હવે પ્રશ્ન પૂછવો જોઈએ…

तू कहाँ थी माधवी!
जब सम्पन्न हो रही थी अनुष्ठानिक गतिविधियाँ
बिना किसी झिझक के
साँस बाँधे झिझक के
धर्मशास्त्र के अक्षरी खूँटों से ।
अधर्म की उस दुरभिसंधि के मौके पर
जब माँ की देह से
विलग किये जा रहे थे शिशु
चक्रवर्ती सम्राट होने की लालसा में ।

औरत पृथ्वी तो नहीं होती माधवी
कि लावा उगल कर
बन्द कर ले अपने ज्वालामुखी मुहाने
और इतनी असंकृक्त हो जाए
जैस् कुछ हुआ ही न हो!

औरत पहाड़ भी नहीं होती
कि एक नदी को जन्म देकर
छोड़ दे उसे तो यहाँ-वहाँ बहने को

ચંદ્રપ્રકાશ દેવલની આ કવિતા ‘બોલો માધવી’ નામના સંગ્રહમાંથી લેવામાં આવી છે. માધવીની
કથા મહાભારતમાં આવે છે. વિશ્વામિત્ર પાસેથી શિક્ષણ મેળવીને એમનો શિષ્ય ગાલવ એમને
ગુરુદક્ષિણા આપવાનો આગ્રહ કરે છે ત્યારે વિશ્વામિત્ર એને 800 કાળા કાનવાળા અશ્વમેઘના ઘોડા
માગે છે. જેને મેળવવા માટે રાજા યયાતિ પોતાની પુત્રી માધવી એને આપે છે. ગાલવ એને લઈને એક
પછી એક રાજાઓ પાસે જાય છે. માધવીને વરદાન છે કે એ ચક્રવર્તી પુત્રને જન્મ આપ્યા પછી
અક્ષતયોનિ થઈ જાય… પહેલાં હર્યશ્વ, પછી દીવોદાસ અને એ પછી બીજા 200 ઘોડાને બદલે માધવીને
વિશ્વામિત્રને સોંપી દેવામાં આવે છે. યયાતિ જ્યારે પોતાની પુત્રી માટે સ્વયંવર યોજે છે ત્યારે માધવી
પૂછે છે, “આ કોની ગુરુદક્ષિણા હતી?”

માધવીની કથા મહાભારતના ઉદ્યોગપર્વની હૃદય ભીંજવી નાખે એવી કથા છે. એક સ્ત્રીને વસ્તુ તરીકે
વિનિમય કરવામાં આવે એ કેવું? વેદવ્યાસના કાવ્યને એક રીતે સમયની પહેલાંના સર્જન તરીકે જોઈ શકાય.
માધવી હોય કે દ્રૌપદી, અત્યાચાર પછી પ્રશ્નો પૂછતી સ્ત્રી વેદવ્યાસના લખાણમાં મળે છે. એમણે એ સમય અનુસાર
સ્ત્રી સાથે થતા વર્તનને નિરુપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એની સાથે જ લાક્ષણિક રીતે સ્ત્રી પાસે પ્રશ્નો પૂછવાની
શક્તિ છે એનો પણ નિર્દેશ કર્યો છે.

આજે પણ વિચારીએ તો સમજાય કે, ભારતીય સ્ત્રી પ્રશ્ન પૂછતા ડરે છે. પોતાના અધિકાર વિશે નહીં,
સામાન્ય સરકારી ઓફિસમાં કે કોઈ રેલવે સ્ટેશન-એરપોર્ટ ઉપર પણ માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછતાં ભારતીય
સ્ત્રી અચકાય છે. એને બાળપણથી જ એવું શીખવવામાં આવે છે કે, વધુ પડતા સવાલ-જવાબ કરતી સ્ત્રીઓનો
સમાજમાં સ્વીકાર થતો નથી અથવા બીજી રીતે કહીએ તો સમાજ એવી સ્ત્રીઓને દંડ આપે છે! રોજેરોજ
છાપામાં સમાચારો પ્રકાશિત થાય છે. ગામડામાં ભણવાનો પ્રયત્ન કરતી દલિત છોકરી કે પોતાની
મરજીથી લગ્ન કરવાનો પ્રયાસ કરતી કોઈ પરજ્ઞાતિની છોકરીને બળાત્કાર અને હત્યાનો ભોગ બનવું પડે
છે. સ્ત્રી પર બળાત્કાર કરવો, એ એના પર વેર લેવાનો સૌથી વિકૃત અને પૌરૂષ પૂરવાર કરતો રસ્તો છે.
એના સ્ત્રીત્વને અપમાનિત કરવામાં આવે, એના શરીરને એની મરજી વિરુધ્ધ ચૂંથી નાખવામાં આવે,
એનાથી એને જેટલી પીડા થાય એટલી પીડા કદાચ એને મારવાથી, ભૂખી રાખવાથી કે બીજા કોઈ
અત્યાચારથી નહીં થાય એની પુરૂષને ખબર છે.

માધવી જેવી કેટલી સ્ત્રીઓ આપણા સમાજમાં જીવે છે… જે, પોતાનું શરીર વેચીને પોતાના
પરિવારોની જરૂરિયાતો પૂરી કરે છે. મહારાષ્ટ્રમાં એક એવી જ્ઞાતિ છે જ્યાં બહેન-દીકરીઓના મોલભાવ
પિતા કે ભાઈ કરે છે. થોડો વખત માટે એમને સાસરે રાખીને ફરી પાછી લઈ આવવામાં આવે છે, ફરી
વેચવામાં આવે છે… એ સિવાય પણ ઓફિસોમાં, હોસ્પિટલ્સમાં કે બીજી ઘણી જગ્યાએ સ્ત્રી ફક્ત
પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાની સાથે થતા અપમાન કે અત્યાચાર છતાં ચૂપ રહે છે.
કેટલાય પરિવારો એવા છે જે સમજે છે, જાણે છે અને છતાં આંખ આડા કાન કરીને પોતાની દીકરીની
આવી કમાણી પર જીવે છે. શરૂઆતમાં કદાચ એક-બેવાર આકરું લાગે, પણ ધીમે ધીમે આવા પરિવારોને
આદત પડી જાય છે. જુવાન ભાઈ હોય કે બિમાર રહેતા પિતા હોય… ભણતા નાના ભાઈ-બહેન હોય કે
બિમાર મા હોય, આ બધાની જરૂરિયાતો પૂરી કરી રહેલી દીકરી પોતાના શરીરને, મનને, આત્માને પડતા
ઉઝરડા સહ્યા કરે છે, પરંતુ પરિવાર પછીથી આ ઉઝરડા જોવાની પણ દરકાર કરતો નથી.

ભારતીય સમાજમાં કમાતી દીકરી મોટી ઉંમર સુધી ન પરણે એવો પ્રયત્ન કરતા પરિવારો પણ
ઓછા નથી. આપણે સામાન્ય રીતે એવું જોયું છે કે, દીકરીનો જન્મ ન થાય એ માટે પરિવાર અબોર્શન
કરાવવા તૈયાર થાય છે, પરંતુ પૈસા લઈને દીકરીને મોટી ઉંમરના, વિધુર કે પરણેલા પુરુષ સાથે માત્ર
સંતાન ખાતર લગ્ન કરાવવાની પ્રથા પણ હજી સુધી સંપૂર્ણ નાબુદ થઈ નથી.

આપણે એસ.ટી. બસ પાછળ કે હોર્ડિંગ્સ પર ‘બેટી પઢાઓ’ વાંચીએ છીએ, પરંતુ ભારતમાં જ
કેટલાય પરિવારો એવા છે જે દીકરીને વધુ ભણાવતા નથી કારણ કે, જો દીકરી વધુ ભણે તો એને સાસરું
શોધવામાં તકલીફ થાય છે. ઉત્તર ભારત, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આજે પણ
ઓછું ભણેલી અને મોઢું બંધ રાખતી પુત્રવધૂ પસંદ કરવામાં આવે છે. દીકરીને દહેજ માટે મારી નાખી
હોય એવું જાણવા છતાં કેટલાક પરિવારો ચૂપ રહે છે કારણ કે, પાછળ બીજી બહેનોને પરણાવવાની હોય
છે.

માધવીની કથા ભલે હજારો વર્ષ જૂની હોય… પરંતુ, માધવી હજી જીવે છે. કેટલીયે માધવીના
પ્રશ્નો અનુત્તર છે, કેટલીયે માધવી પ્રશ્ન પૂછતાં અચકાય છે… પણ હવે પ્રશ્ન પૂછાવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *