છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે કે, બાળકનું બાળપણ ખોવાતું જાય છે. સાવ નાનકડું
બાળક પોતાના જેટલો જ બોજ ઉંચકીને સ્કૂલે જાય છે. વધારાની પ્રવૃત્તિઓ, કરાટે, સંગીત, ચિત્ર,
નૃત્ય… અને ટ્યુશન્સમાંથી એને એના બાળપણ માટે સમય નથી રહ્યો.
એક સમય હતો કે, બાળપણનું બાળપણ એના જીવનની સૌથી અગત્યની વસ્તુ હતી. દરેક માતા-
પિતા એવું કહેતાં સાંભળવા મળતા, ‘હજી નાનો-નાની છે…’ આજકાલ દરેક મા-બાપને પોતાના સંતાનને
કહેવું પડે છે કે, ‘તું હવે મોટો-મોટી થઈ ગયા છે… જાતને સંભાળતા શીખ… તારું કામ તું કરી લે…’ દરેક
માતા-પિતાને પોતાના બાળકની ટેલેન્ટ અન્ય લોકોને બચાવવાનો એક વિચિત્ર પ્રકારનો શોખ જાગ્યો છે.
બાળકોને મોટા માણસો જેવા કપડાં પહેરાવવાથી શરૂ કરીને એમના રીલ બનાવીને પોસ્ટ કરવા સુધી
માતા-પિતા પોતાની મજા તો લે જ છે, પણ એ ભૂલી જાય છે કે, આ પ્રકારના રીલમાં અભિનય કરાવીને
કે બાળકનો ટેલેન્ટ શો કરીને એ પોતાના જ બાળક પાસેથી એની નિર્દોષતા, એનું બાળપણ અને એની
સ્વાભાવિકતા છીનવી લે છે.
આપણે બાળકના બાળપણને ઢીંગલી અને લખોટીઓની વચ્ચે રમતું રહેવાને બદલે દોડતું-
ભાગતું-હાંફતું કરી નાખ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે, આપણી પાસે હવે બાળકને આપવા માટે કોઈ
સપનાં નથી રહ્યાં. બાળવાર્તાઓની સાથે વહેંચાતાં અને વેચાતાં સપનાં હવે પ્લાસ્ટિકના કવરમાં પેક
થઈને બારબી અને બંદૂક બની ગયા છે. વીઆર અને બીજી વર્ચ્યુઅલ રમતો, મોબાઈલ ઉપર દેખાતા
કાર્ટુન્સ અને નર્સરી રાઈમ્સ જેવી રમતોએ ભમરડા અને ગિલ્લીદંડાની મજા ભુલાવડાવી દીધી છે.
આઉટડોર ગેમ્સ તો જાણે ભૂલાઈ જ ગઈ છે. એની સામે ‘સ્પોર્ટ્સ’ના નામે બાળકને બંધિયાર ક્લાસીસમાં
ટેનિસ, બેડમિન્ટન, કરાટે, ફૂટબોલ અને ક્રિકેટનું કોચિંગ અપાય છે. અમુક વાગ્યે ઉઠવાનું, અમુક વાગ્યે
સૂઈ જવાનું… બર્થ ડે પાર્ટીઝ, ફ્રેન્ડને ત્યાં સ્લીપ ઓવર અને નિશ્ચિત કરેલા સ્ટાન્ડર્ડસ પ્રમાણે ઉછરી
રહેલા આપણા બાળકોને ‘વાર્તા’ના નામે વિદેશી કથાઓ સંભળાવવામાં આવે છે. સિન્ડ્રેલા, પિનેકિયો,
સ્લિપીંગ બ્યૂટી જેવી વાર્તાઓ પરિકથા હશે, પણ એમાં શીખવાનું કંઈ નથી. આપણું પંચતંત્ર પ્રત્યેક
વાર્તા સાથે એક બોધ આપે છે. આપણા રામાયણમાં આદર્શ પુત્ર, આદર્શ ભાઈ અને પ્રજાવત્સલ
રાજકુમારની કથા છે. કૃષ્ણની બાળલીલાઓમાં વીરતા અને સમરસતાની કથાઓ છે.
છેલ્લા થોડા સમયમાં હનુમાન, બાલ ગણેશ જેવી એનિમેશન ફિલ્મો બજારમાં મૂકાઈ છે ખરી,
પરંતુ આપણા દેશમાં વોલ્ટ ડિઝની નથી જન્મી શક્યા એનો અફસોસ તો રહેવાનો. ટેલિવિઝન પર
સિરિયલ જોતી માતાઓ કદાચ ક્યારેય બાળસાહિત્યની જરૂરિયાત સમજી શકી નથી. વીડિયો ગેમ
અપાવીને પોતાની ફરજ પૂરી કરતા પિતાઓ ખરેખર બાળકની જરૂરિયાત શું છે? અથવા કેવી છે એ વિશે
ભાગ્યે જ વિચાર કરતા જોવામાં આવ્યા છે. શાંતિથી વિચારીએ તો સાઠના દાયકામાં જન્મેલા લોકો માટે
જીવરામ જોશી અને હરિપ્રસાદ વ્યાસ જેવા લેખકોનો એક યુગ, જેમણે બકોર પટેલ અને મિયાં ફૂસકી
જેવાં પાત્રોનું સર્જન કર્યું એ સમયમાં બ્રાહ્મણ તભા ભટ્ટ અને મુસ્લિમ મિયાં ફૂસકીની દોસ્તી બાળકોને
પેટ પકડીને હસાવતી હતી. જ્યાં જાય ત્યાં સાથે જાય. તેમ છતાં તભા ભટ્ટ પોતાની રસોઈ જુદી બનાવે.
મિયાં ફૂસકીને અડવા દે નહીં. વાતે વાતે શૂરા થઈને ધસી જતા મિયાં ફૂસકીને તભા ભટ્ટ રોકે, પણ
ફૂસકી મિયાં કોઈનું સાંભળે નહીં. તભા ભટ્ટ ફસાયેલા ફૂસકીને ઉગારવાના તમામ પ્રયાસો કરે એવી એ
દોસ્તી આજે પણ બાળસાહિત્યનો અનન્ય નમૂનો છે. ‘અમે સિપાઈ બચ્ચા’ એક જમાનામાં તકિયા
કલામ હતો.
એની સામે બકરાનું માથું અને માણસનું શરીર ધરાવતા બકોર પટેલ અને શકરી પટલાણીની
કથાઓ ખરેખર રમૂજનો એક ઉત્તમ પ્રકાર હતી.
વાઘજીભાઈ વકીલ, હાથીશંકર ધમધમિયા જેવાં પાત્રો રચનારા હરિપ્રસાદ વ્યાસને કદાચ આજે
બધા ભૂલી ગયા છે. ગુજરાતી નહીં વાંચી શકતા મોટાભાગના બાળકો માટે એ કથાઓ માણવાનો
લહાવો અધૂરો રહી ગયો છે.
હીંચકો ધીમે ધીમે હાલતો હોય, દાદા કે દાદીના ખોળામાં માથું મૂકીને સૂતેલા બાળકની આંખો
ઘેરાતી હોય અને દાદા કે દાદીના થોડા ધ્રૂજતા, કદાચ બેસૂરા અવાજમાં, ‘નીંદર ભરી રે ગુલાલે ભરી…’
સાંભળવાનો મોકો આપણાં સંતાનોને નથી મળ્યો. બાળપણમાં સામેલા આ ભજનો અને ગીતો એના
બાળમાનસમાં એવા તો અંકિત થઈ જાય કે, આવનારી જિંદગીમાં આ ભજનો અને ગીતો એને માટે કોઈ
પથદર્શક કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનીને એના ખરાબ સમયમાં એના મનને શાંતિ આપી શકે.
ક્યારેક શાંતિથી વિચારીએ તો સમજાય છે કે, આ વિભક્ત કુટુંબો, પ્રાઈવસીના નામે કહેવાતી
એકલતા અને ખોવાતાં જતાં હાલરડાંઓએ આપણા બાળક પાસેથી કેટલું બધું છીનવી લીધું છે. શબ્દોની
ઓળખાણ ખરેખર તો બાળકને લગભગ એ પારણામાં હોય ત્યારથી જ થઈ જાય છે. હાલરડાંઓમાં
વપરાતા શબ્દો એને એની પોતાની ભાષા શીખવાડે છે. વાર્તાઓમાં આવતાં પ્રાણીઓનાં ચરિત્રો એમને
‘મોરલ ઓફ ધ સ્ટોરી’ આપોઆપ શીખવી જાય છે. રામાયણ-મહાભારતની કથાઓ એમને વેદોનું,
પુરાણોનું જ્ઞાન કોઈ ઝાઝી મહેનત વિના જ સંસ્કૃતિ અને સભ્યતાની સમજણ આપી દે છે, પરંતુ નવી
પેઢીને આ લાભ હવે મળતો નથી.
ફરિયાદો કરવાનો કોઈ અર્થ નથી. કિટી પાર્ટીમાં કે સાંજે કોફી ટેબલ પર આ પ્રકરણોની ચર્ચા
કરીને, ‘શું જમાનો આવ્યો છે…’ ‘આપણા જમાનામાં તો આવું કંઈ નહોતું…’, ‘મને તો એટલી બીક લાગે
છે…’ કહેતા રહેવા કરતાં આપણી ભાષાને જીવતી રાખવા માટે, બાળકોનું બાળપણ સચવાઈ રહે એ
માટે, આપણે જ શસ્ત્રો સજવા પડશે અને આ શસ્ત્રો છે બાળકની નિર્દોષતા, સહજતા અને
સ્વાભાવિકતા રહેવા દેવી, એને સમય આપવો, એને સાચું બોલવા સતત પ્રેરતા રહેવું, એને તમારો ભય
ના લાગે એવો પ્રયત્ન જરૂર કરવો, પરંતુ તમને ગાંઠે નહીં એ સ્થિતિ સુધી ન જવા દેવા. બની શકે તો
અને સહી શકાય તો વડીલોને તમારી સાથે રાખવા. દાદા-દાદી પાસે ભાષા છે, વાર્તાઓ છે, હાલરડાં છે
અને સાથે સાથે જીવનના અનુભવનું એવું ભાથું છે જે તમારા બાળક માટે મકાન, દુકાન કે બેન્ક બેલેન્સ
કરતાં પણ વધુ મહત્વનો વારસો પૂરવાર થશે.
તમારા સંતાનને જો તમે સમય આપશો, તો એ તમને સમય આપશે. તમને તમારાં માતા-
પિતાની સેવા કરતાં જોશે, એમને એ લાડ અને વહાલ મળશે તો એમને એની કિંમત અને જરૂરિયાત
જરૂર સમજાશે.