ, વૃક્ષ અને પવન સહુનો સમાવેશ થાય છે. આપણે જો અસ્તિત્વ સાથે જોડાઈએ તો
આપણે વિશાળ બનીએ છીએ કારણ કે, આપણામાં સહુ અને સહુમાં આપણો સમાવેશ થઈ જાય છે,
પરંતુ જ્યારે આપણે કોઈ એક ધર્મ, કોઈ એક પંથ, એ પંથના પણ કોઈ એકાદ પેટાપંથનો હિસ્સો
બનીએ છીએ ત્યારે આપણે સંકુચિત બનીએ છીએ, નાના બનીએ છીએ અને આપણા પછીની
પેઢીને પણ એ જ સંકુચિતતા અને એ જ અર્થ વગરની દિવાલો વારસામાં આપતા જઈએ છીએ.