હાય ! ક્યા ચીજ હૈ જવાની ભી !

‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈને
અમર કરી દીધી.
‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી.
દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી,
હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’

ખલ્ક એટલે લોકો – જગત… ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય)ની આ પંક્તિઓ આજના સમયમાં પણ એકદમ
પ્રસ્તુત લાગે તેવી છે. લોકો જાતભાતની વાતો કરે, સલાહ આપે, પ્રશ્નો પૂછે, આક્ષેપો કરે એ સ્વાભાવિક છે, પણ સૌથી
મોટી મહત્ત્વનું એ છે કે આપણી નિકટની પોતાની વ્યક્તિ પ્રિયજન કે સ્વજન આપણા વિશે શું વિચારે છે ! એને શું
કહેવાનું છે… મનને પોતાના સવાલો હોય છે. નાની નાની વાતમાં લાગી આવતાં દુઃખો કે અભાવ હોય છે, ને કેટલુંક
આપણે નહીં ધારેલું, નહીં માગેલું કે નહીં વિચારેલું પણ આપણા જીવનમાં ધસી આવતું હોય છે.

આપણા બધાની સાથે આવું થાય છે. આપણે સામાન્યતઃ ‘લોકો શું કહેશે’ એ વિચારીને આપણી જિંદગીના
નિર્ણયો કરીએ છીએ, કરતા રહ્યા છીએ, પરંતુ આપણા પછીની પેઢી સાચા અર્થમાં સ્વતંત્ર પેઢી છે. એ પોતાના વિશે
વિચારે છે. આપણને કદાચ સેલ્ફ સેન્ટર્ડ કે સેલ્ફીશ લાગે છે, પરંતુ સાચા અર્થમાં એ સેલ્ફ કોન્ફિડન્સ ધરાવતી પેઢી છે.
એમને ભૂલ કરીને પણ અપરાધભાવને બદલે એક વિચિત્ર પ્રકારના મોટિવેશનની લાગણી થાય છે. જોકે આમાં અપવાદો
ચોક્કસ છે, કારણ કે સૌથી વધુ આત્મહત્યા યુવાનો કરી રહ્યા છે… પરંતુ જો ઊંડા ઊતરીને વિચારીએ તો સમજાય કે આ
યુવાનોના ડિપ્રેશન કે હતાશા માટે જવાબદાર એક પોતે કે એમની પેઢી નથી, બલકે એમની પાસે અપેક્ષા રાખનાર એમનાં
માતાપિતા કે એમના વડીલો છે. ‘અમે તમારા જેવડા હતા ત્યારે…’થી શરૂ થતાં દરેક વાક્યો એમનું સંતાન શું નથી કરતું
અથવા એણે શું કરવું જોઈએ એવા ભાષણ સાથે પૂરા થાય છે. જેનો ઇન્ટેલિજન્સ અને ઇમોશનલ કોશેન્ટ અતિશય ઊંચો
છે એવી આ પેઢી બુદ્ધિથી વિચારે છે અને હૃદયથી વર્તે છે. એ માતાપિતાને ચાહે છે, એમની અપેક્ષા પૂરી કરવા માગે છે
અને સાથે જ એમને પોતાનાં સપનાં, પોતાની ચાહતો અને પોતાનું ફ્રીડમ જોઈએ છે… આ બંને જ્યારે ભેગા નથી થઈ
શકતા ત્યારે આ યુવાન પેઢીને એક વિચિત્ર હતાશાનો અનુભવ થાય છે.

ફિરાક ગોરખપુરીની આ પંક્તિ, ‘રાત ભી, નિંદ ભી, કહાની ભી…’ યુવાનીને બહુ સુંદર રીતે વર્ણવે છે. રાતની
મદહોશી, થોડું અંધારું અને છતાં ચંદ્રની ગ્લેમર… સપનાંનો તારા જેનો ટિમટિમાત અને છતાં યુવાનીના નશામાં મીંચાઈ
જતી આંખો ! (શૈલેન્દ્રની પંક્તિ યાદ આવે છે? જવાની નિંદભર સોયા, બુઢાપા દેખકર રોયા…) જુવાનીને ઊંઘ સાથે
જોડીને બહુ જબરદસ્ત વાત કવિએ કરી છે. આપણે સપનું જોઈએ છીએ ત્યારે એક ટાઇમ લેપ્સમાંથી પસાર થઈએ
છીએ. વીતી ગયેલા સમયનું કે આવનારા સમયનું, ક્યારેય નહીં બનેલી ઘટનાનું, કે આપણે કલ્પી હોય એવી કોઈ
પરિસ્થિતિનું સપનું જ્યારે સવારે જાગીએ ત્યારે પૂરું થઈ ગયું હોય છે. સ્વપ્નને સમયનું બંધન નથી હોતું, પરંતુ એની
સ્મૃતિ અકબંધ હોય છે… એવી જ રીતે જો વિચારીએ તો આપણે જેને આ જિંદગી કહીએ છીએ, અથવા આ સમય પણ
કોઈ સપનું હોય, અને આંખો ખૂલે ત્યારે આપણે કોઈ બીજી જ જગ્યાએ જાગીએ, (સ્વર્ગ, નર્ક, અવકાશ… કોને ખબર?)
ત્યારે આ સ્વપ્નની સ્મૃતિ આછી-પાતળી હશે. મીંચાયેલી આંખો સાથે જીવાઈ ગયેલી જિંદગી ભલે સાચી ન હોય, પરંતુ
એની સ્મૃતિની સુગંધ તો હશે જ… આ જીવન જાણે કે કોઈ રાતનું સ્વપ્ન છે. ઊંઘમાં જીવાઈ રહેલી કોઈ અર્ધતંદ્રા,
અર્ધસત્ય છતાં જીવી શકાય તેવી અનુભૂતિ છે અને એ જ આપણી યુવાની અથવા જિંદગી છે…

એક સતહ પર જોઈએ તો ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ સાવ સાદી છે. યુવાનીની મદહોશી વિશે વાત કરીને
એ તો નીકળી ગયા છે, પણ એની સાથે જોડાયેલી ગહન ફિલોસોફીનો વિચાર કરીએ તો સમજાય કે એમણે આ જીવનને
એક વાર્તા, એક સ્વપ્ન કે તંદ્રાવસ્થામાં વીતી ગયેલી કોઈ પળની જેમ આપણી સામે ઉઘાડી આપ્યું છે.

આપણી આસપાસનું જગત ઝડપથી બદલાઈ રહ્યું છે. નાની ઉંમરના કહી શકાય એવી યુવાન પેઢી વધુ ને વધુ
ઝડપથી ક્રિએટિવ અને કોર્પોરેટ જગત ઉપર પોતાની પાંખો ફેલાવી રહી છે. ગઈ કાલ સુધી જે પિતા પેઢી, દુકાન કે
બિઝનેસ પર બેસતા હતા ત્યાં હવે એમનો યુવાન દીકરો કે દીકરી બેસવા લાગ્યા. એમના નિર્ણયો જુદા પ્રકારના છે. એમનું
વિઝન અને વિચારવાની પદ્ધતિ પણ જુદી છે. આજની યુવાની ભયંકર ઉતાવળમાં છે. એમને ઝડપથી સફળ થવું છે.
ઝડપથી જીવી લેવું છે – ફરી લેવું છે, ઝડપથી મજા કરી લેવી છે. નવાઈની વાત એ છે કે એમને કશાયમાં લાંબો સમય રસ
પડતો નથી. એમને નવી વસ્તુ આકર્ષે છે, પરંતુ એ આકર્ષણ પણ ટૂંકું અથવા અલ્પજીવી હોય છે. એમના સંબંધોમાં નવી
પેઢી સ્પષ્ટ છે. એ કેટલું આપી શકશે અને સામે શું જોઈએ છે એ વિશે એમને કોઈ ગેરસમજ નથી. એથી આગળ વધીને
વિચારીએ તો એમની ફરજો કે જવાબદારીઓ હૃદય નહીં – મગજ સાથે જોડાયેલી છે. એ માતાપિતાની સેવા જાતે કરવાને
બદલે, એક ટ્રેઇન્ડ નર્સ રાખવાનું પસંદ કરે છે… એમાં એમની બેજવાબદારી કે કંટાળો નથી, પરંતુ પ્રેક્ટિકાલિટી અથવા
વાસ્તવિકતાથી વિચારવાનો એમનો અલગ અપ્રોચ છે.

બીજી તરફ આ પેઢી એકદમ વર્ચ્યુઅલ અથવા ઇલ્યુઝનમાં જીવે છે. મોટા ભાગનાં છોકરાંઓને જિંદગીની કડવી
સચ્ચાઈઓ કે અભાવોનો સામનો કરવો પડ્યો નથી, કારણ કે એમનાં માતાપિતાએ (ભલે મધ્યમ વર્ગનાં હોય તો પણ)
સંતાનોને પૂરી સગવડ અને શ્રેષ્ઠ શિક્ષણ મળે એવો પ્રયાસ કર્યો છે. માતાપિતાના સંઘર્ષનું એમને મૂલ્ય હશે, પરંતુ સતત એ
જ સંઘર્ષની વાતો એમને કરવી કે સાંભળવી ગમતી નથી. બદલાયેલા સમય સાથે આ યુવાન પેઢી જીવી લેવામાં – માણી
લેવામાં માને છે. એમને વારંવાર પાછા ફરીને જોવું ગમતું નથી. એમની ભૂલો એમને કોઈ યાદ કરાવ્યા કરે એનાથી એમને
ચીડ ચડે છે, કારણ કે એમની પોતાની સ્મૃતિ તેજ છે. જો એ કરેલી ભૂલ ફરીને કરતા હોય તો માતાપિતાએ એવું
સમજવાની જરૂર છે કે એમને એ પ્રવૃત્તિ, સંબંધ કે પરિસ્થિતિ ‘ભૂલ’ લાગતી જ નથી અથવા એમણે એને ભૂલ તરીકે
સ્વીકારી નથી.

આ જુવાનીનો સમય ઉછળતા-ઉકળતા લોહીને સમય છે. એમના હોર્મોન ચરમસીમાએ હોય છે. કુતૂહલ અસીમ
અને ભય અથવા પરિણામની પરવાહ શૂન્ય… અનુભવ ઓછો, અને અનુભૂતિની ઝંખના અદમ્ય. આ એક જબરદસ્ત
સમય છે, જેને વખોડવા કે સતત બાંધી રાખવાને બદલે સાચી દિશામાં વાળવાનો પ્રયાસ માતાપિતા કે વડીલ, શિક્ષક કે
મેન્ટરે કરવાનો છે. આજના યુવાનના નિર્ણયો ઉતાવળિયા છે, પણ દરેક વખતે અધકચરા છે એવું માની લેવાની જરૂર
નથી.

ફિરાક ગોરખપુરીની પંક્તિ, ‘હાય! ક્યા ચીઝ હૈ જવાની ભી…’ એ બધા માટે સાચી છે. જે જુવાન થવાની
તૈયારીમાં છે. (‘બોબી’નું ગીત, ‘યે એક સાલ બચપન ઔર જવાની કે બિચ કા બડા બુરા હોતા હૈં, ના જવાનોં કા ના
દીવાનોં કા નાદાનોં કા યે એક સાલ.’ – આનંદ બક્ષી) અથવા તો જેમની જુવાની વીતી ગઈ છે. એવા કેટલાય લોકોને
આપણે જુવાની સાચવવા મથતા જોયા છે. અથવા પોતાની જુવાની વિશે જાતભાતની વાતો કરતા સાંભળ્યા છે. જેની
પાસે જુવાની છે, એને કદાચ હજી જાણ જ નથી કે એની પાસે કેવો ખજાનો છે !

જેણે આ ખજાનો ખોઈ દીધો છે, ખર્ચી નાખ્યો છે એને પણ લાગે છે કે, ‘હાય! ક્યા ચીઝ હૈ જવાની ભી…’ અને
ટીનએજમાં પોતાની આસપાસના યુવાનોને મહાલતા-માણતા જોઈને ન બાળક, ન યુવાન – એવી કોઈ વિચિત્ર ઉંમરમાં
પહોંચેલા કિશોરને પણ લાગે છે કે, ‘હાય! ક્યા ચીઝ હૈ જવાની ભી…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *