ગુજરાતઃ ઈન્હેં ન ભૂલના, ભુલાના

આજે, પહેલી મેના દિવસે ગુજરાતના સ્વતંત્ર રાજ્યને અસ્તિત્વમાં આવ્યાને 62 વર્ષ પૂરાં
થાય છે ત્યારે નવી પેઢી માટે ગુજરાતના જન્મથી શરૂ કરીને આજ સુધી વિતેલા ઈતિહાસ પર એક
નજર નાખવી લાઝમી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈ રાજ્યમાંથી છૂટા પડ્યા. બ્રિટિશ
શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માં
બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે ઉમેરવામાં આવ્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા
પછી ભાષાવાર રાજ્યોની માંગણી સામે આવી. ૧૯૪૮માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ
હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું. ૧૭
જુન ૧૯૪૮ના દિવસે, રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુન:રચના ભાષા પ્રમાણે કરવી જોઇએ કે નહી તે
નક્કી કરવા માટેની સમિતિ રચી. આ સમિતિમાં એસ.કે. દાર (અલ્હાબાદ હાઇ કોર્ટના નિવૃત
ન્યાયાધીશ), જે.એન. લાલ (વકીલ) અને પન્ના લાલ (નિવૃત ભારતીય સનદી અધિકારી) હતા,
એટલે તેને દાર કમિશન કહેવાયું. તેના ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ના અહેવાલમાં સમિતિએ સૂચન આપ્યું
કે “ભાષાવાર રાજ્યોની પુન:રચના ભારત દેશના હિતમાં નથી”.

ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ
રિઓર્ગેનાઇઝેશન કમિશન (SRC)ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના વડપણ
હેઠળ હતી એટલે તેને ફઝલ અલી કમિશન કહેવાયું. ૧૯૫૬માં આ સમિતિએ ભારતના રાજ્યોની
પુન:રચના માટેનો તેનો અહેવાલ રજૂ કર્યો. જેમાં મુંબઈ રાજ્યને દ્વિભાષી રાખવાનું સૂચન કાયમ
રાખ્યું.

ગુજરાતી અને મરાઠી બંને લોકોએ આ સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર
રાજ્યોની જલદ માગણી કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક
રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો.
જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું:
મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર – મુંબઈ રાજ્ય.

મુંબઈ અને અન્ય મરાઠી બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે
વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો. ત્યારના મુંબઈના
મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈ તેના વિરોધમાં હતા. ૮ ઓગસ્ટ ૧૯૫૬ના દિવસે જ્યારે
અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં
અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની
કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની
શરૂઆત થઇ. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે
મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. એ પરિષદમાં ઈન્દુલાલ યાજ્ઞિકની સાથે સાથે સનત
મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નિલકંઠ, રવિશંકર મહારાજ, પ્રબોધ રાવલ, હરિહર ખંભોળજા,
અશોક ભટ્ટ અને શારદાબહેન મહેતા જેવા અનેક લોકો જોડાયાં. ગાંધીવાદી ઘેલુભાઈ નાયક પણ
આ ચળવળનો મહત્વનો હિસ્સો બન્યા. (જેમને કારણે ડાંગ ગુજરાતમાં સમાવી લેવાયું.) આંદોલન
ગુજરાતના ઘણાં ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકો
તેમને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વંયભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને જનતા
સંચારબંધી કહેવાઇ.

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે
બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. ૧ મે, ૧૯૬૦ના રોજ નવા
બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા. આંદોલનની સફળતા પછી મહાગુજરાત
જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી. નવી સરકારની રચના થઇ અને ડૉ. જીવરાજ મહેતા
ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા. પહેલાં મુંબઈમાં અને પછી લંડનમાં તબીબી અભ્યાસ કરીને
1915થી મુંબઈમાં, વડોદરા રાજ્યના ચીફ ઓફિસર તરીકે અને જીએસ તથા કેઈએમ હોસ્પિટલના
ડીન તરીકે તબીબી સેવાઓ આપ્યા બાદ ડૉ. જીવરાજ મહેતા ગુજરાતમાં પહેલાં મુખ્ય પ્રધાન બન્યા.
એમણે રાજ્ય રચનાની જાહેરાત પછી માત્ર ત્રણ માસના ટૂંકાગાળામાં રાજ્યનું સચિવાલય,
ધારાસભાગૃહ અને વહીવટી આવાસ-નિવાસ ઊભા કરવાનું કામ સમયસર પૂરું કર્યું. મુખ્ય પ્રધાન પદ
સાથે નાણા ખાતું પણ સંભાળ્યું. ગાંધીનગર સ્થાપવાની યોજના કરી, ગુજરાતમાં દારૂબંધી દાખલ
કરી અને ગુજરાત રાજ્ય અને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની રચના કરી. ડૉ. જીવરાજ મહેતા બીજીવાર
પણ મુખ્ય પ્રધાન બન્યા. 11મી સપ્ટેમ્બર, 1963ના દિવસે એમણે રાજકીય ખટપટથી કંટાળીને
રાજીનામું આપ્યું. એ પછી બળવંતરાય મહેતા મુખ્ય પ્રધાન બન્યા. ગાંધીજીની સાથે અસહકારની
લડતથી શરૂ કરીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદ સુધીનો એમનો પ્રવાસ રહ્યો.
1952થી 1962 એ લોકસભામાં રહ્યા અને 19 સપ્ટેમ્બર, 1963ના દિવસે એ મુખ્ય પ્રધાન બન્યા.
પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન કચ્છની સરહદે જાત તપાસ કરવા ગયેલા બળવંતરાય મહેતા અને
એમના પત્ની સરોજબહેનનું વિમાન પાકિસ્તાની બોમ્બમારાથી તૂટી પડ્યું.

એ પછી હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા. એ પણ હિન્દ છોડોની ચળવળથી
શરૂ કરીને કોંગ્રેસની સાથે રહ્યા. એમણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના કરી.
રાસાયણિક ખાતરના કારખાનાની શરૂઆત કરી. 1969માં અમદાવાદ સહિત વડોદરા, ખેડા,
જૂનાગઢના કોમી તોફાનોમાં અનેક લોકોના મૃત્યુ થયા એ પછી એમણે લાંચ રુશ્વત ખાતાની
સ્થાપના કરી એને પોલીસ ખાતાથી અલગ કરી. હિતેન્દ્રભાઈની સરકાર તોડવામાં એમના જ
પ્રધાનમંડળના એક સભ્ય ચીમનભાઈ પટેલનો ફાળો મોટો હતો એવું માનવામાં આવે છે.
હિતેન્દ્રભાઈએ 1971ની 31 માર્ચે રાજીનામું આપ્યું. એ પછી એમણે નવું પ્રધાનમંડળ રચ્યું, પરંતુ
એમની સરકાર ઝાઝું ટકી શકી નહીં. એ પછી આવેલા ઘનશ્યામભાઈ ઓઝાએ માધ્યમિક શિક્ષણ
મફત કર્યું. મહેસુલમુક્તિ, હાઉસિંગ બોર્ડની રચના અને ઔદ્યોગિક વિકાસનું મોટું કામ એમણે કર્યું.
એમના પછી ચીમનભાઈ પટેલ પણ મુખ્ય પ્રધાન થયા અને ગયા. ચીમનભાઈના સમયમાં પણ
આંદોલનો થયા. નવનિર્માણનું આંદોલન થયું. 43 શહેરોમાં કરફ્યૂ લદાયો. 48 કલાકમાં એમનું
રાજીનામું માગવામાં આવ્યું અને ધારાસભા સસ્પેન્ડ થઈ. એ પછી બાબુભાઈ જસભાઈ પટેલ
જનતા મોરચા સાથે ત્રિપાંખિયો જંગ જીતીને પોતાનું પ્રધાનમંડળ રચી શક્યા. એમના પછી
માધવસિંહ સોલંકી ચાર વખત મુખ્ય પ્રધાન બન્યા. માધવસિંહ સોલંકીના ચોથીવાર મુખ્ય પ્રધાન
બનતા પહેલાં અમરસિંહ ચૌધરી પણ 44 વર્ષે ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા. 1989ની
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 26માંથી 3 બેઠકો મળી. પરાજયની જવાબદારી સ્વીકારીને અમરસિંહે
રાજીનામું આપી દીધું. કોંગ્રેસનો પરાજય થયો અને ચીમનભાઈ ફરી મુખ્ય પ્રધાન બન્યા. 64 વર્ષની
ઉંમરે હૃદયરોગથી ચીમનભાઈનું અવસાન થયું એ પછી છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશચંદ્ર
મહેતા અને પછી શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ અને કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા. ચોથી
માર્ચ, 98થી મુખ્ય પ્રધાન પદ સંભાળ્યા પછી 2001માં કેશુભાઈને રાજીનામું આપવું પડ્યું.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા… 7 ઓક્ટોબર, 2001થી 22 મે, 2014 સુધી
મુખ્ય પ્રધાન પદે રહ્યા પછી તેઓ આ દેશના વડાપ્રધાન બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *