ગુંડાઓની ફિલ્મોઃ આપણે નવી પેઢીને કંઈ દિશામાં લઈ જઈ રહ્યા

સાતમી ઓક્ટોબર, 2010… ચેન્નાઈમાં મહાલક્ષ્મી અને એના પતિ હેમચંદર પોતાના
જ ઘરમાં લાગેલી આગમાં બળીને ભસ્મ થઈ ગયા. એમના ઘરની ડોમેસ્ટિક હેલ્પ કરનારી વ્યક્તિએ
ફોન કરીને ફાયરબ્રિગેડને બોલાવી, પરંતુ એ પહેલાં ઘરની બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, કબાટમાં રહેલા
કાગળો, રૂપિયાની નોટોની સાથે સાથે પતિ-પત્ની બંને પણ રાખના ઢગલામાં ફેરવાઈ ગયાં હતાં.
જાણીને નવાઈ લાગશે કે મહાલક્ષ્મી, વરદરાજન મુદ્દલિયારની પુત્રી હતી.

વરદરાજનનું મૃત્યુ ચેન્નાઈમાં 1988માં થયું. છેલ્લે, 1980 પછી એમણે લગભગ
એકાંતવાસ સ્વીકાર્યો હતો. 1970થી 80ના દાયકામાં મુંબઈ શહેર પર વરદરાજનની ધાક હતી.
એમની પોતાની કોર્ટ હતી. જેમાં એ ન્યાય કરતા. 1983માં ‘અર્ધસત્ય’, 84માં ‘મશાલ’, 87માં
‘નાયકન’, 88માં ‘દયાવાન’, 91માં ‘અભિમન્યુ’, 90માં ‘અગ્નિપથ’, 2007માં ‘થોટ્ટલ પુ
મલારમ’, 2010માં ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, 2013માં ‘થલાઈવા’ (તામિલ), 2015માં
‘યગાવારાઈનમ ના કક્કા’ અને છેલ્લે 2018માં ‘કાલા’ જેવી ફિલ્મો અથવા એમાંના પાત્રો
વરદરાજન મુદ્દલિયારની જીવનકથા ઉપરથી લેવામાં આવ્યા હતા. એ સિવાય દાઉદ ઈબ્રાહીમ, છોટા
રાજન, છોટા શકીલ, અરૂણ ગવળી, અબ્દુલ લતીફ જેવા અનેક ગુંડાઓના જીવન પરથી ફિલ્મો
બનાવવામાં આવી છે. જે દુર્ભાગ્યે સુપરહિટ થઈ છે!

વરદરાજનની કથા એની પુત્રી અને જમાઈના મૃત્યુ સાથે પૂરી થઈ. લતીફનું
એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું, અરૂણ ગવળી કે બીજા એવા જ મૃત્યુને પામ્યા જ્યારે દાઉદ ઈબ્રાહીમ
લગભગ કેદીની જેમ પોતાનું જીવન માંડ પૂરું કરી રહ્યા છે. આપણે આ વાત દેખાડતા નથી, પરંતુ
એમની જાહોજહાલી, એમનો પાવર અને દાદાગીરી દેખાડીને નવી પેઢીને એમના જેવા બનવા માટે
પ્રેરણા આપી રહ્યા છીએ એવું નથી લાગતું?

વરદરાજનની કથા પણ અંતે તો કરુણાંતિકા જ હતી. 1926માં તુત્તી કોરિન,
તામિલનાડુમાં જન્મેલો વરદરાજન (વર્દા) 1945માં મુંબઈ આવ્યો. વીટી સ્ટેશન પર એક પોર્ટર,
સામાન ઉંચકનારા તરીકે એણે કામ શરૂ કર્યું. સાવ ઓછી આવકમાંથી એણે સ્ટેશન પર બેસતા લોકોને
ભોજન પહોંચાડવાનું શરૂ કર્યું. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં બાળકોની ફી ભરવી, ત્યાંના લોકલ ગુંડાઓ
સામે પોતાના તામિલ લોકોને બચાવવા જેવા કામ વરદરાજને શરૂ કર્યા. વીટી સ્ટેશનની નજીક
આવેલી બિસ્મિલ્લાહ શાહ બાબાની દરગાહ પર બેઠેલા ફકીરોને વરદરાજન ભોજન કરાવતા. ધીરે
ધીરે એની લોકપ્રિયતા વધવા લાગી. અનેક મિત્રો થયા, અને વરદરાજન બહુ ઝડપથી પહેલાં શરાબ
અને પછી ઈલેક્ટ્રોનિક સામાનના સ્મગલિંગ સાથે જોડાઈ ગયો. 70થી 80 દરમિયાન કિડનેપિંગ,
કોન્ટ્રાક્ટ કિલિંગ, જમીન હડપવાના અને એક્સ્ટોર્શન જેવા અનેક કેસીસ વરદરાજન વરદા અથવા
વરદાભાઈને નામે બોલવા લાગ્યા. ધારાવી આખું એની મુઠ્ઠીમાં હતું. ત્યાં વસતા તમિલ લોકો
વરદાભાઈને પોતાના ઈશ્વર માનવા લાગ્યા. સરકારી જમીન પર એમણે મંદિર ઊભું કરી દીધું, જેની
સામે ચૂં કે ચાં કરવાની સરકારની પણ હિંમત નહોતી. 1980માં હાજી મસ્તાને સ્મગલિંગ છોડી દીધું.
કરિમલાલાની પઠાણ ગેંગ વીક થઈ ગઈ કારણ કે, સમદ ખાન અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચે તિરાડ પડી.
એ દરમિયાન વરદરાજન અંડરવર્લ્ડમાં ખૂબ પાવરફૂલ થઈ ગયા.

સૌથી મહત્વની વાત એ હતી કે, આ બધા સમય દરમિયાન એમને ત્યાં આવનારી
કોઈપણ વ્યક્તિ ન્યાય કે મદદ મેળવ્યા વગર ખાલી હાથે પાછી ફરતી નહીં. કેટલાક લોકો માટે એ
રોબિનહૂડ હતો તો કેટલાક લોકો માટે એ મહાભયાનક, ક્રૂર ગુંડો! માત્ર વરદરાજન જ નહીં, મુંબઈ,
ચેન્નાઈ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ કે ગુજરાતના અનેક કિસ્સા આપણે જાણીએ
છીએ જેમાં અમીરોને લૂંટીને ગરીબોને મદદ કરનારા આવા ‘ઈમાનદાર’ ગુંડાઓની કથા લોકપ્રિય છે.

સવાલ એ છે કે, આવા લોકોને હીરો બનાવવા જોઈએ? આપણા પછીની પેઢીને
આપણે કાયદો હાથમાં લેતા શીખવી રહ્યા છીએ, ભલે અજાણતાં, પરંતુ આપણે આપણી જ
જ્યુડિશિયરી-ન્યાય પદ્ધતિમાંથી આપણી નવી પેઢીનો વિશ્વાસ ડગાવી રહ્યા છીએ. પોલીસ કે
કાયદો ચોક્કસ યોગ્ય કરશે જ એવું માનીને પોલીસ પાસે જવાને બદલે મોટાભાગના લોકો કાયદો
હાથમાં લેતા થઈ ગયા છે. ચોરી કરતા પકડાયેલા માણસને મારી મારીને ખતમ કરી નાખવાનું એક
ઝનૂન અત્યારે ઠેર ઠેર જોવા મળે છે. એની સામે બાળકીઓ પર કે યુવતિઓ-સ્ત્રીઓ પર બળાત્કાર
કરનારા અનેક લોકો પૂરાવાના અભાવે કે દાબ-દબાણ, ભ્રષ્ટાચારની મદદથી છૂટી જતા જોવા મળે
છે… અહીં આપણે બધા ગૂંચવાઈએ છીએ કે, ભરોસો કોના પર કરવો? કાયદો પૂરાવા માગે છે અને
સૌથી મોટી મુશ્કેલી એ છે કે, મોટાભાગના ગુના ત્યારે જ બને છે જ્યારે કોઈ નજરે જોનાર સાક્ષી ન
હોય! ટી.વી. સીરિયલો, ફિલ્મો જોઈને ગુનેગારો પણ પૂરાવા મિટાવતા અને એલિબાઈ ઊભી કરતાં
શીખી ગયા છે.

‘પાવરફૂલ’ કે ‘પહોંચેલા’ લોકો પોતાનું ધાર્યું કરીને સાફ બચી જતા જોવા મળે છે.
ત્યારે એક સામાન્ય નાગરિકના મનમાં ન્યાયતંત્ર વિશે શંકા ઊભી થાય જ. સિનેમા અને ટેલિવિઝનમાં
પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવાની, લીધા પછી એફઆઈઆર નહીં કરવાની, એફઆઈઆર
કર્યા પછી ચાર્જશીટ સાથે ચેડાં કરવાની કે પૂરાવા નષ્ટ કરવાની જે વાર્તાઓ આપણે સાંભળીએ છીએ
એ તદ્દન ખોટી તો નથી જ… એની આપણને સૌને જાણ છે.

ભારતીય ન્યાયતંત્રમાં એવા વકીલો પણ છે જ કે, જે સત્ય જાણતા હોવા છતાં
ગુનેગારને બચાવે છે. એમનું કહેવું છે કે, વકીલની જવાબદારી કાયદાની મદદ કરવાની અથવા એના
અસીલ માટે દલીલ અને પૂરાવા ઊભા કરવાની છે. આખરી નિર્ણય તો ન્યાયતંત્રના હાથમાં જ છે
માટે વકીલે ન્યાયાધીશ બન્યા વગર પોતાની જવાબદારી અને મર્યાદાઓ સમજીને પોતાનું કામ કરવું
જોઈએ! આ બધાની વચ્ચે મરો એક સામાન્ય નાગરિકનો થાય છે. જેની પાસે કોર્ટમાં જવાના પૈસા
નથી, કે નથી એની પાસે કાયદાની આંટીઘૂંટીની સમજ. ઓછું ભણેલા, પોતાની સહી પણ ન કરી
શકતા લોકો, મહિનાઓ, વર્ષો સુધી રાહ જોઈ જોઈને અંતે આશા મૂકી દે છે અથવા એમનું જીવન
પૂરું થઈ જાય છે. જમીનોના અને સંપત્તિના ઝઘડાનો ઉકેલ આવતા આવતા ત્રણ ત્રણ પેઢી ઉકલી
ગયાના દાખલા પણ ભારતીય અદાલતોમાં મૌજુદ છે, ત્યારે વરદરાજન જેવા લોકો પર સામાન્ય
જનતાને ભરોસો પડે કે એ લોકો આવા ‘ગુંડા’ઓની કોર્ટમાં જઈને ત્વરીત ચૂકાદો માગે, મેળવે કે ઝંખે
એ સ્વાભાવિક નથી?

નવી પેઢી વધુ ને વધુ ઝનૂની, ક્રિમિનલ અને ચાલાક બનતી જાય છે. ઘરમાં માતા-
પિતાને મૂર્ખ બનાવવાથી શરૂ થતી આ રમત અંતે એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાંથી પાછા ફરવું
ક્યારેક મુશ્કેલ બની જતું હોય છે. હજી હમણા જ એક કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ
સંઘવીએ એમના ભાષણમાં કહ્યું કે, ”જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે”. આપણા ગૃહમંત્રી યુવાન
છે. એમની સમજણ અને જોશ, કાયદા વિશેની દૃઢતા પ્રશંસ અને યોગ્ય છે, પરંતુ કાયદો પળાય તે
માટે સૌથી પહેલાં કાયદા અને ન્યાયતંત્ર માટે નવી પેઢીના મનમાં સન્માન ઊભું થાય એ જોવાની
આપણા સૌની ફરજ છે.

ગૃહમંત્રી કે પોલીસ, અદાલત કે ન્યાયતંત્ર પોતાનું કામ કરશે જ, પરંતુ સૌથી પહેલી
સમજણ અને શીખ ઘરમાંથી મળવી જોઈએ. શાળાના નિયમો પાળવા કે રસ્તા ઉપર કચરો ન
ફેંકવાથી શરૂ કરીને, રોંગ સાઈડ વાહન ન ચલાવવા જેવી નાની બાબતોમાં માતા-પિતાએ પોતાના
સંતાનોને સજાગ કરવા જોઈએ. આપણે બધા જ ‘ચાલશે’ અથવા ‘પહોંચી વળાશે’ જેવા શબ્દોને
આપણો મોટો અથવા જિંદગીનો મંત્ર બનાવી લઈએ છીએ… ખાસ કરીને નાના શહેરોમાં જે લોકોને
સૌ ઓળખે છે એ લોકો જ સૌથી પહેલાં કાયદો તોડતા જોવા મળે છે. આવા લોકો જ ઉદાહરણ
અથવા દાખલો બની શકે. સેલિબ્રિટીસ, નેતા કે રાજકારણીઓ, અભિનેતા કે ગાયક કલાકારોએ
કાયદાનું પૂરું પાલન કરીને દંડ ચૂકવતા કે કાયદાનું પાલન કરતા પોતાના વીડિયો અપલોડ કરવા
જોઈએ. ફોલોઅર્સને કાયદો તોડતાં કે બેફામ બનતાં શીખવવાને બદલે જો આવાં લોકપ્રિય
વ્યક્તિઓ, સરકાર, ન્યાયતંત્ર અને કાયદાને સન્માન આપે-માત્ર સલાહ નહીં, પરંતુ પોતાના અંગત
પ્રસંગો શરમાયા કે ગભરાયા વગર શેર કરીને એક ઉદાહરણ ઊભું કરે તો નવી પેઢી એક જુદી જ
દિશામાં જઈ શકે.

સરકારી યોજનાઓની જાહેરાત કે કાર્યક્ષમતા વિશેની મોટી મોટી વાતો કરવાને બદલે
જો રાજ્ય સરકાર પણ કાયદા અને ન્યાયતંત્ર દ્વારા સક્સેસ સ્ટોરીઝ, પોલીસની પ્રામાણિકતાના
કિસ્સા કે પોલીસના પરિવાર દ્વારા કરવામાં આવેલા સમર્પણ અને સેક્રિફાઈસના કિસ્સા શેર કરે તો
લોકોને-સામાન્ય નાગરિકને સરકાર, પોલીસ અને ન્યાયતંત્રની કામગીરીમાં નવેસરથી વિશ્વાસ બેસે…

આપણે ભારતીય નાગરિક છીએ અને આપણા લોકતંત્રમાં આપણો અધિકાર છે એ
વાત સાચી, પરંતુ એ લોકતંત્રને જો ટકાવવું હશે તો એ માટે આપણે જ પ્રયત્ન અને પ્રામાણિકતાથી
શરૂઆત કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *