લગ્નના 15-20 વર્ષ થઈ જાય, સંતાનો પણ ટીનએજમાં આવી જાય કે
એનાથી પણ મોટા હોય ત્યારે ડિવોર્સ લેવાની એક નવી રીત (ફેશન નહીં કહું)
આજકાલ જોવા મળે છે. ઘણા બધા લોકોને એમની જિંદગીના એક પડાવ પર
પહોંચીને લાગે છે કે, જીવનસાથીની પસંદગીમાં ભૂલ થઈ ગઈ-અથવા સાથે રહેતાં
રહેતાં સમજાય કે, બંને જણાં જુદી જુદી દિશામાં નીકળી ગયા છે. ખાસ કરીને,
વ્યવસાય કરતાં યુગલ માટે પોતપોતાના કામ કે વ્યવસાયની જગ્યાએ એવી
વ્યક્તિની મુલાકાત થાય જેની સાથે એ પોતાના જીવનસાથી કરતાં પણ વધુ સમય
વિતાવે, એને વધુ સારી રીતે ઓળખી શકે અથવા સમજી શકે અને લાગે કે, સામેની
વ્યક્તિ પણ પોતાને વધુ સારી રીતે ઓળખી અથવા સમજી શકે છે ત્યારે અચાનક જ
જીવનસાથી સાથેનો સંબંધ બોજ લાગવા માંડે. આ લગ્નેતર સંબંધની વાત નથી,
કદાચ! અહીં માત્ર શારીરિક આકર્ષણનું મહત્વ નથી હોતું કારણ કે, આ સંબંધ એવી
ઉંમરે થાય છે જ્યારે મોટેભાગે શરીર મહત્વનું નથી રહેતું. કેટલીકવાર સ્કૂલ કે
કોલેજનો જૂનો અફેર પાછો ફરે કે પછી અત્યાર સુધી જે ‘કચકચ’ અથવા ‘જોહુકમી’
શરીર કરતાં હતા એ સહન ન કરવા માટે મન બળવો કરે ત્યારે કમાતી સ્ત્રી કે
કંટાળેલા પુરુષો છૂટાછેડાનો રસ્તો અપનાવે. આવા ડિવોર્સને આજના સમયમાં ‘ગ્રે
ડિવોર્સ’ કહેવાય છે કારણ કે, વાળ ગ્રે થઈ ગયા હોય ત્યારે આ ડિવોર્સનો વિચાર
અમલમાં આવે છે.
ગ્રે ડિવોર્સની જેમ જ ગ્રે અફેર પણ આજની સોસાયટીનો એક પ્રશ્ન છે. મોટી
ઉંમરે, 45 કે 50 પછી થતી રિલેશનશિપ મોટેભાગે ઈમોશનલ અને સપોર્ટ શોધવા
માટેની રિલેશનશિપ હોય છે. આ ઉંમરે ઘણા લોકો લગ્ન કરવાનો વિચાર નથી
કરતાં, પરંતુ રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે છે કારણ કે, આજના સમયમાં
વ્યવસાય કે નોકરીમાં સતત સ્ટ્રેસ અનુભવતી લગભગ દરેક વ્યક્તિને ક્યાંક નિરાંત
કે શાંતિના અનુભવની શોધ છે. આ શોધ માણસ સિવાય કશાંયથી પૂરી શકાતી નથી
કારણ કે, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના આ સમયમાં કમ્યુનિકેશનના સાધનો
વધ્યા છે, પરંતુ એની સાથે મિસકમ્યુનિકેશન પણ ખૂબ વધ્યું છે. મેસેજ પર થતી
વાતમાં કોણ શું કહે છે, એનું અર્થઘટન શું થાય છે અને એ અર્થઘટન પછી સામેની
વ્યક્તિ શું વિચારે છે, જવાબ શું આપે છે એ બધાની વચ્ચે અણસમજનો એક બહુ
મોટો ગેપ સર્જાય છે.
સતત બીઝી રહેતું યુગલ એકબીજા સાથે વાત કરવા માટે સમય નથી કાઢી
શકતું. પ્રેમ લગ્ન હોય કે અરેન્જ મેરેજ. લગ્નની શરૂઆતના દિવસો કે લગ્ન પહેલાંનો
રોમાન્સ ખૂટવા માંડે છે. એ વખતે મળેલું અટેન્શન કે એ વખતે મળતો સમય
જીવનભર મળશે એવું ધારી લેવાની ભૂલ સાથે જોડાયેલું યુગલ એકબીજા પર
આક્ષેપ કરવા લાગે છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે, બંને એકબીજાથી ત્રાસી જાય
છે. ઘરે પાછા ફરવાને બદલે બહાર કંપની શોધવાની શરૂઆત થાય છે. આ કંપની
સ્ત્રી કે પુરુષ કોઈપણ હોઈ શકે છે-પરંતુ, મોટેભાગે વિજાતિય કંપની પસંદ કરવામાં
આવે ત્યારે સામે પક્ષે પણ લગ્ન અને જવાબદારીઓથી કંટાળેલી એક વ્યક્તિ હોય
છે! બંનેને લાગે છે કે, એ એકબીજા સાથે ખુશ રહેશે, સુખી થઈ શકશે, પરંતુ
દુનિયાનો કોઈપણ સંબંધ બહારથી અને જીવવાનું શરૂ કરવામાં આવે ત્યારે બે જુદા
ચહેરા ધરાવતો સંબંધ બની રહે છે. જે યુગલ પોતાના પતિ કે પત્નીથી કંટાળીને
બહાર ક્યાંક સહારો, સ્નેહ કે સમજણ શોધવા લાગે, એ ભૂલી જાય છે કે જેવો એ
નવો-એક્સાઈટિંગ-રોમાન્સ સંબંધ રૂટિનમાં પ્રવેશ કરશે કે એ જ બધી ફરિયાદો ફરી
આવીને ઊભી રહેશે!
ગ્રે ડિવોર્સનો એક બીજો ગેરફાયદો એ પણ છે કે, સંતાનોની ઉંમર એવી હોય કે
છૂટાછેડાની એમના માનસ પર ઊંડી અને નેગેટિવ અસર પડે, આટલાં વર્ષ સાથે
રહેલા પતિ-પત્નીએ પોતાની સંયુક્ત મિલકત વસાવી હોય, એને છૂટી પાડવાની
સમસ્યાઓ ભયાનક કડવાશનું કારણ બની શકે. સાથે જ એમના માતા-પિતા
(બંનેના) વૃધ્ધ થયાં હોય-એમને માટે આ છૂટાછેડા એક આઘાત પૂરવાર થાય કારણ
કે, એમની માનસિકતામાં છૂટાછેડાને સ્થાન જ ન હોય, ખાસ કરીને આ ઉંમરે તો નહીં
જ.
બદલાતી જીવનશૈલી સાથે હવે લગભગ દરેકને ‘ફ્રીડમ’ જોઈએ છે! પરંતુ,
મોટાભાગનાને આ ‘ફ્રીડમ’ની વ્યાખ્યા અને એના પરિણામો વિશે ખ્યાલ નથી. ‘મેં
બહુ સહન કર્યું હવે નહીં કરું’ કહેનારાં બંને જણાં, ખરેખર જાણતા જ નથી કે સમસ્યા
શું છે? આજના સમયમાં એટલી બધી ચોઈસ છે-અને આપણા મગજમાં માર્કેટિંગ
કરીને લગ્નજીવન વિશે, રોમાન્સ વિશે, સેક્સ વિશે એવા ખ્યાલો ભરવામાં આવે છે કે
જે પ્રેક્ટિકલ અથવા સત્ય નથી. કલ્પનામાં રહેલું લગ્નજીવન કે આદર્શ લગ્નજીવન
નામનો કોઈ શબ્દ છે જ નહીં. અમુક ઉંમર પછી પતિ-પત્ની વચ્ચે મિત્રતા થવી
જોઈએ-એમ આપણા શાસ્ત્રો કહે છે (સપ્તમે સખા ભવઃ) અર્થ એ થયો કે, પતિ-
પત્નીની અપેક્ષાઓ હવે મિત્રતાની ક્ષમા અને સમજણમાં ફેરવાય.
15-20 વર્ષથી એકમેકને ઓળખતાં બે જણાંને અચાનક એકબીજાના દોષ
દેખાવા માંડે એનું કારણ કદાચ એ છે કે, એમને બહારની વ્યક્તિ સાથે સરખામણી
કરવાનો અવસર મળવા લાગ્યો છે. એક સંસ્કૃત સુભાષિત મુજબ, ‘જે નથી મળ્યું એ
હંમેશાં વધુ સુંદર અને વધુ ઝંખવા યોગ્ય હોય છે.’ કદાચ, આ જ વિચાર સાથે જેની
સાથે જીવતાં નથી એ વ્યક્તિ વધુ આકર્ષક લાગવા માંડે છે. એની સાથે જીવવાની
ઝંખના બળવત્તર થઈ જાય છે, જ્યારે આપણી સાથે જીવતી વ્યક્તિના ગુણોને બદલે
દોષ વધુ તીવ્રતાથી દેખાવા લાગે છે. આ સંબંધમાં શું મળ્યું છે એને બદલે શું નથી
મળ્યું એનું લિસ્ટ અજાણતાં જ લાંબુ થવા લાગે છે. અસંતોષ, ઉપેક્ષા, ચીડ, કંટાળો
અને છેલ્લે વાત છૂટા પડવા સુધી આવી જાય ત્યારે લગભગ દરેક વ્યક્તિએ એકવાર
એવું વિચારવું જોઈએ કે સાથે રહ્યા, એ વર્ષોમાં શું સારું બન્યું? જીવનમાં સાથે કરેલા
સંઘર્ષ પછી જ્યારે સફળતાનો સ્વાદ ચાખવાનો છે કે શાંતિ માણવાની છે ત્યારે
ઉધામા કરીને બધું ઉથલપાથલ કરીને કોઈ નવા સંબંધની શોધમાં નીકળી પડવાથી
ખરેખર સુખી થઈ શકાશે, ખરું?